કયા સંજોગોમાં અન્ડરહેન્ડ ઉપર ક્રોધ આવી જાય છે અને ત્યારે કેવો વ્યવહાર રાખવો, તે પરમ પૂજ્ય દાદા ભગવાન એક શેઠ અને નોકરના સુંદર ઉદાહરણ સાથે સમજાવે છે. આ દાખલામાં શેઠને બદલે કોઈ પણ ઉપરી અને નોકરને બદલે હાથ નીચે કામ કરતી કોઈ પણ વ્યક્તિ હોઈ શકે.
એક નોકર ચાના કપ ભરેલી ટ્રે લઈને આવતો હોય, અચાનક લથડિયું ખાઈને પડી જાય અને ચાના કપ ફૂટી જાય, ત્યારે શેઠનો જાણે આત્મા ફૂટી ગયો હોય એટલો કઢાપો-અજંપો થઈ જાય. ત્યારે શું બને તેનું તાદ્રશ વર્ણન પરમ પૂજ્ય દાદાશ્રી અહીં કરે છે.
દાદાશ્રી: પ્યાલા ફૂટી ગયા તોય કઢાપો થાય, નોકરને ગાળો ભાંડે કે, 'તારા હાથ ભાંગલા છે, તારા આમ ભાંગલા છે.' તે ઘડીએ એમ વિચારે કે, 'હું એની જગ્યાએ હોઉં તો મારી શી દશા થાય? આપણને કેટલું દુઃખ થાય?' એવું કોઈ વિચારે? નોકરના મનમાં શું થાય કે, 'આ શેઠ મને વગર કામના ટૈડકાવે છે, મારો ગુનો નથી. હું તો નોકર છું ને નોકરી કરું છું, તેથી મને વઢે છે.' એવું બિચારાને થાય.
એટલે આ અણસમજણથી ગરીબ માણસોને શ્રીમંત માણસો દુઃખ દે છે, નહીં તો કોઈ નોકર પ્યાલા ફોડી નાખતો હશે? અને જો એ નોકર પ્યાલા ફોડી નાખતો હોય તો રોજ ના ફોડી નાખે? જ્યારે એનાથી હાથમાં ના ઝલાય ત્યારે જ ફૂટે ને? આ વર્લ્ડમાં કોઈ વસ્તુ કોઈ ફોડે જ નહીં, આ તો બધો તમારો જ હિસાબ ચૂકવાય છે. એમાં નોકર તો બિચારો નિમિત્ત બની જાય છે.
પણ નોકરના હાથે પ્યાલા ફૂટ્યા કે શેઠાણી બૂમાબૂમ કરી મેલે અને જો શેઠ બેઠાં હોય ને તો એય અકળાયા કરે. અલ્યા, એક ભાગીદાર અકળાય તો બહુ થઈ ગયું, એકલાને અકળાવા દે ને! બધા ભાગીદારોએ અકળાવાનું કારણ શું? કંપનીમાં એક ભાગીદાર અકળાયા કે બહુ થઈ ગયું! છોને, એકનું બ્યૂગલ વાગે! પણ બધાનાં બ્યૂગલ સાથે વગાડવાનાં? શાથી બધા વગાડતા હશે? ઈચ્છા ના હોય તોય વાગી જાય, કારણ કે અજ્ઞાન સાંધો મેળવી દે ને! અને બધી બ્યૂગલો વાગે, એટલે પેલો નોકર તો ધ્રુજી જાય! બધા ફરી વળે ત્યારે પેલી બેબી હોય ને, તેય કચકચ કરતી આવે કે, 'એને તો મારવા જેવો છે.' ત્યારે પેલાની શી દશા થાય?
તેઓશ્રી સમજાવે છે કે, નોકરના હાથમાંથી પ્યાલા પડીને ફૂટી જાય તો આપણે ઊલટું એને એમ કહેવું કે, “ભઈ, ગરમાગરમ ચા તારા પગ પર પડી, તો તું દઝાયો નથી ને?” ત્યારે એને કેવું સરસ લાગે! એના ઘરેય કોઈ આવું આશ્વાસન ના આપે એવું આશ્વાસન આપણે આપીએ, તો નોકરના મનને કેવું સારું લાગે!
