Related Questions

જો મને નોકરી નહીં મળે તો હું શું કરીશ? મને તેની ચિંતા રહે છે.

“મને નોકરી નથી મળી રહી”, “મને મારી કારકિર્દી, જીવન અને ભવિષ્યની ચિંતા થાય છે,” “શું મને નોકરી મળશે,” “હવે હું શું કરીશ?” – શું અત્યારે આ તમારા માટે મોટી મુશ્કેલીઓ છે? કામથી છૂટા થઈ ગયા છો અને થોડા સમયથી નોકરી નથી મળી રહી એ ચિંતારૂપી વમળે તમને વીંટી લીધા છે. ચિંતા ના કરશો, સાચી સમજણ અને સાચા જ્ઞાનથી તમને તમારો રસ્તો જરૂરથી મળી રહેશે.

પહેલામાં પહેલી વાત... ચિંતા કરવાનું બંધ કરી દો!

પ્રામાણિકપણે, જ્યારે ચિંતા શરૂ થાય છે, જાણવું કે પરિસ્થિતિ વધુ ખરાબ થવાની છે. ચિંતાઓથી કાર્યમાં અંતરાય પડે છે. તેના બદલે, તમારી હાલની પરિસ્થિતિને સુધારવા માટે કંઈક કરો.

જો મને નોકરી નહીં મળે તો એવા વિચારો આવે, ત્યારે તમે શું કરી શકો તેનું અહીં એક લિસ્ટ આપેલું છે:

  • જાણવું કે, જેમાં ઉતાર-ચઢાવ આવે છે, તેને જીવન કહેવાય છે. જે થવાનું છે તે થઈને રહેશે, તેથી હંમેશાં વર્તમાન સમયમાં જીવવાનું પસંદ કરો!
  • ભગવાનને યાદ કરો, જીવનમાં સકારાત્મક નિમિત્તો મળી આવે એવી પ્રાર્થના સાથે જરૂરિયાત સમય આપીને નોકરી શોધવાના પ્રયત્ન કરો.
  • નક્કી કરો, “આજે મારે ઘરે આટલું લઈ જવું છે,” અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. આ સ્થિતિમાં, તમને જે પ્રકારનું કામ મળી રહ્યું છે, તેમાં તમે પસંદગી નહીં રાખી શકો. તમને કોઈ સામાન્ય કામ મળતું હોય, તો તે લઈ લો અને જ્યાં સુધી તમને કાંઈ વધારે સારું કામ મળી જતું નથી, ત્યાં સુધી તે ચાલુ રાખો. ઓછામાં ઓછું, તમને થોડા પૈસા આવવાની શરૂઆત તો થઈ ગઈ, અને તેનાથી થોડા સમયમાં તમારી ગાડી પાછી રસ્તે ચડી જશે.
  • સાથે સાથે, તમારી પસંદગીની નોકરીની શોધ ચાલુ રાખો. બધાને જણાવો, તમારા મિત્રોને, પરિવારને અને ઓળખીતાઓને કહો કે તમે યોગ્ય નોકરી શોધી રહ્યા છો.
  • તમારા પરિવાર સાથે બેસીને જણાવો કે તમને નોકરી મળી રહી નથી અને તેમને તમારી વર્તમાન પરિસ્થિતિ સમજાવો. તેમને જણાવો કે આ ખરાબ સમયમાંથી બહાર નીકળવા તમને તેની મદદ અને સહારાની જરૂર પડશે. થોડા સમય માટે જ્યાં સુધી સ્થિતિ ફરી સુધરે નહીં, ત્યાં સુધી ખર્ચા ઘટાડીને બચત કરી શકાય તેના પર સાથે મળીને વિચારો. બજેટ બનાવો અને તેને વળગી રહો. જરૂરિયાતની ગોઠવણીઓ કરો, પરંતુ ખાવા-પીવાનું જેવી બાબતોમાં કરકસર કરવી નહીં. તમારી પાસે જેટલી સગવડ છે તેમાં જીવો અને ચિંતા કરશો નહીં.
  • પૈસાને લગતો કુદરતનો નિયમ છે કે, ‘જે ઘરમાં શાંતિ, સંતોષ અને ભગવાનની પ્રાર્થના થાય છે, ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય છે.’ તમારા પુણ્યકર્મના લીધે લક્ષ્મી આવે છે. તેથી ધીરજ રાખો, લોકોને મદદ કરવાના પ્રયત્ન કરો અને છેલ્લે, કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ માટે નકારાત્મક વિચારો કરશો નહીં.
  • તમારી હાલની પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે જે કંઈ પુરુષાર્થ કરી રહ્યા હો તેમાં કોઈ છેતરપિંડી કે કપટ સંપૂર્ણપણે નહીં કરવું એવું નક્કી કરો. ક્યારેય પણ કપટ કરીને પૈસા મેળવવાની કોશિશ કરશો નહીં.
  • તમારી હાલની પરિસ્થિતિ તમારા પાછલા હિસાબોનું ફળ છે. થોડો સમય કાઢીને તમે જે ખોટા કાર્યો કર્યા છે, તેનો હૃદયપૂર્વક પસ્તાવો કરો. ફરી આવું ક્યારેય નહીં કરો એવું નક્કી કરો.
  • ભગવાનમાં શ્રદ્ધા રાખો. જે વ્યક્તિને ભગવામાં શ્રદ્ધા નથી તે ચિંતાઓ કરે છે. ભગવાન કહે છે, ‘ચિંતા કરશો નહીં. બધું મારા પર છોડી દે.’ એટલે જે ભગવાનમાં માને છે તેને ચિંતા નથી થતી, જો તેને ખરેખર વિશ્વાસ હોય, તો તે બધું ભગવાન પર છોડીને શાંતિથી સૂઈ જશે.
  • જો તમે આધ્યાત્મિક હોવ, તો આ સમયનો સદ્ઉપયોગ તેમાં કરો. જ્યારે તમારી કારકિર્દીમાં મંદી ચાલી રહી છે, ત્યારે અધ્યાત્મને તેજીમાં લાવી દો. તમે જેટલો વધારે પુરુષાર્થ આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ કરશો, તેટલા જલદી અંતરાય કર્મો તૂટશે અને અનુકૂળ સંજોગો મળી આવશે. મને નોકરી નથી મળી રહી ને બદલે મને મળી ગઈ એવું થઈ જશે.

જ્યારે રાત્રિનો સમય હોય, જો તમે આખી રાત ચિંતા કરો તો શું સવાર જલદી પડી જશે કે પછી તમે શાંતિથી સૂઈ જાઓ અને રાત પસાર થઈ જાય તે વધારે જલદી પૂરું થશે? આપણને જવાબ ખબર છે, પરંતુ આપણે ચિંતા કર્યા વગર રહી નથી શકતા ને?

તેથી અહીંયા થોડી આધ્યાત્મિક સમજણ આપવામાં આવી છે, જેને યોગ્ય રીતે સમજવામાં આવે તો તે આપણને તણાવ અને ચિંતાથી રાહત આપી શકે છે. એને થોડી વિગતો સાથે સમજીએ…

તમે ચિંતા કરો છે કારણ કે તમને લાગે છે, “હું આ બધું કરું છું”

આપણે માનીએ છીએ કે, “હું એ છું જેનાથી બધું થાય છે” અને તેથી આપણને ચિંતા થાય છે કે, “જો મને નોકરી નહીં મળે તો શું થશે? હું મારું ગુજરાન કેવી રીતે ચલાવીશ? હું મારા પરિવારને કેવી રીતે મદદ કરી શકીશ? હું ક્યાં જાઉં કે મને નોકરી મળી જાય?”

