Related Questions

મારે ધંધો કેટલો વધારવો જોઈએ?

પ્રશ્નકર્તા: હવે ધંધો કેટલો વધારવો જોઈએ?

Business

દાદાશ્રી: ધંધો એટલો કરવો કે નિરાંતે ઊંઘ આવે, જ્યારે આપણે ખસેડવા ધારીએ ત્યારે એ ખસેડી શકાય એવું હોવું જોઈએ. જે આવતી ના હોય તે ઉપાધિને બોલાવવાની નહીં.

આ ઘરાક અને વેપારી વચ્ચે સંબંધ તો હોય ને? અને એ સંબંધ વેપારી દુકાન બંધ કરે તો છૂટો થઈ જાય? ના થાય. ઘરાક તો યાદ કરે કે, 'આ વેપારીએ મને આમ કરેલું, આવો ખરાબ માલ આપેલો' લોક તો વેર યાદ રાખે, તે પછી આ ભવમાં દુકાન તમે બંધ કરી હોય, પણ એ આવતે ભવે તમને છોડે? ના છોડે, એ તો વેર વાળીને જ જંપે. એથી જ ભગવાને કહેલું કે, 'કોઈ પણ રસ્તે વેર છોડો.' અમારા એક ઓળખાણવાળા રૂપિયા ઉધાર લઈ ગયેલા, પછી પાછા આપવા જ ના આવ્યા. તે અમે સમજી ગયા કે આ વેરથી બંધાયેલું હશે, તે ભલે લઈ ગયો અને ઉપરથી અમે તેને કહ્યું કે, 'તું હવે અમને રૂપિયા પાછા ના આપીશ. તને છૂટ છે.' આ પૈસા જતા કરીનેય વેર ભંગાતું હોય તો ભાંગો. જે તે રસ્તે પણ વેર છોડો, નહીં તો એક માણસ જોડેનું વેર ભટકાવશે.

લાખ લાખ રૂપિયા જાય તોય અમે જવા દઈએ. કારણ કે, રૂપિયા જવાના છે ને અમે રહેવાના છીએ. ગમે તે હોય પણ અમે કષાય ના થવા દઈએ. લાખ રૂપિયા ગયા તો એમાં શું કહેવાનું? આપણે છીએ અને આ તો ધૂળધાણી!

આ બધી જ બાબત જુદી પાડીએ. ધંધામાં ખોટ જાય તો કહીએ કે ધંધાને ખોટ ગઈ, કારણ કે આપણે નફા-ખોટના માલિક નથી, માટે ખોટ આપણે શા માટે માથે લઈએ? આપણને નફો-ખોટ સ્પર્શતા નથી. અને જો ખોટ ગઈ ને ઈન્કમટેક્ષવાળો આવે, તો ધંધાને કહીએ કે, 'હે ધંધા! તારી પાસે ચૂકવાય એવું હોય તો આમને ચૂકવી દે, તારે ચૂકવવાના છે.'

અમને કોઈ પૂછે કે, 'આ સાલ ખોટમાં ગયા છો?' તો અમે કહીએ કે, 'ના ભાઈ, અમે ખોટમાં ગયા નથી, ધંધાને ખોટ ગઈ છે!' અને નફો થાય ત્યારે કહીએ કે, 'ધંધાને નફો થયો છે.' અમારે નફો-તોટો હોય જ નહીં.

×
Share on