આપણા હાથ નીચે કામ કરતા માણસોથી કામ બગડે, કામમાં ભૂલ થાય કે નુકસાન થાય તો આપણે કડક શબ્દોમાં ટકોર કરીએ છીએ અથવા ગુસ્સાથી ખખડાવી નાખીએ છીએ કે, “અક્કલ વગરના ધ્યાન નથી રાખતા!” ત્યારે સૌથી પહેલાં આપણને એવો વિચાર આવો જોઈએ કે કોઈ આપણી સાથે આવી રીતે ક્રોધ કરીને વાત કરે તો આપણને ગમે? આપણા ઉપરી આપણને પ્રેમથી સમજાવીને કહે તો આપણે કામ કરીએ, કે ક્રોધ કરીને કહે તો? આપણને જેવો વ્યવહાર ગમે છે, તેવો વ્યવહાર સામા જોડે કરવો એનું નામ માનવધર્મ.
દાદાશ્રી: પોતાની જોડે કોઈ ગુસ્સે થયેલો હોય તે સહન થતું નથી અને આખો દહાડો બધા ઉપર ગુસ્સો કર્યા કરે છે. ત્યારે એ કેવી અક્કલ?! એ માનવધર્મ ના કહેવાય. પોતાની જોડે સહેજેય ગુસ્સો થયો હોય એ સહન કરી શકતો નથી, એ માણસ આખો દહાડો બધા જોડે ગુસ્સો કર્યા કરે છે, તો પેલા દબાયેલા છે એટલે જ ને? તો દબાયેલાને મારવું એ તો બહુ મોટો ગુનો કહેવાય. ઉપરીને મારવાનું. ભગવાનને કે ઉપરીને. કારણ કે ઉપરી છે, શક્તિશાળી છે. આ તો અન્ડરહેન્ડને શક્તિ છે નહીં. એટલે આખી જિંદગી મારે. અંડરહેન્ડ એટલે ગમે એવો ગુનેગાર હોય તોય મેં એને બચાવેલો. પણ ઉપરી તો, ગમે તેવો સારો હોય તોય મારે ઉપરી પોષાય નહીં અને મારે કોઈના ઉપરી થવું નથી. સારો હોય તો આપણને વાંધો નથી. પણ એનો અર્થ એ કાયમ એવો રહે નહીં ને! એક જ ફેરો આપણને આધાશીશી ચઢે એવું બોલે, ઉપરી કોનું નામ કહેવાય કે અંડરહેન્ડને સાચવે! તો ખરો ઉપરી તે. હું ખરો ઉપરી ખોળું છું. મારો ઉપરી થા, પણ ખરો ઉપરી થા. ડફળાવવા માટે અમે કંઈ જન્મ્યા નથી બા, તું ડફળાવું, અમે એના હારુ જન્મ્યા છીએ? એવું તે શું આપી દેવાનો?
અને તમારે ત્યાં કોઈ નોકરી કરતું હોય તો તેને ક્યારેય પણ તરછોડશો નહીં, છંછેડશો નહીં. બધાને માનભેર રાખશો. કો’ક માણસથી શોય લાભ થઈ જાય!
બહાર નાટકીય રીતે બોસ તરીકેનો વ્યવહાર પૂરો કરવો, પણ અંદરખાને એવી સમજણ હાજર રાખવી કે “આ અન્ડરહેન્ડના આધારે જ તો હું બોસ છું, એમના ઉપર ક્રોધ કરવાનો મને અધિકાર નથી.” સામા જોડે પ્રેમથી વાત કરીશું તો જરૂર કામ થશે. અકળાઈને કરવા જઈશું તો કામ બગડી જશે.
ઘણી વખત ઓફિસમાં આપણી નીચે કામ કરનારા માણસો સમયસર કામ પૂરું ન કરે, એમના હાથે કોઈ કામ બગાડે, ભૂલ થાય, ત્યારે આપણે એમના ઉપર ગુસ્સે થઈ જઈએ છીએ. ત્યારે કઈ સમજણ રાખવી જોઈએ જેથી ક્રોધ ના થાય?
