Related Questions

માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?

માતા પિતા અને બાળકોના સંબંધો બન્ને તરફથી યોગ્ય હોવા જોઇએ. માતા પિતા અને બાળક બન્નેએ સંબંધો મજબૂત બનાવવા માટે વ્યક્તિગત પ્રયાસો કરવા જોઇએ. પ્રસ્તુત અંકના પહેલા ભાગમાં માતા પિતાએ શું કરવું જોઇએ તેની ચર્ચા છે અને પછીના ભાગમાં બાળકોએ તેમના માતા પિતા સાથેના સંબંધો મજબૂત કરવા શું કરવું જોઇએ તેની વાતો છે. પરંતુ માતા પિતાએ બાળકો પાસે તેમનો ભાગ યોગ્ય ભજવાય તેવી અપેક્ષા ન રાખવી જોઇએ અને એ જ રીતે બાળકોએ પણ માતા પિતા પાસે અપેક્ષા ન રાખવી જોઇએ. આવું ત્યારે જ બને જ્યારે સામાને સુધારવાની અપેક્ષા વગર આપણે જ સુધરી જઈએ.

Parent Child

માતા પિતા માટે: માતા પિતા અને બાળકોના સંબંધોની મજબૂતાઇ!

માતા પિતા અને બાળકોના સંબંધને મજબૂત કરવા માટે, વ્યક્તિએ મધ્યસ્થ માર્ગ અપનાવવો જોઇએ. માતા પિતાની ભૂમિકા સંતાનોના ઉછેર, માર્ગદર્શન અને છેલ્લે મિત્ર સુધીની રહે છે. સાત કે આઠ વર્ષની ઉંમર સુધી જો બાળક ભૂલો કરે તો તમારે તેઓને માર્ગદર્શન આપવું જોઇએ અને જો જરૂર જણાય તો તેઓ માટે શિસ્તના પગલા લેવા જોઇએ. બાર થી પંદર વર્ષ સુધી તમે તેઓને માર્ગદર્શન આપી શકો છો પરંતુ સોળ વર્ષ પછી તમારે તેઓના મિત્ર બની જવું જોઇએ.

સૈધ્ધાંતિક રીતે, આપણે જાણવું જોઇએ કે માત્ર પ્રેમ અને સમજણ જ બાળકના હ્રદયને સ્પર્શી શકે છે પરંતુ વ્યવહારિક રીતે તેઓમાં થોડી અધૂરાશ હોય છે – જે આપણે જ પૂર્ણ કરી શકીશું! તેથી, ચાલો આ માતા પિતા અને બાળકો વચ્ચેના મૂલ્યવાન સંબંધો માટે શું ધ્યાનમાં રાખવું જોઇએ તે સમજીએ જેથી તમારું બાળક સુખી અને વિશ્વાસુ માણસ બની શકે.

અ) આ ચાવીઓની જાગૃતિ તમારા ધ્યાનમાં મદદ કરશે:

