ખરું બ્રહ્મચર્ય એને કહેવાય કે, જે તમને મોક્ષ પ્રાપ્તિમાં મદદરૂપ થાય.
જો તમે ધ્યેય વિના ચાલશો તો પછી તમે ક્યાં પહોંચશો કે શેના માટે ત્યાં જાઓ છો, તે તમને ખબર નહીં પડે. પરંતુ, જો તમે મનમાં ધ્યેય નક્કી કરીને ચાલશો તો, તમે ત્યાં અચૂક પહોંચશો જ. ખરેખર તો બ્રહ્મચર્ય એ સમજીને પાળવા જેવું છે. બ્રહ્મચર્યનું ફળ જો મોક્ષ ના મળતું હોય એ બ્રહ્મચર્ય બધું ખસી કર્યા જેવું જ છે. છતાં એનાથી શરીર સારું થાય, મજબૂત થાય, દેખાવડા થાય, વધારે જીવે! પણ એ અંતિમ ધ્યેય નથી.
પરમ પૂજ્ય દાદાશ્રી બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું તે વિશે પ્રત્યક્ષ માર્ગદર્શન આપે છે:
પ્રશ્નકર્તા: લગ્ન કરવાની ઈચ્છા જ નથી થતી મને.
દાદાશ્રી: એમ? તો લગ્ન કર્યા વગર ચાલશે?
પ્રશ્નકર્તા: હા, મારે તો બ્રહ્મચર્યની જ ભાવના છે. એને માટે કશી શક્તિ આપો, સમજણ પાડો.
દાદાશ્રી: એના માટે ભાવના કરવી પડે. તારે રોજ બોલવું કે, 'હે દાદા ભગવાન! મને બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આપો!' અને પેલો વિષયનો વિચાર ઉત્પન્ન થતા જ કાઢી નાખવો. નહીં તો એનું બીજ પડે. એ બીજ બે દહાડા થાય તો તો મારી જ નાખે પછી. ફરી ઊગે, એટલે વિચાર ઊગતાં જ ઉખાડીને ફેંકી દેવો અને કોઈ સ્ત્રી પ્રત્યે દ્રષ્ટિ ના માંડવી. દ્રષ્ટિ ખેંચાય તો ખસેડી લેવી ને દાદાને યાદ કરી માફી માંગવી. આ વિષય આરાધવા જેવો જ નથી એવો ભાવ નિરંતર રહે, એટલે પછી ખેતર ચોખ્ખું થઈ જાય. અને અત્યારેય અમારી નિશ્રામાં રહે તો એનું બધું પૂરું થઈ જાય.
જેને બ્રહ્મચર્ય જ પાળવું છે, એણે તો સંયમને બહુ રીતે ચકાસી જોવો, તાવી જોવો ને જો લપસી પડાય તેવું લાગે તો પૈણવું સારું. છતાં પણ તે કંટ્રોલપૂર્વકનું હોવું જોઈએ. પૈણનારીને કહી દેવું પડે કે મારે આવું કંટ્રોલપૂર્વકનું છે.
જેમને બ્રહ્મચર્ય પાળવાની ભાવના છે, તેમને પરમ પૂજ્ય દાદા ભગવાને નીચેની પ્રાર્થના કરવાની (બોલવાની) સૂચના આપી છે.
"હે દાદા ભગવાન! મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે, સ્ત્રી, પ્રુરુષ અગર નપુંસક, ગમે તે લિંગધારી હોય, તો તેના સંબંધી કિંચિંતમાત્ર પણ વિષય-વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો, ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો.”
આ ભાવના (પ્રાર્થના) કરીને આપણે દ્રઢ નિશ્ચય કરીએ છીએ કે આપણે બ્રહ્મચર્ય પાળવા માટેની, વિષયમાં સુખ છે તે માન્યતાનો નાશ કરવાની અને વિષયની ઈચ્છાઓ ભવિષ્યમાં ફરી ઊભી જ ના થાય તે માટેની શક્તિઓ માંગીએ છીએ.
