Related Questions

જ્યારે મારા જીવનસાથી મારી સાથે વિશ્વાસઘાત કરે, ત્યારે ચિંતા અને શંકાથી દૂર કેવી રીતે રહેવું?

એ સામાન્ય છે કે જ્યારે તમારા જીવનસાથી તમને છેતરતા હોય ત્યારે શંકા અને ચિંતા થાય. “મારા જીવનસાથી મને છેતરી રહ્યા છે” એ તમારા મનમાં પહેલા શંકા જન્માવે છે. જો તમે કોઈ પુરાવા વગર તેને ઘર કરવા દેશો, તો તે નિશ્ચિતપણે તમારા સંબંધોને કાયમ માટે જડમૂળથી ઉખેડીને ફેંકી દેશે. તેથી, અસરકારક રીતે આ શંકામાંથી છૂટવું એ જ મુખ્ય ચાવી છે. આ શંકા સૂક્ષ્મ છે, તમારા જીવનસાથી વિશે તમારા મનમાં નીચે મુજબના સવાલો ઊભા કરીને તે સ્થૂળરૂપે નિમિત્ત બને છે:

  • તે શું કરતા હશે?
  • તેને મોડું શા માટે થયું?
  • તે કોની સાથે વાત કરે છે?
  • તે કોને મેસેજ કરે છે?
  • જ્યારે હું તેને કોલ કરું છું, ત્યારે તે શા માટે જવાબ આપતા નથી?

આવા સવાલોથી તમને કેવો અનુભવ થશે? શું તમને એવું લાગશે કે મારી પત્ની કે પતિ મને છેતરી રહ્યા છે? શું તમે અસ્વસ્થ અને બેચેન થઈ જશો? શું તેનાથી તમને તમારા સંબંધોની મજબૂતી વિશે પ્રશ્નો થશે?

હકીકતમાં, તમારા જીવનસાથી તમને છેતરી રહ્યા છે તેની ચિંતા કે શંકાના વિચારોને ઘર કરવા દેવા, તે તમારા સંબંધોની ઈમારતમાં તડ પાડવા સમાન છે. અને જો તમે આ વિચારોને એક ક્ષણ માટે પણ ચાલુ રાખશો, તો તેમાંથી અસરમુક્ત રહીને બહાર નીકળવાનો મોકો બહુ ઓછો કે નહીંવત્ હોઈ એવા બ્લેક હોલમાં તમે ફસાઈ જશો. તેથી, જેટલું બને તેટલું આવા વિચારોને ચોખ્ખા કરી નાખવા તે ઉત્તમ છે.

તો આવા વિચારોથી બહાર નીકળવાનો શ્રેષ્ઠ રસ્તો કયો છે, જે મનને સ્વસ્થ રાખે અને છેતરપિંડીમાંથી મુક્ત કરી શકે?

પહેલું, તમારા મનમાં આવા વિચારો આવવા દેવા જ નહીં. તેઓ કહે છે તેમ, 'સાવચેતી એ સારવાર કરતા વધુ સારી છે.' જ્યારે તમે સંબંધોમાં વણાયેલા છો, ત્યારે તમારે તમારા જીવનસાથી પર શંકા ન રાખીને તેના પર વિશ્વાસ રાખો. અંતે, વિશ્વાસ એ દરેક સંબંધોમાં મુખ્ય પાયારૂપ છે.

ચાલો, ઊંડાણથી જાણીએ શંકા વિશે અને તે કેવી રીતે ઊભી થાય છે તેના વિશે, જેથી તમે સમજી શકો કે તે ઊભી થતા પહેલા તેને કેવી રીતે અટકાવી શકાય:

૧) શંકા કેવી રીતે નિર્માણ થાય છે? 

જ્યારે અતિશય રાગ હોય ત્યારે તીવ્ર શંકા થાય છે અને પછી શંકાનો કીડો તમને અંદરથી ખોતરી ખાય છે. જ્યારે સામા વ્યક્તિના વ્યવહાર કે વર્તન તમારી અપેક્ષા કરતા થોડો પણ જુદો પડે, ત્યારે શંકાના વિચારો શરૂ થાય છે. જ્યારે આપણા મનથી પણ આ ગૂંચવાડાનું સમાધાન થઈ શકતું નથી, ત્યારે આપણને શંકા થાય જેવી કે, “આ આવું શા માટે છે?” “શું આવું એટલા માટે છે કે મારા જીવનસાથી મને છેતરી રહ્યા છે?”

