Related Questions

શું મારે ઉધાર પૈસા આપવા જોઈએ?

પ્રશ્નકર્તા: કોઈ માણસે આપણને રૂપિયા આપવાના હોય, આપણે એને આપ્યા હોય એ આપણે એની પાસેથી પાછા લેવાના હોય, અને એ ના આપે, તો એ વખતે આપણે પાછા લેવા માટે પ્રયત્ન કરવો કે પછી આપણું દેવું ચૂકતે થયું, એમ સમજીને સંતોષ માનીને બેસી રહેવું?

દાદાશ્રી: એમ નહીં, માણસ સારા હોય તો પ્રયત્ન કરવો ને નબળો માણસ હોય તો પ્રયત્ન છોડી દેવો.

પ્રશ્નકર્તા: પ્રયત્ન કરવો અથવા તો એમ કે ભઈ, આપણને આપવાના હશે તો ઘેર બેઠા આપી જશે અને જો ના આવે તો સમજી લેવાનું કે આપણું દેવું ચૂકતે થયું એમ માની લેવાનું?

દાદાશ્રી: ના, ના એટલું બધું ના માનવું. આપણે સ્વાભાવિક રીતે પ્રયત્ન કરવો જોઈએ. આપણે એને કહેવું જોઈએ કે, 'અમને જરા પૈસાની ભીડ છે, જો આપની પાસે છૂટ થઈ હોય તો અમને મોકલી આપજો.' એવી રીતે વિનયથી, વિવેકથી કહેવું જોઈએ અને ના આવે તો પછી આપણે જાણવું કે આપણો કોઈ હિસાબ હશે તો ચૂકતે થઈ ગયો. પણ આપણે પ્રયત્ન જ ના કરીએ તો એ આપણને મૂરખ માને અને એ ઊંધે રસ્તે ચઢે.

આ સંસાર તો બધું પઝલ છે. આમાં માણસ માર ખાઈ ખાઈને મરી જાય! અનંત અવતારથી માર ખા ખા કર્યો અને છૂટકારાનો વખત આવે ત્યારે પોતે છૂટકારો ના કરી લે. પછી ફરી છૂટકારાનો આવો વખત જ ના આવે ને! અને છૂટેલો હોય તો જ છોડાવડાવે, બંધાયેલો આપણને શું છોડાવડાવે? છૂટેલા હોય એનું મહત્ત્વ છે. આપણને એક દહાડો વિચાર આવે કે 'આ પૈસા નહીં આપે તો શું થશે.' એ આપણું મન પછી નબળું પડતું જાય. એટલે આપણે આપ્યા પછી નક્કી કરવું કે દરિયાની અંદર કાળી ચીંથરી બાંધીને મૂકીએ છીએ, પછી આશા રખાય? તો આપતા પહેલા જ આશા રાખ્યા વગર જ આપો, નહીં તો આપવા નહીં.

money

એવું છે ને, કે આપણે કો'કના લીધા હોય, દીધા હોય, લેવા-દેવાનું તો જગતમાં કરવું જ પડે ને! એટલે અમુક માણસને કંઈક રૂપિયા આપ્યા હોય તો તે કો'કના પાછા ના આવે તો એના માટે મનમાં કકળાટ થયા કરે કે, 'એ ક્યારે આપશે, ક્યારે આપશે.' તો આનો ક્યારે પાર આવે?

અમારેય એવું બનેલું ને! પૈસા પાછા ના આવે એની ફિકર તો અમે પહેલેથી નહોતા રાખતા. પણ સાધારણ ટકોર મારીએ, એને કહી જોઈએ ખરા. અમે એક માણસને પાંચસો રૂપિયા આપેલા. આપ્યા તે તો ચોપડે લખવાના ના હોય, તે ચિઠ્ઠીમાંય સહી કશું ના હોય ને! તે પછી એને વર્ષ-દોઢ વર્ષ થયું હશે. મનેય કોઈ દહાડો સાંભરેલું નહીં. એક દહાડો પેલા ભાઈ ભેગા થઈ ગયા, મને યાદ આવ્યું. પછી મેં કહ્યું કે, 'પેલા પાંચસો રૂપિયા મોકલી આપજો.' ત્યારે એ કહે છે કે, 'શેના પાંચસો?' મેં કહ્યું કે, 'તમે મારી પાસેથી લઈ ગયા હતા ને, તે.' ત્યારે એ કહે કે, 'તમે મને ક્યાં ધીરેલા? તમને રૂપિયા તો મેં ધીરેલા, એ તમે ભૂલી ગયા છો?' ત્યારે હું તરત સમજી ગયો. પછી મેં કહ્યું કે, 'હા, મને યાદ આવે છે ખરું, માટે કાલે આવીને લઈ જજો.' પછી બીજે દહાડે રૂપિયા આપી દીધા. એ માણસ અહીં ચોંટે કે તમે મારા રૂપિયા નથી આપતા તો શું કરો? આ બનેલા દાખલાઓ છે.

એટલે આ જગતને શી રીતે પહોંચી વળાય? આપણે કોઈને આપ્યા હોય ને, તે આ દરિયામાં કાળી ચીંથરી બાંધીને મહીં મૂક્યા પછી આશા રાખવી એના જેવી મૂર્ખાઈ છે. વખતે આવ્યા તો જમે કરી લેવા ને તે દહાડો એને ચા-પાણી પાવા કે, 'ભઈ, તમારું ઋણ માનવું પડે કે તમે રૂપિયા પાછા આવીને આપી ગયા, નહીં તો આ કાળમાં રૂપિયા પાછા આવે નહીં. તમે આપી ગયા તે અજાયબી જ કહેવાય.' એ કહે કે, 'વ્યાજ નહીં મળે.' તો કહીએ, 'મૂડી લાવ્યો એ જ ઘણું છે ને!' સમજાય છે? આવું જગત છે. લાવ્યો છે તેને પાછા આપવાનું દુઃખ છે, ધીરે છે તેને પાછા લેવાનું દુઃખ છે. હવે, આમાં કોણ સુખી? અને છે 'વ્યવસ્થિત'! નથી આપતો તેય 'વ્યવસ્થિત' છે, અને ડબલ આપ્યા તેય 'વ્યવસ્થિત' છે.

×
Share on