જ્યારે આપણે વિચારીએ, ‘મારા જીવનમાં બધું હું કરું છું. મારે નોકરી શોધવા જવાનું છે, મારે નોકરી કરવી પડશે, મારું ગુજરાન મારે ચલાવવાનું છે’, એને કર્તાપણાનો અહંકાર કહેવાય છે. અને ‘કર્તાપણા’ના અહંકારને લીધે ચિંતા થાય છે. 

જરા વિચારી જુઓ, ‘શું ખરેખર કંઈ આપણા કાબૂમાં છે?’ જો એવું હોય, તો આપણે આપણી નોકરીની સલામતી પહેલા કરી લઈએ. હકીકતમાં, આપણે કર્તા નથી. અને એક કે બીજી રીતે, આપણને આ અનુભવ થઈ ચૂક્યો છે. છતાં, આંખ મીંચીને આપણી જાતને માલિક કે કર્તા માનવાથી આપણે દરેક વસ્તુ આપણા માથે લઈ લઈએ છીએ અને અપાર ચિંતા વહોરી લઈએ છીએ. આપણને ચિંતા થાય છે કારણ કે, આપણા મનમાં આપણે હજી એવું વિચારીએ છીએ કે, “હું કર્તા છું.” આ કર્તાભાવને લીધે ભોગવટો અને ચિંતા થાય છે.

તમે જમી લીધા પછી ક્યારેય ચિંતા કરો છો? ના.

શા માટે નહીં? શું તમારે ચિંતા ના કરવી જોઈએ કે પાચક રસો અને ઉત્સેચકો ઝરશે કે નહીં; શું લોહી બનશે અને નકામો કચરો નીકળી જશે કે નહીં? તમારી અંદર કેટલું બધું થઈ રહ્યું છે, જેની કાળજી લેવી જરૂરી છે; શરીરમાં જે કંઈ થઈ રહ્યું છે તેની સરખામણીમાં બહારનું કામ બહુ નાનું છે. છતાં તમને તેની ચિંતા નથી થતી! જેનાથી અંદરની વ્યવસ્થા જળવાય છે અને કાળજી લેવાય છે, તે જ બહારની વ્યવસ્થા પણ જાળવે છે.

ખરો કર્તા કુદરત છે. કુદરત જગતનું નિયમન કરે છે, અને તે જગતને સતત નિયમમાં રાખે છે. જે નાનામાં નાનો છોડ જ્યાં ઊગવાનો હોય ત્યાં તે પાણી છંટકારે છે. કુદરતનો આ ચોક્કસ ક્રમ અને વ્યવસ્થા છે. પછી, શું એ તમારી પણ કાળજી નહીં રાખે? તેથી, શા માટે એકધારું એવું વિચારવું કે મને નોકરી નહીં મળે? એવું કેમ ના વિચારીએ કે મને નોકરી મળી જશે? 

કુદરત આપણને કહે છે, ‘મુશ્કેલ કાર્ય પૂરું કરવા માટે અથાગ પ્રયત્નો કરો. પરંતુ સાથે સાથે તે બાબતે ચિંતા ના કરો.’ તેથી, કોઈ આપણને કહે કે અમે નોકરી આપી રહ્યા છીએ, તમારે જરૂરથી તે નોકરી મેળવવાના શ્રેષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ, પરંતુ તમારે ચિંતા કરવી જોઈએ નહીં.

ચિંતાનું પરિણામ શું છે? 

ચિંતા હંમેશાં બધું બગાડે છે. જ્યારે ઈન્ટરવ્યુ આપવા જાઓ, જો તમે ચિંતા કરશો, તો તમારાથી કંઈક ખોટું થઈ જશે. આ દુનિયામાં બધું બગડી જવાનું કારણ ચિંતા છે. ચિંતા કામની ગુણવત્તાને ઓછી કરે છે. આ કુદરતનો નિયમ છે. જો ચિંતા ના હોત, તો બહુ સુંદર પરિણામ આવે.

