Related Questions

કુદરતના ન્યાયનું સ્વરૂપ શું છે?

જે કુદરતનો ન્યાય છે તે એક ક્ષણ પણ અન્યાય થયો નથી. એક ક્ષણ પણ આ કુદરત જે છે તે અન્યાયને પામી નથી. કોર્ટો થઈ હશે, કોર્ટમાં બધું ચાલે પણ કુદરત અન્યાયી થઈ જ નથી. કુદરતનો ન્યાય કેવો છે? કે જો તમે ચોખ્ખા માણસ હો અને આજે જો તમે ચોરી કરવા જાવ, તો તમને પહેલા જ પકડાવી દેશે. અને મેલો માણસ હોય, તેને પહેલા દિવસે એને એન્કરેજ (પ્રોત્સાહિત) કરશે. કુદરતનો આવો હિસાબ હોય છે કે પેલાને ચોખ્ખો રાખવો છે એટલે એને ઉડાડી મારે (પકડાવી દે), એને હેલ્પ નહીં કરે અને પેલાને હેલ્પ જ કર્યા કરશે. અને પછી જે માર મારશે, તે ફરી ઊંચો નહીં આવે. એ બહુ અધોગતિમાં જશે. કુદરત એક મિનિટ પણ અન્યાયી થઈ નથી. લોકો મને પૂછે છે કે આ પગે તમને ફ્રેક્ચર થયું તે? આ બધું કુદરતે ન્યાય જ કર્યો છે.

કુદરતના ન્યાયને જો સમજે - 'બન્યું તે ન્યાય' તો તમે આ જગતમાંથી છૂટા થઈ શકશો. નહીં તો કુદરતને સહેજ પણ અન્યાયી સમજો કે તમારું જગતમાં ગૂંચાવાનું સ્થાન જ એ. કુદરતને ન્યાયી માનવી, એનું નામ જ્ઞાન. 'જેમ છે તેમ' જાણવું, એનું નામ જ્ઞાન અને 'જેમ છે તેમ' નહીં જાણવું, એનું નામ અજ્ઞાન.

એક માણસે બીજા માણસનું મકાન બાળી મેલ્યું, તો તે વખતે કોઈ પૂછે કે ભગવાન આ શું? આનું મકાન આ માણસે બાળી મેલ્યું. આ ન્યાય છે કે અન્યાય? ત્યારે કહે, 'ન્યાય. બાળી મેલ્યું એ જ ન્યાય.' હવે તેની ઉપર પેલો અજંપો કરે કે નાલાયક છે ને આમ છે ને તેમ છે. તે પછી એને અન્યાયનું ફળ મળે. એ ન્યાયને જ અન્યાય કહે છે! જગત બિલકુલ ન્યાય સ્વરૂપ જ છે. એક ક્ષણવાર એમાં અન્યાય થતો નથી.

જગતમાં ન્યાય ખોળવાથી તો આખા જગતને લડાઈઓ ઊભી થઈ છે. જગત ન્યાય સ્વરૂપ જ છે. એટલે આ જગતમાં ન્યાય ખોળશો જ નહીં. જે બન્યું એ ન્યાય. જે બની ગયું એ જ ન્યાય. આ કોર્ટો ને બધું થયું, તે ન્યાય ખોળે છે તેથી! અલ્યા મૂઆ, ન્યાય હોતો હશે? એના કરતા શું બન્યું એ જો! એ જ ન્યાય છે.

ન્યાય સ્વરૂપ જુદું છે અને આપણું આ ફળ સ્વરૂપ જુદું છે. ન્યાય-અન્યાયનું ફળ એ તો હિસાબથી આવે છે અને આપણે એની જોડે ન્યાય જોઈન્ટ કરવા જઈએ છીએ. પછી કોર્ટમાં જ જવું પડે ને! અને ત્યાં જઈને થાકીને છેવટે પાછા જ આવવાનું છે!

કોઈને આપણે એક ગાળ ભાંડી દીધી તો પછી એ આપણને બે-ત્રણ ભાંડી દે. કારણ કે, એનું મન આપણી પર ઊકળતું હોય. ત્યારે લોક શું કહે? તેં કેમ ત્રણ ગાળ ભાંડી, આણે એક જ ભાંડી હતી. તો એનો ન્યાય શું છે? એણે આપણને ત્રણ જ ભાંડવાની હોય. પાછલો હિસાબ ચૂકતે કરી લે કે ના કરી લે?

પ્રશ્નકર્તા: હા, કરી લે.

દાદાશ્રી: પાછા વાળી લો કે ના વાળી લો? આપણે એના બાપને રૂપિયા આપેલા હોય, પણ પછી એ લાગમાં આવે તો આપણે રૂપિયા વાળી લઈએ ને? પણ પેલો તો સમજે કે અન્યાય કરે છે. એવો કુદરતનો ન્યાય શું? પાછલો હિસાબ હોય એ બધો ભેગો કરી આપે. અત્યારે ધણીને સ્ત્રી હેરાન કરતી હોય, તે કુદરતી ન્યાય છે. ધણી જાણે, આ બૈરી બહુ ખરાબ છે અને બૈરી શું જાણે, ધણી ખરાબ છે. પણ આ કુદરતનો ન્યાય જ છે.

પ્રશ્નકર્તા: હા.

દાદાશ્રી: અને તમે ફરિયાદો કરવા આવો. હું ફરિયાદ નથી સાંભળતો, એનું કારણ શું?

પ્રશ્નકર્તા: હવે ખબર પડી કે આ ન્યાય છે.

×
Share on