કોઈ આપણને પૂછે કે તમે ક્રોધ કરો છો કે થઈ જાય છે? તો આપણે શું કહીએ કે “મારી ઈચ્છા નથી ક્રોધ કરવાની, પણ ક્રોધ થઈ જાય છે” તેમ સામી વ્યક્તિને પણ ક્રોધ ન કરવાની ઈચ્છા ન હોવા છતાં ક્રોધ આવી જાય છે. જેમ આપણો ગુસ્સો આપણા કંટ્રોલમાં નથી, તેમ સામાના કંટ્રોલમાં પણ નથી. કોઈ આપણા ઉપર ક્રોધ કરે, ત્યારે આપણે એમના ઉપર સામો ક્રોધ કરીએ તો આગ ભભૂકી ઊઠશે.
સામો ક્રોધ કરે ત્યારે આપણે શું સમજણ હાજર રાખવી તેની પરમ પૂજ્ય દાદા ભગવાન સમજણ આપે છે.
પ્રશ્નકર્તા: પણ દાદા, કોઈ વખત કોઈ માણસ આપણી સામે ગરમ થઈ જાય તો શું કરવું?
દાદાશ્રી: ગરમ તો થઈ જ જાય ને! એમના હાથમાં ઓછું છે? અંદરની મશીનરી હાથમાં નહીં ને! આ તો જેમ તેમ કરીને મશીનરી ચાલ્યા કરે. પોતાના હાથમાં હોય તો મશીનરી ગરમ થવા જ ના દે ને!
તેઓશ્રી કહે છે કે “ગરમ થઈ જવું એ ભયંકર નિર્બળતા કહેવાય. એટલે વધારેમાં વધારે નિર્બળતા હોય તેથી તો ગરમ થાય છે ને! એટલે જે ગરમ થાય છે તેની તો દયા ખાવી જોઈએ કે આ બિચારાને આમાં કશુંય કંટ્રોલમાં નથી. જેને પોતાનો સ્વભાવેય કંટ્રોલમાં નથી, એની દયા ખાવી જોઈએ.”
ઘણીવાર આપણે એવું કહીએ કે “મારે તો ગુસ્સો કરવો જ નહોતો, પણ એમણે ક્રોધ કર્યો એટલે મને ગુસ્સો આવી ગયો!” પણ સામો ક્રોધ કરે એ તો એની નિર્બળતા છે. એની સામે આપણે પણ ક્રોધ કરીએ તો આપણે પણ નિર્બળ થઈ ગયા! પછી સામસામે બોમ્બગોળા ફેંકાતા હોય એવું યુદ્ધ શરૂ થઈ જાય અને આજુબાજુના લોકો તમાશો જોવા ભેગા થઈ જાય, કેમ કે એમને નવી ફિલ્મ જોવા મળે.
છતાંય ઘણાને પ્રશ્ન થાય કે પોતે શાંત પડીએ, તોય સામો ક્રોધ કરે ત્યારે શું કરવું? પરમ પૂજ્ય દાદા ભગવાન તેની સુંદર સમજણ આપે છે.
પ્રશ્નકર્તા: આપણે ગમે એટલા શાંત રહીએ પણ પુરુષો ક્રોધ કરે તો આપણે શું કરવું?
દાદાશ્રી: એ ક્રોધ કરે ને વઢંવઢા કરવી હોય તો આપણેય ક્રોધ કરવો, નહીં તો બંધ કરવું. ફિલ્મ બંધ કરવી હોય તો ઠંડું પડી જવું. ફિલ્મ બંધ ના કરવી હોય તો આખી રાત ચાલવા દેવી, કોણ ના પાડે છે? ગમે છે ખરી, ફિલ્મ?
પ્રશ્નકર્તા: ના, ફિલ્મ નથી ગમતી.
દાદાશ્રી: ક્રોધ કરીને શું કરવાનું? એ માણસ પોતે ક્રોધ કરતો નથી, આ તો મિકેનિકલ એડજસ્ટમેન્ટ ક્રોધ કરે છે. તેથી પોતાને પછી મનમાં પસ્તાવો થાય કે આ ક્રોધ ના કર્યો હોત તો સારો.
