Related Questions

ક્રોધના કારણો શું?

anger

સૂઝ ન પડે ત્યારે

ક્રોધ એટલે સમજણનો અભાવ. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો એ સમજ ના પડે ત્યારે માણસ ક્રોધ કરી નાખે છે. લોકો નથી કહેતા, કે “મને કશું સૂઝ ના પડી એટલે ગુસ્સે થઈ ગયો!” કેવી રીતે સામી વ્યક્તિ સાથે વ્યવહાર કરવો એની સમજણ ખૂટી પડે અને કામ પતાવવા જાય ત્યારે ક્રોધ થઈ જાય છે.

ક્રોધ થવાનું સામાન્ય કારણ છે, દેખાતું બંધ થઈ જવું. આપણે અંધારામાં જતા હોઈએ અને રસ્તામાં ભીંત આવે, તો એ દેખાય નહીં અને અથડાઈ પડીએ. તેવું અંદર સૂઝ ના પડે, કોઈ પણ પરિસ્થિતિમાં આગળનો રસ્તો ન જડે, બીજા શબ્દોમાં દેખાતું બંધ થાય ત્યારે ક્રોધ થઈ જાય છે.

વિચારોની સ્પીડ ન મળે ત્યારે

ઘણી વખત આપણા વિચારો ફાસ્ટ હોય અને સામાના વિચારો ધીમા હોય. એટલે આપણી વાત સામાને ના પહોંચે કે એ સમજે નહીં, ત્યારે આપણે અકળાઈ જઈએ છીએ. આપણા વિચારોના રિવોલ્યુશન ૫૦૦૦ હોય અને સામાના રિવોલ્યુશન ૫૦૦ હોય, ત્યારે આપણને સામાના લેવલ ઉપર જઈને એને સમજાવતા આવડતું નથી અને ધીરજ ખૂટી પડે છે. પરિણામે, આપણે ક્રોધ કરી મૂકીએ છીએ.

ધાર્યું ન થાય ત્યારે  

ઝીણવટથી તપાસ કરીએ તો ખાસ કરીને જ્યારે આપણું ધાર્યું ન થાય ત્યારે ક્રોધ આવે છે. જેમ કે, ઘરમાં બાળકો આપણું કહ્યું માને નહીં ત્યારે ક્રોધ આવી જાય છે. પતિ કે પત્ની આપણી અપેક્ષા પ્રમાણે ન કરે ત્યારે ક્રોધ આવે છે. નાના હોઈએ ત્યારે મમ્મી-પપ્પા આપણી જીદ પૂરી ના કરે ત્યારે ક્રોધ આવે છે. નોકરી-ધંધામાં પણ આપણી હાથ નીચે કામ કરનારા માણસો આપણા કહ્યા પ્રમાણે ન કરે ત્યારે ક્રોધ આવી જાય છે. આપણું ધાર્યું ના થાય, સામાને દબડાવીને કામ લેવા જઈએ ત્યારે ક્રોધથી સામા સાથે ઝઘડી પડીએ છીએ.

અભિપ્રાય હોય ત્યારે

કેટલાક માણસોનો વ્યવહાર આપણી સાથે અવળો હોય તો પણ આપણને એમના ઉપર ક્રોધ નથી આવતો. જ્યારે કેટલાક માણસોનો વ્યવહાર આપણી સાથે સવળો હોય તો પણ આપણે એમના ઉપર ક્રોધ કરી મૂકીએ છીએ. આવું કેમ થાય છે? એનું કારણ એ હોય છે કે અગાઉ એ વ્યક્તિઓ સાથે થયેલા અનુભવોને કારણે આપણને એમના માટે અમુક પ્રકારના અભિપ્રાય કે પ્રેજ્યુડીસ (પૂર્વધારણા) બંધાઈ ગયા હોય છે.

ધારો કે, ઘરમાં બે છોકરાઓમાંથી એક છોકરો બહુ જ તોફાની હોય, તો એના માટે મા-બાપને “આ કાયમ તોફાન કરે છે” એવો અભિપ્રાય પડી જાય. અને બીજો છોકરો ડાહ્યો હોય, તો એના માટે “આ છોકરો બહુ ડાહ્યો છે” એવો અભિપ્રાય બેસી જાય. પછી ડાહ્યો છોકરો મોટું તોફાન કરી આવે તો પણ મા-બાપ એના ઉપર એટલા બધા ગુસ્સે નથી થતા. જ્યારે તોફાની છોકરો જરાક અમથું તોફાન કરે તો એના ઉપર મા-બાપ ગુસ્સો કરી મૂકે છે.

