Related Questions

તમે કેવી રીતે તમારા મન પર કાબૂ મેળવી શકો?

મન વશ વર્તાવે જ્ઞાની!

મહાવીર ભગવાને શું કહ્યું? મનને જેણે વશ કર્યું, એણે જગતને વશ કર્યું અને મન વશ નથી થયું તો પોતે મનને વશ થઈ ગયેલા હોય.

પ્રશ્નકર્તા: આપનું કહેવું બરોબર છે, પણ એ થતું નથી એવું.

દાદાશ્રી: એ એવું થાય નહીં. પોતે મનને વશ થયેલો, એ મનને શી રીતે વશ કરી શકે? બંધાયેલો માણસ પોતે શી રીતે છૂટી શકે?

પ્રશ્નકર્તા: મનને વશ કરવા માટે શું કરવાનું?

mind

દાદાશ્રી: અરે, 'કરવાથી' તો મન વશ થતું હશે? કરવાથી તો આ મન બહેક્યું છે. 'મેં જપ કર્યા ને તપ કર્યા', તે ઊલટું વધારે બહેક્યું. પાછું કરવાનું ખોળો છો, આટલું આટલું કર્યું તોય? અને કરે કોણ? મિકેનિકલ કરે. તમે મિકેનિકલ છો? હા, પણ મિકેનિકલ જ છે ને અત્યારે તો પોતે.

પ્રશ્નકર્તા: અમે તો સફેદ ચાદર લઈને આવ્યા છીએ. હવે તમે પાકો રંગ ચઢાવી દો.

દાદાશ્રી: હા, પાકો રંગ એવો ચઢાવી દઈએ. પાકો રંગ નહીં, મોક્ષ તમારા હાથમાં આપીએ. હાથમાં મોક્ષ! અને તેય પાછું મન વશ થયેલું હોય. મન વશ ના થાય ત્યાં સુધી કંઈ શાંતિ રહે? મન વશ કરે એ કોણ કહેવાય? ભગવાન કહેવાય. તે પણ ભગવાન થતા વાર લાગશે, પણ મન વશ કરી આપીશ તમને. મન તમારા વશ રહ્યા કરે. બીજું શું જોઈએ? દિવ્યચક્ષુ આપીશ તમને. પછી જ્યાં જાવ ત્યાં ભગવાન દેખાય તમને. આ ચામડાની આંખથી નહીં દેખાય તમને.

ભગવાન કાબૂમાં આવ્યા કે તરત બધાનાં મન વશ વર્તતાં થાય. ભગવાન વશ થઈ ગયાં તો બધું વશ થાય.

મન વશનો રસ્તો શો છે કે, 'આપણે કોણ છીએ, આ બધું શું છે, શા માટે છે', એવું થોડુંઘણું સમજાય આપણને તો મન વશ થાય. અને નહીં તો તમે જો તમારા અભિપ્રાય બંધ કરી દો, તો તમારું મન તમને વશ રહેવું જ જોઈએ. જૂના અભિપ્રાયને લીધે એનું જે રિએક્શન (પ્રતિક્રિયા) હશે તે આવશે, પણ નવા અભિપ્રાય બંધ કરી દો તો તમને બહુ મઝા આવશે. તો મન વશ થતું જાય.

પ્રશ્નકર્તા: કેટલાક એમ કહે છે કે મનને અમન બનાવો. અમન સંબંધી જ વાત પૂછું છું.

દાદાશ્રી: હા, એટલે એ મન પોતે અમન થઈ ગયું કહેવાય. એટલે અમે જ્ઞાન આપીએ ને, તો મન વશ થઈ ગયેલું જ હોય. પણ કેટલાક માણસોને પોતાની કચાશ હોય ને, તે એનો લાભ લેતા ફાવતું નથી. નહીં તો નિરંતર મન વશ રહે એવું છે. આ તો અક્રમ વિજ્ઞાનનું ફળ છે એટલે, નહીં તો ક્રમિકમાં મન વશ કરવાનો રસ્તો જ નથી. એને મારતા મારતા, મનને માર માર કરી અને ઠેઠ જવાનું છે. 'આ ગળપણ નથી ખાવું, આજ ફલાણું નથી ખાવું', આ ઈચ્છાઓનો ત્યાગ કર્યા કરે. કેટલી બધી ઈચ્છાઓ! અને આ વિજ્ઞાનના પ્રયોગથી તો સહેજેય પતી જાય ને!

