પોઝિટિવથી ઊંચી દૃષ્ટિ આ જગતમાં કોઈ છે જ નહીં. જીવનમાં કાયમ પોઝિટિવ રહેવાય, નેગેટિવ ક્યારેય ના થવાય તો ક્યારેય ચિંતા, હતાશા, ડિપ્રેશન આવે જ નહીં. પણ નેગેટિવ બુદ્ધિનું કામ જ આખો દિવસ પોતાની નજીકના લોકોનું નેગેટિવ બતાવ બતાવ કરવાનું હોય છે.
નેગેટિવિટીની પોતાના અને સામા ઉપર અવળી અસરો થાય છે. કારણ કે આખું બ્રહ્માંડ ખીચોખીચ પરમાણુઓથી ભરેલું છે. પરમાણુનું સાયન્સ એવી રીતે કામ કરે છે કે આપણે પોઝિટિવ વિચારીએ, તો પરમાણુઓમાં પોઝિટિવ સ્પંદનો ઊભાં થાય છે અને નેગેટિવ વિચારીએ તો નેગેટિવ સ્પંદનો ઊભાં થાય છે. કોઈ પણ વ્યક્તિ માટે જેવો વિચાર કર્યો હોય તેવા સ્પંદનો તે વ્યક્તિને પહોંચી જાય છે. પછી એ સ્પંદનોના આધારે સામી વ્યક્તિને પણ પોઝિટિવ કે નેગેટિવ ભાવો ઊભા થાય છે.
નેગેટિવિટીની અવળી અસરો સમજાય તો તેમાંથી બહાર નીકળવાનો નિશ્ચય દ્રઢ થાય. આપણે સુખી થવું હોય તો નેગેટિવ આપણને સ્પર્શે નહીં તે રીતે કાયમ પોઝિટિવ રહેવું જોઈએ.
જેમ સિક્કાની બે બાજુ હોય તેમ જીવનવ્યવહારમાં બે જાતના પરિણામ હોય જ, 'પોઝિટિવ' અને 'નેગેટિવ'. જગતમાં નેગેટિવ દુઃખ આપશે અને પોઝિટિવ સુખ આપશે. જેનું મન કાયમ પોઝિટિવ થઈ ગયું તે જ ભગવાન. નેગેટિવ તો સંસારી વાતોમાં સમય બગાડે ને ગૂંચવે, સુખ ના આવવા દે અને સંસારમાંથી બહાર ના નીકળવા દે.
નેગેટિવિટીથી આનંદ જતો રહે, કષાય અને ભોગવટા ચાલુ થઈ જાય, મનમાં અશાંતિ અશાંતિ થઈ જાય. ખાસ કરીને જ્યારે વ્યક્તિઓ સાથે નેગેટિવ થાય તો તે પોતાને બહુ ભોગવટો આપે. આપણા નેગેટિવ સ્પંદનો સામાને પહોંચે અને તેના નેગેટિવ પ્રતિસ્પંદનો આપણને પહોંચે એમ ચક્કર ચાલ્યા જ કરે.
નેગેટિવ દૃષ્ટિ ચેન ના પડવા દે, જ્યારે પોઝિટિવ દૃષ્ટિથી મનમાં શાંતિ રહે. ધારો કે, કોઈ વ્યક્તિ આપણી પાસેથી મોટી રકમના પૈસા લઈ ગઈ હોય અને પાછા ના આપતી હોય અને રાત્રે વિચાર આવે, “એ આપશે નહીં, હવે શું થશે?” તો આખી રાત ઊંઘ ના આવે. એના કરતાં પોઝિટિવ રહીએ કે “પૈસા આવવાના હશે તો આવશે, પણ અત્યારે શાંતિથી સૂઈ જઈએ!” તો આપણી રાત તો સુધરે.
જીવનવ્યવહારમાં આપણા ઘરમાં, કુટુંબમાં, અડોશ-પડોશમાં બધાની સાથે પોઝિટિવ દૃષ્ટિ સેટ કરતાં જઈએ તો અથડામણ ઓછી થાય અને આપણને શાંતિ થાય. આપણું મન ડિસ્ટર્બ નહીં થાય. દુનિયામાં કીમતીમાં કીમતી વસ્તુ હોય તો મનની શાંતિ છે. બહારની ખોટ કરતાં અંદરની ખોટ બહુ ભારે છે. એટલે હંમેશા પોઝિટિવ રહેવું જોઈએ.