અબ્રહ્મચર્યનાં વિચારો આવે, પણ બ્રહ્મચર્યની શક્તિઓ માંગ માંગ કરે, એ બહુ ઊંચી વાત છે. બ્રહ્મચર્યની શક્તિઓ માંગ માંગ કરે એટલે કોઈને બે વર્ષે, કોઈને પાંચ વર્ષે પણ એવો ઉદય આવી જાય. જેણે બ્રહ્મચર્ય જીત્યું એણે આખું જગત જીત્યું. બ્રહ્મચર્યવાળા પર તો શાસન દેવ-દેવીઓ ખૂબ રાજી રહે.
વિષયમાંથી બહાર નીકળવા માટે તમારે આ ચાર (પગથિયાં) સ્ટેપનો ઉપયોગ કરવો પડશે:
સ્ટેપ-1: તમારો અભિપ્રાય 100% બદલાવો
વિષય એ સારી વસ્તુ છે અથવા વિષયમાં સુખ છે, એવો તમારો અભિપ્રાય બદલાવો. તમારો અભિપ્રાય 100% બદલાવો. તમારો અભિપ્રાય એવો હોવો જોઈએ કે ‘વિષય એ 100% ખોટી વસ્તુ છે, મારે મન-વચન-કાયાથી કોઈ પણ રીતે વિષય ભોગવવો નથી.’
સ્ટેપ-2: વિષયમાં કઈ રીતે સુખ નથી તેનું પૃથક્કરણ કરો
વિષયમાં કઈ રીતે સુખ નથી તેનું પૃથક્કરણ કરવા માટે, વિષયના જોખમોનું અને બ્રહ્મચર્યના ફાયદાઓનું લિસ્ટ બનાવો.
i) વિષય એ તમારા માટે આધ્યાત્મિક, માનસિક, શારીરિક, ધાર્મિક, આર્થિક કે સામાજિક કઈ રીતે નુકશાનકારક છે તેનું લિસ્ટ બનાવો. તમારે આ બધી વસ્તુઓનો અભ્યાસ કરવો પડશે: આ કઈ રીતે ખોટું છે? કઈ રીતે નુકશાનકારક છે?
ii) બ્રહ્મચર્ય પાળવાના ફાયદાઓનું લિસ્ટ બનાવો: એ કેવી રીતે ફાયદાકારક છે?
સ્ટેપ-3: કોઈ પણ પ્રકારનાં વિષયમાં પ્રવૃત્ત થયા હોવ તો તેની માફી માંગો
જ્યારે તમે એક કે બીજા પ્રકારે વિષયમાં વિચારથી, વાણીથી કે પછી વર્તનથી પડો, તો તે વિષયમાં પડવાની માફી માંગો, ‘હે દાદા ભગવાન મને માફ કરો.’ વિષયમાંથી સંપૂર્ણપણે બહાર નીકળવાની શક્તિ માંગો, ‘હે દાદા ભગવાન, મને બધા જ પ્રકારના વિષયમાંથી બહાર નીકળવાની શક્તિ આપો. મારે તેમાં કોઈ પણ રીતે પડવું નથી.’
સ્ટેપ-4: વિષયની ભૂલોનું રક્ષણ ના કરો
જો કોઈ કહે કે, તમે જે વિષય કરો છો તે ખોટું છે, તો તેમની સામે દલીલ ના કરો અને એમ કહીને તમારી ભૂલનું રક્ષણ ના કરો કે, ’મારી ભૂલો ના બતાવો, તમારી પોતાની ભૂલોને જુઓ.’ આવું કરીને તમે તમારી ભૂલોનું રક્ષણ કરો છો અને સામી વ્યક્તિ પર દોષારોપણ કરો છો. તમારે આવું ના કરવું જોઈએ. તેના બદલે, તમારે સ્વીકાર કરવો જોઈએ કે, ‘આ મારી નબળાઈ છે અને મારે તેમાંથી બહાર નીકળવું છે.’ જો તમે તમારી ભૂલોનું રક્ષણ કરશો, તો તે ભૂલને એની મેળે જ વીસ વર્ષનું આયુષ્ય મળી જશે. તમારે ભૂલોનું રક્ષણ ન કરવું જોઈએ. તેના બદલે તમારે એ સ્વીકાર કરવો જોઈએ કે, ‘આ મારી ભૂલ છે, મારે આ ભૂલ ના કરવી જોઈએ.’
