Related Questions

હસ્તમૈથુનની આદતને કેવી રીતે બંધ કરી શકાય?

હસ્તમૈથુન... એક એવી ખરાબ આદત કે જેમાંથી કઈ રીતે છૂટી શકાય, એ માટે તમે વિચારણા કરી હશે. કદાચ એટલે જ તમે અહીં આવ્યા હશો. ઘણા લોકોને એવું લાગતું હશે કે આમાંથી ક્યારેય છૂટી શકાશે નહીં. પણ ખરેખર એવું નથી. જો આપણે આમાંથી બહાર નીકળવું હોય તો, આના માટેની સાચી સમજણ મળી જાય તો ચોક્કસ આમાંથી બહાર નીકળી શકાશે. પરમ પૂજ્ય દાદા ભગવાને આના ઉપર ખૂબ સુંદર સ્પષ્ટતા વ્યક્ત કરી છે. આ આદતમાંથી બહાર નીકળવા આપણે એના કારણો, પરિણામો અને ઉપાયો વિશેની સમજણ પ્રાપ્ત કરવી ખૂબ અગત્યની છે.

તો ચાલો, સૌપ્રથમ આપણે હસ્તમૈથુનના કારણો વિશે ચર્ચા કરીએ. કોઈ પણ વસ્તુને અટકાવવા સૌપ્રથમ તેના કારણો જાણવા ખૂબ જરૂરી છે. ઉદાહરણ તરીકે, જો ઘરમાંથી પાણી ટપકતું હોય તો જાણવું પડે કે પાણી ક્યાંથી આવે છે? કઈ રીતે આવે છે? પછી જ એને બંધ કરી શકાય. આ જાણ્યા વગર પાણી ખાલી કરવા જઈએ તો થાકી જઈશું.

હસ્તમૈથુનના કારણો

  • હસ્તમૈથુન માટે રહેલી સુખની માન્યતા

હસ્તમૈથુનનું સૌથી મોટું કારણ તો એ જ છે કે એમાં સુખ માનેલુ છે. પણ જો ખરેખર એમાં સુખ હોય તો પછી કેમ હસ્તમૈથુન પછી તમે પસ્તાવાની લાગણી અનુભવો છો? શું કામ તમે એકદમ નિર્બળ અને નિસ્તેજ થઈ જાવ છો? એના વિશે ક્યારેય વિચાર્યું છે? ખરેખર જો આના પર વિચારણા કરવામાં આવે, તો પણ સમજી શકાય કે ખરેખર આમાં સુખ છે જ નહીં. ફક્ત લોકસંજ્ઞા અને કાલ્પનિક માન્યતાના આધારે માની લીધું છે કે સુખ છે. અને એના આધારે જ થોડા સમય પછી મન ફરી વાર ત્યાં જ લઈ જાય છે. ત્યારે આપણે મનને મક્કમતાથી નથી કહી શકતા કે આમાં સુખ નથી. આપણે એક નોકરની જેમ મનરૂપી શેઠના કહ્યા પ્રમાણે ફરી એ જ કીચડમાં પડીએ છીએ... છે ને આ નવાઈની વાત!!! 

  • આકર્ષણ અથવા વિષયી વિચારોમાં તન્મયાકાર

હસ્તમૈથુન તરફ લઈ જનારું બીજું મહત્ત્વનું કારણ આકર્ષણ છે. કોઈ સ્ત્રીના વિષયી ફોટો, વિષયી વિડીયો કે પ્રત્યક્ષ જોવાથી, એનું ધ્યાન કરવાથી આકર્ષણ ઊભું થાય. આકર્ષણમાં તન્મયાકાર થવાથી વિષયી વિચાર આવે. વિચાર આવવાથી મનમાં એકદમ વિષયી મંથન થાય. અને વિષયી મંથન થવાથી સ્ખલન થવાનું જ. આકર્ષણ થયું એટલે વિચાર આવે. કોઈ વખત એવું પણ બને કે આકર્ષણ થયા વગર વિચાર આવે. વિષયનો વિચાર આવ્યો એટલે મનમાં એકદમ મંથન થાય અને સહેજ પણ મંથન થાય એટલે સાર (વીર્ય) બધો મરી જાય, પછી એ અંદર મરેલું પડી રહેશે. પછી બધું ભેગું થાય ત્યાર પછી બહાર નીકળે. ત્યારે એને તો એમ જ થાય કે આજે મને ડિસ્ચાર્જ થઈ ગયું. ડિસ્ચાર્જ તો મહીં થતું હતું જ, મહીં થઈ જ રહ્યું હતું. એ ટીપે ટીપે ડિસ્ચાર્જ થયા કરે. બસ, તન્મયાકાર એટલે જ મંથન. વિચાર આવ્યો ને તન્મયાકાર થયો કે મહીં સ્ખલન થઈ જાય છે.