નેગેટિવિટીથી આપણી શક્તિઓ હણાય છે. જેમ કે, આપણને કોઈ કામ સોંપ્યું હોય, ત્યારે જો મનમાં એમ નેગેટિવ થાય કે “આ કામ મારાથી નહીં થાય” તો એ જ ઘડીએ આપણી કામ કરવાની શક્તિઓ તૂટી જાય છે. સતત પોતાની જાત માટે નેગેટિવ જ થયા કરે, તો આગળ જતાં વ્યક્તિ હતાશા અને ડિપ્રેશનનો શિકાર પણ બને છે.
એટલે મનમાં નેગેટિવ વિચાર આવે તો, તરત ત્યાં પોઝિટિવ ગોઠવવું કે “કેમ ના થાય? જરૂર થશે.” તો શક્તિઓ નહીં તૂટે. આપણે પોતાના વિચારો તેમજ બીજી વ્યક્તિ સાથેના વ્યવહારમાં જાગૃત રહીએ અને નેગેટિવ વિચારોને પોઝિટિવમાં પરિવર્તિત કરવા ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ તો આપણી આંતરિક શક્તિઓ પ્રગટ થાય છે.
નજીકની વ્યક્તિઓ સાથે નેગેટિવ થવાથી તેમની સાથેનું અંતર વધી જાય છે. કોઈ વ્યક્તિ સહેજ આપણા માટે નેગેટિવ બોલે, તો આપણને પણ તરત એ વ્યક્તિ માટે નેગેટિવ શરૂ થઈ જાય. વ્યક્તિઓને આપણી સાથે અને આપણનેય એમની સાથે કામ કરવાની મજા ન આવે. ઘરના નોકર માટે પણ નેગેટિવ દૃષ્ટિ હોય તો એ કામ છોડીને જતો રહે. જે વ્યક્તિનું વારે વારે નેગેટિવ દેખાય, તે વ્યક્તિ સાથે અંદરથી ભેદ પડી જાય, અભેદતા ના રહે.
કોઈ વ્યક્તિથી આપણને સતત અકળામણ થયા કરતી હોય, તો તેમનું નેગેટિવ કરવાથી વ્યક્તિ સુધરતી કે બદલાતી નથી, પણ આપણી અકળામણ વધ્યા કરે છે. એના બદલે વ્યક્તિ માટે પોઝિટિવ રહીએ તો એ જીતી શકાય છે.
કોઈ વ્યક્તિનું વારે વારે નેગેટિવ દેખાય, પછી એ વ્યક્તિ સાથેનો આપણો વ્યવહાર બગાડવા માંડે. જ્યારે પોઝિટિવથી વ્યવહાર સુંદર અને શાંતિમય થાય.
દરેક વાતમાં નેગેટિવ થવાથી ફરિયાદો અને મુશ્કેલીઓ વધ્યા કરે, જ્યારે પોઝિટિવ રહેવાથી કોઈ તકલીફ ના પડે, મુશ્કેલી કે ફરિયાદ ના રહે.
નેગેટિવિટી વ્યક્તિઓ સાથે એડજસ્ટ ના થવા દે, બીજાની ભૂલ કાઢ કાઢ કરે. જ્યારે પોઝિટિવિટી અવળામાંથી સવળું શોધીને એડજસ્ટ થઈ જાય, સમાઈ જાય.
આપણે કોઈ વ્યક્તિ માટે નેગેટિવ ભાવપ્રતિષ્ઠા કર્યા કરીએ તો એ વધારે ને વધારે બગડતી જાય. એક વાંકો શબ્દ બોલવાથી સામાને ઊંધી આંટીઓ પડતી જાય. જેમ કે, ઘરમાં મહેમાનો માટે છોકરો પાણી લઈ આવે અને એના મા-બાપ કહે કે “અમારો દીકરો બહુ સેવાભાવી છે.” તો એના પોઝિટિવ ગુણને પોષણ મળે અને એ મનમાં સહી કરે કે “હું વધારે સેવા કરીશ.” પછી બીજી વખત દોડી દોડીને કામ કરશે. પણ જો મા-બાપ એમ કહે કે, “છોકરો બહુ જિદ્દી છે.” અથવા એણે કોઈ સારું કામ કર્યું હોય પણ એમાં ભૂલ થઈ ગઈ હોય અને કહે કે, “પાણી લાવ્યો પણ ગ્લાસ ફોડી નાખ્યા, કાયમ નુકસાન જ કરે છે.” તો એવી નેગેટિવ ભાવપ્રતિષ્ઠાથી છોકરો વધારે બગડતો જાય. પછી એ નક્કી કરે કે “હવે કામ જ નહીં કરું!” બાળકોની ભૂલોને સુધારવા મા-બાપ કકળાટ કરે તો તેમના સારા ગુણો કચડાઈ જાય, એમની બહુ મોટી જવાબદારી છે.
