નેગેટિવમાંથી પોઝિટિવ તરફ વળવા માટે માટે ફક્ત દૃષ્ટિ જ બદલવાની છે. જેમ ખાલી બોટલમાંથી હવા બહાર કાઢવી હોય તો શું કરવું? ગમે તેટલા ઉપાયો કરવા છતાં પણ હવા બહાર નીકળે નહીં. પણ જો બોટલને પાણીથી ભરી દેવામાં આવે તો હવા આપોઆપ બહાર નીકળી જાય. તેવી જ રીતે જે-જે બાબતમાં નેગેટિવ ઊભું થતું હોય તે દરેક બાબતમાં પોઝિટિવ ગોઠવતાં જઈએ તો નેગેટિવ આપોઆપ નીકળી જશે. છેવટે કોઈ પણ બાબતમાં આપણાં મન કે બુદ્ધિ નેગેટિવ કરે જ નહીં તેવી જાગૃતિમાં આવવું જોઈએ.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “પોઝિટિવ એટલે શું? કશું કાઢવાનું નહીં, કશું ખસેડવાનું નહીં, માત્ર લાવવાનું.” તેઓશ્રી કહે છે કે સંસારવ્યવહારમાં નેગેટિવ ભાંગવામાં જેટલો સમય નકામો જાય છે તેના કરતાં પોઝિટિવમાં જોઈન્ટ થઈ જાય તો નેગેટિવ ઓટોમેટિક ભાંગી જશે.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “હું તો પોઝિટિવ કરવા માગું છું. નેગેટિવ સેન્સ જ લાવવા નથી માંગતો. જો એ સારો હોય ને, તો એને સારામાં પુષ્ટિ આપી દઉં. એટલે સારું એટલું બધું પ્રકાશમાન થાય, એટલી બધી જગ્યા રોકતું જાય કે નેગેટિવ જ ઊડી જાય.”
આપણે બીજી વ્યક્તિઓના નેગેટિવ કરીએ કે “એ નાલાયક માણસ છે, અનફિટ છે” એવું જોવા કરતાં એમાં શું પોઝિટિવ છે એ શોધી કાઢીને પોઝિટિવને જ લક્ષમાં રાખવું જોઈએ. સામી વ્યક્તિના નેગેટિવ માટે આપણે કચકચ ના કરવી. એને પોતાને એના નેગેટિવ દેખાશે અને એમાંથી બહાર નીકળશે. આપણે વ્યક્તિની સારી વાતને પ્રોત્સાહન આપવું. જ્યારે ખરાબ વાતમાં મૌન રહેવું અથવા એની અવગણના કરવી, જેથી વ્યક્તિને સમજાય કે મને પ્રતિભાવ ના મળ્યો. ધીમે ધીમે નેગેટિવ ઓછું થતું જશે. સામાના સો નેગેટિવ ભલે હોય, પણ એમાંથી એકાદ પોઝિટિવ શોધી કાઢીને એને પકડી રાખીએ તો પરિસ્થિતિમાં અને વ્યક્તિમાં આપોઆપ ફેરફાર થઈ જશે. આમ કરવા માટે નિષ્પક્ષપાતીપણે જબરજસ્ત સમતા અને ધીરજ કેળવવી પડે.
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે “અમે 'નેગેટિવ'ને 'પોઝિટિવ'થી જીતીએ છીએ.” આખી દુનિયાને જીતવાની નથી. ફક્ત ઘરની અને નજીકની ચાર-પાંચ વ્યક્તિઓને જીતવાની છે. એમના પોઝિટિવ જોવાય, નિર્દોષ જોવાય અને એમના પ્રત્યેના રાગ-દ્વેષ ઓછા થઈ જાય તોય બહુ.
છેવટની અને ઊંચામાં ઊંચી પોઝિટિવ દૃષ્ટિ એટલે સામેવાળાને આત્મારૂપે જોવા. પરિણામે તેમની એક પણ ભૂલ ના દેખાય, નિર્દોષ જ દેખાય.
