Related Questions

જીવનમાં બધું ગુમાવી દેવાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું?

જીવનમાં દરેક વસ્તુ ગુમાવવાનો ભય અત્યંત નબળા બનાવી શકે છે. એમાં કોઈ વ્યક્તિને ગુમાવવાનો ભય, નિયંત્રણ ગુમાવવાનો ભય, નોકરી ગુમાવવાનો ભય અને પૈસા ગુમાવવાના ભયનો સમાવેશ થાય છે. જીવનમાં રહેલી દરેક ભૌતિકવાદી વસ્તુઓ અથવા ગુણોના વિનાશી સ્વભાવને જાણવો, એ આનાથી છૂટકારો મેળવવા માટે એકમાત્ર ઉપાય છે.

સુખી થવા માટે, મનુષ્ય જીવનભર વસ્તુઓનો સંગ્રહ કર્યા કરે છે. તે સમયને સંબંધો બનાવવા અને જાળવવા માટે વાપરે છે, કારણ કે, તેનાથી તેને સલામતી અને સંબંધની ભાવના જન્માવે છે. તે માત્ર પૈસા કમાવવા માટે નહીં, પરંતુ ઉચ્ચ પદ પ્રાપ્ત કરવા માટે, કારકિર્દી બનાવવા માટે ખૂબ પુરુષાર્થ કરે છે. કામમાંથી મળેલા માન અને કિર્તીથી તેને જીવનમાં સંતોષ અને પ્રેરણાની લાગણીનો અનુભવ પ્રાપ્ત થાય છે. તે તેના શરીરની સંભાળ કસરત કરીને અને તંદુરસ્ત આહાર લઈને રાખે છે, જેથી તે લાંબું અને તંદુરસ્ત જીવન જીવી શકે.

પૈસા, સંબંધો, કારકિર્દી, તંદુરસ્તી વગેરેની વ્યક્તિને સુખી રહેવા માટે કોઈ અંશે જરૂરત હોય છે. જો આમાંથી કોઈ વસ્તુ કાયમી હોય, તો મનુષ્ય હંમેશાં માટે સુખી રહી શકત. પરંતુ, એવું બનતું નથી. જ્યારે આપણને ખોટ જાય છે, જે પૈસાની આપણને કિંમત હોય તે જતા રહે છે; આપણે જ્યારે નિવૃત્ત થઈએ છીએ, ત્યારે આપણી કારકિર્દીનો અંત આવે છે; ગેરસમજણને લીધે કે અન્ય કારણોને લીધે આપણા સંબંધો કાયમી ટકી શકતા નથી. આદર્શ સંબંધોમાં પણ, બેમાંથી એક દુનિયા છોડીને જતું રહેશે. આપણે શરીરની કેટલી પણ સારસંભાળ કેમ ના કરીએ, તો પણ આપણે આ દુનિયામાં હંમેશાં માટે રહેવાના નથી. આમ, દરેક ભૌતિકવાદી વસ્તુઓનો સ્વભાવ અનિવાર્યપણે વિનાશી છે. એ આજે હશે અને કાલે નહીં હોય.

તો, શું આપણો અમૂલ્ય સમય જે વિનાશી છે, તેને ગુમાવવાની ચિંતામાં વાપરવો યોગ્ય છે? જે બધું નાશવંત છે તેને ગુમાવવાનો ભય શા માટે રાખવાનો? 

જો આપણે હીરાની વીંટી પહેરી હોય, તો આપણને લૂંટાઈ જવાનો ભય લાગે, પરંતુ જો વીંટી ખોટી હોય, તો શું? એકવાર આપણે આપણી દરેક સંપત્તિની કિંમત સ્વીકારી અને તેની પાછળની વાસ્તવિકતા સમજી લઈએ, પછી તેને ગુમાવવાનો ભય સ્વાભાવિક રીતે છૂટી જશે.