કોઈ પણ વ્યક્તિની ભૂલ થાય તો એને સાચી સમજણ અપાય, પણ જો એનું નેગેટિવ બોલીએ તો એનો ગુનો આપણને ચોંટશે. એના બદલે જો વ્યક્તિનું પોઝિટિવ બોલીએ તો સામાને પાવર આવી જાય અને પોતાને પણ ગુનો ના ચોંટે.
નેગેટિવ શબ્દો અહંકારને તોડી નાખે છે. એના કરતાં સામાની ભૂલમાં મૌન રહીએ તો એ એના જીવનમાં ફેરફાર કરી નાખે. એક ઐતિહાસિક ઘટના આ વાતનો પુરાવો આપે છે. મહાત્મા ગાંધીજી પંદરેક વર્ષના હતા, ત્યારે તેમના ભાઈએ માંસાહારની કુટેવને કારણે પચીસેક રૂપિયાનું દેવું કર્યું હતું. એ સમયે પચીસ રૂપિયાની કિંમત ઘણી હતી. દેવું કેમ કરીને વાળવું તે માટે બંને ભાઈઓ વિચારતા હતા, ત્યાં તેમને એક ઉપાય મળી આવ્યો. ગાંધીજીએ ભાઈના સોનાના નક્કર કડામાંથી એકાદ તોલો સોનું કાપીને વેચ્યું અને એ પૈસામાંથી દેવું ચૂકવી દીધું. આ ચોરી કર્યાનો પસ્તાવો થતાં ગાંધીજીએ પિતાને કાગળ લખીને ભૂલની કબૂલાત કરી. તેમને હતું કે તેમના પિતા ગુસ્સો કરશે, કટુવચન સંભળાવશે. પણ ઊલટું તેમના પિતા કશું જ બોલ્યા નહીં, મૌન રહ્યા. બસ તેમની આંખમાંથી આંસુના બે ટીપાં સરી પડ્યાં. ગાંધીજી ઉપર એ મૌનનો ખૂબ ઊંડો પ્રભાવ પડ્યો. એ પ્રભાવની અસરે ગાંધીજીને આખી જિંદગી કોઈ પણ ખોટા કામ કરતા અટકાવ્યા હતા.
વ્યક્તિ માટે નેગેટિવ વાણી બોલીએ તો તેની માનસિકતા ડિસ્ટર્બ થઈ જાય. વ્યક્તિને દુઃખ પહોંચે અને તેનો અહંકાર દુભાય, ઉત્સાહ ભાંગી જાય. પતિ-પત્ની, સાસુ-વહુ, મા-બાપ છોકરા કે નોકર-બોસ વચ્ચે આવું જાતજાતનું નેગેટિવ બોલાઈ જતું હોય છે. જેમ કે, “તું જલ્દી કરતી નથી, સાવ ઢીલી છે.” અથવા “તને આવડતું જ નથી, ક્યારેય ઊંચો જ નહીં આવે”, “તારે કામ જ કરવા નથી, ખાલી દેખાડો જ કરવો છે.”, “તારાથી હું કંટાળી ગઈ.” આવા વાણીના ઘા પડે પછી સામાનો અહંકાર બેસી જાય અથવા સામો થાય અને આડાઈ કરે.
નેગેટિવ વાણીની અસરો વસમી હોય છે. “આંધળાનો પુત્ર આંધળો”, એ દ્રૌપદીના શબ્દોથી મહાભારતનું ભીષણ યુદ્ધ સર્જાઈ ગયું. એટલે પોઝિટિવ વાણી બોલવી, જે કોઈને નુકસાન નહીં કરે ને તમને પોતાને પણ નુકસાન નહીં કરે. નેગેટિવથી સામાનું એક નુકસાન થતું હોય, તો પોતાને દસગણું નુકસાન થાય છે.
