Related Questions

ક્રોધ કર્યા વગર બાળકો કઈ રીતે સુધરે?

બધા જ મા-બાપને એમ થતું હોય છે કે છોકરાંને સારા માર્ગે વાળવા મા-બાપની ફરજ પૂરી પાડવી જોઈએ અને એટલે છોકરાંઓ ઉપર ગુસ્સો તો કરવો જ પડે! પણ પરમ પૂજ્ય દાદા ભગવાન આ લૌકિક માન્યતાને સાવ નકારીને સાચી સમજણ આપે છે કે, બાળકો ક્રોધ કરવાથી નહીં પણ પ્રેમથી સુધરે છે.

બાળકો ઉપર ગુસ્સો કર્યા વગર, અકળાયા વગર મા-બાપ કેવી રીતે તેમને પ્રેમથી ઉછેરી શકે, જેથી તેમની આંતરિક શક્તિઓ તૂટવાને બદલે ખીલી ઊઠે, તેની સંપૂર્ણ સમજણ અહીં આપણને મળે છે.

ક્રોધથી ક્યારેય ન સુધરે બાળકો

anger

ખાસ કરીને મા-બાપ તેમના બાળકો ઉપર ભણવા માટે, કામકાજ માટે, તેમનો વ્યવહાર સુધારવા માટે કે પોતાના કહ્યા પ્રમાણે તેઓ કરે એના માટે ક્રોધ કરી દેતા હોય છે. બાળકો સંસ્કારી હોય, વિનયી હોય તો નાના હોય ત્યાં સુધી સાંભળે છે. પછી સમજણા થાય એટલે તેઓ મા-બાપની સામે થાય છે. આજકાલની જનરેશનમાં તો ખાસ આવું થાય છે. એમને સુધારવાનું તો બાજુએ રહ્યું, ઊલટું ઘરમાં ક્લેશનું વાતાવરણ ઊભું થઈ જાય છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન તાર્કિક રીતે નીચે સમજાવે છે, કે જો ગુસ્સો કરવાથી બાળકો સુધારતા હોય તો ગુસ્સો કરો. પણ જો એ ઊલટા વધારે જીદ્દી થતા હોય તો ગુસ્સો બંધ રાખવો જોઈએ.

પ્રશ્નકર્તા: આ ઘરના છોકરાઓ ઉપર ક્રોધ થાય છે તો શું કરવું?

દાદાશ્રી: અણસમજણથી ક્રોધ થાય છે. એને આપણે પૂછીએ કે તને બહુ મજા આવી હતી? ત્યારે કહે, મને બહુ ખરાબ લાગ્યું મહીં, મહીં બહુ દુઃખ થતું હતું. એને દુઃખ થાય, આપણને દુઃખ થાય! છોકરા ઉપર ચિડાવાની જરૂર જ ક્યાં રહી પછી? અને ચિડાવાથી સુધરતા હોય, તો ચિડાવું. રિઝલ્ટ સારું આવતું હોય, તો ચિડાયેલા કામનું, રિઝલ્ટ જ ના સારું આવતું હોય તો ચિડાવાનો શો અર્થ છે! ક્રોધ કરવાથી ફાયદો થતો હોય તો કરજે અને ફાયદો ના થતો હોય તો ક્રોધ વગર એમ ને એમ ચલાવી લેજે ને!

પ્રશ્નકર્તા: આપણે ક્રોધ ના કરીએ તો એ આપણું સાંભળે જ નહીં, ખાય જ નહીં.

દાદાશ્રી: ક્રોધ કર્યા પછીય ક્યાં સાંભળે છે?

ક્રોધ કરવા કરતા સમજાવીને કહેવું

નાના બાળકો પોતાનું કહ્યું માને નહીં, ખાવા માટે, કપડાં પહેરવા માટે, રમકડાં માટે જીદ કરે ત્યારે મા-બાપ એમના ઉપર ગુસ્સે થઈ જતા હોય છે. એટલું જ નહીં, બાળકોને મનમાં ભય પેસી જાય છે કે મમ્મી-પપ્પા વઢશે, એટલે તેઓ મોટા થાય અને બહાર કોઈ ખોટું કામ કરીને આવે તોય ઘરમાં કહેતા નથી. ક્રોધથી કહેવા કરતા નાનપણથી જ બાળકોને સમજાવીને કહીએ તો તેમનો વ્યવહાર સુધરે અને બાળકો મોટા થયા પછી મા-બાપના ભયને કારણે કોઈ વાત છુપાવે નહીં.

પરમ પૂજ્ય દાદા ભગવાન પાસે ઘણા માતા-પિતા આવીને પ્રશ્ન પૂછતાં અને છોકરાંઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તેની પ્રેક્ટિકલ સમજણ મેળવતા હતા. તેવી જ કેટલીક સમજણ અહીં આપી છે.

