Related Questions

ક્રોધ કરે એ નિર્બળ કે બળવાન?

જીવન વ્યવહારમાં એવું કહેવાય છે કે અમુક જગ્યાએ તો ક્રોધ કરવાની જરૂર પડે. ક્રોધ ન કરીએ એ તો નિર્બળતા ન કહેવાય? પરંતુ પરમ પૂજ્ય દાદા ભગવાન લૌકિક માન્યતાથી જુદી જ સમજણ અહીં આપે છે કે, “ના, કોઈ એવું કારણ નથી કે ત્યાં ક્રોધ કરવાની જરૂર હોય.” તેઓશ્રી કહે છે કે ક્રોધ એ નિર્બળતા છે. ક્રોધ-માન-માયા-લોભ એ નિર્બળતા જેનામાં ન હોય, એને બળવાન કહેવાય.

મન પણ ન બગડે એ બળવાન!

પ્રશ્નકર્તા: તો પછી મારું કોઈ અપમાન કરે ને હું શાંતિથી બેસું, તો એ નિર્બળતા ના કહેવાય?

anger

દાદાશ્રી: ના. ઓહોહો! અપમાન સહન કરવું, એ તો મહાન બળવાનપણું કહેવાય! અત્યારે અમને કોઈ ગાળો ભાંડે તો અમને કશું જ ના થાય, એને માટે મન પણ ના બગડે, એ જ બળવાનપણું! અને નિર્બળતા તો, આ બધા કચકચ કર્યા જ કરે છે ને, જીવમાત્ર લઢમ્લઢા કર્યા કરે છે, એ બધી નિર્બળતા કહેવાય. એટલે અપમાન શાંતિથી સહન કરવું એ મહાન બળવાનપણું છે અને એવું અપમાન એક જ ફેરો ઓળંગીએ, એક સ્ટેપ ઓળંગે ને, તો સો સ્ટેપ ઓળંગવાની શક્તિ આવે. આપને સમજાયું ને? સામો બળવાન હોય, એની સામે નિર્બળ તો જીવમાત્ર થઈ જ જાય છે, એ તો એનો સ્વભાવિક ગુણ છે. પણ જો નિર્બળ માણસ આપણને છંછેડે તોય એને આપણે કંઈ પણ ન કરીએ ત્યારે એ બળવાનપણું કહેવાય.

ખરી રીતે નિર્બળનું રક્ષણ કરવું જોઈએ ને બળવાનની સામું થવું જોઈએ, પણ આ કળિયુગમાં એવાં મનુષ્યો જ નથી રહ્યાં ને! અત્યારે તો નિર્બળને જ માર માર કરે અને બળવાનથી તો ભાગે. બહુ ઓછાં માણસો છે કે જે નિર્બળની રક્ષા કરે અને બળવાનની સામો થાય. એવાં હોય ત્યારે એને તો ક્ષત્રિય ગુણ કહેવાય. બાકી, જગત આખુંય નબળાને માર માર કરે છે, ઘેર જઈનેય ધણી બાયડી પર શૂરો થઈને બેસે. ખીલે બાંધેલી ગાયને મારીએ તો તે કઈ બાજુ જાય? અને છૂટી મૂકીને મારે તો? નાસી જાય ને, નહીં તો સામી થાય.

ક્રોધ જાય તો

ક્રોધ એ નબળાઈ છે. એ નબળાઈ જેનામાં ન હોય તેની પર્સનાલિટી પડે.

જે લોકો સામાને સુધારવા કે તેને બદલવા ક્રોધનું હથિયાર નથી વાપરતા તેમની પર્સનાલિટી પડે છે. પછી એ વ્યક્તિ સાધારણ સૂચન કરે, તોય બધા એની વાત માની જાય અને એમના કહ્યા પ્રમાણે કરે.

પણ આપણે કોઈને વઢીને સુધારવા જઈએ તો એ આપણી વાત માને જ નહીં. તેનું કારણ જણાવતા પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “માને નહીં, તેનું શું કારણ? તમારી પર્સનાલિટી પડતી નથી. એટલે નબળાઈ ના હોવી જોઈએ, ચારિત્રવાન હોવું જોઈએ. મેન ઑફ પર્સનાલિટી હોવા જોઈએ! લાખો ગુંડાઓ એને જોતાં જ ભાગી જાય! આ તો ચીડિયા માણસથી તો કોઈ ભાગી ના જાય, ઊલટો મારે હઉં! જગત તો નબળાઈને જ મારે ને!

શીલનો પ્રતાપ

ખરો બળવાન હોય તેની પાસે શીલનું હથિયાર હોય છે. જે વ્યક્તિ ક્રોધ કરે તેનાથી લોકો એટલું નથી ડરતા જેટલું ક્રોધ ન કરનારથી ડરે છે. એનું કારણ શું? કુદરતનો નિયમ છે કે જ્યારે ક્રોધ બંધ થઈ જાય ત્યારે પ્રતાપ ઉત્પન્ન થાય છે. પ્રતાપ એટલે ઠંડો તાપ, ચારિત્રનો તાપ.

જેમ હિમ પડ્યો હોય ત્યાં પુષ્કળ ઠંડી પડે છે. એ હિમની ઠંડીથી ઝાડવા બળી જાય છે, કપાસ-ઘાસ બધું જ બળી જાય છે. કારણ કે, હિમમાં લિમિટ કરતા વધારે ઠંડી પડે છે. અગ્નિની ગરમીમાં છોડ બળી જાય, તેવું જ હિમની પુષ્કળ ઠંડીમાં પણ છોડ બળી જાય છે. એ જ પ્રમાણે જો આપણે ક્રોધ કર્યા વગર શાંત થઈને રહીએ, તો એવું શીલ ઉત્પન્ન થાય, જેના પ્રભાવથી કહ્યા વગર જ સામો સુધરી જાય છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન સમજાવે છે કે, ક્રોધની નિર્બળતા સામે સાચું બળવાનપણું ઉત્પન્ન થાય તો તેના પ્રતાપથી જ બધા વશ થઈ જાય.

દાદાશ્રી: મનુષ્ય પોતાની શક્તિ હોવા છતાં સામાને રંજાડે નહીં, પોતાના દુશ્મનને પણ રંજાડે નહીં, એનું નામ બળવાનપણું કહેવાય છે. અત્યારે કોઈ તમારી ઉપર ક્રોધ કરતો હોય ને તમે તેના પર ક્રોધ કરો તો તે બાયલાપણું ના કહેવાય? એટલે મારું શું કહેવાનું કે આ ક્રોધ-માન-માયા-લોભ એ જ બધી નિર્બળતાઓ છે. બળવાન હોય તેને ક્રોધ કરવાની જરૂર જ ક્યાં રહી? પણ આ તો ક્રોધનો જેટલો તાપ છે એ તાપથી પેલાને વશ કરવા જાય છે, પણ જેને ક્રોધ નથી એની પાસે કંઈ હશે ખરું ને? એનું શીલ નામનું જે ચારિત્ર છે, એનાથી જાનવરો પણ વશ થઈ જાય. વાઘ-સિંહ, દુશ્મનો બધાં, આખું લશ્કર બધું વશ થઈ જાય!

×
Share on