Related Questions

મારા પોતાના પૈસાની ઉઘરાણી કેવી રીતે કરવી?

બુદ્ધિ તો મારતોફાન કરી નાખે. બુદ્ધિ જ બધું બગાડે છે ને! એ બુદ્ધિ એટલે શું? ન્યાય ખોળે, એનું નામ બુદ્ધિ. કહેશે, 'શા બદલ પૈસા ના આપે, માલ લઈ ગયા છે ને?' એ 'શા બદલ' પૂછ્યું એ બુદ્ધિ. અન્યાય કર્યો એ જ ન્યાય. આપણે ઉઘરાણી કર્યા કરવી. કહેવું, 'અમારે પૈસાની બહુ જરૂર છે ને અમારે અડચણ છે.' ને પાછા આવી જવું. પણ 'શા બદલ ના આપે એ?' કહ્યું એટલે પછી વકીલ ખોળવા જવું પડે. સત્સંગ ચૂકી જઈને ત્યાં બેસે પછી. 'જે બન્યું એ ન્યાય' કહીએ એટલે બુદ્ધિ જતી રહે.

મહીં એવી શ્રદ્ધા રાખવાની કે જે બને છે એ ન્યાય. છતાંય વ્યવહારમાં આપણે પૈસાની ઉઘરાણીએ જવું પડે. તો એ શ્રદ્ધાને લીધે આપણું મગજ બગડે નહીં. એના પર ચીઢિયા ના ખાય અને આપણને અકળામણેય થાય નહીં. જાણે નાટક કરતા હોય ને એમ ત્યાં બેસીએ. કહીએ, 'હું તો ચાર વખત આવ્યો પણ ભેગા થયા નહીં. આ વખતે કંઈ તમારી પુણ્યૈ હો કે મારી પુણ્યૈ હો, પણ આપણે ભેગા થયા' કહીએ. એમ કરીને ગમ્મત કરતા કરતા ઉઘરાણી કરીએ. અને 'તમે લહેરમાં છો ને, હું તો અત્યારે મહામુશ્કેલીમાં સપડાયો છું.' ત્યારે કહે, 'તમને શું મુશ્કેલી છે?' ત્યારે કહીએ, 'મારી મુશ્કેલી તો હું જ જાણું. પૈસા ના હોય તો કોઈકની પાસેથી મને અપાવડાવો.' આમતેમ વાત કરીને કામ કાઢવું. લોકો અહંકારી છે તો આપણું કામ નીકળે. અહંકારી ના હોત તો કશું ચાલે જ નહીં. અહંકારીને એનો અહંકાર જરા ટોપ પર ચઢાવીએ ને, તો બધું કરી આપે. 'પાંચ-દસ હજાર અપાવડાવો' કહીએ. તોય 'હા, અપાવડાવું છું.' કહેશે. એટલે ઝઘડો ના થવો જોઈએ. રાગ-દ્વેષ ના થવા જોઈએ. સો ધક્કા ખાય છતાં ના આપ્યું તો કંઈ નહીં. 'બન્યું તે જ ન્યાય' કહી દેવું. નિરંતર ન્યાય જ! કંઈ તમારી એકલાની ઉઘરાણી હશે?

×
Share on