દાદાશ્રી: આપણે અહીં વઢવાનું બિલકુલ નહીં ને? વઢવાથી માણસ ચોખ્ખું કહે નહીં ને પછી કપટ કરે. આ બધા કપટ તેથી ઊભાં થયાં છે જગતમાં! વઢવાની જરૂર નથી જગતમાં. છોકરો સિનેમા જોઈને આજે આવ્યો હોય અને આપણે તેને વઢીએ તો બીજે દા'ડે બીજું કંઈ કહીને, મારી સ્કૂલમાં કંઈક હતું તેમ કરીને સિનેમા જોઈ આવે! જેના ઘરમાં મા કડક હોય તેના છોકરાને વ્યવહાર ના આવડે.

પ્રશ્નકર્તા: બહુ પેપ્સી પીએ, બહુ કોક પીએ, ચોકલેટ બહુ ખાય ત્યારે વઢું.

દાદાશ્રી: તે વઢવાની શી જરૂર, એને સમજણ પાડીએ કે બહુ ખાવાથી નુકસાન થશે. તને કોણ વઢે છે? આ તો ઉપરીપણાનો અહંકાર છે ખોટો. 'મા' થઈને બેઠાં મોટાં!! મા થતાં આવડતું નથી અને છોકરાને વઢ-વઢ કર્યા કરે આખો દહાડોય! એ તો સાસુ વઢતી હોય ને ત્યારે ખબર પડે. છોકરાને વઢવાનું કોઈને સારું લાગતું હોય! છોકરાનેય મનમાં એમ થાય કે આ સાસુ કરતાંય ભૂંડી છે. એટલે વઢવાનું બંધ કરી દે છોકરાને. ધીમે રહીને સમજણ પાડવી કે આ ના ખવાય, શરીર તારું બગડશે અમથું.

એ ખોટું કરતો હોય, તો એને ધીબ ધીબ કરવાનો ના હોય. ખોટું કરતો હોય અને એને ધીબ ધીબ કરીએ તો શું થાય? એક જણ તો લૂગડાં ધુએ એમ ધોતો'તો. અલ્યા મૂઆ! બાપ થઈને આ છોકરાની આ દશા શું કરે છે? છોકરો મનમાં શું નક્કી કરે છે તે જાણો છો તે ઘડીએ? સહન ના થાય ને, તે કહે, 'મોટો થઉં એટલે તમને મારું, જોઈ લો.' મહીં નિયાણું કરી નાખે એ! પછી એને માર માર જ કરે રોજ મોટો થઈને પછી!

મારવાથી જગત ના સુધરે, વઢવાથી કે ચિઢાવાથી કોઈ સુધરે નહીં. કરી બતાવવાથી સુધરે છે. જેટલું બોલ્યા તેટલું ગાંડપણ.

બાળકો સાથે ફ્રેન્ડલી વ્યવહાર રાખવો

anger

પરમ પૂજ્ય દાદા ભગવાન સમજાવે છે કે, બાળકો સાથે તમે ફ્રેન્ડશીપ કરશો તો સુધરશે. બાકી ફાધર-મધર તરીકે રોફ પાડવા જાઓ એ બધું જોખમ છે. ફ્રેન્ડ અવળું કરતો હોય તો આપણે એને ક્યાં સુધી સમજાવીએ? એ માને ત્યાં સુધી. પણ ના માને તો આપણે “તારી મરજી” એમ કહીને છોડી દઈએ. ફ્રેન્ડને રીસ ચડે એવું આપણે બોલતા નથી. તેમ બાળકો ના માને તો તેમને ક્રોધ કરીને મનાવવા કરતા મિત્રની જેમ કહેવું જોઈએ.

વ્યવહારમાં ભલે આપણે મા-બાપ તરીકે ફરજ બજાવવાની હોય, પણ અંદરખાને નક્કી કરીએ કે આપણે બાળકો સાથે બાળક જેવા થઈને રહેવું છે, એક મિત્રની જેમ રહેવું છે, તો તેમની સાથે ફ્રેન્ડલી વ્યવહાર કરવો સરળ બનશે. જ્યારે બહાર ગમે તેટલું ફ્રેન્ડલી થવા જઈશું, પણ અંદર જો માનતા હોઈશું કે “હું પેરન્ટ છું, મારે કહેવું જ પડે.” તો બાળકોને મા-બાપ પાસેથી ફ્રેન્ડલી વ્યવહારનો પડઘો નહીં પડે.

હેન્ડલ વિથ કેર!

મા-બાપને એમ થાય છે કે પોતે બાળકોના હિત માટે જ ગુસ્સો કરે છે. પણ મા-બાપને ખ્યાલ નથી આવતો કે પોતે છોકરાંઓના મોહથી વશ થઈને, એમને સુધારવાના પ્રયત્નોમાં નાની-નાની બાબતોમાં જાણ્યે-અજાણ્યે કચકચ કરી મૂકે છે.

