Related Questions

નેગેટિવિટી અને પોઝિટિવિટી કેવી રીતે ઓળખાય?

પોઝિટિવ અને નેગેટિવ દૃષ્ટિને ઓળખવાની પારાશીશી એ છે કે, જે દૃષ્ટિ બીજાને દુઃખ આપે, પોતાને દુઃખી કરે, જેનાથી બીજાની ઈર્ષ્યા અને નિંદા થાય કે વેર બંધાય એ બધું જ નેગેટિવ છે. જ્યારે તેનાથી તદ્દન ઊંધી દૃષ્ટિ, એટલે કે જે દૃષ્ટિ પોતાને સુખ આપે અને બીજાને પણ સુખી કરે તે પોઝિટિવ દૃષ્ટિ છે.

સંસારવ્યવહારમાં મોટે ભાગે નેગેટિવ દૃષ્ટિ જ સતત કામ કરતી હોય છે. બહુ ઓછો વખત પોઝિટિવ દૃષ્ટિ વપરાતી હોય છે. પોઝિટિવિટી અને નેગેટિવિટીને અમુક લક્ષણો અને પરિણામો ઉપરથી ઓળખી શકાય, જે નીચે મુજબ છે.

પોઝિટિવિટી અવળામાં સવળું શોધે

પોઝિટિવ એટલે સવળે ચડેલી દૃષ્ટિ, જે દૃષ્ટિ અવળામાંથી પણ સવળું શોધી કાઢે. દરેક બાબતમાં, દરેક જગ્યાએ સવળું જ દેખાય તેને સમ્યક્ દર્શન અથવા સમ્યક્ દૃષ્ટિ કહેવાય છે.

પોઝિટિવ દૃષ્ટિવાળાને વ્યવહારમાં નાની નાની બાબતોમાં જ નહીં, પણ મોટા મોટા પ્રસંગો આવે તોય સવળું જ દેખાય. પોઝિટિવ દૃષ્ટિ હોય ત્યાં અંદર ક્લેશ, બળતરા, ઈર્ષ્યા, ઝઘડા કે કકળાટ ના હોય. પોઝિટિવ દૃષ્ટિવાળી વ્યક્તિ પોતે આનંદમાં રહેતી હોય. એટલું જ નહીં, તેની આસપાસના લોકોને પણ એ પોઝિટિવિટીના સ્પંદનો પહોંચે એટલે લોકો પણ સુખી રહે.

પોઝિટિવ દૃષ્ટિવાળી વ્યક્તિને નિષ્ફળતા આવે તો પણ તે નાસીપાસ થઈને બેસી ના રહે. પણ બીજી વખત “ના કેમ થાય? પ્રયત્ન તો કરીએ!” એવો સકારાત્મક અભિગમ રાખીને પ્રયત્નો ચાલુ રાખે.

પોઝિટિવ દૃષ્ટિવાળી વ્યક્તિનું હૃદય લાગણીવાળું હોય, માનવતાવાળું હોય. કોઈ વ્યક્તિ પોતાનું અપમાન કરે ત્યારે “કોઈ મારું આવું અપમાન કરે તો મને દુ:ખ થાય છે, એટલે મારે કોઈનું આવું અપમાન ન કરવું જોઈએ.” એમ પોઝિટિવ તારણ કાઢીને આગળ વધે. જ્યાં પોઝિટિવ દૃષ્ટિ હોય ત્યાં અંદર બદલાની ભાવના, વેરઝેર, નોંધ કે ફરિયાદ ના હોય.

દૃષ્ટિ એક વખત સંપૂર્ણ પોઝિટિવ થઈ જાય, પછી બીજું કોઈ આવીને ગમે તેટલું નેગેટિવ કરે તો પણ પોતાને નેગેટિવ ઊભું થાય જ નહીં. પોઝિટિવ દૃષ્ટિની શરૂઆત જીવનમાં સંસારવ્યવહારથી થાય છે અને તે અધ્યાત્મના પગથિયાં ચડીને છેક આત્મા સુધી લઈ જાય છે.

પોઝિટિવિટીનું ઉદાહરણ

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે પોઝિટિવ મનુષ્યો તો કેવા હોય? જેમ અગરબત્તીને સળગાવીએ તો એની આખા રૂમમાં સુગંધ આવે, જેમ અગરબત્તી પોતે બળે પણ બીજાને સુગંધ આપે, તેવી રીતે પોઝિટિવ વ્યક્તિઓની પોઝિટિવિટીની સુગંધ આસપાસના લોકોને આવ્યા વગર રહે જ નહીં.