અગર તમારા જીવનસાથી ઘરે મોડા આવે, તેમને સમજાવો અને તેમની જોડે ચર્ચા કરો, પરંતુ શંકા કરશો નહીં. શંકા ખરેખર મુશ્કેલીને પોષણ આપે છે. હા, તમારે તેમને ચેતવવા જોઈએ, પણ શંકાશીલ થવું નહીં.

૨) જ્યારે તમે શંકાશીલ થાવ છો ત્યારે શું થાય છે? તેની કેવી અસરો થાય છે? 

  • જ્યારે તમે શંકા કરવાનું શરૂ કરો છો, તમે જે કંઈ બની રહ્યું છે તેને તપાસવાનું અને ચકાસવાનું શરૂ કરો છો. તમે સામાન્યપણે જે રીતે કરતા હો, તેના કરતા વધારે દરેક વસ્તુને જાણવાનું શરૂ કરી દો છો. તેનાથી શંકા વધે છે. તમને રાતે ઊંઘ નથી આવતી, તમને ભૂખ ના લાગે, તમે કંઈ પણ કેમ ન કરો તો પણ તમે શાંતિથી રહી શકતા નથી. તમારું મન કાયમ આવા વિચારોથી ઘેરાયેલું રહે છે અને તમે ચિંતાતુર બની જાઓ છો.
  • જે ક્ષણે એવી શંકા થાય છે કે મારા જીવનસાથી મને છેતરી રહ્યા છે, ત્યારે જીવનસાથીથી છૂટા પડવાની શરૂઆત થાય છે. શંકાના સ્પંદનો સામી વ્યક્તિને અવળી રીતે અસર કરે છે.
  • શંકા સામાને દોષિત દેખાડે છે. એકવાર તે ઉદ્ભવી, પછી તેનો કોઈ અંત નથી, કારણ કે તેનો કોઈ ઉપાય નથી. સાથે સાથે અંદરનો ભોગવટો પણ ચાલુ રહે છે.
  • હકીકતમાં, શંકા એ બધા દુ:ખોનું મૂળ છે. શંકા એ દુ:ખ સિવાય બીજું કાંઈ નથી. જો કોઈ વધારે ને વધારે શંકા કરવાનું શરૂ કરી દે, તો મરતા સુધી દુ:ખી રહે છે.

શંકા અને ભય એ કારણો અને પરિણામો જેવા છે. શંકાના એક બીજમાંથી આખું જંગલ બની જાય છે. ક્યારેક શંકાના વિચારો તમારી અંદર ઊભા થાય અને થોડી વાર માટે પણ તેને ચાલુ રહેવા દેવામાં આવે, તે સામા વ્યક્તિને પહોંચી જશે અને આમ લંબાયા કરશે. તેથી, તેને ઊગતા પહેલાં જ ઉખાડી નાખવું એ ઉત્તમ છે. 

૩) શંકાનો નાશ કેવી રીતે કરવો? 

  • સમજણપૂર્વક, તમારે તેને ક્રમે ક્રમે હથોડા મારવા, પરંતુ તે એક દિવસમાં જતી નહીં રહે. તેથી, ઉત્તમ તો એ છે કે તમે તેને શરૂ નહીં થવા દો, કારણ કે હકીકતમાં, અટકાયત એ કાળજી કરતા વધુ સારી છે. જે ક્ષણે શંકા શરૂ થાય ત્યારે તેનો નાશ કરી દો. એને વધવા નહીં દો. નહીંતર તે તમને શાંતિથી જીવવા નહીં દે.
  • જો તમે કંઈ જોઈને શંકાશીલ થતા હો, તો તમારે એવું વિચારવું કે તમે કાંઈ જોયું નથી અને સામી વ્યક્તિને શંકાનો લાભ ઉઠાવવા દો કે વિશ્વાસમાં લાવો. જો આ શક્ય ના હોય, તો તમારા જીવનસાથી સાથે બેસો અને તેની સાથે તમે જે જોયું તેના વિશે વાત કરો અને તેને પૂછવું કે ખરેખર શું ચાલી રહ્યું છે. એકવાર તે તમને સમજણ આપશે, પછી તેને સ્વીકારી લો અને તમારી શંકાને કે તે બનાવને પાછળ છોડી દો.

૪) જો મેં મારા જીવનસાથીની ગેરવર્તણૂક જોઈ હોય, તો?