દરેક કામ પાછળ કુદરતના કાયદા હોય છે. નિમિત્તો અને સંજોગો મળશે, ટાઈમ પાકશે ત્યારે કામ પૂરું થઈ જશે. કામ સમયસર ના થાય, તો કયા સંજોગોને કારણે કામ અટક્યું એ શોધી કાઢવું જોઈએ. મોટે ભાગે દરેક કામ ઘણા બધા સંજોગો ઉપર આધાર રાખે છે. એકાદ સંજોગ ન મળતો હોય તેથી કામ અટક્યું હોય. એમાં માણસનો વાંક ન પણ હોય. આપણે ધીરજ પકડીને ખૂટતા સંજોગો મળે તે માટે પ્રાર્થના કરવી જોઈએ અને ભાવ બગાડ્યા વગર, એડજસ્ટમેન્ટ લઈ લેવું જોઈએ.
એ પણ સમજવું જોઈએ કે એ વ્યક્તિની ઈચ્છા નથી કે કામ મોડું થાય. કામ મોડું થયું તો તપાસ કરવી જોઈએ કે કેમ પૂરું નથી થતું? કરનારને સમજણ નથી પડતી, બીજા કામોનું દબાણ છે કે વધારે મદદની જરૂર છે? પ્રોબ્લેમ ઊભો થાય તો વ્યક્તિને ગુનેગાર જોવાને બદલે પ્રોબ્લેમનું કારણ શોધી સોલ્યુશન લાવવું જોઈએ. આમ કરવાથી આપણને કામમાં આવતા પ્રોબ્લેમ સમજાશે અને એનું સોલ્યુશન મળશે, તેમજ કામ કરનાર વ્યક્તિને પણ સૂઝ પડશે.
આમ પણ ક્રોધ કરવાથી કામ વહેલું પૂરું નથી થતું. ઊલટું કામ વધારે ડિસ્ટર્બ થાય છે, અંતરાયો પડે છે અને વ્યક્તિનો અહંકાર દુભાવાથી તે આડાઈ કરે છે, કે “હવે નથી કરવું, ભલે કામ બગડે.” એમ કરવા કરતા અન્ડરહેન્ડ સાથે એક મિત્ર જેવો વ્યવહાર કરવો જોઈએ.
છતાં એમ લાગે કે માણસો આળસ કરે છે અને કામ લંબાય છે, ત્યારે તેમને જુદા બોલાવીને સમજાવવું જોઈએ, કે “તમારું કામ લંબાશે, એનાથી આગળ કેટલા કામ કે લોકોને અસર થશે અને કંપનીને કેટલું નુકસાન થશે.“ બે-ચાર વખત સમજાવ્યા પછી પણ કામ પૂરું ના થાય તો પ્રેમથી કહેવું કે, “અમને આગળથી દબાણ છે. જો આટલું કામ પૂરું નહીં થાય તો અમારે પછી ઈચ્છા ન હોવા છતાં, જરૂરી પગલાં લેવા પડશે.“ આમ બને ત્યાં સુધી ગુસ્સો કર્યા વગર કામ લેવું જોઈએ.
આપણી સાથે કામ કરનારી વ્યક્તિને જ્યારે ક્રોધથી દુઃખ અપાઈ જાય, ત્યારે એમની અંદર બેઠેલા ભગવાન પાસે દિલથી માફી માંગી લેવી અને ફરી ક્રોધ ના થાય તેવો નિશ્ચય કરવો. બને તો એમની પાસે જઈને વાળી આવવું કે “મારાથી ગુસ્સામાં તમને બહુ દુઃખ થઈ ગયું, હું માફી માંગુ છું.”
ઓફિસ કે બિઝનેસમાં ક્યારેક આપણને વ્યક્તિ પાસે રૂબરૂ માફી માંગતા ડર લાગે, કે સામો ઊલટું ડબલ સંભળાવશે કે દુરુપયોગ કરશે તો? ત્યારે શું કરવું તેની સમજણ પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને આપે છે.