ધારો કે, તમે આઈસક્રીમ ખાધા પછી, એક કપ ખાંડવાળી ચા પીવો છો, ત્યારે તમે જ બોલી ઊઠશો કે, ‘આ ચા મોળી લાગે છે, જાણે તેમાં ખાંડ જ નથી!’ તમે તે જાણતા હોવા છતાં કે ચાની અંદર ખાંડ છે, એવું કેવી રીતે શક્ય છે કે તેમાં એક પણ દાણો ખાંડ નથી? કારણ કે, તમે આઈસક્રીમ ખાધો કે જેમાં એક કપ ચા કરતા વધુ ખાંડ છે, તેથી ચાની ખાંડનો ટેસ્ટ સ્વાદ નથી આવતો. એવું જ અબ્રહ્મચર્યનું છે. એકવાર તમે વિષયમાંથી મળતા સુખ કરતા વધુ સુખ અનુભવશો પછી (આ જગતમાં) કોઈ પણ એવી વ્યક્તિ કે વસ્તુ એવી રહેતી નથી કે જે બ્રહ્મચર્ય પાળવાનો નિશ્ચય ડગાવી શકે. પણ, આવું કઈ રીતે શક્ય છે? જ્ઞાનવિધિ દ્વારા પોતાના શુદ્ધાત્માના જ (સ્વસુખ) અનંત સુખનો અનુભવ કરીને, વિષયમાં સુખ છે તે માન્યતાને તોડી નાખશો, તેમાં શંકાને સ્થાન નથી.
પ્રશ્નકર્તા: ક્યારેક એવા સંજોગો ઊભા થાય છે કે હું શારિરીક આકર્ષણ, અને વિકારી વિચારોમાં તન્મયાકાર થઈ જાઉ છું (તન્મયાકાર કરી દે છે), ત્યારે મારે શું કરવું?
દાદાશ્રી: મારો જે પ્રયોગ કરેલો હતો, એ પ્રયોગ જ વાપરવાનો. અમારે એ પ્રયોગ નિરંતર ગોઠવાયેલો જ હોય, તે અમને જ્ઞાન થતા પહેલાય જાગૃતિ રહેતી હતી. આમ સુંદર કપડાં પહેર્યાં હોય, બે હજારની સાડી પહેરી હોય, તોય જોતાની સાથે જ તરત જાગૃતિ ઊભી થાય, તે નેકેડ દેખાય. પછી બીજી જાગૃતિ ઉત્પન્ન થાય, તે ચામડી વગરનું દેખાય અને ત્રીજી જાગૃતિ પછી પેટ કાપી નાખે તો મહીં આંતરડાં દેખાય, આંતરડાંમાં શો ફેરફાર થાય છે એ બધું દેખાય. લોહીની નસો મહીં દેખાય, સંડાસ દેખાય, આમ બધો ગંદવાડો દેખાય. પછી વિષય ઊભો થાય જ નહીં ને! આમાંથી આત્મા ચોખ્ખી વસ્તુ છે, ત્યાં આગળ જઈને અમારી દ્રષ્ટિ અટકે, પછી શી રીતે મોહ થાય?