શું તમે કાંઈ જોયું તેના કારણે તમે શંકાશીલ છો? અને જો એવું હોય તો શું તમે એ જોયું ત્યારે પહેલા એ નહોતું બની રહ્યું? લોકો જે ચોરી કરતા પકડાય તેને ચોર કહે છે. પરંતુ, જે પકડાતા નથી તેઓ છૂપી રીતે ચોરી કરે છે ને? જેઓ ક્યારેક ચોરી કરતા હોય તે પકડાઈ જતા હોય છે. અને તેઓ પકડાયા તેથી લોકો તેને ચોર કહે છે. ખરો ચોર એ છે કે જે પકડાય નહીં, પરંતુ આ જગત આવું જ છે.

જો તમે તમારા જીવનસાથીને કોઈ એવી સ્થિતિમાં જુઓ તો તરત પ્રતિક્રિયા આપવી નહીં. એક પગલું પાછળ જાઓ અને પોતાને આ દ્રશ્યથી ડિસ્કનેક્ટ કરો. તમે ગુસ્સો કરીને વધારે નુકસાન કરો ત્યાર પહેલાં તમારી જાતને વિચારવાનો સમય આપો અને તમે જે જોયું તેના પર વિચારો.

તમને થોડું કપરું લાગશે, પરંતુ તમે હળવા થઈ જશો. આ વિચારી જુઓ, તમે તમારી શંકાને પાછળ મૂકીને, આગળ વધી શકો છો. શાંતિથી તમારા સાથી સાથે વાત કરો અને હવે આગળ શું કરવું તે નક્કી કરો. શું તેણે જે કર્યું છે તેનો પસ્તાવો કરે છે? કે પછી આ સમય છે કે તમે વધુ નુકસાન થતા અટકાવી દો? જો તમે તમારા સાથીને બીજો મોકો આપવાનું નક્કી કરો છો, તો પછી તમારે સંપૂર્ણપણે તમારી શંકા અને સંશયને ભૂંસી નાખવા જરૂરી છે, નહીંતર આવા વિચારો તમારો પીછો કર્યા કરશે અને વધારે નુકસાન કરશે. જો તમે છૂટા પડવાનું નક્કી કરો છો તો તે મૈત્રીપૂર્વક કરો. કારણ કે, તમારા જીવનસાથી તમને છેતરી રહ્યા છે, તે બાબતે ગુસ્સે થવાથી અને દુ:ખી થવાથી તમે તમારા દુ:ખમાં વધારો કરશો.

Related Questions
  1. ચિંતા શું છે? ચિંતા કરવાનો અર્થ શું છે?
  2. ચિંતા એ શા માટે મોટાભાગના લોકોની મુખ્ય સમસ્યા છે? ચિંતા અને તણાવના કારણો શું છે?
  3. ટેન્શન એટલે શું?
  4. શું હું ચિંતામુક્ત વ્યવસાય કરી શકું છું?
  5. ચિંતા શા માટે બંધ કરવી? તણાવ અને ચિંતાથી શી અસરો થાય?
  6. ચિંતા કર્યા વગર જીવન જીવી શકાય એવા અસરકારક ઉપાયો ક્યા છે? ચિંતા કેમ ન કરવી?
  7. શું મારે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ?
  8. વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?
  9. હું મારા જીવનમાં શા માટે કોઈ વસ્તુ પર નિયંત્રણ નથી મેળવી શકતો?
  10. ચિંતામુક્ત કેવી રીતે થવું? સરળ છે, આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરી લો!
  11. મને એવી ચિંતા રહ્યા કરે કે લોકોને હું પસંદ નથી અને લોકો મારા માટે શું વિચારશે. કોઈ મારું અપમાન કરશે તો હું શું કરીશ?
  12. જો મને નોકરી નહીં મળે તો હું શું કરીશ? મને તેની ચિંતા રહે છે.
  13. ઘરની કોઈ વ્યક્તિ બિમાર હોય તો અસ્વસ્થતા અને ચિંતાની લાગણીઓ કેવી રીતે બંધ કરવી?
  14. જ્યારે મારા જીવનસાથી મારી સાથે વિશ્વાસઘાત કરે, ત્યારે ચિંતા અને શંકાથી દૂર કેવી રીતે રહેવું?
  15. જીવનમાં બધું ગુમાવી દેવાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું?
×
Share on