જેમ દરેક સિક્કાની બે બાજુ હોય, તેમ દરેક વ્યક્તિમાં અમુક સારાં તો અમુક નરસાં પાસાં હોય જ. ગુલાબનો છોડ હોય ત્યાં કાંટા હોય, પણ માળીનું લક્ષ કાંટાને અડ્યા વગર ગુલાબને ખીલવવાનું હોય છે. આપણે પણ વ્યક્તિઓના પોઝિટિવ ગુણો જોવાં અને પોઝિટિવ જ બોલવું જોઈએ. બહારનું સુધરે અને આપણને શાંતિ થાય એવું બને નહીં, માટે આપણે જ અંદરનું ફેરવી દેવું જોઈએ. દરેક પરિસ્થિતિમાં સવળી દૃષ્ટિ ગોઠવીશું તો આપણને અને સામાને દુઃખ નહીં રહે.
ઘણીવાર કોઈ વ્યક્તિના નિમિત્તે આપણો અહંકાર દુભાય તો આપણે એનું ઊંધું જોઈએ અને બહાર અવળું બોલીએ છીએ. પણ એમ કરવાથી વ્યક્તિ કે પરિસ્થિતિ બદલાતા નથી. ઊલટું, નેગેટિવ કર્યાના ફળરૂપે આપણને જ દુઃખ પડે છે અને અધોગતિના કર્મો બંધાય છે.
કોઈ વ્યક્તિ બીજા માટે નેગેટિવ વાતો કરતી આવે તો પણ આપણે તેનું નેગેટિવ અડવા દેવું નહીં. એ વ્યક્તિ તો એનો ઊભરો ઠાલવતી હોય, પણ ત્યાં આપણે ઉપલક રહેવું. પાછું, અત્યારે એ વ્યક્તિને બીજા નેગેટિવ હોય અને ચાર દિવસ પછી પોઝિટિવ પણ થઈ જાય. જ્યારે એમના કહેવાથી આપણા મનમાં બીજા માટેનું નેગેટિવ ઘૂસી ગયું, તો આપણે બંધનમાં આવી જઈએ. વ્યવહારમાં કોઈ એકની વાત સાંભળીને આપણે બીજી વ્યક્તિ માટે અભિપ્રાય બાંધી દઈએ, તો આપણે કાચા કાનના થઈ ગયા કહેવાઈએ.
સામાન્ય રીતે એવો નિયમ રાખવો, કે જે વ્યક્તિ હાજર ના હોય, તે વ્યક્તિની નેગેટિવ વાત જ ના કરવી. જરૂર પડે તો વ્યક્તિની પાંચ પોઝિટિવ વાત કરવી પણ નેગેટિવ ના બોલવું.
પરમ પૂજ્ય દાદા ભગવાને એક સુંદર સૂત્ર આપ્યું છે, જે આપણે દરેકે ફ્રેમમાં મઢાવીને મૂકવા જેવું છે.
“આપણે જીવનમાં એક પ્રિન્સિપલ (સિદ્ધાંત) રાખવો. હંમેશા પોઝિટિવ રહેવું, નેગેટિવના પક્ષમાં ક્યારેય ના બેસવું. સામેથી નેગેટિવ આવે ત્યાં મૌન થઈ જવું.” - દાદા ભગવાન
જ્યારે ઘરમાં, કુટુંબમાં કે ઓફિસમાં આપણે એકથી વધુ વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવીએ, ત્યારે દરેકની જુદી જુદી પ્રકૃતિ સાથે વ્યવહાર ઊભો થવાથી સ્વાભાવિક રીતે અથડામણ થઈ જતી હોય છે. એવી પરિસ્થિતિમાં આપણે દરેક પ્રકૃતિના પોઝિટિવ શોધી કાઢીને ત્યાં એડજસ્ટ થઈ જઈએ તો વ્યવહાર શાંતિથી ઉકલે.