Q. મારે બ્રહ્મચર્ય શા માટે પાળવું જોઈએ? મારે બ્રહ્મચારી તરીકેનું જીવન શા માટે પસંદ કરવું જોઈએ?
A. એક રાજાને જીત્યો હોય તો દળ, પૂર ને અધિકાર બધું આપણને મળી જાય. એનું લશ્કર બધું જ મળી જાય. લશ્કર... Read More
Q. વિકારી વૃત્તિઓને કેવી રીતે કાબૂ કરવી?
A. જેવી આપણી અંદર વિષયની ઈચ્છાઓ અને વૃત્તિઓ ઊભી થાય એટલે બહુ ઝડપથી આપણે તેમાંથી બહાર નીકળવાના ઉપાયો... Read More
Q. વિકારી આકર્ષણ શાના કારણે થાય છે ?
A. જો તમારે કંઈ પણ વસ્તુ થતી અટકાવવી હોય, જેમ કે, કોઈ વસ્તુની ઈફેક્ટ, તો તેના મૂળ એટલે કે તેના કારણો... Read More
Q. વિષય અને વિષયવિકારી આકર્ષણને બંધ કરવામાં મદદરૂપ બને એ માટે વિષય-વિકારનું વિશ્લેષણ.
A. વિષય-વિકારમાં આકર્ષણ કરનારા માધ્યમો (દાખલા તરીકે વ્યક્તિ, વિચારો, શરીરના અંગો, વગેરે)ની કિંમત... Read More
Q. સંબંધોમાં વફાદારીની વ્યાખ્યા શું છે? સંબંધમાં વફાદાર કેવી રીતે રહેવું?
A. કળિયુગમાં એક ફક્ત ગૃહસ્થીને વિકાર કેટલો ઘટે કે એની સ્ત્રી પૂરતો જ. ગૃહસ્થધર્મ છે એટલે એની સ્ત્રી... Read More
Q. સંબંધોમાં થતા ક્લેશને અટકાવામાં, બ્રહ્મચર્ય કેવી રીતે મદદરૂપ થઈ શકે?
A. ઋષિમુનિઓને પછી લઢવાડ-બઢવાડ કશું નહીં, મિત્રાચારી. બાબો-બેબી ઉછેરે, મિત્રાચારીને પેઠ! અને આમને આ... Read More
Q. શું પરણેલા લોકો માટે બ્રહ્મચર્ય પાળવું અને બ્રહ્મચારી જીવન જીવવું શક્ય છે?
A. બ્રહ્મચર્ય પાળવું એ આ કળિયુગમાં દુષ્કર ગણાય છે. છતાં પ્રગટ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન પોતે... Read More
Q. લગ્નજીવનમાં થતા અણહક્કના વિષય અને વ્યભિચારનું શું પરિણામ આવે છે?
A. પતિ-પત્નીને કુદરતે એક્સેપ્ટ કરેલું છે. તેમાં જો કદી વિશેષભાવ ના થાય તો વાંધો નહીં. કુદરતે એટલું... Read More
Q. થ્રી વિઝન - બ્રહ્મચર્યમાં કેવી રીતે રહેવું, તે માટેની અંતિમ ચાવી
A. જે ક્ષણે તમારી દ્રષ્ટિ કોઈના ઉપર પડે તે જ ક્ષણે આકર્ષણની ચિનગારી પ્રગટે છે, આ ચિનગારી આગળ વધે તે... Read More
Q. શું બ્રહ્મચર્ય પાળવાના કોઈ નિયમો હોય છે?
A. બ્રહ્મચર્યની ભાવના જાગૃત થવી, તેમજ તેના માટેનો નિશ્ચય દૃઢ થવો, તે માટેનું પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનું... Read More
Q. હસ્તમૈથુનની આદતને કેવી રીતે બંધ કરી શકાય?
A. હસ્તમૈથુન... એક એવી ખરાબ આદત કે જેમાંથી કઈ રીતે છૂટી શકાય, એ માટે તમે વિચારણા કરી હશે. કદાચ એટલે જ... Read More
subscribe your email for our latest news and events