સંસાર વ્યવહારમાં ક્યાં સ્પર્ધા નથી? ઘરમાં, કુટુંબમાં, પૈસા કમાવા માટે, નોકરી-ધંધામાં કે સમાજ, દેશ અને ધર્મમાં પણ સ્પર્ધા હોય છે.
સ્પર્ધાની શરૂઆત બાળપણથી જ થાય છે. નાનપણમાં બે બાળકો એક રમકડાં માટે લડતા હોય. બેઉને હોય કે મને વધારે રમકડાં મળે, સારું રમકડું મને મળે. બાળકોમાં સ્કૂલમાં ભણવાને લઈને કે પહેલો નંબર લાવવા માટે સ્પર્ધા થાય. નહીં તોય મા-બાપ બાળકને કહેશે, “તું સાતમો નંબર લાવ્યો? આનો પહેલો નંબર આવ્યો, શીખ એની પાસેથી કશું!” બાળકો પણ સતત બીજા સાથે સરખામણીને પરિણામે ગૂંગળાય.
યુવાનોમાં પણ સ્પર્ધા થતી હોય. એ કોલેજમાં બાઈક પર કે કારમાં આવે છે અને હું સાઈકલ પર કે બસમાં. પછી સામોય મનમાં આંટી વાળે કે હું પણ મોટો થઈને કમાઈશ, ને ગાડી લઈશ! કેટલાક યુવાનોમાં તો વિપરીત સ્પર્ધા પણ થતી હોય છે. છોકરાઓ કહેશે, મેં આટલી ગર્લફ્રેન્ડ ફેરવી, તારી એક પણ નથી? અને છોકરીઓ પણ કહેશે, મેં આટલા બોયફ્રેન્ડ બનાવ્યા, તારો કોઈ બોયફ્રેન્ડ નથી?
પરણીને આવે એટલે પત્નીને દેરાણી કે જેઠાણી સાથે સ્પર્ધા થાય, કે કેમ કરીને ઘરમાં મારું મહત્ત્વ વધે! પત્નીને એવું જ હોય કે મારી રસોઈ સૌથી સારી. એમાં કોઈ પતિ આવીને બીજાની રસોઈના વખાણ કરે તો કહે, “જાઓ એમના ઘરે, એ જ જમાડશે!” પછી પતિનું આવી જ બને. પતિ ઘરમાં દેરાણી કે જેઠાણીને વધારે મહત્ત્વ આપે તો પત્ની તેની જેવા થવાનો પ્રયત્ન કરવા લાગે. પુરુષોમાં કે ભાઈ-ભાઈમાં પૈસા કમાવા માટે સ્પર્ધા હોય. પિતા મોટા દીકરાને વધારે મહત્ત્વ આપતા હોય, નાના દીકરાને ઓછું આપે તો નાના દીકરાને અંદર બળતરા થાય. હું પણ પિતાને ખુશ રાખું, એમનો ફેવરિટ થઉં એવી સ્પર્ધા થાય.
સાસુ-વહુમાં પણ સ્પર્ધા ચાલે. વહુ રસોઈ બનાવે તો સાસુ એમાં ભૂલ કાઢે ને કહે, “આવું બનાવે છે? મારા દીકરાને આ ભાવતું નથી.” પછી વહુ પણ સામે થાય કે “હું પાંચ વર્ષથી તમારા દીકરાને જમાડું છું, તમે આજે આવ્યા!” બંનેની રહેણીકરણી અને રીતભાતને લઈને એકબીજા સાથે સ્પર્ધા ચાલ્યા જ કરતી હોય. બહાર નહીં તો મનમાં ખીટપીટ ચાલુ જ હોય.