અહીં ચાવી એ છે કે જે સંપત્તિ આપણી પાસે છે તે બધી મેળવવામાં આવેલી છે; આપણે તેની સાથે જન્મ્યા નહોતા. તેથી જો આપણે બધું ગુમાવી પણ દઈએ, તો સારી વસ્તુ એ છે કે આપણે તે બધું ફરી મેળવી શકીશું. એમાં કોઈ શંકા નથી કે તે એક પડકાર હશે, પરંતુ તે અશક્ય નથી. થોડા સમયની અને ધીરજ રાખવાની જરૂર છે.

તેમ છતાં, જ્યારે આપણી સંપત્તિ આપણી પાસે હોય ત્યારે આપણે તેને ગુમાવી દેવાનો ભય રાખીએ, તો આપણે ક્યારેય પણ પૂર્ણ રીતે તેને ભોગવી નહીં શકીએ કે તેની કદર નહીં કરી શકીએ. તેનો મતલબ છે કે આપણી સંપત્તિ આમ પણ વેડફાઈ રહી છે!

તદુપરાંત, આ દુનિયામાં બનેલી દરેક વસ્તુ એક અદ્રશ્ય ઘડિયાળ સાથે આવે છે. તેથી, વધુ લાભદાયી એ છે કે થોડા સમય માટે આપણી પાસે જે કંઈ સંપત્તિરૂપે રહે છે, તેનો મહત્તમ ફાયદો લેવામાં અને તેનો આનંદ લેવામાં આપણે આપણો સમય વાપરીએ.

અહીં એવા લોકોના વાસ્તવિક જીવનના ઉદાહરણો છે જેમણે તેમનું બધું ગુમાવ્યું હતું, પરંતુ તેનાથી પણ ઉચ્ચ પ્રકારની મહાનતાને પ્રાપ્ત કરવામાં તે સક્ષમ બન્યા છે. તમે વિચારી શકો કે તેઓ કોણ છે?

  • ૯૦ના દાયકાની શરૂઆતમાં તેમને ૯૦૦ મિલિયન ડોલરની ખોટ ગઈ હતી. છતાં, તેમણે નવા વ્યવસાય કરવાનું ચાલુ રાખ્યું અને હજારો લોકોને રોજગારી આપી અને તે વધારે મજબૂત રીતે પુનરાગમન કર્યું. તે હવે અબજોપતિ છે. તમે ડોનાલ્ડ ટ્રમ્પ વિચાર્યું હતું?
  • તેમણે બનાવેલી કંપનીના બોર્ડમાંથી તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા. તેથી, તેમણે કરોડોની કિંમતના પોતાના કંપની શેર વેચી દીધા, જેનાથી રાતોરાત તે શેરની કિંમત ઘટી ગઈ. કંપનીના બોર્ડે તેમને વચગાળાના સી.ઈ.ઓ. બનાવ્યા અને તેમને એક પ્રોજેક્ટ પૂરો કરવા માટે પાછા આવવાનું કહ્યું. એકવાર તેમણે આ પ્રોજેક્ટ પૂરો કર્યા પછી, જે બોર્ડે તેને બરતરફ કર્યા હતા, તેમાં તે પ્રથમ સ્થાને આવ્યા. જો કે, તેમણે વ્યક્તિગત ક્યારેય કોઈ પૈસા ગુમાવ્યા નહોતા, જેટલો સમય તેમને બરતરફ કરવામાં આવ્યા હતા, તેટલા સમય માટે તેમણે તેમની સત્તા અને પદ ગુમાવ્યા હતા. તે કોણ હતું? તમે અનુમાન કરી લીધું. તે સ્ટીવ જોબ્સ હતા.
  • તે અમેરિકાની પહેલી સ્વ-નિર્ભર મહિલા અબજોપતિ હતી. તેમને ઈન્સાઈડર ટ્રેડિંગ કરવા બદલ દંડ કરવામાં આવ્યો હતો અને પાંચ મહિના માટે જેલમાં મોકલવામાં આવ્યા હતા, અને તેમને પોતાની કંપનીમાંથી પાંચ વર્ષ માટે પદ છોડી દેવાની ફરજ પડી હતી. તેમને છોડવામાં આવ્યા, પછી તેમણે જાહેરમાં જોરદાર પુનરાગમન કર્યું. તે હવે પહેલા કરતા પણ વધારે જાણીતા છે. તે સાચું છે, માર્થા સ્ટુઅર્ટ.
  • હવે તેમનું નામ લગભગ ૧૩૦ બિલિયન ડોલરની કિંમતની બ્રાન્ડ છે. તેમની પહેલી કંપની નાદાર થઈ ગઈ હતી અને બીજી કંપની 'સ્નો વ્હાઈટ એન્ડ સેવન ડ્વાર્ફ્સ'ના નિર્માણ દરમિયાન લગભગ નાદાર થઈ ગઈ હતી. તેમ છતાં, લોન હોવાથી તે બચી ગયા અને તેમને ફિલ્મ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમના સ્ટાફ અને સ્ટુડિયોને ચૂકવણી કરવાની મંજૂરી મળી ગઈ, જે એક નિર્ણાયક અને વ્યાવસાયિક સફળતા બની. તે કોણ હતું? તે સાચું છે, વોલ્ટ ડિઝની.