માન ઘવાય ત્યારે

ક્રોધ એ માન કષાયનો રક્ષક છે. આપણે માનતા હોઈએ કે “હું અક્કલવાળો છું, મને સમજણ પડે છે અને ત્યારે કોઈ વ્યક્તિ આપણું અપમાન કરે, બધાની વચ્ચે તોડી પાડે, કામમાં ભૂલ કાઢે, આપણને જોઈતું માન ના આપે, ત્યારે માન ઘવાય છે. આવા સમયે સામી વ્યક્તિ ઉપર ક્રોધ આવે છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “ક્રોધ તો, પોતાના માનને હરકત આવે ત્યારે ક્રોધ કરી લે. પોતાનું માન ઘવાતું હોય ત્યારે ક્રોધથી માનનું રક્ષણ કરે. માનનો રક્ષક ક્રોધ.

દોષ દેખાય ત્યારે  

જ્યારે આપણી દૃષ્ટિથી આપણને સામી વ્યક્તિના દોષો જોવાય છે, ત્યારે ક્રોધ આવી જાય છે. દરેક પોતપોતાની માન્યતા ઉપર ઊભા ઊભા, પોતાના વ્યૂ પોઈન્ટથી સામાને જુએ છે અને એના આધારે સામાને સાચો કે ખોટો કહીએ છીએ. સામેવાળો આપણી માન્યતાથી વિરુદ્ધ કરે તો આપણને ક્રોધ આવી જાય છે. જ્યારે સામાનો વ્યૂ પોઈન્ટ જોવાય તો ક્રોધ શમી જાય છે.

આક્ષેપ આવે ત્યારે

ઘણીવાર આપણે સાચા હોઈએ, એ જ જગ્યાએ “તમે ખોટા છો” એવો આક્ષેપ આવે ત્યારે ક્રોધ આવી જાય છે. જેમ કે, કોઈ બાબતમાં ચોરી ના કરી હોય તો પણ “તમે ચોરી કરી છે” એવો આક્ષેપ આવે, ભૂલ કોઈ બીજાની હોય અને આપણને “આ ભૂલ તમે કરી છે” એમ કહે, તો આપણે ગુસ્સે થઈ જઈએ છીએ. કારણ કે, દેખીતી રીતે આપણને ત્યાં અન્યાય થતો લાગે છે.

કર્તા દેખાય ત્યારે

આપણે રસ્તામાં જતા હોઈએ અને ડુંગર ઉપરથી કોઈ પથરો ગબડતો ગબડતો આપણા માથા ઉપર વાગે અને લોહી નીકળે ત્યારે આપણને ક્રોધ આવે? ના, કારણ કે ત્યાં કોનો વાંક છે એ દેખાતું નથી. પણ જ્યારે કોઈ બાળકો ક્રિકેટ રમતા હોય અને બોલ માથામાં વાગે ત્યારે આપણને ક્રોધ આવી જાય છે. કારણ કે ત્યાં છોકરાએ બોલ માર્યો એવું દેખાય છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “આ તો એના મનમાં એમ લાગે કે આ જ કરે છે. કોઈ માણસ જાણીજોઈને મારી શકતો જ નથી. એટલે ડુંગર ઉપરથી ગબડવું અને આ માણસ પથ્થર મારે એ બેઉ સરખું જ છે. પણ ભ્રાંતિથી એવું દેખાય છે કે આ કરે છે. આ વર્લ્ડમાં કોઈ માણસને સંડાસ જવાની શક્તિ નથી.

આશ્રિત ઉપર ક્રોધ

ઘણા કહે છે કે “મને ક્રોધ આવી જાય છે. મારો સ્વભાવ ક્રોધી છે.” પણ સ્વભાવથી ક્રોધ આવતો હોત તો એ બધા ઉપર એકસરખો આવે. આપણને ઘરમાં છોકરાઓ ઉપર, પત્ની ઉપર, પાડોશી ઉપર કે આપણા હાથ નીચે કામ કરતા માણસો ઉપર તરત ક્રોધ આવી જાય છે. પણ ઓફિસમાં બોસ ઉપર આપણે ક્રોધ નથી કરતા. રસ્તામાં પોલીસ આપણને લાઈસન્સ માટે પકડે, તો એમના ઉપર ક્રોધ નથી આવતો. એટલે સુપિરિયર આગળ આપણે ચૂપ થઈ જઈએ છીએ. આમ ક્રોધ સ્વભાવથી નથી આવતો.

ઘરમાં જમાઈના હાથે ચાનો કપ તૂટી જાય તો, “ભલે, વાંધો નહીં. દઝાયા નથી ને?” એમ કહીએ છીએ. જ્યારે નોકરના હાથે કપ ફૂટી જાય તો એને ગુસ્સામાં ખખડાવી દઈએ છીએ. એટલે જેમને આપણાથી ઇન્ફીરિયર માન્યા છે તેમના ઉપર જલ્દી ક્રોધ આવી જાય છે.

×
Share on