Related Questions

ન્યાય ખરેખર શું છે?

બસમાં ચઢવા માટે રાઈટ સાઈડમાં ઊભેલો માણસ, તે રોડની નીચે ઊભેલો છે. આ રોંગ સાઈડમાં એક બસ આવી. તે છેક અહીં ઉપર ચઢી ગઈ અને પેલાને મારી નાખ્યો. આને શું ન્યાય કહેવાય?

પ્રશ્નકર્તા: ડ્રાઈવરે કચડી માર્યો, લોકો તો એમ જ કહે.

દાદાશ્રી: હા, એટલે અવળે રસ્તે આવીને માર્યો, ગુનો કર્યો. સવળે રસ્તે આવીને માર્યો હોત તો પણ એક જાતનો ગુનો કહેવાત. આ તો વળી ડબલ ગુનો કરે. એને કુદરત કહે છે, કરેક્ટ કર્યું છે. બૂમાબૂમ કરશો તો નકામી જશે. પહેલાનો હિસાબ ચૂકવી દીધો. હવે આ સમજે નહીં ને! આખી જિંદગી ભાંગફોડમાં જ જાય. કોર્ટો ને વકીલો ને...! તેમાં પાછો વકીલેય ગાળો ભાંડે. કોક દહાડો વહેલું-મોડું થઈ જાય ને, તો કહે તમારામાં અક્કલ નથી, ગધેડા જેવા છો. તે આ ટૂંપો ખાય, મૂઓ. એના કરતા કુદરતનો ન્યાય સમજી લીધો, દાદાએ કહ્યું છે એ ન્યાય, તો ઉકેલ આવી જાય ને! અને કોર્ટમાં જવાનો વાંધો નથી. કોર્ટમાં જાવ પણ એની જોડે બેસીને ચા પીવો, બધું એ રીતે જાવ (સમાધાનપૂર્વક ઉકેલ લાવો). એ ના માને તો કહીએ, અમારી ચા પી, પણ જોડે બેસ. કોર્ટમાં જવાનો વાંધો નથી, પણ પ્રેમપૂર્વક ઉકેલ લાવો ને (અંદર રાગ-દ્વેષ ન થાય તે રીતે)!

પ્રશ્નકર્તા: એવા માણસ આપણને દગો પણ કરે ને?

દાદાશ્રી: મનુષ્ય કશું કરી શકે એમ નથી. જો તમે ચોખ્ખા છો, તો તમને કંઈ પણ કરી શકે એમ નથી, એવો આ જગતનો કાયદો છે. પ્યૉર હોય તો પછી કોઈ કરનાર રહે નહીં. માટે ભૂલ ભાંગવી હોય તો ભાંગી નાખવાની.

×
Share on