  • દરેક બાળક અજોડ છે અને જન્મથી તેઓનું અલગ વ્યક્તિત્વ સાથે લઈને જ આવેલ હોય છે, તમારે માત્ર તેઓને મદદ કરવાની છે અને કેળવવાનું છે કે જેથી તેઓ ખીલી શકે. જેવી રીતે બીજ કયું વૃક્ષ થશે સંતરાનું કે સફરજનનું તે લઈને જ આવેલ હોય છે – તેવું જ તમારા બાળકનું છે. તે તેઓની સાથે કર્મનું બીજ લઈને જ આવેલ હોય છે જે પ્રમાણે તેઓ મોટા થાય છે.
  • તમારી જાતને અને તમારા બાળકને કોઇ પણ શરતો વિના પ્રેમ કરો.
  • તમારા બાળકની સારી બાબતોને પ્રોત્સાહન આપો અને ખરાબ બાબતોને અવગણો – જેવી રીતે આપણે ફૂલની પ્રશંસા કરીએ છીએ પરંતુ કાંટાને અવગણીએ છીએ. તેઓની સારી બાબતો એટલી બધી ખીલશે કે જેથી તેઓની ખરાબ બાબતો તેની મેળે જ દૂર થઈ જશે.
  • થોડો સમય લો અને તમારા બાળકની અંદર રહેલ સારી બાબતોની પ્રશંસા કરો, હા અત્યારથી જ તમારી આંખો બંધ કરો અને તેઓના હાસ્ય, સ્વભાવ, અદભૂત કાર્યો વગેરે ઉપર વિચાર કરો.
  • એક આંખમાં પ્રેમ અને બીજી આંખમાં સખતાઇ રાખી તટસ્થ દ્રષ્ટિકોણ અપનાવવાનો પ્રયત્ન કરો. સખતાઇ એટલે ગુસ્સો નહિ, પરંતુ અમુક ખાસ સંજોગોમાં જ તાપ લાગે તેવો વ્યવહાર રાખવો. તમારા અવાજમાં દ્રઢતા સાથે નાટકીય રીતે તેઓને ઠપકો આપો પરંતુ તમારા ચહેરા પરના હાવભાવ બગડવા દેશો નહિ. અમુક માતા પિતા એવા પ્રકારના હોય છે કે વધુ પડતી સત્તા જમાવતા હોય છે અને હંમેશા તેઓના બાળકોને સૂચનો અને નિયમો બતાવ્યા કરતા હોય છે, જ્યારે અમુક એવા પ્રકારના માતા પિતા પણ હોય છે જેઓ હંમેશા તેઓના બાળકને ખુશ રાખવા તેમનું ખોટું રક્ષણ કર્યા કરતા હોય છે. વધુ પડતી કાળજી બાળકના વિકાસને રૂંધી નાખે છે. આવી વધુ પડતી કાળજીને દૂર કરશો એ જ મા બાપ છોકરાના મજબૂત સંબંધો માટેની મહત્વની ચાવી છે.
  • તમારૂ બાળક તમારી સાથે અભદ્ર શબ્દો બોલે અને તમારો અનાદર કરે તો પણ તમે તમારી ફરજો બજાવો. મા બાપ તરીકે તમારી ફરજ એ છે કે તેઓનો ઉછેર કરવો અને સારી રીતે બાળકને મોટું કરવું અને તેને સાચા રસ્તા તરફ દોરી જવું. જો તે તમારી સાથે અપમાન જનક શબ્દો બોલે છે અને તમે પણ તેની સાથે આવું જ કરો છો, તો તે બળવાખોર થઇ જશે. તમારા બાળકના આવા અસભ્ય વર્તન પાછળ શું કારણ છે તેના પર વિચારણા કરો, તેઓને સારા વિચારો આપો તે રીતે તમે તેને વાળી શકશો. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, વર્તન તમારી સમજણનું જ પરિણામ છે. જ્યારે પરિસ્થિતિ ઠંડી પડી જાય ત્યારે તમારા બાળકની બાજૂમાં બેસો અને શાંતિથી અને પ્રેમ પૂર્વક વાતને સમજાવો. જો તમે તમારા બાળકોના મિત્ર બની જશો, તો તેઓ સુધરશે. પરંતુ જો તમે માતા પિતા તરીકેની તમારી સત્તા જમાવશો, તો તેઓને ગુમાવવાનું જોખમ રહેલું છે.

બ) રોજ બરોજના વ્યવહારમાં મા બાપ છોકરાના સંબંધને મજબૂત બનાવવા માટેના વ્યવહારૂ દ્રષ્ટાંતો:

૧. સાંભળવું: તેઓના પ્રેમને અને તમારા ઉપરના વિશ્વાસને જીતવા માટે – તેઓને સાંભળો અને તેની સાથે સંમત હો તો કશું કહો અથવા મૌન રહો પરંતુ કોઇ તારણ ઉપર ન આવી જાવ અને રોજબરોજની વાતચીતમાં તેઓનો વિરોધ ન કરો.

૨. વાતો કરવી: વાલીપણા માટેનું આ એક ખૂબ મહત્વનું પાસું છે – બાળકો સાથે કઈ રીતે વાતો કરવી! સમજણ સાથે અને પ્રેમથી તેમજ શાંતિથી બોલો, માત્ર બહુ થોડા શબ્દો જ ઉપયોગમાં લો અને એક દિવસ તમે તેના ઉપર જીતી જશો. તમને આના પરિણામો તરત જ જોવા નહિ મળી શકે. તમારો પ્રેમ એક મહિના સુધી સતત શરૂ રાખો અને પછી તેનું પરિણામ જૂઓ.

કઈ રીતે વાતો કરવી તેની વિગતવાર સમજણ માટે, વાંચો “૨. બાળક સાથે કઈ રીતે વાતો કરવી અને કઈ રીતે વર્તવું?

૩. મિત્રોની જેમ સમય પસાર કરો:

  • થોડુંક ઘરકામ તમારા બાળક પાસે કરાવો અથવા નાની ઉંમરથી જ તમારા કામમાં તેને મદદ કરવાનું કહો, જેથી તેઓને તેમની પાસે જે છે તેની કિંમત સમજાય અને તેઓમાં માલિકીની ભાવના પ્રગટ થાય. તેઓને નિષ્ફળ થવા દો; વસ્તુઓ થોડી બગડવા દો, કારણ કે તેમાંથી જ તેઓને અનુભવ થાય છે.
  • સાથે હસો. તમારા બાળકને જેમાં રસ હોય તેમાં રસ દર્શાવો. તમારે તમારા બાળક સાથે મિત્ર તરીકે વર્તવું જોઇએ; રમત ગમત રમો, વીડીયો ગેમ્સ વિશે વાતો કરો, સાથે જમો, ચા પીઓ, વાર્તાઓ કહો, બાળપણના તમારા અનુભવો કહો, વગેરે.
  • દરરોજ સવારે તેઓ સ્નાન કરી લે પછી, જગતના કલ્યાણ માટે અને મોક્ષ માટે ભગવાન સમક્ષ તેઓને પ્રાર્થના કરવાનું શીખવો. તેઓ સાથે પ્રાર્થના કરો, જેથી તેઓ તમારી પાસેથી શીખે.