  • કલ્પનાઓ અને ચિંતવનોને લીધે

ઘણી વાર વિષયની કલ્પનાઓ કરીને, આપણે આ ખાડામાં પડતા હોઈએ છીએ. જેમ કે, કોઈક સ્ત્રીનો ફોટો પડી ગયો હોય, કોઈ ખરાબ ફિલ્મો જોઈ હોય અથવા તો ક્યારેક માત્ર કલ્પનાની વ્યક્તિ ઊભી કરીને એના માટે વિષયના ચિંતવનો અને કલ્પનાઓ કરતા હોઈએ છીએ. પછી કલ્પનાનું થીએટર ચાલુ કરીએ છીએ કે આમ થાય, પછી આમ થાય તો કેવી મજા આવે, એવું કલ્પનાનું આખું પિક્ચર જોઈએ અને આ કલ્પના આપણને અંતે હસ્તમૈથુન કરાવડાવે છે.

હસ્તમૈથુન દોષના ખરાબ પરિણામો

  • હસ્તમૈથુનના દોષને લીધે થતું શારીરિક અને માનસિક નુકસાન

બહુ હસ્તમૈથુન કરવાથી વિકનેસ આવી જાય. કારણ કે, બધો ખોરાક જે ખાવ છો, પીવો છો, શ્વાસ લો છો, એ બધાનું પરિણામ થતું, થતું, થતું એનું... જેમ આ દૂધનું દહીં કરીએ, એ દહીં એ છેલ્લું પરિણામ નથી. દહીંનું વળી પાછું એ થતા થતા પાછું માખણ થાય, માખણનું ઘી થાય, ઘી એ છેલ્લું પરિણામ છે. એવું આમાં લોહીની સાત ધાતુઓ કહે છે ને? એમાંથી એકમાંથી હાડકાં થાય, એકમાંથી માંસ થાય, એમાંથી પછી છેવટે છેલ્લામાં છેલ્લું વીર્ય થાય. છેલ્લી દશા વીર્ય થાય. વીર્ય એ પુદ્ગલસાર કહેવાય! હવે જો વિષયી વિચાર આવ્યો અને તેને પોષણ આપ્યું, તો વીર્ય મડદાલ થઈ ગયું. એટલે કોઈ પણ રસ્તે ડિસ્ચાર્જ થઈ જાય છે. ખૂબ હસ્તમૈથુન થયા કરે તો દેહબળ ના રહે, મનોબળ ખલાસ થઈ જાય બધું અને બુદ્ધિ બળેય ખલાસ થઈ જાય, અહંકાર પણ ઢીલો થઈ જાય.

  • અંતે તો હસ્તમૈથુનથી દુઃખ જ મળે છે

નિયમ એવો છે કે શરીરમાંથી જેટલું સુખ લેવા જશો એ એટલું જ દુઃખ આપીને જશે. જ્યારે હસ્તમૈથુન કરે ત્યારે માનેલું ક્ષણિક સુખ મળી ગયા જેવું લાગે, પણ તે થયા પછી તરત જ મહીં ખેદ અને ભોગવટાની લાગણી અનુભવે છે. તદુપરાંત, હસ્તમૈથુન થયા પછી એકદમ નિર્માલ્ય અથવા શક્તિહીન થયાની અનુભૂતિ થાય છે, જે ખરેખર સુખ નથી. અને જો હસ્તમૈથુન ખૂબ વધુ પ્રમાણમાં કરવામાં આવે તો તે ઘણા રોગોને નિમંત્રણ પણ આપે છે.