આજકાલ બાળકોના મન નબળાં પડી ગયા છે, તેમની સહનશક્તિ પણ ઓછી થઈ ગઈ છે. બાળકો સમજણા થાય પછી ગમે તેવા સારા આશયથી એમના પર ક્રોધ કરીએ તો પણ એમના અહંકારને ઠેસ વાગે છે. એમની ઉપર વાતેવાતે ક્રોધ કરીએ એટલે છેવટે મોટા થાય પછી કંટાળીને રિએક્ટ થાય છે અને ક્રોધ કરેલો નકામો જાય છે. એટલે બાળકો સાથે સમજાવીને, અટાવી-પટાવીને અને પ્રેમથી વ્યવહાર કરીએ એ જ ઉત્તમ છે.

સત્તાવાહી સૂર ના છેડવો

મા-બાપને એમ જ લાગતું હોય કે બાળકો જ્યારે ભૂલ કરે ત્યારે એમને કડક થઈને ટકોર તો કરવી જ પડે! તેવા સમયે બાળકો સાથે કેવી રીતે વાત કરવી તે પરમ પૂજ્ય દાદા ભગવાન સમજાવે છે.

બાળકો કોઈ ખોટું કામ કરે ત્યારે ક્રોધ કરવાને બદલે મા-બાપે પ્રેમથી તેમને પૂછવું જોઈએ કે, “તું આ બધું કરે છે તો એ તને ઠીક લાગે છે? તે વિચારીને કર્યું હતું?” એમ પ્રેમથી પૂછે તો તેઓ સામેથી કહેશે કે, “ના, મને ઠીક નથી લાગતું.” પછી શાંતિથી સમજણ પાડવી કે “તો શા માટે નકામું આપણે આવું કરીએ?”

મા-બાપ આમ શાંતિથી વાત કરે તો બાળકો પણ સમજે. કારણ કે, ખોટું થયું છે એની તેમને પોતાને પણ સમજ પડે જ છે. પણ જો મા-બાપ ગુસ્સામાં આવીને એમ કહે કે, “મૂર્ખ, નાલાયક, આવું તો કરાતું હશે?” તો ઊલટું બાળકો પણ પકડ પકડે કે, “હવે તો આવું જ કરીશ, જાઓ!”

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “સામાનો અહંકાર ઊભો જ ના થાય. સત્તાવાહી અવાજ અમારો ના હોય. એટલે સત્તા ના હોવી જોઈએ. છોકરાને તમે કહો ને તો સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ.”

નાના બાળકોને ગમે તેમ કહીએ, તેમના ઉપર ક્રોધ કરીએ પછી તેઓ મોટા થાય ત્યારે શું અવળા પરિણામ આવી શકે છે તે પરમ પૂજ્ય દાદાશ્રી નીચે સમજાવે છે.

પ્રશ્નકર્તા: સંસારમાં રહ્યા પછી કેટલીક જવાબદારીઓ બજાવવી પડે છે અને જવાબદારીઓ અદા કરવી એ એક ધર્મ છે. એ ધર્મ બજાવતાં કારણે કે અકારણે કટુ વચન બોલવાં પડે, તો એ પાપ કે દોષ છે?

દાદાશ્રી: એવું છે ને, કડવું વચન બોલીએ તે ઘડીએ આપણું મોઢું કેવું થઈ જાય? ગુલાબના ફૂલ જેવું, નહીં? આપણું મોઢું બગડે તો જાણવું કે પાપ લાગ્યું. આપણું મોઢું બગડે એવી વાણી નીકળી ત્યાં જ જાણવું કે પાપ લાગ્યું. કડવા વચન ના બોલાય, ધીમે રહીને આસ્તે રહીને બોલો. થોડાં વાક્યો બોલો પણ આસ્તે રહીને સમજીને કહો, પ્રેમ રાખો, એક દહાડો જીતી શકશો. કડવાશથી જીતી નહીં શકો. પણ એ સામો થશે ને અવળાં પરિણામ બાંધશે. એ છોકરો અવળાં પરિણામ બાંધે. 'અત્યારે તો નાની ઉંમરનો છું તે મને આવું ટૈડકાવે છે. મોટી ઉંમરનો થઈશ એટલે આપીશ.' એવા પરિણામ મહીં બાંધે. માટે આવું ના કરો, એને સમજાવો. એક દહાડો પ્રેમ જીતશે. બે દહાડામાં જ એનું ફળ નહીં આવે. દશ દહાડે, પંદર દહાડે, મહિના સુધી પ્રેમ રાખ્યા કરો. જુઓ, આ પ્રેમનું શું ફળ આવે એ તો જુઓ.