પ્રશ્નકર્તા: એને ઠંડા પાડવાનો ઉપાય શું?
દાદાશ્રી: એ વળી મશીન ગરમ થયું હોય, એને ઠંડું પાડવું હોય તો એની મેળે થોડી વાર રહેવા દે, એટલે મશીન ટાઢું પડી જાય અને હાથ અડાડીએ અને ગોદા મારીએ તો દઝાઈ મરીએ આપણે.
પ્રશ્નકર્તા: મને ને મારા હસબંડને, ક્રોધ ને ચડસાચડસી થઈ જાય છે, જીભાજોડી ને એ બધું. તો શું કરવું મારે?
દાદાશ્રી: તે ક્રોધ તું કરે છે કે એ? ક્રોધ કોણ કરે છે?
પ્રશ્નકર્તા: એ પછી મારાથી પણ થઈ જાય છે.
દાદાશ્રી: તો આપણે મહીં જ પોતાને ઠપકો આપવાનો, ‘કેમ તું આવું કરે છે? કરેલાં તે ભોગવવાં જ પડે ને!’ પણ આ પ્રતિક્રમણ કરે તો બધા દોષ ખલાસ થાય. નહીં તો આપણા જ ગોદા મારેલા, તે આપણે પાછા ભોગવવા પડે. પણ પ્રતિક્રમણ કરવાથી જરા ટાઢું પડી જાય.
સામો ગરમ થાય થાય ત્યારે આપણે નરમ પડી જવું. તો સામો જ્યારે ત્યારે કોક દિવસ જાતે જ નરમ થશે. સામો અવળું બોલે ત્યારે આપણે એને ગુસ્સો કરીને એને દબાવવા જઈએ, તો એનાથી કંઈ એ નરમ થાય નહીં. કદાચ આજે નરમ થયેલા, દબાયેલા દેખાય, પણ એ મનમાં નોંધ રાખી લે અને પછી જ્યારે આપણે નરમ થયા હોઈએ તે દિવસે બધું એકસાથે બહાર કાઢે, વસૂલ કરે.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “એટલે જગત વેરવાળું છે. કુદરતનો નિયમ એવો છે કે દરેક જીવ મહીં વેર રાખે જ. મહીં પરમાણુઓ સંગ્રહી રાખે. માટે આપણે પૂરેપૂરો કેસ ઊંચે મૂકી દેવો.”
આપણે કોઈ વ્યક્તિ ઉપર ક્રોધિત થઈ ગયા અને એમને દુઃખ પહોંચ્યું, પછી આપણે અંદર પસ્તાવો લેતા હોઈએ કે આ ખોટું થયું. પણ સામી વ્યક્તિ જો આપણને “આ ક્રોધી છે” એવો અભિપ્રાય આપે તો આપણને ગમે? તેવી જ રીતે સામી વ્યક્તિ પણ આજે ગુસ્સે થઈને આવતી કાલે પસ્તાવો લેતી હશે. એટલે એ કાયમ ક્રોધી જ છે એવો અભિપ્રાય આપણે ન આપવો જોઈએ.
બાળકોને ઘરમાં ભણવાની બાબતમાં, કામકાજની બાબતમાં, નોકરી-ધંધામાં, બાળકોના લગ્ન પછી ઘરના વ્યવહારની બાબતમાં મા-બાપ તરફથી ગુસ્સામાં કોઈ ટકોર આવે એટલે બાળકો પણ સામે ગુસ્સે થઈ જાય છે. જનરેશન ગેપને કારણે મતભેદ સર્જાય ત્યાં પણ બાળકો અને યુવાનો મા-બાપ ઉપર ક્રોધ કરીને એમને દુઃખ આપી દે છે.