  • કરોડો જીવોની હિંસા થાય છે, અને એની જોખમદારી પણ આવે છે

જેને આંતરિક સુખ હોય, તે હસ્તમૈથુન કરે જ નહીં. આ તો આંતરિક દુઃખને લઈને હસ્તમૈથુન કરે છે. જ્ઞાનીની દ્રષ્ટિએ જુએ તો એમાં તદ્દન દુઃખ જ છે. એક વખતના હસ્તમૈથુનમાં કરોડો જીવોની હિંસા થાય છે. અને આ બધા જીવો વેર બાંધે છે. પણ ક્ષણિક સુખની માન્યતાના આધારે આવા જોખમ સમજાતા નથી.

  • કલ્પના કરવી એ મોટું જોખમ

હસ્તમૈથુન માટે જે કંઈ પણ કલ્પનાઓ કરે છે, એ આવતા ભવનું બીજ નાખે છે. જે વ્યક્તિઓ માટે કલ્પના કરી હોય અથવા વિષય માટેની ચિતરામણ કરી હોય એની સાથે હિસાબ બંધાય છે અને એની સાથે એક ભવ કાઢવો પડે છે. એટલે આ બહુ મોટું જોખમ છે.

હસ્તમૈથુનના દોષમાંથી નીકળવાના ઉપાયો

  • હસ્તમૈથુનને પ્રેરિત કરતા પરિબળોથી દૂર રહેવું

સૌ પ્રથમ તો વિષયને ઉત્તેજિત કરનારા સાધનો જેવા કે ખરાબ ફિલ્મો, વિષયી ફોટાઓ અને કુસંગથી દુર રહેવું, જેથી કરીને આમાંથી વહેલી તકે બહાર નીકળી શકાય.

  • બે પાંદડે ઉખેડી નાખવા હસ્તમૈથુનના વિચારોને

હસ્તમૈથુન માટેના વિચાર આવે ત્યારે જ બે પાંદડે ઉખેડીને ફેંકી દેવા જોઈએ. સહેજ પણ આકર્ષણ થાય ત્યાં વિરોધ દાખવવો અને ખૂબ માફી માંગવી. આવી ભૂલને એક વખત અહંકારે કરીને પણ ખલાસ કરી નાખવું જોઈએ કે આવું કરવું જ નથી.

  • કલ્પનાની લિંક તોડી નાખવી

વિષય માટેની કલ્પના ચાલુ થાય ત્યારે જ, જો શરૂઆતના સ્ટેજમાં એની લિંક તોડી નાખવામાં આવે તો પછી કલ્પનાનું થીએટર આગળ વધતું નથી.

  • મનને ડાયવર્ટ કરવું

જ્યારે હસ્તમૈથુનની ઈચ્છા ઉત્પન્ન થાય ત્યારે મનને બીજા કામકાજમાં કે કોઈ ગમતી પ્રવૃત્તિ/બાબતમાં ડાયવર્ટ કરી નાખવું, જેથી હસ્તમૈથુનની ઈચ્છાને ટાળી શકાય.

  • એકાંત ટાળવું

હસ્તમૈથુનમાંથી બહાર નીકળવા માટે, જે વખતે એના વિચારો આવે ત્યારે સંજોગો બદલી નાખવા અથવા એકાંત ટાળવું અતિ આવશ્યક છે, આવું થતા હસ્તમૈથુન કરવાના વિચારો અટકી જશે.

  • કરો દૃઢ નિશ્ચય

હસ્તમૈથુનમાંથી નીકળવું હોય તો નક્કીપણું એટલે કે દ્રઢ નિશ્ચય હોવો જરૂરી છે. ભલે એકાદ-બેવાર ભૂલ થઈ જાય, પણ જો એનું નક્કીપણું મક્કમ હોય તો એને સંજોગો પણ યારી આપશે. અને ધીરે ધીરે એમાંથી બહાર નીકળી જશે.

  • માફી માગવી દોષોની

હસ્તમૈથુનને કારણે થયેલ જીવહિંસાની તથા જે વ્યક્તિ માટે કલ્પના કરી હસ્તમૈથુન કર્યું હોય, તેની અંદર બેઠેલા ભગવાન પાસે ખરા દિલથી માફી માગવી અને ફરી આવું ક્યારેય ના થાય એવો દૃઢ નિશ્ચય કરવો જોઈએ.