ચિંતા આપણને સતત બાળ્યા કરે છે. તે આપણી બધી શાંતિ અને ઊંઘ છીનવી લે છે. તે રોગ અને હતાશાને આમંત્રણ આપે છે. તે જીવવાનો ઉત્સાહ છીનવી લે છે. તેનાથી અંતરાય પાપકર્મ બંધાય છે, જેનાથી આપણે જે કાંઈ કરવા જઈએ તેમાં અંતરાય આવે છે. આવા કર્મો આપણી ભવિષ્યની ઈચ્છાઓને પણ પરિપૂર્ણ થતા અટકાવે છે. આવી રીતે, ચિંતાથી આપણું વર્તમાન જીવન બગડે છે એટલું નહીં, પરંતુ તે ભવિષ્યના જીવનને પણ બગાડે છે.

અગર મને ઘણા મહિનાઓથી નોકરી ના મળી રહી હોય તો પણ ચિંતામુક્ત કેવી રીતે થવાય?

સાચા જ્ઞાનના અભાવે ચિંતા થાય છે. હંમેશાં માટે ચિંતા ક્યારે જતી રહેશે? ક્યારે આપણું કર્તાપણું અટકશે. ક્યારે કર્તાભાવ જતો રહેશે? જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત થશે ત્યારે. આત્મસાક્ષાત્કાર ક્યારે પ્રાપ્ત થશે? જ્ઞાનીનો ભેટો થવાથી તેની કૃપાથી આત્મસાક્ષાત્કાર થશે!

માન્યું કે, તમે જીવનના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો. પરંતુ, જાણવું કે આ સમય પસાર થઈ રહ્યો છે અને તમને નક્કી કોઈ સારી નોકરી યોગ્ય સમયે મળી જશે. ત્યાં સુધી, તમારા સમયને સાચા અને અર્થપૂર્ણ સંબંધો વિકસાવવામાં વાપરો જે તમને જીવનમાં ઉપયોગી થઈ શકે. જેવા કે ભગવાન સાથે, જ્ઞાની સાથે અને જ્ઞાન સાથેના સંબંધો. આવું કરવાથી, તમારો અંધકારનો સમય દિવ્ય પ્રકાશમય થઈ જશે!

Related Questions
  1. ચિંતા શું છે? ચિંતા કરવાનો અર્થ શું છે?
  2. ચિંતા એ શા માટે મોટાભાગના લોકોની મુખ્ય સમસ્યા છે? ચિંતા અને તણાવના કારણો શું છે?
  3. ટેન્શન એટલે શું?
  4. શું હું ચિંતામુક્ત વ્યવસાય કરી શકું છું?
  5. ચિંતા શા માટે બંધ કરવી? તણાવ અને ચિંતાથી શી અસરો થાય?
  6. ચિંતા કર્યા વગર જીવન જીવી શકાય એવા અસરકારક ઉપાયો ક્યા છે? ચિંતા કેમ ન કરવી?
  7. શું મારે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ?
  8. વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?
  9. હું મારા જીવનમાં શા માટે કોઈ વસ્તુ પર નિયંત્રણ નથી મેળવી શકતો?
  10. ચિંતામુક્ત કેવી રીતે થવું? સરળ છે, આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરી લો!
  11. મને એવી ચિંતા રહ્યા કરે કે લોકોને હું પસંદ નથી અને લોકો મારા માટે શું વિચારશે. કોઈ મારું અપમાન કરશે તો હું શું કરીશ?
  12. જો મને નોકરી નહીં મળે તો હું શું કરીશ? મને તેની ચિંતા રહે છે.
  13. ઘરની કોઈ વ્યક્તિ બિમાર હોય તો અસ્વસ્થતા અને ચિંતાની લાગણીઓ કેવી રીતે બંધ કરવી?
  14. જ્યારે મારા જીવનસાથી મારી સાથે વિશ્વાસઘાત કરે, ત્યારે ચિંતા અને શંકાથી દૂર કેવી રીતે રહેવું?
  15. જીવનમાં બધું ગુમાવી દેવાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું?
×
Share on