પતિ-પત્નીમાં પણ સ્પર્ધા થતી હોય. પત્નીને થાય કે ઘર તો હું જ સાચવું છું, પતિને તો કશું સમજાતું જ નથી. કોઈ પૂછે તો પત્ની કહે, “જવા દો ને! એ તો આળસુ છે, એમને વ્યવહાર આવડતો જ નથી. બધું મારે જ કરવું પડે છે.” પરણીને આવે પછી પત્ની કહે, “મારા પિયરમાં તો આટલી બધી ગાડીઓ છે, આટલા નોકરો છે.” જ્યારે પતિ કહે કે “અમારા કુટુંબના સંસ્કાર બહુ ઊંચા છે! ક્યાંય જોવા ના મળે.” પત્ની ભણેલી-ગણેલી ને હોશિયાર હોય, પતિ કરતા વધારે કમાતી હોય તો પતિથી એ સહન ના થાય અને પત્નીનું વાતે વાતે અપમાન કરી નાખે. મૂળમાં એના કરતા હું સુપિરિયર છું અને એ મારા કરતા ઇન્ફિરિયર છે એ સાબિત કરવું અહંકારને ગમે. પતિ-પત્ની પાર્ટીમાં ગયા હોય ત્યાં પત્ની મિલનસાર હોય, એટલે બધામાં સરસ રીતે ભળી જતી હોય અને પતિ અતડો હોય તો કોઈ એને પૂછે પણ નહીં. એટલે ઘરે પાછા ફરતાં પતિ કહે, “તું પેલા સાથે આમ હસીને કેમ બોલતી હતી?” કચકચ ચાલુ થઈ જાય. પતિ પણ કોઈ બીજી બહેન સાથે હસી હસીને વાત કરતો હોય તો શંકાના માર્યા પત્નીને ઈર્ષ્યા થાય.
કુટુંબમાં લગ્ન પ્રસંગમાં તો ભારે સ્પર્ધા જોવા મળે. એણે તેર કરોડનો ખર્ચ કર્યો, હું એકવીસ કરોડનો ખર્ચ કરીશ. મહેમાનોને ફોરેન લઈ જઈને ડેસ્ટીનેશન વેડિંગ કરીશ. એણે જમવામાં એકાવન ડીશ રાખી હતી, હું એકસો એક રાખીશ. એની ડીશનો ભાવ બે હજારનો હતો, તો હું પાંચ હજારની રાખીશ. પછી ભલેને જમવાનું બધું કચરાપેટીમાં જતું. બહેનોમાં પણ ચાલે કે આણે દોઢ લાખની સાડી પહેરી, હું બે લાખની પહેરીશ. દેરાણીએ દોઢ લાખનું પર્સ લીધું, હું અઢી લાખનું લઈશ, એ પણ બ્રાન્ડેડ! દેખાડો કરવા કરોડો પૈસા વેડફાઈ જાય અને અંતે ગટરમાં જાય!
રાજ્યો અને દેશો વચ્ચે પણ સત્તા, લશ્કર, વિકાસ, નાણાં વગેરેની બાબતમાં સ્પર્ધા ચાલતી હોય. એક દેશમાં ત્રણ એકર જમીનમાં એકસો આઠ માળનું બિલ્ડીંગ બંધાયું તો બીજો દેશ અગિયાર એકર જમીનમાં એના કરતાં ઊંચું બિલ્ડીંગ બંધાવે. પણ કોઈ દેશ લાંબો સમય મહાસત્તા બનીને નથી રહેતો.
નોકરી કે ધંધામાં પૈસા કમાવા માટે સ્પર્ધા ચાલ્યા જ કરતી હોય છે. ધંધામાં મિલમાલિકો હોય તો એમાં સ્પર્ધા ચાલે કે આની તો બે મિલ છે, આપણે આ ત્રીજી નવી નાખી. એને ત્યાં બે હજાર માણસો કામ કરે છે, આપણે ત્યાં ચાર હજાર છે એટલે આપણો ધંધો મોટો! પ્રોડક્શનમાં આપણી ફેક્ટરી વધારે આગળ છે. વર્ષનું ટર્નઓવર પણ બીજી કંપનીઓ કરતાં વધારે છે. એટલે આ ધંધામાં આપણી કંપનીનો પહેલો નંબર આવે! પણ આ નંબર કાયમ નથી રહેતો. આજે એક કંપની આગળ હોય, તો અમુક વર્ષો પછી બીજી કંપની આગળ આવે.