બાળકો જ્યારે મોટા અને સમજણવાળા થઈ જાય પછી, પેરન્ટ્સ એવી ફરિયાદ કરતા હોય છે કે એમને વારેવારે કહેવા છતાં તેઓ સાંભળતા નથી, વાત જ નથી માનતા ત્યારે શું કરવું? એમને કેવી રીતે સમજાવવા?

તેની માટે પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “આપણું બોલેલું ફળતું ના હોય તો આપણે બંધ થઈ જવું જોઈએ. આપણે મૂર્ખ છીએ, આપણને બોલતાં નથી આવડતું, માટે બંધ થઈ જવું જોઈએ. આપણું બોલેલું ફળે નહીં અને ઊલટું આપણું મન બગડે, આપણો આત્મા બગડે. આવું કોણ કરે તે?”

પ્રેમથી સુધરે બાળકો

anger

આજકાલ મા-બાપ વધુ પડતા ઇમોશનલ થઈને લાગણી બતાવે તેને પ્રેમ કહે છે. ત્યારે પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને ખરો પ્રેમ કેવો હોય તેની સમજણ આપે છે.

દાદાશ્રી: આ જગતને સુધારવાનો રસ્તો જ પ્રેમ છે. જગત જેને પ્રેમ કહે છે તે પ્રેમ નથી, તે તો આસક્તિ છે. આ બેબી પર પ્રેમ કરો, પણ તે પ્યાલો ફોડે તો પ્રેમ રહે? ત્યારે તો ચિડાય. માટે એ આસક્તિ છે. છોકરાં પ્રેમ ખોળે છે, પણ પ્રેમ તેમને મળતો નથી. એટલે પછી એમની મુશ્કેલી એ જ જાણે, કહેવાય નહીં ને સહેવાય નહીં. આજના જુવાનિયાંઓ માટેનો રસ્તો અમારી પાસે છે. આ વહાણનું સુકાન કઈ રીતે લેવું તે અમને મહીંથી જ રસ્તો મળે છે. મારી પાસે પ્રેમ એવો ઉત્પન્ન થયો છે કે જે વધે નહીં ને ઘટે પણ નહીં. વધઘટ થાય તેને આસક્તિ કહેવાય. જે વધઘટ ના થાય તે પરમાત્મ પ્રેમ છે. એટલે ગમે તે માણસ વશ થઈ જાય. મારે કોઈને વશ કરવા નથી, છતાં પ્રેમને સહુ કોઈ વશ રહ્યા કરે છે. જેને સાચો પ્રેમ કહેવામાં આવે છે ને, એ જોવા નહીં મળે. પ્રેમ જગતે જોયો નથી. કો'ક ફેરો જ્ઞાની પુરુષ કે ભગવાન હોય ત્યારે પ્રેમ દેખે. પ્રેમમાં વધઘટ ના હોય, અનાસક્તિ હોય. એ જ પ્રેમ, એ જ્ઞાનીઓનો પ્રેમ એ જ પરમાત્મા છે.

પરમ પૂજ્ય દાદાશ્રી કહેતા કે,“છોકરાંને તો મારશો જ નહીં. કોઈ ભૂલચૂક થાય ને, સમજણ પાડવાની જરૂર અને ધીમે રહીને માથે હાથ ફેરવી અને સમજણ પાડવાની જરૂર. પ્રેમ આપે ત્યારે છોકરું ડાહ્યું થાય.”

ભાવ પ્રતિક્રમણ અને પ્રાર્થનાનો ઉપાય

આપણી ઈચ્છા ન હોવા છતાં બાળકો ઉપર ક્રોધ થઈ જાય તો તે જ ઘડીએ પ્રતિક્રમણ કરીને પાછા ફરવું જોઈએ. બાળકની અંદર બેઠેલા આત્માને યાદ કરીને દિલથી તેની માફી માંગવી જોઈએ કે, “મેં બહુ ક્રોધ કરીને દુઃખ આપી દીધું તેનો પસ્તાવો કરું છું. હૃદયથી માફી માંગું છું. મને માફ કરો. અને ફરી આવી ભૂલ ના કરું તેવી શક્તિ આપો.” આમ માફી માંગવાથી તરત બાળકોને તેની અસર પહોંચે છે.

બીજો ઉપાય છે, આપણે બાળકો માટે ભાવ કર્યા કરવા કે એમની બુધ્ધિ સવળી થાઓ. બાળકો રાતોરાત સુધરે કે ના પણ સુધરે, પણ મા-બાપે આ ભાવના કર્યા કરવી. બહુ લાંબા સમયની ભાવનાથી બાળકોને અસર પડ્યા વગર રહેતી નથી. આપણે પકડ પકડીશું તો એ વધારે અવળા ચાલશે.

×
Share on