આ એવા ચાર ઉદાહરણો છે, જે લોકો તેમની સામે મોટા અવરોધો હોવા છતાં તેમની પ્રતિકૂળતાને દૂર કરવામાં સક્ષમ બન્યા. તેથી, ફરી વખત જ્યારે તમે તમારી સંપત્તિ, શક્તિ અથવા સામાજિક દરજ્જા સહિત બધું ગુમાવવાનો ભય અનુભવો છો; ફક્ત આ સફળતા વિશે વિચારો અને પોતાને પૂછો, 'જો તેઓ તે કરી શકે છે, તો હું શા માટે ના કરી શકું?'

Related Questions
  1. ચિંતા શું છે? ચિંતા કરવાનો અર્થ શું છે?
  2. ચિંતા એ શા માટે મોટાભાગના લોકોની મુખ્ય સમસ્યા છે? ચિંતા અને તણાવના કારણો શું છે?
  3. ટેન્શન એટલે શું?
  4. શું હું ચિંતામુક્ત વ્યવસાય કરી શકું છું?
  5. ચિંતા શા માટે બંધ કરવી? તણાવ અને ચિંતાથી શી અસરો થાય?
  6. ચિંતા કર્યા વગર જીવન જીવી શકાય એવા અસરકારક ઉપાયો ક્યા છે? ચિંતા કેમ ન કરવી?
  7. શું મારે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ?
  8. વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?
  9. હું મારા જીવનમાં શા માટે કોઈ વસ્તુ પર નિયંત્રણ નથી મેળવી શકતો?
  10. ચિંતામુક્ત કેવી રીતે થવું? સરળ છે, આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરી લો!
  11. મને એવી ચિંતા રહ્યા કરે કે લોકોને હું પસંદ નથી અને લોકો મારા માટે શું વિચારશે. કોઈ મારું અપમાન કરશે તો હું શું કરીશ?
  12. જો મને નોકરી નહીં મળે તો હું શું કરીશ? મને તેની ચિંતા રહે છે.
  13. ઘરની કોઈ વ્યક્તિ બિમાર હોય તો અસ્વસ્થતા અને ચિંતાની લાગણીઓ કેવી રીતે બંધ કરવી?
  14. જ્યારે મારા જીવનસાથી મારી સાથે વિશ્વાસઘાત કરે, ત્યારે ચિંતા અને શંકાથી દૂર કેવી રીતે રહેવું?
  15. જીવનમાં બધું ગુમાવી દેવાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું?
×
Share on