મનમાંય માફી માંગો!
પ્રશ્નકર્તા: દાદા, પશ્ચાત્તાપ કે પ્રતિક્રમણ કરીએ તો ઘણીવાર એવું હોય કે કોઈ ભૂલ થઈ ગઈ, કોઈની પર ક્રોધ થઈ ગયો, તો અંદરથી તો બળતરા થાય કે આ ખોટું થઈ ગયું, પણ પેલાની સામે માફી માંગવાની હિંમત ના હોય.
દાદાશ્રી: એવી માફી માંગવીય નહીં. નહીં તો એ તો પાછા દુરુપયોગ કરે. ‘હા, હવે ઠેકાણે આવી કે?’ એવું છે આ. નોબલ જાત નથી. આ માફી માંગવા જેવા માણસો ન હોય. એટલે અંદર જ માફી માંગી લેવી. એના શુદ્ધાત્માને સંભારીને! તે હજારોમાં દસેક જણ એવા હોય કે માફી માગતાં પહેલાં એ નમી જાય વધારે.
A. ક્રોધ એટલે પોતે પોતાના ઘરને દીવાસળી ચાંપવી, જેમાં પહેલા પોતે બળે, પછી બીજાને બાળે. કોઈ ખેતરમાં સૂકા... Read More
A. અનંતાનુબંધી ક્રોધ: ક્રોધથી સામી વ્યક્તિને એવાં શબ્દો સંભળાવી દીધા જેનાથી સામાનું મન એવું ભાંગી... Read More
A. સૂઝ ન પડે ત્યારે ક્રોધ એટલે સમજણનો અભાવ. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, પરિસ્થિતિનો સામનો કેવી... Read More
Q. ક્રોધ કઈ રીતે નુકસાન કરે છે?
A. જેમ એક ટ્રેન એની નોર્મલ ગતિમાં મોશનમાં ચાલતી હોય તો વાંધો ના આવે. પણ એની નોર્માલિટી ચૂકાય ત્યારે... Read More
Q. ક્રોધ પર કાબૂ કેવી રીતે મેળવાય?
A. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “વર્લ્ડમાં કોઈ માણસ ક્રોધને જીતી શકે નહીં.” ક્રોધ બે પ્રકારે હોય... Read More
Q. ક્રોધ કરે એ નિર્બળ કે બળવાન?
A. જીવન વ્યવહારમાં એવું કહેવાય છે કે અમુક જગ્યાએ તો ક્રોધ કરવાની જરૂર પડે. ક્રોધ ન કરીએ એ તો નિર્બળતા... Read More
Q. સંબંધોમાં ક્રોધ પર કાબૂ કઈ રીતે મેળવવો?
A. પોતાને સામાની જગ્યાએ મૂકવું કોઈ આપણા ઉપર ગુસ્સે થાય તો આપણાથી સહન થાય છે? આપણા ઉપર કોઈ ગુસ્સો... Read More
Q. પતિ-પત્નીના સંબંધોમાં ક્રોધ કેમ થાય છે?
A. પતિ-પત્નીમાં ક્રોધથી દુઃખ આપવાના સૌથી મોટા કારણોમાં આવે છે, એકબીજા માટેની અપેક્ષાઓ, અભિપ્રાયો,... Read More
Q. ક્રોધ કર્યા વગર બાળકો કઈ રીતે સુધરે?
A. બધા જ મા-બાપને એમ થતું હોય છે કે છોકરાંને સારા માર્ગે વાળવા મા-બાપની ફરજ પૂરી પાડવી જોઈએ અને એટલે... Read More
Q. સામી વ્યક્તિ ક્રોધ કરે ત્યારે શું કરવું?
A. ક્રોધ કરનાર પર દયા રાખવી કોઈ આપણને પૂછે કે તમે ક્રોધ કરો છો કે થઈ જાય છે? તો આપણે શું કહીએ કે... Read More
subscribe your email for our latest news and events