Related Questions

ક્રોધ કઈ રીતે નુકસાન કરે છે?

ક્રોધ એ મોટી હિંસા  

જેમ એક ટ્રેન એની નોર્મલ ગતિમાં મોશનમાં ચાલતી હોય તો વાંધો ના આવે. પણ એની નોર્માલિટી ચૂકાય ત્યારે એક્સિડન્ટ થઈ જાય. તે જ રીતે, માણસ જ્યારે ઇમોશનલ થાય ત્યારે એની અંદર કેટલાય જીવો મરી જાય છે. એક બાજુ ભલે પોતે એમ માને કે, “હું તો અહિંસા ધર્મ પાળું છું, જીવ મારવાની હિંસા તો કરતો જ નથી.” પણ બીજી બાજુ ક્રોધ કરે છે. ત્યારે માણસને એ સમજાતું નથી કે ક્રોધ થાય ત્યારે અને ઇમોશનલપણામાં કેટલાય નાના નાના જીવો મરીને ખલાસ થઈ જાય છે!

ક્રોધથી શરીરને નુકસાન

ક્રોધ કરવાથી સૂક્ષ્મમાં હિંસા તો થાય જ છે, સાથે સાથે શરીર અને મન ઉપર એની બહુ અવળી અસર થાય છે. આપણે ક્રોધિત વ્યક્તિને જોઈએ તો એની આંખો લાલ લાલ થઈ જાય, શરીર ગરમ થઈ જાય, પોતે ધ્રુજવા લાગે. ક્રોધના ઉગ્ર પરમાણુ શરીરની અંદરથી બહાર નીકળે છે, એની શરીર ઉપર અસર થાય છે. વધારે પડતો જ ક્રોધ થઈ ગયો હોય તો ઘણી વાર હાર્ટ ફેઈલ, બ્રેઈન હેમરેજ કે પેરાલિસીસના કિસ્સા પણ બને છે, તો ક્યારેક વ્યક્તિનું મૃત્યુ પણ થાય છે.

વારેવારે ઇમોશનલ થવાથી કે ક્રોધ કરવાથી શરીરમાં પાચનક્રિયામાં મદદ કરનારા બેક્ટેરિયા મરી જાય છે, બીજા અનેક મદદકર્તા પરમાણુ મરી જાય છે અને તેની અવળી અસર શરીર ઉપર પડે છે.

આયુષ્યનો આધાર શ્વાસોચ્છ્‌વાસની ગણતરી ઉપર હોય છે. ક્રોધમાં શ્વાસોચ્છ્‌વાસ વધારે પડતા વપરાઈ જાય છે, એટલે આયુષ્ય ટૂંકું થાય છે.

ફક્ત શારીરિક જ નહીં, પણ ક્રોધને પોતે કાબૂમાં ન લઈ શકે તો વ્યક્તિ નિર્બળ થતો જાય છે અને તેની માનસિક સ્થિતિ પણ બગડતી જાય છે.

ક્રોધ બંધાવે વેર

કોઈ વ્યક્તિ આપણા ધાર્યા પ્રમાણે ન કરે, કે આપણું અપમાન કરે, નુકસાન કરે ત્યારે તેના ઉપર ક્રોધ આવી જાય છે. જેમ કે, નોકરના હાથે કાચના પ્યાલા તૂટી ગયા તો આપણે એની ઉપર ક્રોધ કરી દઈએ, એટલે “એને સીધો કરી નાખ્યો એવો મનમાં સંતોષ તો થઈ જાય. પ્યાલા તો પાછા આવવાના નથી. એટલે પ્યાલા ગયા એ એક નુકસાન, ક્રોધ કરવાથી ક્લેશ ઊભો થયો એ બીજું નુકસાન અને સામાને દુઃખ થાય અને એ આપણી જોડે વેર બાંધે કે “હું ગરીબ છું, તેથી મને આવું કહે છે ને? હું જોઈ લઈશ એ ત્રીજું નુકસાન. એટલે ક્રોધ કરવાથી એક જ વેપારમાં ત્રણ-ત્રણ ખોટ જાય છે.

એક વખત વેર ઊભું થાય પછી એ વેરથી વેર નિરંતર વધ્યા જ કરે. ભવોભવથી આ સંસારમાં ભટકવાનું મુખ્ય કારણ વેર છે. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “વખતે પ્રેમ બંધાય તો બાંધજો, પણ વેર બાંધશો નહીં. કારણ કે પ્રેમ બંધાશે તો તે પ્રેમ એની મેળે જ વેરને ખોદી નાખશે. પ્રેમ તો વેરની કબર ખોદી નાંખે એવો છે. વેરથી તો વેર વધ્યા જ કરે, એવું નિરંતર વધ્યા જ કરે. વેરને લઈને તો આ રઝળપાટ છે બધી!”

ક્રોધના પરિણામે અધોગતિ

ક્રોધ જે પોતાને અને સામાને બેઉને દુઃખ આપે છે, એને રૌદ્રધ્યાન કહ્યું છે. અજ્ઞાનદશામાં ક્રોધ કરીને મનુષ્ય પાપકર્મ બાંધે છે, જેના પરિણામે મનુષ્યમાંથી જાનવરગતિનો બંધ પડે છે. પરમ પૂજ્ય દાદા ભગવાન ક્રોધનું મોટું જોખમ સમજાવે છે.