નેગેટિવ વાણીથી સામાની સાયકોલોજી ઉપર અવળી અસર થાય છે. સાસુ રોજ વહુને કહે કે “તું ગાંડી છે” તો થોડા વખતમાં વહુ ગાંડી થઈને રહેશે. જ્યારે પોઝિટિવ વાણી કોઈ ગાંડા કાઢતું હોય, તો એને પણ “તું ડાહ્યો છું” કહે, જેનાથી એનું ગાંડપણ ખલાસ થાય. સામાનો અહંકાર ઢીલો થતો હોય તો પોઝિટિવ એને મજબૂત કરી આપે. વ્યક્તિઓ માટે જેવી પ્રતિષ્ઠા કરીએ તેવો તે થાય. એટલે આપણે એવું બોલવું જોઈએ કે સામાની નેગેટિવિટી ખલાસ થઈ જાય. આપણે એટલા પોઝિટિવ હોઈએ કે સામાનું નેગેટિવ ઓગળી જાય. જેમ સુખડના ઝાડને કુહાડી મારીએ, કાપીએ, છોલીએ, કે લટકીને ટીંગાટોળી કરીએ, તો પણ એ સુગંધ જ આપે. તેવી રીતે પોઝિટિવ અહંકાર ગમે તે પરિસ્થિતિમાં સામાને સુખ જ આપે. જ્યારે આપણને વ્યક્તિઓ માટે કાયમ પોઝિટિવ જોવાય, નેગેટિવ ક્યારેય થાય જ નહીં, ત્યાર પછી વાણી સુંદર નીકળે.
ઘણીવાર વ્યક્તિઓ માટે નેગેટિવ થવાનું કારણ ઈર્ષ્યા હોય છે. “હું સારો છું” એ અહંકાર વધે, તો પોતે બીજાનું સારું દેખી ના શકે, ત્યાં ઈર્ષ્યા થાય અને તેનું કેમ કરીને ખરાબ થાય તેના પ્રયત્નો શરૂ થાય. પરિણામે સામાની નિંદા-કૂથલી કરીને નેગેટિવ ચર્ચાઓ કરે. ખરેખર, કોઈ વ્યક્તિની નિંદા કરીએ કે “આ વ્યક્તિ આવી છે, તેવી છે.” તો એ પોતાના આત્માને જ પહોંચે છે. બીજાની નિંદા કરવી એ સામાની અંદર બેઠેલા ભગવાનની નિંદા કર્યા બરાબર છે. એના ફળરૂપે પોતાને જ દુઃખ અને ત્રાસ ભોગવવા પડે છે.
ઘણીવાર વ્યક્તિની ગેરહાજરીમાં તેની નેગેટિવ ચર્ચા થવાથી વાતનું વતેસર થઈ જાય છે. લોકો ખણખોદ કરીને ગૂંચવાડા ઊભા કરે છે અને વ્યક્તિ પાસે વાત પહોંચે તો એને ભારે દુઃખ થાય છે. પોતાનું તો નુકસાન થાય જ છે, સાથે સાથે બીજી વ્યક્તિના કાનમાં પણ ઝેર રેડાય છે.
વધુ પડતી નિંદા થાય તો અધોગતિમાં જવું પડે, જાનવરનો અવતાર પણ થાય. જેમ ચોરી કરી હોય તો જેલમાં જઈને ભોગવવું પડે. બળદ જેવા પશુનો અવતાર થાય તો માલિક મોઢા ઉપર સીકું બાંધીને ચાબુકથી મારે, ખાવાનું ના આપે તો પણ પોતે કશું બોલી ના શકે.
કુદરતનો નિયમ છે કે, આપણે બીજાના સારા ગુણોને સારા કહીએ તો એ ગુણો આપણામાં પ્રગટ થતા જાય. કોઈ વ્યક્તિની ઈર્ષ્યા થતી હોય તો તેના જ પોઝિટિવ ગુણોને એન્કરેજ કરીએ તો ઈર્ષ્યા ખલાસ થશે. એટલું જ નહીં, એ ગુણ આપણામાં નહીં હોય તો પ્રગટ થશે અને હશે તો વધશે.
નેગેટિવ અહંકાર પોતાને તો દુઃખી કરે, આસપાસના લોકો પણ એનાથી દુઃખી થાય. પછી એ બીજાને આક્ષેપ આપે કે વ્યક્તિઓ સાથે અથડામણમાં આવે. એમાંય જો નબળા માણસો સાથે ઝઘડા, મારામારી કરીએ તો સામાનો અહંકાર વેર બાંધે.
