Related Questions

અપમાનનો સામનો કેવી રીતે કરવો?

પ્રશ્નકર્તા : કોઈ આપણને કંઈ બોલી જાય, એ પણ નૈમિત્તિક જ ને ? આપણો વાંક ના હોય તો પણ બોલે તો ?

દાદાશ્રી : આપણો વાંક ના હોય તે બોલે, તે કોઈને એવો અધિકાર નથી બોલવાનો. જગતમાં કોઈ માણસને તમારો વાંક ના હોય, તો બોલવાનો અધિકાર નથી. માટે આ બોલે છે, તો તમારી ભૂલ છે, તેનો બદલો આપે છે આ. હા, તે તમારી ગયા અવતારની જે ભૂલ છે, એ ભૂલનો બદલો આ માણસ તમને આપી રહ્યો છે. એ નિમિત્ત છે અને ભૂલ તમારી છે. માટે જ એ બોલી રહ્યો છે.

હવે એ આપણી ભૂલ છે માટે આ બોલી રહ્યો છે. તો એ માણસ આપણને એ ભૂલમાંથી મુક્ત કરાવડાવે છે. એના તરફ ભાવ ન બગાડવો જોઈએ. અને આપણે શું કહેવું જોઈએ કે પ્રભુ એને સદબુદ્ધિ આપજો. એટલું જ કહેવું. કારણ કે એ નિમિત્ત છે.

બચકાં ભરવા નિમિત્તને

અમને તો કોઈ માણસનો ખરાબ વિચાર સરખોય નથી આવતો. આડુંઅવળું કરી જાય તોય ખરાબ વિચાર નહીં. કારણ કે એની દ્રષ્ટિ, બિચારાને જેવું દેખાય છે એવું કરે છે, એમાં એનો શો દોષ છે ? અને ખરી રીતે, એક્ઝેક્ટલી શું છે આ જગત કે આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. તમને દોષ દેખાય છે એ તમારી જોવાની દ્રષ્ટિમાં ફેર છે. મને કોઈ દોષિત દેખાયો નથી અત્યાર સુધી. માટે કોઈ દોષિત છે નહીં, એમ કરીને આપણે ચાલજો ને ! આપણે છેલ્લું સ્ટેશન છે તે સેન્ટ્રલ છે એવું જાણીને ચાલીએ તો ફાયદો થાય કે ના થાય ? તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : હા, થાય ફાયદો.

દાદાશ્રી : કોઈ દોષિત છે નહીં એમ જાણશો તો જ બીજા બધાં નિર્દોષ લાગશે આપણને ! કારણ કે આપણે નિમિત્ત છીએ. એ બિચારા નિમિત્ત છે અને આપણા લોકો નિમિત્તને બચકાં ભરે છે. નિમિત્તને બચકાં, એવું ભરે ખરું કોઈ દા'ડો ? ના ભરે, નહીં ? નિમિત્તને બચકાં ભરે ?

પ્રશ્નકર્તા : આપણે નિમિત્તને બચકાં ભરીએ છીએ, પણ ભરવા ન જોઈએ.

દાદાશ્રી : પારકો દોષ જોવો એને અમે નિમિત્તને બચકાં ભરવાની સ્થિતિ કહીએ છીએ. અરેરે, નિમિત્તને બચકાં ભર્યાં તેં ? એ તને ગાળો ભાંડે છે, એ તારા કર્મનો ઉદય છે. આ ઉદય તારે ભોગવવાનો છે. વચ્ચે એ નિમિત્ત છે. નિમિત્ત તો ઉપકારી છે કે ભઈ, તને કર્મમાંથી છૂટો કરવા આવ્યો છે. ઉપકારી છે તેને બદલે તું ગાળો ભાંડે છે ? તું એને બચકાં ભરે છે, એટલે એ નિમિત્તને બચકાં ભર્યાં કહેવાય. એટલે આ મહાત્માઓ ડરી ગયેલાં કે ના, અમે બચકું ભરીશું નહીં હવે કોઈ દહાડોય !

'આ મને છેતરી ગયો' તેમ બોલ્યો તે ભયંકર કર્મ બાંધે ! એનાં કરતાં બે ધોલ મારી લે તો ઓછું કર્મ બંધાય. એ તો જ્યારે છેતરાવાનો કાળ ઉત્પન્ન થાય, આપણા કર્મનો ઉદય થાય ત્યારે જ છેતરાઈએ. એમાં સામાનો શો દોષ ? એણે તો ઉલટું આપણું કર્મ ખપાવી આપ્યું. એ તો નિમિત્ત છે. 

×
Share on