૪. જ્યારે વસ્તુઓ બગડે ત્યારે:

ક્યારેક એવો સમય આવે છે કે, જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહે છે અને આપણે આપણા બાળકને દુ:ખદાયી શબ્દો કહેવા લાગીએ છીએ. સૌથી અગત્યની વાત તો એ છે કે, ગુનાના ભાવને કારણે લાગણીશીલ નહિ થઇ જવાનું કે ગુસ્સે નહિ થવાનું અને સતા નહિ જમાવવાની. આ ઉલ્ટી જેવું છે, જે થઈને જ રહે. હવે તેને ચોખ્ખું કરી નાખવાનું. જ્ઞાની પુરૂષ દાદા ભગવાન આપણને આપણા ખરાબ કર્મોને ભૂંસવા માટેનો અંતિમ રસ્તો બતાવે છે – પ્રતિક્રમણ દ્વારા, આપણે આપણા હ્રદયમાંથી ખરાબ ભાવોને ભૂંસી શકીએ. માટે, ખરાબ સ્પંદનો આપણી તરફથી બંધ થઈ જશે અને ધીમે ધીમે સામી વ્યક્તિને આપણા વિશે કોઇ ફરિયાદ નહિ રહે. મા બાપ છોકરાના સંબંધોને મજબૂત કરવા માટે આ જરૂરી છે.

૫. જ્યારે તમારૂ બાળક સાંભળવાનું બંધ કરે:

ક્યારેક એવો સમય આવશે જ્યારે તમને અંદરથી અનુભવાશે કે તમે તમારા બાળકના હિત માટે કહી રહ્યા છો પરંતુ તેઓ તમને સાંભળતા નથી અને ઉપરથી તમને કહેવા લાગે કે ભાષણ બંધ કરો. આ સમયે, જ્યારે બોલેલા શબ્દો કામ ન આવે, અને તમે તમારા બાળકને સુધારવા ઇચ્છો છો, ત્યારે પ્રાર્થના એ અંતિમ વસ્તુ છે. તમારી જાતને પ્રાર્થના દ્વારા શક્તિશાળી બનાવો.

અને આ બધાથી ઉપર, આ બધું વાંચીને અભિભૂત નહિ થઈ જતા. તમારો સંબંધને મજબૂત બનાવવાનો નિશ્ચય જ તમને માર્ગદર્શન આપશે. તમારી જાત વિશે સારૂ વિચારો કારણ કે તમે માતા પિતા છોકરા વચ્ચેના સંબંધમાં સુધારો લાવવા માટે ખૂબ જ જાગૃત છો.

ક) મા બાપ છોકરાના સંબંધની ‘સાચી’ સમજણ

નીચેની પરિસ્થિતિ વિશે વિચારો:

  • મા બાપ છોકરાનો વ્યવહાર ‘રીયલ’ છે કે ‘રિલેટિવ’?
  • શું તમારા બાળકના જન્મ પહેલા તમારૂ અસ્તિત્વ હતું?
  • એક બાળક કહે છે, ‘પપ્પા, હું તમારા વિના જીવી શકું નહિ. હું અને મારા પિતા બન્ને ખરેખર એક જ છીએ ને!’ પરંતુ જ્યારે પિતા મરી જાય છે, ત્યારે બાળક તેની સાથે નથી મરી જતું, ખરું ને? આ રીતે શું કોઇ મરી જાય છે? બધા ખૂબ ડાહ્યા હોય છે, ખરૂ ને?

આ બધા સંબંધો વિનાશી છે. તમારે તમારો વ્યવહાર કાળજીપૂર્વક કરવો જોઇએ. જેટલું તમે તેઓને ‘એડજસ્ટ’ થશો, તેટલું બધું સારૂ જ થશે. તમારો ઇરાદો સંબંધને ટકાવવાનો હોવો જોઇએ, ભલે ને સામી વ્યક્તિ તેને નષ્ટ કરવાનો પ્રયત્ન કરે. જેટલું બની શકે તેટલું વસ્તુને સ્થિર રાખવાના પ્રયાસો કરો.

