Related Questions

બાળકોને સુધારવામાં શું આપણે તેમને દુઃખ આપવું જોઈએ?

આ જગતમાં તમે કોઈને દુઃખ દેશો, તો તેનો પડઘો તમને પડ્યા વગર રહેશે નહીં. સ્ત્રી-પુરુષે છૂટાછેડા લીધા પછી પુરુષ ફરી પૈણ્યો તેમ છતાંય પેલી સ્ત્રીને દુઃખ રહ્યા કરે. તો તેના પડઘા એ પુરુષને પડ્યા વગર રહે જ નહીં  અને એ હિસાબ પાછો ચૂકવવો પડશે.

પ્રશ્નકર્તા : જરા વિગતથી ફોડ પાડો ને !

દાદાશ્રી : આ શું કહેવા માગીએ છીએ કે  જ્યાં સુધી તમારા નિમિત્તે કોઈને સહેજ પણ દુઃખ થાય છે, તો એની અસર તમારી ઉપર જ પડવાની અને એ હિસાબ તમારે પૂરો કરવો પડશે, માટે ચેતો.

તમે ઓફિસમાં આસિસ્ટન્ટને ટૈડકાવો તો તેની અસર તમારી ઉપર પડ્યા વગર રહે કે નહીં ? પડે જ. બોલો હવે, જગત દુઃખમાંથી મુક્ત કઈ રીતે થાય ?

 માટે કોઈની અસર છોડે નહીં અને છોકરાંને સુધારવા જાઓ, પણ એનાથી એને દુઃખ થાય તો તેની અસર તમને પડશે. માટે એવું કહો કે જેથી એને અસર ના પડે અને એ સુધરે. તાંબાનાં ને કાચનાં વાસણમાં ફેર ના હોય ? તમે તાંબાનાં ને કાચનાં વાસણને એક સમજો છો ? તાંબાનાં વાસણને ગોબો પડે તો ઉપાડી લેવાય પણ કાચનું તો ભાંગી જાય. છોકરાંની તો આખી જિંદગી ખલાસ થઈ જાય.

 આ અજ્ઞાનતાથી જ માર પડે છે. આને સુધારવા માટે તમે કહો, તેને સુધારવા માટે કહો પણ કહેવાથી એને જે દુઃખ થયું, તેની અસર તમારી ઉપર આવશે.

પ્રશ્નકર્તા : આ કાળમાં છોકરાંને તો કહેવું પડે ને ?

દાદાશ્રી : કહેવાનો વાંધો નથી, પણ એવું કહો કે એને દુઃખ ના પડે અને એનો પડઘો પાછો તમને ના પડે.  આપણે નક્કી કરી નાખવાનું કે આપણે કોઈને કિંચિત્માત્ર દુઃખ દેવું નથી.

જેનાથી કોઈનેય કિંચિત્માત્ર દુઃખ થતું ના હોય, તે પોતે સુખિયો હોય. એમાં બે મત જ નહીં. અમે જે આજ્ઞા આપીએ છીએ, તે તમે સર્વ દુઃખથી મુક્ત થાવ, એવી આજ્ઞા આપીએ છીએ. અને આજ્ઞા પાળતાં તમને કશી જ હરકત ના આવે. અમારી આજ્ઞા કશી હરકત વગરની છે. 

×
Share on