નિયમથી સમાન ધંધામાં કે સરખા હોદ્દાની નોકરીમાં સ્પર્ધા થાય. શેરબજારનો ધંધો કરનારને શેરબજારવાળા સાથે સ્પર્ધા થાય, લાકડાંના પીઠાવાળા જોડે સ્પર્ધા ના થાય. તે જ રીતે, શિક્ષકને શિક્ષક સાથે સ્પર્ધા થાય, પ્રાઈમ મિનિસ્ટર સાથે ના થાય. એટલે પોતાનાથી બહુ આગળ હોય ત્યાં સ્પર્ધા ના થાય અને પોતાનાથી પાછળ હોય ત્યાં ના થાય.
નોકરીમાં પણ સાથે કામ કરનારા સાથે સ્પર્ધા થાય. આમ જોઈએ તો નોકરીમાં પ્રમોશન મેળવવાની આશામાં જ બધા આગળ વધતા હોય. એકબીજાને પાછળ પાડવા માટે, બોસને રીઝવવા માટે કેટલાય પ્રયત્નો કરે ત્યારે જઈને પ્રમોશન થાય. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “જ્યાં ઉપરી હોય ને, ત્યાં સ્પર્ધા હોય જ!” પગારમાં પણ સ્પર્ધા થાય. બીજાનો પગાર પચીસ હજારનો હોય અને પોતાનો સાઈઠ હજારનો હોય તો થાય, “આપણને તો સાઈઠ હજારનો પગાર છે, એનો પચીસ હજારનો છે, એટલે આપણને વાંધો નહીં!“ અને પોતાની જોડેવાળાનો પોતાનાથી વધારે પગાર હોય ત્યાં થાય, “અમે સરખું કામ કરીએ છીએ, તોય આને વધારે પગાર કેમ?“ એટલે સ્પર્ધા ચાલે.
પરમ પૂજ્ય દાદાશ્રી પોતે કોન્ટ્રાક્ટનો ધંધો કરતા હતા. તેઓશ્રી ધંધાની બાબતમાં સ્પર્ધાનું તારણ કાઢીને બેઠા હતા, જે આપણને તેમની જ વાણીમાં અહીં મળે છે.
દાદાશ્રી: પૈસાનો તો મેં હિસાબ કાઢ્યો. મેં કહ્યું, 'આ પૈસા આપણે વધાર વધાર કરીએ તો કેટલા સુધી જશે?' પછી હિસાબ કાઢ્યો કે અહીં આગળ કોઈનો નંબર પહેલો લાગ્યો નથી આ દુનિયામાં. લોકો કહે છે કે 'ફોર્ડનો પહેલો નંબર છે.' પણ તો ચાર વર્ષ પછી કો'ક બીજાનું નામ સંભળાતું હોય. એટલે કોઈનો નંબર ટકતો નથી, વગર કામના અહીં દોડધામ કરીએ, આનો શો અર્થ? પહેલા ઘોડાને ઈનામ હોય, બીજાને થોડુંક આપે ને ત્રીજાને આપે. ચોથાને ફીણ કાઢી કાઢીને મરી જવાનું? મેં કહ્યું, 'આ રેસકોર્સમાં હું ક્યાં ઊતરું?' તે આ લોકો તો ચોથો, પાંચમો કે બારમો, સોમો નંબર આપે ને! તે અલ્યા શું કરવા, ફીણ કાઢીએ આપણે! ફીણ ના નીકળે પછી? પહેલો આવવા દોડ્યો અને આવ્યો બારમો, ચાયે ના પાય પછી. તમને કેમ લાગે છે?
પ્રશ્નકર્તા: બરોબર છે.
દાદાશ્રી: એટલે આ બધું ગણિત કાઢી નાખેલું. દાદાનું ગણિત! બહુ સુંદર ગણિત છે. આ મેથેમેટિક્સ એટલું બધું સુંદર છે. પેલા એક સાહેબ તો કહેતા'તા કે આ દાદાનું ગણિત જાણવા જેવું છે.
