Related Questions

વ્યવહારમાં આપણને શામાટે સમસ્યાઓ થાય છે?

પ્રશ્નકર્તા : મારા ઘરમાં બધી જ જાતની મુશ્કેલીઓ કેમ રહ્યા કરે છે? ધંધામાં, વાઈફને, ઘરમાં બધાને એવી કંઇક તકલીફો રહ્યા જ કરે છે.

દાદાશ્રી : આપણે લોકોને તકલીફો આપીએ એટલે પછી આપણે ત્યાં તકલીફ રહે. આપણે લોકોને સુખ આપીએ તો આપણે ત્યાં સુખ આવે. સુખ જોઈતું હોય તો લોકોને સુખ આપો અને તકલીફો જોઈએ તો તકલીફો આપો. જે જોઈતું હોય તે બીજાને આપો. આપણે ત્યાં જે આવે છે, એ ઉપરથી આપણે સમજવાનું કે આપણે સામાને શું આપ્યું હતું. એટલે સુખ જોઈતું હોય તો સુખ આપવાનો પ્રયત્ન કરો, શરૂઆત કરો.

આ જગત તો વ્યવહાર સ્વરૂપ છે, જે 'આપીને લો' એવું કહે છે. તકલીફો આવે છે તો આપણે સમજીએ કે આપણે તકલીફો જ લોકોને આપી છે. બીજો ધંધો જ નહીં માંડ્યો ! અને સુખ આવે છે તો જાણવું કે આપણે બીજાને સુખ આપેલું છે.

પ્રશ્નકર્તા : જે પહેલાં તકલીફો અપાઈ ગઈ હોય તે તકલીફો અત્યારે આવે છે. હવે આ તકલીફો હોય ત્યારે સુખ કેવી રીતે આપી શકે?

દાદાશ્રી : એ તો સુખ આપવાનો ભાવ કરો અને ફરી કોઈનેય તકલીફ ના આપશો. બે ગાળો દઈ જાય, એટલે તમે પછી બીજી પાંચ ગાળો ધીરશો નહીં અને એ બે ગાળો જમે કરી લેવાની. જે બે ગાળો આપેલી છે તે પછી આવી છે, માટે તે બે ગાળો જમે કરી લો. આ તો કોઈ બે ગાળ આપે ત્યારે જમે કરવાને બદલે બીજી પાંચ ધીરે છે. અલ્યા, એની જોડે વ્યાપાર શું કરવા ચાલુ રાખે છે? એટલે આ બધો ધીરધારનો હિસાબ છે. પછી એને જગત ગમે તે નામ આપે કે ઋણાનુબંધ છે, પણ બધો ધીરધારનો હિસાબ છે, એટલે જો ગમતું હોય તો ધિરાણ કરો, પણ એ ધીરેલું પાછું આવશે. આ તો જમા-ઉધારના ખેલ છે! ધીરેલું તે જ પાછું આવે છે. આમાં ભગવાન હાથ ઘાલતા જ નથી. તકલીફ નથી ગમતી? તો પછી તકલીફો ધીરવાનું બંધ કરી દો. 

×
Share on