વ્યવહારિક જગતમાં, તમે આ નાટકના પાત્ર હોય તે રીતે બધો વ્યવહાર ભજવવો જોઇએ. એવું બધું જ કરો જે કરવું જોઇએ, પરંતુ લાગણીવશ થયા વિના. જ્યારે બાળક હસતું હોય છે ત્યારે માતા તેને ખૂબ પ્રેમથી ભેટે છે જેથી કુદરતી રીતે જ બાળક ચીડાય છે. આ અજ્ઞાનતા છે, જે માલિકીપણાનું વર્તન દર્શાવે છે. જ્યારે જ્ઞાની પુરૂષ બધી વ્યવહારિકતામાંથી મુક્ત રહે છે અને તેથી દરેક તેનાથી ખુશ રહે છે.

બાળકો માટે

પ્રશ્નકર્તા: હું માતા પિતાની કાળજી લેવા ઇચ્છું છું અને માતા પિતા સાથેના વ્યવહારને સુંદર રાખવાની ઇચ્છા છે, પરંતુ મને તેમના દોષ દેખાયા કરે છે. તો મારે શું કરવું જોઇએ?

દાદાશ્રી: જે બાળકો તેમના માતા પિતાના દોષો જૂએ છે તે ક્યારેય સુખી થાય નહિ. તેઓ પાસે ભૌતિક સંપત્તિ આવી શકે પરંતુ આધ્યાત્મિક આનંદ તેઓને ક્યારેય પ્રાપ્ત થાય નહિ. તમારે તમારા માતા પિતાના દોષો ક્યારેય ન જોવા જોઇએ. તેઓએ તમારા માટે જે કર્યું છે તેને તમે કઈ રીતે ભૂલી શકો? જ્યારે કોઇ ભર તડકામાં તમને ઠંડું પાણી પણ પીવડાવે તો પણ તમે તેનો ઉપકાર ભૂલતા નથી. તો પછી તમારા માતા પિતાના ઉપકારને કઇ રીતે ભૂલી શકો?

તેઓની દરેક રીતે કાળજી લો. જો તેઓ કશું તમારી વિચારધારાથી અલગ કહે તો, તેના ઉપર વિચારો. તેઓ તમારાથી મોટા છે. શું તમને એવું લાગે છે કે તેઓ અનાદર કરવા યોગ્ય છે?

પ્રશ્નકર્તા: ના, પરંતુ ભૂલથી આવું બને તો શું કરવું જોઇએ?

દાદાશ્રી : શા માટે તમે ભૂલથી પડી જતા નથી? તે પરિસ્થિતિમાં તમે સાવચેતી રાખો છો. વધારામાં, જો તમે સંજોગવશાત પડી જાવ છો, તો તમારા પિતા સમજશે, પરંતુ જો તમે જાણી જોઇને ભૂલ કરો છો, તો તમે જવાબદાર છો. ભૂલ ન થાય તે માટે શ્રેષ્ઠ પ્રયત્નો કરો. જો તેવું તમારી કાબૂ બહાર બની જાય તો તેઓ સમજશે અને જાણશે કે તમે આવું કરવા સક્ષમ ન હતા. તેઓને ખુશ રાખો. શું તેઓ તમને ખુશ રાખવાના પ્રયત્નો નથી કરતા? દરેક માતા પિતા તેમના બાળકની ખુશી જ ઇચ્છતા હોય છે.

પ્રશ્નકર્તા: હા, પરંતુ મને એવું લાગે છે કે તેઓને કચકચ કરવાની ટેવ પડી ગઈ છે.

દાદાશ્રી: હા, પછી તે તમારો પોતાનો જ દોષ છે અને તમારે તેઓને દુ:ખ પહોંચાડવા બદલ પ્રતિક્રમણ કરવું પડે. તેઓને દુ:ખ ન થવું જોઇએ. તમારે તમારી જાતને કહેવું જોઇએ કે તમે તેઓને ખુશ રાખવા માટે જ છો. તેઓને દુ:ખી કરવા તમે શું કર્યું તેના વિશે તમારી જાતને પૂછો.

શું તમને એવું લાગે છે કે તમારા પિતા ખરાબ છે? તેઓ વિશે ખરાબ વિચારશો તો શું થશે? આ જગતમાં કશું ખરાબ નથી. તમારા માર્ગમાં જે કંઇ આવે છે તે સુનિશ્ચિત અને ન્યાયી છે. માતા એ માતા જ છે અને તમારે ક્યારેય પણ એના દોષો ન જોવા જોઇએ. તમારૂ ભાગ્ય જ તમને અહીં લઈ આવ્યું છે. શું તમે ક્યારેય તમારા માતાને બદલી શકવાના છો?

Related Questions
  1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
  2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
  3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
  4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
  5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
  6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
  7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
  10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
  11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
  12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
  13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
  14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
  15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
  16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
×
Share on