પ્રશ્નકર્તા: આપ જે જ્ઞાન આપો છો, એ કેવા પ્રકારનું જ્ઞાન છે?

દાદાશ્રી: એ જ્ઞાન એકલું નથી આપતા અમે, અમે તો તમારું મન વશ પણ કરી આપીએ છીએ. તમારું મન તમારા કબજે નથી રહેતું, તે મન વશ કરી આપીએ છીએ અને પાપો ભસ્મીભૂત કરી આપીએ. જ્ઞાનાગ્નિથી પાપો ભસ્મીભૂત થાય. મન વશ કરવું હોય ને, તો અહીં આવજો, 'હું કોણ છું' જાણવા. 'હું કોણ છું'નું ભાન ચાર કલાક રહે એવું કરવું છે કે નિરંતરનું?

પ્રશ્નકર્તા: કાયમ.

દાદાશ્રી: બસ, આવજો અહીં આગળ. તમારે મન વશ કરવું છે? આ ઘૈડપણમાં મન વશ કરવું છે?

પ્રશ્નકર્તા: કરી આપો તો સારું. બાકી, મન વશ થતું નથી.

દાદાશ્રી: કરી આપીએ. કો'કને ત્યાં ગયા હોય, કો'કની થાળીમાં જલેબી દેખે ત્યારે કહે, 'આ જલેબી લાવીએ તો બહુ સારું.' અરે, આ ઘૈડપણમાં અત્યારે શું જલેબી? તે ઘૈડપણમાં આવા બહુ ફાંફાં મારે, નવરાશ આખોય દહાડો. અને જોયેલું બધુંય મહીં યાદ આવે, ઉપાધિ બધી. ઘરમાં કોઈને કહેવાય નહીં કે જલેબી લાવી આપો. બધા લોક કહેશે, 'ઘૈડા થયાં ને આ શું બોલો છો?' ઘૈડા થયા એટલે, લ્યો, શું થયું? અમારું મન ઘૈડું થઈ ગયું છે કંઈ? મન તો હંમેશાં ફ્રેશ રહે છે.

Related Questions
  1. મન કેવી રીતે ઉત્પન્ન થાય છે? મનનું વિજ્ઞાન શું છે? અભિપ્રાયોથી ભરેલા મનને કેવી રીતે કાબૂ કરવું?
  2. શું તમે તમારા વિચારોને કાબૂ કરી શકો છો? શું તમે તમારા મનને કાબૂ કરી શકો છો? તમે કેવી રીતે તમારા વિચારોને કાબૂ કરી શકો?
  3. નેગેટિવ વિચારોમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય? ખરાબ વિચારો પર કેવી રીતે કાબૂ મેળવી શકાય?
  4. શા માટે હું માનસિક રીતે નબળો માણસ છું? કેવી રીતે હું ઝડપથી નિર્ણય લઈ શકું?
  5. શા માટે મારું મન ધાર્મિક ક્રિયાઓમાં એકાગ્ર નથી થતું? હું કેવી રીતે એકાગ્રતા રાખી શકું?
  6. મનની ગાંઠોને કેવી રીતે ઓગાળવી?
  7. મનની અંદર મતભેદ કેવી રીતે ઊભા થાય છે?
  8. શું વિચારોને દબાવી દેવા શક્ય છે? તમે તે કેવી રીતે કરો છો? મનને દબાવવાથી શું પરિણામો આવે છે?
  9. બેચેન મન કે અશાંતિમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય?
  10. તમે કેવી રીતે તમારા મન પર કાબૂ મેળવી શકો?
×
Share on