એ સમયે વિચારવું જોઈએ કે ગુસ્સો કરવાથી કોઈ સોલ્યુશન આવવાનું નથી. એના કરતા મા-બાપ કહે એમ એડજસ્ટ થઈ જવું જોઈએ. એમના કહ્યા પ્રમાણે કરીએ તો મા-બાપ રાજી થાય અને ઘરમાં શાંતિ રહે. જરૂર પડે તો એમની સાથે બેસીને વાતચીત કરવી જોઈએ. એમને સમજાવવું જોઈએ કે આપણા શું સંજોગો છે, શું વિચારો છે જેના કારણે આપણને એમની વાત યોગ્ય નથી લાગતી.
નાનપણથી જેમણે આપણને ખવડાવી, પીવડાવીને ઉછેર્યા, આપણી માંદગીમાં આપણું ધ્યાન રાખ્યું, ભણાવ્યા, સંસ્કારો આપ્યા, જેમના થકી આપણું જીવન છે એ મા-બાપનો ઉપકાર કેમ ભૂલી જવાય? એ ખ્યાલમાં રહે તો મા-બાપ ગુસ્સો કરે ત્યારે પણ આપણે તેમની સામે રિએક્ટ થઈને દુઃખ નહીં આપી દેવાય.
બાળકો નાના હોય ત્યારથી જ પોતાનું ધાર્યું ના થાય તો જીદ કરીને મા-બાપ ઉપર ગુસ્સો કરતા હોય છે. મા-બાપ બાળકોનો ગુસ્સો ઓછો થાય તેના માટે એમને સમજાવીને, ડરાવીને, ધમકાવીને ગુસ્સો બંધ કરવાનો પ્રયત્ન કરે છે. પણ કોઈ ઉપાય કામ લાગતો નથી. એટલે મા-બાપને ફરિયાદ રહે છે કે ઘણું સમજાવીએ છતાં બાળકો ગુસ્સો કરે છે, એમનો ક્રોધ કેવી રીતે બંધ કરવો? ત્યારે પરમ પૂજ્ય દાદા ભગવાન એક અકસીર ઉપાય બતાવે છે.
મા-બાપ જો એમ ઈચ્છતા હોય કે નાના બાળકો તેમના ઉપર ગુસ્સો ન કરે તો સૌથી પહેલાં મા-બાપે ગુસ્સો કરવાનું બંધ કરી દેવું જોઈએ. કારણ કે બાળકો ઘરમાં જે જુએ છે તે જ શીખે છે. નાનપણથી જ બાળકો ઘરમાં જુએ કે મમ્મી-પપ્પા ગુસ્સો કરે છે, એટલે એને લાગે છે કે આવું કરવું જ યોગ્ય છે. એટલે જો કોઈ પણ સંજોગોમાં બાળકોની સામે મા-બાપ પોતાનો ગુસ્સો નહીં કરે તો બાળકોનો ગુસ્સો આપમેળે બંધ થઈ જશે.
સામી વ્યક્તિ ક્રોધ કરે ત્યારે જુદી જુદી વ્યક્તિ જુદી જુદી રીતે રિએક્ટ થાય છે. કોઈ સામે બોલી જાય છે, કોઈને અંદર ને અંદર અકળામણ થાય છે પણ બહાર ન બોલાય, જ્યારે કોઈના અંદરના બારણાં બંધ થઈ જાય છે. પણ આ દરેકમાં આપણી અંદર જે કષાય ઊભા થાય છે એમાં આપણા જ સમય અને શક્તિ વેડફાય છે. એટલે સામો ક્રોધ કરે ત્યારે આપણે આપણી શક્તિઓને સવળા માર્ગે વાળવી જોઈએ.
સામી વ્યક્તિના શુદ્ધાત્માને યાદ કરીને એમને પ્રાર્થના કરવી જોઈએ કે “હે ભગવાન આમના મનનું સમાધાન થાય એવી શક્તિ આપો. એમને મારા નિમિત્તે ક્રોધ થાય છે, એના માટે હું માફી માંગું છું. એમને શાંતિ થાય એવી પ્રાર્થના કરું છું.”