દાદાશ્રી: “એક ફેરો ક્રોધ કરવાથી આખું છે તે, બે વર્ષમાં કમાયો હોય તે ધૂળધાણી કરી નાખે. ક્રોધ એટલે પ્રગટ અગ્નિ. એને પોતાને ખબર ના પડે કે મેં ધૂળધાણી કરી નાખ્યું. કારણ કે બહારની વસ્તુઓ ઓછી ના થઈ જાય, અંદર બધું ખલાસ થઈ જાય, આવતા ભવની બધી તૈયારી હોય ને, તેમાં થોડું વપરાઈ જાય. અને પછી બહુ વપરાઈ જાય તો શું થાય? અહીં મનુષ્ય હતો, ત્યારે રોટલી ખાતો’તો, પાછો ત્યાં રાડાં (ઘાસ) ખાવા (જાનવરમાં) જવું પડે. આ રોટલીમાંથી રાડાં ખાવા જવું પડે, એ સારું કહેવાય?”

મહાવીર ભગવાનના સમયમાં ચંડકૌશિક નાગની વાત આપણને ક્રોધનું ભયંકર જોખમ સમજાવે છે.

ચંડકૌશિક નાગ

મહાવીર ભગવાનના સમયમાં ચંડકૌશિક નામે એક ભયંકર નાગ હતો. એના આગલા ભવમાં ચંડકૌશિક એક ઋષિ હતા. ઋષિએ ખૂબ આકરી તપશ્ચર્યા કરી હતી. તેથી તેમનો સ્વભાવ બહુ જ અહંકારી અને ક્રોધી હતો. એક દિવસ, તપશ્ચર્યા કર્યા બાદ જંગલમાંથી પાછા ફરતી વખતે, તેમના પગ નીચે દેડકો આવ્યો અને તે મૃત્યુ પામ્યો. ઋષિની સાથે તેમનો એક શિષ્ય પણ ચાલતો હતો. તેણે આ જોયું એટલે ગુરુને સલાહ આપી કે, “મહારાજ, આ દેડકાનું મારવાનું પાપ થયું છે, તે બદલના આપે પસ્તાવા લેવા જોઈએ.” પણ અહંકારના રોફમાં “તું મને કહેનારો કોણ?” એમ કહીને ઋષિએ ક્રોધ કર્યો અને શિષ્યની વાતને ગણકારી નહીં.

anger

સાધુઓમાં ક્રમ હતો કે રોજ રાત્રે આખા દિવસમાં થયેલા પાપો યાદ કરીને તેના પસ્તાવા લેવા. બધા સાધુઓ નિયમ મુજબ પોતાની ભૂલ બદલ માફી માંગતા હતા. ત્યારે ફરીથી પેલા શિષ્યએ ઋષિને દેડકાને મારવા બદલ પસ્તાવા લેવા કહ્યું. એટલે ઋષિ અત્યંત ક્રોધે ભરાયા. અને હાથમાં લાકડી હતી તે શિષ્યને મારવા તેની પાછળ દોડ્યા. રસ્તામાં જ એક થાંભલો હતો. ક્રોધના આવેશમાં ઋષિને એ થાંભલો ન દેખાયો. એમનું માથું તેની સાથે અથડાયું અને તે સ્થળે જ ક્રોધમાં ને ક્રોધમાં ઋષિનું મૃત્યુ થયું. ઋષિએ કઠોર તપસ્યા કરી હતી, તેના ફળરૂપે બીજા ભવમાં તેઓ દેવગતિ પામ્યા. ત્યાર પછી ફરી તેમનો મનુષ્યદેહે એક મુનિ તરીકે જન્મ થયો.

anger

મુનિ પોતાની માલિકીના વિશાળ ખેતરમાં રહેતા હતા. એ ખેતરને તેમણે ખૂબ જતનથી ઉછેર્યું હતું. તેમાં પુષ્કળ ફળો અને ફૂલો રોપ્યા હતા. મુનિને એ ખેતર પ્રત્યે એટલી મમતા હતી કે, કોઈ પણ વ્યક્તિ તેમના ખેતરમાં આવીને નાનકડી ડાળી પણ તોડે તો તેઓ ખૂબ ઉશ્કેરાઈ જતા. એક વખત મુનિ તપશ્ચર્યા કરી રહ્યા હતા. ત્યાં કેટલાક નાના છોકરાઓ ખેતરમાં રમવા માટે આવ્યા. તેઓ ફૂલોને ચૂંટીને મસ્તી કરવા લાગ્યા અને પથ્થર ફેંકીને ફળો તોડવા લાગ્યા. મુનિને ખબર પડી તો તેઓ તરત જ હાથમાં કુહાડી લઈને છોકરાઓને શિક્ષા કરવા દોડ્યા. પણ રસ્તામાં એક ખાડો આવતાં મુનિ લથડિયું ખાઈને જમીન ઉપર પડી ગયા. તેમના હાથમાં જે કુહાડી હતી તે હવામાં ફેંકાઈ અને મુનિના માથે જ પડી. મુનિનું માથું ફાટી ગયું અને ભયંકર યાતનામાં મૃત્યુ થતાં તેમનો ચંડકૌશિક નાગના અવતારમાં જન્મ થયો. ચંડકૌશિક એવો ભયંકર નાગ હતો જે રસ્તે આવતા કોઈને પણ કરડી જતો અને તેના ઝેરથી ત્યાં ને ત્યાં જ મૃત્યુ થઈ જતું.