દરેકની પ્રકૃતિના ગુણો, દરેકના વ્યૂ પોઈન્ટ જુદા જુદા હોય છે. એમાંય વ્યવહાર સાપેક્ષ છે. એક વખત એક વ્યક્તિના વ્યૂ પોઈન્ટ પ્રમાણે કામ થાય, તો બીજી વખત બીજાના વ્યૂ પોઈન્ટ પ્રમાણે. એટલે પોતાના વ્યૂ પોઈન્ટની પકડ પકડી ન રાખવી. આપણે આપણા વ્યૂ પોઈન્ટને છોડતાં શીખી જવું. કામ થઈ ગયા પછી “બન્યું એ કરેક્ટ” કરીને આગળ વધવું, જેથી સંસારવ્યવહારમાં શાંતિ પણ થાય અને આપણી પ્રગતિ પણ ના અટકે.
જુદી જુદી પ્રકૃતિની વ્યક્તિઓના પોઝિટિવ શોધીને કામ લેવું. જેમ એક બેન્ડમાં હાર્મોનિયમ હોય, તબલા હોય, વાંસળી હોય અને ખંજરી પણ હોય. દરેકના સૂર અલગ અલગ હોય. પણ બધા એકસાથે સંવાદિતામાં વાગે તો મધુર સંગીત ઉત્પન્ન થાય. તેવી જ રીતે એકસાથે રહેતી કે કામ કરતી વ્યક્તિઓમાં કોઈ એક ધીમી હોય તો બીજી ઝડપી હોય, કોઈ સ્ટ્રોંગ હોય તો બીજી ઢીલી હોય. આપણા મોઢામાં પણ જીભ સોફ્ટ હોય, એ ખોરાક ભેગો કરી આપે અને દાંત કડક હોય, જે એને ભાંગી શકે. ખોરાક ચાવવામાં બંને જરૂરી છે. એ જ રીતે આપણે વ્યક્તિના સારા ગુણ શોધીને એની સાથે કામ લઈએ તો દરેક પ્રકૃતિ લાભદાયી છે.
સામી વ્યક્તિ આપણને ગમે તેવું દુઃખ દઈ જાય, ત્યારે આપણે એવી સમજણ હાજર રાખીએ કે એ એની દૃષ્ટિથી, એની અણસમજણથી બોલે છે ને વર્તન કરે છે. એમાં આપણે વ્યક્તિનું નેગેટિવ ના જોવું. પણ આપણે સતત પોઝિટિવ રહેવું. નેગેટિવ થઈને વ્યક્તિના સામા થઈશું, તો ઝઘડા વધશે.
આપણે પણ આપણા વ્યૂ પોઈન્ટથી વ્યક્તિને દોષિત ગણીએ છીએ. એ જ વ્યક્તિ બીજા સાથે સારો વ્યવહાર પણ કરતી હોય. કોઈ વ્યક્તિ દુઃખ આપીને જાય અને થોડી વાર પછી પસ્તાવો લઈને માફી માંગવા પણ આવતી હોય. એમાં આપણે પાછલા અનુભવને નોંધીને કકળાટ કરવા જેવો નથી. પહેલાં ધીર્યું હતું તે આજે હિસાબ પૂરો કરવા પાછું આવ્યું છે. આપણે જમા કરવું અને નવું ધીરવાનું બંધ કરી દેવું. સામી વ્યક્તિ આપણને દુઃખ આપે છે એનું કારણ એ તો નથી કે તેને આપણા નિમિત્તે દુઃખ થાય છે? એવું હોય તો તે શોધી કાઢવું અને કેવી રીતે દુઃખ ના થાય એવા ઉપાયો કરવા.