જ્યારે પોઝિટિવ અહંકાર સંસારમાં એકબીજાને દુઃખ ના થવા દે. પોઝિટિવ અહંકાર પોતે તો શાંતિમાં રહી શકે, બીજાને પણ સુખ-શાંતિ આપી શકે. પોઝિટિવિટીથી સંસારી દુઃખો તો ના જ આવે, પણ મન, વાણી અને દેહ પણ નીરોગી થતા જાય. પોઝિટિવ દૃષ્ટિ તરત પરિણામ પામે, મુક્તતા લાવે અને અવળાં કર્મો બંધાતા અટકાવે. પોઝિટિવથી સંસારમાં વેર ના બંધાય, પોતે હળવો થતો જાય. છેવટે અહંકાર ખલાસ થાય ત્યારે સંસારમાંથી મુક્તિ થાય.
પોઝિટિવ દૃષ્ટિમાં એટલો બધો પાવર છે કે તેનાથી મનુષ્ય પણ ભગવાન બની શકે છે. જ્યારે નેગેટિવ દૃષ્ટિ માણસને પણ શેતાન બનાવી શકે છે. ઊંધું જોવાવાળી નેગેટિવ બુદ્ધિ એટલી ભયંકર ઊંડી ખાઈમાં નાખી દે કે એ નરકગતિના કર્મો બાંધી નાખે. જ્યારે સવળું જોવાવાળી પોઝિટિવ દૃષ્ટિ, કોઈ લાખ ઊંધું કહે તોય સવળું જ જુએ.
કૃપાળુદેવે કહ્યું છે કે, “હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ, દીઠા નહીં નિજદોષ તો, તરીએ કોણ ઉપાય?” બીજાના દોષ જોવામાં ડૂબવાના કારણોનું સેવન થાય છે, જ્યારે પોતાના દોષો જોવાથી સંસારસાગરમાં તરી જવાય છે.
આત્મા પોઝિટિવ પક્ષ છે ને બુદ્ધિ નેગેટિવ પક્ષ છે. પોઝિટિવથી આપણું આધ્યાત્મિક સ્તર ઘણું ઊંચું જાય છે. નેગેટિવ થઈએ તો બહાર કદાચ આપણને લૌકિક માન્યતાથી લાગે કે ફાયદો થયો, પણ સરવાળે અંદર ઘણી ખોટ જાય છે, આધ્યાત્મિક સ્તર ખૂબ નીચું જાય છે.
એક વખત પોઝિટિવ દૃષ્ટિનો સ્વાદ ચાખી લઈએ પછી એ કદી છૂટતી નથી. પોઝિટિવ રહેવાથી બહાર ભલે નુકસાન થાય, પણ અંદર ઘણી મુક્તતા અને આનંદ રહે છે. આર્તધ્યાન-રૌદ્રધ્યાન ઘટી જાય છે. પોઝિટિવ દૃષ્ટિવાળો મનુષ્ય આગળ વધીને સમ્યક્ દૃષ્ટિ પ્રાપ્ત કરીને મોક્ષ સુધી પહોંચી શકે છે.
Q. નેગેટિવિટી અને પોઝિટિવિટી કેવી રીતે ઓળખાય?
A. પોઝિટિવ અને નેગેટિવ દૃષ્ટિને ઓળખવાની પારાશીશી એ છે કે, જે દૃષ્ટિ બીજાને દુઃખ આપે, પોતાને દુઃખી કરે,... Read More
Q. કાયમ પોઝિટિવ કેમ નથી રહેવાતું? નેગેટિવ કેમ થાય છે?
A. આજકાલ જીવન એટલું ઝડપી થઈ ગયું છે કે જ્યાં જોઈએ ત્યાં કામનું ટેન્શન, સ્ટ્રેસ, ચિંતા અને ઉપાધિમાં... Read More
Q. નેગેટિવમાંથી પોઝિટિવ તરફ કઈ રીતે વળવું?
A. નેગેટિવમાંથી પોઝિટિવ તરફ વળવા માટે માટે ફક્ત દૃષ્ટિ જ બદલવાની છે. જેમ ખાલી બોટલમાંથી હવા બહાર કાઢવી... Read More
Q. પોઝિટિવનો પાવર કેવો હોય છે?
A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “પોઝિટિવ લાઈન આખી ભગવાન પક્ષી છે અને નેગેટિવ લાઈન છે, એ શેતાન પક્ષી... Read More
subscribe your email for our latest news and events