એક વખત ચંડકૌશિક નાગ જ્યાં રહેતો હતો, તે જ ગાઢ જંગલમાંથી ભગવાન મહાવીર વિહાર કરવા નીકળ્યા. રસ્તામાં ગામના લોકોએ ભગવાનને આ જંગલમાં ના જવા ખૂબ વિનંતી કરી, કારણ કે નાગ તેના રસ્તે આવનાર કોઈને પણ છોડતો નહોતો. પણ ભગવાને તે જ રસ્તે વિહાર કરવાનું શરૂ કર્યું. જ્યારે તેઓ નાગની નજીક આવ્યા ત્યારે તે ખૂબ ક્રોધિત હતો. તે ફેણ મારીને વારેવારે ભગવાનને ડરાવતો હતો, પણ મહાવીર ભગવાન અડગ રહ્યા. એટલે નાગને વધારે ક્રોધ આવ્યો અને એણે પ્રભુના પગના અંગૂઠામાં ડંખ માર્યો. મહાવીર ભગવાન તો તીર્થંકર હતા, એટલે તેમના પગમાંથી લાલને બદલે સફેદ લોહી વહેવા માંડ્યું. ચંડકૌશિકના મુખમાં થોડુંક લોહી ગયું. ભગવાનના પરમાણુ એની અંદર જતાં, ચંડકૌશિકની પરિણતી ફેરફાર થઈ ગઈ. મહાવીર ભગવાનને ઝેરની કોઈ અસર ના થઈ, ઊલટું તેઓ કોઈ પણ હલચલ વિના શાંત અને સ્થિર ઊભા રહ્યા. આ જોઈને નાગને ખૂબ આશ્ચર્ય થયું. તે સ્તબ્ધ થઈને ભગવાનને જોતો રહ્યો. ત્યારે આંખોમાં અત્યંત કરુણા અને પ્રેમથી મહાવીર ભગવાને તેને કહ્યું, “જાગ, જાગ ચંડકૌશિક!! તું શું કરી રહ્યો છે તે અંગે વિચાર!” આ શબ્દો સાંભળીને, ચંડકૌશિક નાગને તરત જ પાછલા બે ભવ યાદ આવી ગયા, એને ખ્યાલ આવ્યો કે પાછલા ભવમાં અત્યંત ક્રોધ કરવાને પરિણામે એની શી દશા થઈ. તે તરત જ શાંત થઈ ગયો. તે ભગવાનના ચરણોમાં નમ્યો અને પોતાના દોષો માટે ખૂબ પસ્તાવો કર્યો. ત્યારથી ચંડકૌશિક નાગે દ્રઢ નિશ્ચય કર્યો કે, “હું કોઈ પણ જીવને કિંચિત્‌માત્ર પણ દુઃખ પહોંચાડીશ નહીં” અને ઝેરી મોઢાને બખોલમાં નાખીને જમીન ઉપર પડ્યો રહ્યો.

જંગલમાં લોકો આવતા, તેમાંથી કેટલાક લોકો “આ નાગે અમારા પરિવારજનોનો જીવ લીધો છે”, એવી ઘૃણાથી એના પર પથ્થર ફેંકતા કે લાકડીથી મારતા. પણ નાગ કોઈને ડંખતો નહીં. બીજી તરફ નાગને મૃત સમજીને કેટલાક લોકો તેની પૂજા કરતા અને તેને પીવા માટે દૂધ મૂકી જતા. નાગની ઉપર લોહી, દૂધ, ઘી વગેરેને કારણે ઘણી બધી કીડીઓ ત્યાં આવીને શરીરને કરડવા લાગી. નાગે તો પણ ધીરજ અને શાંતિથી સમતા રાખી. નાગના બધા પાપકર્મો ક્ષય થયાં અને તેનું મૃત્યુ થતાં તે દેવગતિ પામ્યો.

આ પ્રસંગ આપણને ક્રોધના પરિણામે થતી અધોગતિનું ભયંકર જોખમ સમજાવે છે. ચંડકૌશિક નાગને તો મહાવીર ભગવાનની કરુણાથી પોતાની આ ભૂલ સમજાઈ અને તેનો મુક્તિનો માર્ગ ખુલ્લો થયો. આ કાળમાં જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન પણ આપણને ક્રોધ થઈ ગયા પછી હૃદયપૂર્વકના પસ્તાવા કરી પાછા ફરવાનો માર્ગ દર્શાવે છે.

×
Share on