કોઈ આપણને કહે કે “તમે અક્કલ વગરના છો” તો આપણે તપાસ કરવી કે દુનિયાની એવી કેટલી બાબતો છે જેમાં આપણને અક્કલ નથી. ધારો કે, નોકરીના કામમાં કોઈ અપમાન કરે કે “તમને સમજણ નથી પડતી”, તો ત્યાં આપણો અહંકાર ઊછળી પડે. પણ આપણે એવી સમજણ સેટ કરીએ કે નોકરીના કામ સિવાયની દુનિયાની હજારો બાબતો છે જે આપણને નથી આવડતી. જેમ કે, ઘર બાંધવું, તૂટી ગયેલો ફોન રીપેર કરવો, પ્લેન ઉડાવવું વગેરે. એટલે પાંચ-સાત આવડતી બાબતોમાં અહંકાર કરવાની જરૂર નથી, એમ સમાધાન લાવી નાખવું.
સામો જે કહે છે એ એના વ્યૂ પોઈન્ટથી કહે છે, એમાં આપણે વાતને પકડીને દુઃખી થઈએ એ આપણી અણસમજણ છે. બહુ ત્યારે આપણે અંદર તટસ્થ રીતે તપાસ કરવી કે સામો કહે છે એવું ખરેખર આપણામાં છે કે નહીં. આપણી ભૂલ ના હોય છતાં સામો આપણને ખોટું કહે ત્યાં આપણે સાચું પુરવાર કરવાની પણ જરૂર નથી. સામાન્ય રીતે કહેવું, કે તમે કહો છો એ વાત સાચી નથી. પણ તેનો આગ્રહ ના રાખવો.
ટૂંકમાં, સામી વ્યક્તિ આપણી સાથે ગમે તેવો વ્યવહાર કરે, જેમાં આપણા બુદ્ધિ અને અહંકાર કૂદાકૂદ કરી મૂકે, સામાનું નેગેટિવ બતાડે ત્યારે આપણે સામે આવી સાચી સમજણનો સ્ટોક હાજર રાખીએ તો નેગેટિવની સામે પોઝિટિવ રહી શકાય.
ઘણી વખત કોઈ કાર્ય કરતી વખતે પણ આપણને નેગેટિવ થઈ જતું હોય છે કે, “આ કામ અશક્ય છે, મારાથી નહીં જ થાય.” અથવા વ્યવહારમાં નિર્ણય લેતી વખતે નેગેટિવ ઊભું થાય કે “આનું પરિણામ નેગેટિવ આવશે તો?” પછી કામમાં આત્મવિશ્વાસ ના રહે. આપણે અવળા વિચારો કરીએ તો પછી સંજોગો પણ અવળા પડે અને છેવટે કામ બગડી પણ શકે. તેવા સમયે આપણે પોઝિટિવ રહેવું. કારણ કે મનનો સ્વભાવ છે કે જાતજાતનું બતાવે. ક્યારેક પોઝિટિવ બતાવે, તો ક્યારેક નેગેટિવ. પણ આપણે આપણી સહી ફક્ત પોઝિટિવ તરફની જ રાખવી.
કોઈ પણ બાબતમાં પરિસ્થિતિને સારી રીતે સમજવા માટે, કોઈ બાબતને ચકાસવા માટે તેના નેગેટિવ અને પોઝિટિવનું એનાલિસિસ (પૃથ્થક્કરણ) કરીએ તો તેનાથી નુકસાન નથી થતું. પણ આપણો એકતરફી પક્ષ જો નેગેટિવ તરફનો થઈ જાય પછી નુકસાન થાય છે. આપણો પક્ષ હંમેશા પોઝિટિવ તરફનો રાખી કામ સફળતાપૂર્વક પૂરું થાય તે માટે પ્રયત્નો ચાલુ રાખવા. પછી પરિણામ પોઝિટિવ આવીને ઊભું રહે.
ઘણી વખત નિષ્ફળતા આવ્યા કરે તો જાત માટે નેગેટિવ માન્યતાઓ દ્રઢ થાય કે, “મારામાં આવડત નથી”, “હું ખરાબ છું”, “કોઈને મારી જરૂર નથી” વગેરે. એના કરતા સેલ્ફ નેગેટિવિટી ઊભી થાય ત્યારે જ આપણે નેગેટિવ માન્યતાઓનું લીસ્ટ બનાવવું, પછી દરેક માન્યતાઓ સામે પોઝિટિવ ગોઠવવું. ધારો કે, “મારામાં આવડત નથી” એવું ઊભું થાય તો પોતાને કેટલી બાબતો આવડે છે તે દેખાડવું.