  • માગીએ શક્તિ ભગવાન પાસે

હસ્તમૈથુનના દોષો જો થયા કરતા હોય તો તેની સામે, સાચા દિલથી ભગવાનને યાદ કરીને એમની પાસે શક્તિઓ માંગી શકાય કે, 'હે ભગવાન! હું નિશ્ચય મજબૂત કરું છું, મને નિશ્ચય મજબૂત કરવાની શક્તિ આપો.' પરમ પૂજ્ય દાદા ભગવાને આના માટે એક પ્રાર્થના આપી છે કે જે દરરોજ કરવાથી આ ભૂલમાંથી બહાર નીકળી શકાય છે.

હે દાદા ભગવાન! મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે, સ્ત્રી-પુરુષ અગર નપુંસક, ગમે તે લિંગધારી હોય, તો તેના સંબંધી કિંચિતમાત્ર પણ વિષય-વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ, વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.” 

  • આત્મસુખ સામે બધા સુખ લાગે ફિક્કા

વિષયના સુખની ભ્રામક માન્યતા લોકસંજ્ઞાથી સજ્જડ થઈ છે. જો આત્મજ્ઞાન મળી જાય તો પછી આ વિષયી સુખોની જરૂર રહેતી નથી. જેમ જલેબી ખાધા પછી ચા ફિક્કી લાગે છે. એમ જ્ઞાનીઓ, તીર્થંકરોએ જગતને આત્મસુખ ચખાડિયું છે, તેની સામે વિષય સુખ મોળા લાગે છે. એટલે એક વખત જો આત્માના સુખનો અનુભવ થાય તો પછી આ વિષયના સુખોની ઈચ્છા રહેતી નથી.  

આત્માના સુખનો અનુભવ કોણ કરાવી શકે? જેમણે આત્માનું અનંત સુખ અનુભવ્યું હોય એવા આત્મજ્ઞાની જ આત્માનું જ્ઞાન પમાડી શકે. આ કાળમાં આત્મજ્ઞાની પૂજ્યશ્રી દીપકભાઈ થકી આવું આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે એમ છે. આપણે પણ એમની જેમ આત્માના સુખનો અનુભવ કરી શકીએ એમ છીએ. અને જો આવું સુખ પ્રાપ્ત થઈ જાય તો પછી આવા વિષયના કલ્પિત સુખોની ફસામણમાંથી સહેલાઈથી બહાર નીકળી શકાશે.

Related Questions
  1. બ્રહ્મચર્ય પાળવું એટલે શું? બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું?
  2. મારે બ્રહ્મચર્ય શા માટે પાળવું જોઈએ? મારે બ્રહ્મચારી તરીકેનું જીવન શા માટે પસંદ કરવું જોઈએ?
  3. વિકારી વૃત્તિઓને કેવી રીતે કાબૂ કરવી?
  4. વિકારી આકર્ષણ શાના કારણે થાય છે ?
  5. વિષય અને વિષયવિકારી આકર્ષણને બંધ કરવામાં મદદરૂપ બને એ માટે વિષય-વિકારનું વિશ્લેષણ.
  6. સંબંધોમાં વફાદારીની વ્યાખ્યા શું છે? સંબંધમાં વફાદાર કેવી રીતે રહેવું?
  7. સંબંધોમાં થતા ક્લેશને અટકાવામાં, બ્રહ્મચર્ય કેવી રીતે મદદરૂપ થઈ શકે?
  8. શું પરણેલા લોકો માટે બ્રહ્મચર્ય પાળવું અને બ્રહ્મચારી જીવન જીવવું શક્ય છે?
  9. લગ્નજીવનમાં થતા અણહક્કના વિષય અને વ્યભિચારનું શું પરિણામ આવે છે?
  10. થ્રી વિઝન - બ્રહ્મચર્યમાં કેવી રીતે રહેવું, તે માટેની અંતિમ ચાવી
  11. શું બ્રહ્મચર્ય પાળવાના કોઈ નિયમો હોય છે?
  12. હસ્તમૈથુનની આદતને કેવી રીતે બંધ કરી શકાય?
×
Share on