કોઈ આપણા ઉપર વારંવાર ક્રોધ કરે, તો શક્ય હોય તો એમની સાથે શાંતિથી બેસવું અને રૂબરૂ વાતચીત કરવી. એમને પ્રેમથી પૂછવું, કે મારી ક્યાં ભૂલ થાય છે, મને બતાડો. ઘરમાં કે કામકાજની જગ્યાએ સામી વ્યક્તિ એક વાત કહેવા માટે ઉગ્ર થઈને આઠ-દસ વાક્યો સંભળાવે તો આપણે એમાંથી વધારાના શબ્દો બાદ કરીને વાતનો આશય પકડવો. યોગ્ય લાગે તે વાત સ્વીકારવી અને સુધારવી. સામાના પોઝિટિવ જોવાના કે, “એમનાથી ગુસ્સો થઈ ગયો, પણ એ દિલના બહુ ભલા છે.” આવો અભિગમ રાખવાથી, આપણી શક્તિ વધે છે અને સામાના મનનું સમાધાન થતાં એમનો ક્રોધ બંધ થાય છે.
A. ક્રોધ એટલે પોતે પોતાના ઘરને દીવાસળી ચાંપવી, જેમાં પહેલા પોતે બળે, પછી બીજાને બાળે. કોઈ ખેતરમાં સૂકા... Read More
A. અનંતાનુબંધી ક્રોધ: ક્રોધથી સામી વ્યક્તિને એવાં શબ્દો સંભળાવી દીધા જેનાથી સામાનું મન એવું ભાંગી... Read More
A. સૂઝ ન પડે ત્યારે ક્રોધ એટલે સમજણનો અભાવ. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, પરિસ્થિતિનો સામનો કેવી... Read More
Q. ક્રોધ કઈ રીતે નુકસાન કરે છે?
A. જેમ એક ટ્રેન એની નોર્મલ ગતિમાં મોશનમાં ચાલતી હોય તો વાંધો ના આવે. પણ એની નોર્માલિટી ચૂકાય ત્યારે... Read More
Q. ક્રોધ પર કાબૂ કેવી રીતે મેળવાય?
A. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “વર્લ્ડમાં કોઈ માણસ ક્રોધને જીતી શકે નહીં.” ક્રોધ બે પ્રકારે હોય... Read More
Q. ક્રોધ કરે એ નિર્બળ કે બળવાન?
A. જીવન વ્યવહારમાં એવું કહેવાય છે કે અમુક જગ્યાએ તો ક્રોધ કરવાની જરૂર પડે. ક્રોધ ન કરીએ એ તો નિર્બળતા... Read More
Q. સંબંધોમાં ક્રોધ પર કાબૂ કઈ રીતે મેળવવો?
A. પોતાને સામાની જગ્યાએ મૂકવું કોઈ આપણા ઉપર ગુસ્સે થાય તો આપણાથી સહન થાય છે? આપણા ઉપર કોઈ ગુસ્સો... Read More
Q. પતિ-પત્નીના સંબંધોમાં ક્રોધ કેમ થાય છે?
A. પતિ-પત્નીમાં ક્રોધથી દુઃખ આપવાના સૌથી મોટા કારણોમાં આવે છે, એકબીજા માટેની અપેક્ષાઓ, અભિપ્રાયો,... Read More
Q. ક્રોધ કર્યા વગર બાળકો કઈ રીતે સુધરે?
A. બધા જ મા-બાપને એમ થતું હોય છે કે છોકરાંને સારા માર્ગે વાળવા મા-બાપની ફરજ પૂરી પાડવી જોઈએ અને એટલે... Read More
Q. નોકરી-ધંધામાં ક્રોધ આવે ત્યારે શું કરવું?
A. કયા સંજોગોમાં અન્ડરહેન્ડ ઉપર ક્રોધ આવી જાય છે અને ત્યારે કેવો વ્યવહાર રાખવો, તે પરમ પૂજ્ય દાદા... Read More
subscribe your email for our latest news and events