પરમ પૂજ્ય દાદા ભગવાન પોઝિટિવ રહેવાની સુંદર ચાવી આપે છે.
દાદાશ્રી: આત્મા પોઝિટિવ છે અને બુદ્ધિ નેગેટિવ છે. વિચારો કરાવડાવે, આમ નથી થવા દેતું ને આમ થવા દેતું નથી. નથી થવા દેતું એને જોવાનું નથી, શું થવા દે છે એ જોવાનું છે. તો બહુ રીતે મહીં, ચોગરદમની મદદ કર્યા કરે.
એટલે બુદ્ધિ તો આપણો ટાઈમ બગાડે ને આપણને આનંદ ઉત્પન્ન થવા ના દે. અને 'મારું કશું જ અધૂરું નથી', આમ કહેવું, 'ધન્ય છે આ દિવસ!' શ્રીમદ્ રાજચંદ્રને એક 'સમકિત પ્રકાશ્યું' તેમાં તે કહે છે, 'ધન્ય રે દિવસ આ અહો!'
એટલે આપણે ત્યાં નેગેટિવ વાતો ના હોય, બધી પોઝિટિવ વાતો હોય. નેગેટિવ તો સંસારી વાતો, ટાઈમ બગાડે. ગૂંચવે અને સુખ ના આવવા દે.
જ્યારે પરિસ્થિતિ આપણા ધાર્યા કરતા વિપરીત બને, નિષ્ફળતા આવે ત્યારે આપણને નેગેટિવ અવશ્ય થઈ જાય છે. તે સમયે પોઝિટિવ રહેવાની ચાવી પરમ પૂજ્ય દાદા ભગવાન પાસેથી મળે છે. ધારો કે, કોઈ ચોપાટની રમત રમતાં હોઈએ, અને આપણે એમ ધારીએ કે બધા પાસા સવળા જ પડશે, ત્યારે જો એકાદ પાસો પણ અવળો પડે તો આપણું મન નેગેટિવ થઈ જાય અને આનંદ જતો રહે. પણ જો અંદરથી એવું રાખીએ કે પાસા અવળા પણ પડી શકે છે, તો એમાં જો એકાદ પાસો સવળો પડે તો આનંદ થઈ જાય. બીજા શબ્દોમાં, પૂરેપૂરી સફળતા મળે એવી ધારણા રાખી હોય તો નાનકડી નિષ્ફળતામાં નેગેટિવ થઈ જવાય, નિષ્ફળતા સહન જ ના થાય. પણ જો પૂરેપૂરી નિષ્ફળતાની તૈયારી હોય તો નાનકડી સફળતામાં પણ પોઝિટિવ રહી શકાય. એનો અર્થ એમ નથી કે આપણે પરિણામ માટે કાયમ નેગેટિવ વિચારીએ કે નિષ્ફળતા મળશે. પણ આવું આંતરિક એડજસ્ટમેન્ટ લેવાથી આપણે અવળા પરિણામ માટે તૈયાર રહીએ છીએ અને તેમાં નેગેટિવ થતું નથી.
પરમ પૂજ્ય દાદાશ્રી પોતે વ્યવસાયે કોન્ટ્રાક્ટનો ધંધો કરતા હતા. તેઓશ્રી પોતાના અનુભવનું તારણ આપતા કહે છે, કે ધંધામાં ગમે તેવી ખોટ આવે, તોય આપણને અડવા ના દેવું. આજે ખોટ છે તો કાલે નફો આવીને ઊભો રહેશે. એમાં નાસીપાસ થઈને બેસી થોડું રહેવાય? એક વખત પરમ પૂજ્ય દાદાશ્રીને પણ ધંધામાં ખોટ આવી હતી. પરિણામે, રાત્રે ચિંતા શરૂ થઈ અને ઊંઘ નહોતી આવતી. પણ તેઓશ્રી વિચક્ષણ હતા. પછી તેમની વિચારણા શરૂ થઈ કે ખોટ મારી ગઈ કે ધંધાની? અને આ ધંધાના નફામાં ઘરનાં બધા ભાગીદારો હોય છે અને ખોટ ગઈ તો મારા એકલાના માથે જ કેમ? જો આ ખોટ પણ ઘરની વ્યક્તિઓ અને ભાગીદારોમાં વહેંચી નાખીએ તો પોતાના ભાગે કેટલું આવે? બસ એટલી જ ચિંતા કરવાની.
