Related Questions

શું આપણે પ્રીજ્યુડિસ (પૂર્વગ્રહ) રાખવા જોઈએ?

દોષ જોવાનું બંધ કરી દોને !

પ્રશ્નકર્તા : જો દોષ ના જોઈએ તો દુનિયાની દ્રષ્ટિએ આપણે એક્સેસ ફૂલ (વધારે પડતા મૂર્ખ) ના લાગીએ ?

દાદાશ્રી : એટલે દોષ જોવાથી સફળ થઈએ આપણે ?

પ્રશ્નકર્તા : દોષ જોવાથી નહીં, પણ ડીસ્ટીંગ્શન કરવાનું (તફાવત જોવાનો) કે આ માણસ આવો છે, આ માણસ આવો છે.

દાદાશ્રી : ના, એનાથી તો જોખમ છે ને બધું. એ પ્રિજ્યુડીશ (પૂર્વગ્રહ) કહેવાય. પ્રિજ્યુડીશ કોઈની પર રખાય નહીં. ગઈકાલે કોટમાંથી ચોરી ગયો હોય તોય આજે ચોરી જશે એવું આપણાથી ના રખાય. પણ ફક્ત આપણે કોટ એકલો ઠેકાણે મૂકવો જોઈએ. સાવચેતી લેવાની આપણે. ગઈકાલે કોટ બહાર મૂક્યો તો આજ ઠેકાણે મૂકી દેવો પણ પ્રિજ્યુડીશ ના રખાય. તેથી તો આ દુઃખો છે ને, નહીં તો વર્લ્ડમાં દુઃખો કેમ હોય ? અને ભગવાન દુઃખ આપતા નથી બધા તમારા જ ઊભાં કરેલાં દુઃખો છે ને તે તમને પજવે છે. તેમાં ભગવાન શું કરે ? કોઈની પર પ્રિજ્યુડીશ રાખશો નહીં. કોઈનો દોષ જોશો નહીં. એ જો સમજી જશો તો ઉકેલ આવી જશે.

તમે પ્રતિક્રમણ ના કરો તો તમારો અભિપ્રાય રહ્યો. માટે તમે બંધનમાં આવ્યા. જે દોષ થયો તેમાં તમારો અભિપ્રાય રહ્યો અને અભિપ્રાયોથી મન ઊભું થયેલું છે. મારે કોઈ પણ માણસ જોડે સહેજેય અભિપ્રાય નથી. કારણ કે એક જ ફેરો જોઈ લીધા પછી હું એના માટે બીજો અભિપ્રાય બદલતો નથી. 

સંજોગાનુસાર કોઈ માણસ ચોરી કરતો હોય તે હું જાતે જોઉં, તોય એને હું ચોર કહેતો નથી. કારણ કે એ સંજોગાનુસાર છે. જગતના લોકો તો જે પકડાયો તેને ચોર કહે છે. આ સંજોગાનુસારનો ચોર હતો કે કાયમનો ચોર હતો, એવી કંઈ જગતને પડેલી નથી. હું તો કાયમના ચોરને ચોર કહું છું. અત્યાર સુધી કોઈ પણ માણસનો અભિપ્રાય મેં બદલ્યો નથી. 'વ્યવહાર આત્મા' સંજોગાધીન છે ને તે 'નિશ્ચય આત્મા'થી એકતા છે. અમારે આખા વર્લ્ડ જોડે મતભેદ નથી.

પ્રશ્નકર્તા : એ તો હોય નહીં. કારણ કે આપને તો કોઈ માણસ દોષિત લાગતો નથી ને, નિશ્ચયથી.

દાદાશ્રી : દોષિત લાગે નહીં. કારણ કે ખરેખર એવું હોતું નથી. આ જે દોષિત લાગે છેને, તે દોષિત દ્રષ્ટિથી દોષિત લાગે છે ! જો તમારી દ્રષ્ટિ નિર્દોષ થાય તો દોષિત લાગે જ નહીં કોઈ ! 

×
Share on