દોડ, દોડ, દોડ પણ શેના સારુ? નંબર લાગવાનો હોય તો હેંડ, ચાલ, દેહનું જે થવાનું હોય તે થાય, પણ આ તો નંબરેય નહીં, ઈનામેય નહીં, કશુંય નહીં ને ફીણ તો પાર વગરનાં. ના કશામાં ઘસાયો, આમાં જ દોડ, દોડ, દોડ! બધે નીરસ થઈ ગયેલો પાછો, ખાવામાંય રસ-બસ નહીં!
ધર્મમાં પણ ઘણીવાર સ્પર્ધા પગપેસારો કરી મૂકે છે. જેમ કે, મેં આટલા ઉપવાસ કર્યા, મારે આટલા શિષ્યો, મેં આટલા મંદિર બંધાવ્યા વગેરે. જે ક્રિયાનો હેતુ બાહ્ય તપ કરીને આંતરિક ઉપયોગ ધર્મમાં વાળવાનો હતો, તે જ ક્રિયા માટે સ્પર્ધા થતાં ધર્મ તો દૂર, રાગ-દ્વેષ ઊભા થાય છે. ઘરના બે છોકરાંઓનો ત્યાગ કર્યો અને ધર્મમાં શિષ્યો ગ્રહણ કર્યા, પણ કષાયો તો ચાલુ જ રહ્યા!
એક ગુરુના બે શિષ્યો વચ્ચે પણ સ્પર્ધા થાય છે. ગુરુ એક શિષ્ય ઉપર વધારે રાજી હોય, તો બીજા શિષ્યને એના માટે ભાવ બગડે, તેજોદ્વેષ ઊભો થાય. આખો દિવસ એનું ધ્યાન ગુરુના ગમતા શિષ્ય ઉપર રહ્યા કરે, એની એકાદ ભૂલ થઈ હોય તો એનો ધજાગરો ઉડાવે. પછી જો પોતે આશ્રમમાંથી બહાર સત્તામાં આવે તો વર્ષો પછી પણ વેર વાળે. ધર્મમાં વાદ-વિવાદ કે ધાર્મિક ચર્ચાઓમાં પણ એક જીતે ને બાકીના હારે. પછી હારેલા મનમાં આંટી રાખે અને પેલો સકંજામાં આવે તો એને પછાડે!
ફક્ત એક સંપૂર્ણ જ્ઞાની જ એવા હોય કે જે સ્પર્ધામાં ના ઊતરે અને એમનાથી કોઈને સ્પર્ધા ના થાય. સ્પર્ધાથી અલિપ્ત હોય એ જ ખરા જ્ઞાની!
Q. સ્પર્ધા એટલે શું? તે કયા કારણે થાય છે?
A. પરમ પૂજ્ય દાદા ભગવાન સ્પર્ધાને રેસકોર્સ, એટલે કે ઘોડદોડ સાથે સરખાવે છે. તેઓશ્રીની નીચેની વાત સૌને... Read More
Q. સ્પર્ધાથી શું નુકસાન થાય છે?
A. સ્પર્ધા એ સંસારનું વિટામીન છે. એ આપણને સંસારમાં ખૂંપાવી નાખે છે. દરેક જગ્યાએ પોતાને વધારે લાભ મળે એ... Read More
Q. કોઈને આપણા માટે સ્પર્ધા થાય તો શું કરવું?
A. સ્પર્ધામાં જ્યારે સામી વ્યક્તિને આપણા માટે સરખામણી ઊભી થાય કે “આની પાસે વધારે, મારી પાસે ઓછું”,... Read More
Q. સ્પર્ધામાંથી કઈ રીતે બહાર આવવું?
A. સાચી સમજણ કેળવવી સ્પર્ધા એ અણસમજણનું પરિણામ છે. તેની સામે સાચી સમજણ ગોઠવવાથી સ્પર્ધા થતી... Read More
subscribe your email for our latest news and events