ફક્ત ધંધાની બાબતમાં નહીં, પણ એવી રીતે દરેક બાબતમાં, આપણા ધાર્યા કરતા ઊંધું બને અને સહેજ દુઃખ ઊભું થાય કે તેમાંથી પોઝિટિવ શોધી કાઢવું.
આપણને કોઈ વ્યક્તિ માટે નેગેટિવ વિચાર આવે, કોઈનું નેગેટિવ બોલાઈ ગયું હોય, તો જ્યારે પણ આપણને ખ્યાલ આવે કે આ અવળું થયું ત્યારે તરત તે વ્યક્તિને યાદ કરીને તેમની માફી માંગવી, પસ્તાવો કરવો. અને ફરીથી આવી ભૂલ ના થાય તેવો નિશ્ચય કરી, જે ભગવાનમાં શ્રદ્ધા હોય તેમની પાસે તે માટે શક્તિઓ માંગવી.
નેગેટિવ વિચાર, વાણી કે વર્તન બંધ નહીં થાય. પણ સાચા હૃદયથી પસ્તાવો કરવાથી આપણા નેગેટિવ અભિપ્રાય ઊડી જાય છે. આપણે નેગેટિવિટીને પોઝિટિવિટીથી ઉડાડતાં જઈશું, પસ્તાવો લઈશું, તો એમ કરતાં કરતાં એક દિવસ નેગેટિવમાંથી પોઝિટિવ થઈને ઊભું રહેશે.
રોજ રાત્રે આખા દિવસમાં કોણ ભેગું થયું? ક્યાં નેગેટિવ થયું? કોના માટે નેગેટિવ વાતો કરી? એ બધું યાદ કરી કરીને તેની માફી માંગવી. આમ કરવાથી નેગેટિવ જલ્દી ભૂંસાઈ જશે અને પોઝિટિવ સેટ થતું જશે.
Q. નેગેટિવિટી અને પોઝિટિવિટી કેવી રીતે ઓળખાય?
A. પોઝિટિવ અને નેગેટિવ દૃષ્ટિને ઓળખવાની પારાશીશી એ છે કે, જે દૃષ્ટિ બીજાને દુઃખ આપે, પોતાને દુઃખી કરે,... Read More
Q. કાયમ પોઝિટિવ કેમ નથી રહેવાતું? નેગેટિવ કેમ થાય છે?
A. આજકાલ જીવન એટલું ઝડપી થઈ ગયું છે કે જ્યાં જોઈએ ત્યાં કામનું ટેન્શન, સ્ટ્રેસ, ચિંતા અને ઉપાધિમાં... Read More
Q. શા માટે જીવનમાં પોઝિટિવ રહેવું? નેગેટિવિટીની સામા ઉપર ને પોતાના ઉપર શું અસરો થાય છે?
A. પોઝિટિવથી ઊંચી દૃષ્ટિ આ જગતમાં કોઈ છે જ નહીં. જીવનમાં કાયમ પોઝિટિવ રહેવાય, નેગેટિવ ક્યારેય ના થવાય... Read More
Q. પોઝિટિવનો પાવર કેવો હોય છે?
A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “પોઝિટિવ લાઈન આખી ભગવાન પક્ષી છે અને નેગેટિવ લાઈન છે, એ શેતાન પક્ષી... Read More
subscribe your email for our latest news and events