સંતો અને જ્ઞાનીઓ પોતે પોઝિટિવ હોય. સંત તુકારામના જીવનનો એક સુંદર પ્રસંગ છે. તેઓ એક દિવસ નદીએ નાહીને સીડીઓ ચડી ભગવાનને પગે લાગવા જતા હતા. ત્યારે તેમના રસ્તામાં એક માણસ થૂંક્યો! થૂંકવાથી શરીર અશુદ્ધ થયું, એમ ભગવાનના મંદિરમાં ના જવાય, એટલે સંત તુકારામ ફરીથી નદીમાં નહાવા ગયા. નાહીને બહાર નીકળ્યા તો ફરીથી પેલો માણસ એમના ઉપર થૂંક્યો. તો સંત ફરીથી નહાવા ગયા. એમ કરતાં કરતાં એકવીસ વખત તેઓ નાહીને બહાર આવ્યા અને એકવીસ વખત પેલો માણસ સંત તુકારામ ઉપર થૂંક્યો! પણ દરેક વખતે એકદમ સહજતાથી, જરાય પણ ભાવ બગાડ્યા વગર તેઓ નહાવા જતા રહ્યા. તેમને જરાય ભોગવટો નહોતો આવ્યો. જ્યારે એકવીસમી વખત નાહીને તેઓ બહાર પાછા આવ્યા ત્યારે પેલા થૂંકનારને અંદર જબરજસ્ત પશ્ચાત્તાપ થયો. એણે સંત તુકારામને પગે પડીને માફી માંગી. એને થયું આ સંતમાં કેટલી બધી શક્તિ છે! સંત તુકારામના આવા પોઝિટિવ અભિગમથી થૂંકનારને પોતાની નબળાઈ દેખાઈ.

પરમ પૂજ્ય દાદા ભગવાન પોતાના જ જીવનનો એક દાખલો આપે છે જેમાં તેમના માતાજી ઝવેરબાએ તેમનામાં નાનપણમાં જ નેગેટિવ પરિસ્થિતિમાં પોઝિટિવના બીજ વાવ્યાં હતાં.

માર ખાઈને આવજે, મારીશ નહીં

દાદાશ્રી: નાનપણમાં એક ફેરો એક જણને ઢેખાળો મારીને આવ્યો’તો, નાનો અમથો. તે પેલાને લોહી નીકળ્યું’તું. પછી હું ઘરમાં આવીને પેસી ગયો છાનોમાનો. લોક મારવા ના આવે ને! ઝવેરબાને ખબર પડી.

પ્રશ્નકર્તા: તમે કોઈને મારીને આવો, તો બા તમને મારે ખરા?

દાદાશ્રી: સમજણ પાડે. તે પછી એમણે મને કહ્યું કે ‘ભઈ, આ શું કર્યું? જો એને લોહી નીકળ્યું. તે શું કર્યું આ?’ ‘મારે નહીં ત્યારે શું કરે?’ મેં કહ્યું. ત્યારે કહે, ‘એને એની કાકીને ત્યાં રહેવાનું, એની મા નથી, તો એને કોણ પાટાપીંડી બધું કરે? અને કેટલું રડતો હશે બિચારો! એને કેટલું દુઃખ થતું હશે! એને કોણ સેવશે હવે? અને હું તો તારી મધર છું, સેવીશ. અને તું માર ખઈને આવજે, પણ કોઈનેય ઢેખાળો મારીને એને લોહી કાઢીને આવીશ નહીં. તું ઢેખાળો ખાઈને આવજે, તો હું તને મટાડી દઈશ. પણ એને કોણ મટાડશે, બિચારાને?’

આવા મધર મહાવીર બનાવે

પ્રશ્નકર્તા: અત્યારે તો ઊંધું છે બધું. અત્યારે તો ઊંધું કહે, જો માર ખાઈને આવ્યો છે તો?

દાદાશ્રી: પહેલેથી ઊંધું, આજે નહીં. અત્યારે આ કાળને લઈને થયું નથી, એ પહેલેથી અવળું હતું. આવું જ છે આ જગત! એટલે આપણા લોકો તો ‘બીજે દહાડે લાકડી લઈને જજે,’ એવું કહે. દુઃખી કરવાના બધા નિશાન! આ માજી તો મને સારું શિખવાડતા’તા, બધું સારું શિખવાડે. મને બહુ ગમેલું. બોલો હવે, એ મા મહાવીર બનાવે કે ના બનાવે? મારા માજી હતાય એવા! એ વાત થયેલી નાનપણમાં, પછી મોટી ઉંમરમાં જરા સમજ આવી ત્યારે (વધારે) સમજી ગયો. બાકી આવું શિખવાડે તો ગમે નહીં ને પહેલાં તો? મને ગમ્યું. મેં કહ્યું, ‘બા કહે છે એ વાત સાચી છે. એની મધર નથી બિચારાની.’ એટલે ડાહ્યો થઈ ગયો’તો, તરત. તે ત્યારથી મારવાનું બંધ થઈ ગયું.

જો કે, આ કળિયુગમાં પોઝિટિવિટી કરતાં નેગેટિવિટી વધુ જોવા મળે છે. નેગેટિવિટી સીધી પકડાય તેમ નથી, પણ તેના અનેક દુઃખદાયી પરિણામો હોય છે, જેના ઉપરથી આપણને નેગેટિવિટી ઓળખાઈ શકે.

નેગેટિવિટીથી દુઃખ

ઘણી વ્યક્તિઓનો સ્વભાવ એવો જ હોય કે એમને વધુમાં વધુ નેગેટિવ જ દેખાયા કરે. સહેજ અગવડતા કે દુઃખ પડે તો તરત એમાંથી નેગેટિવ શોધી કાઢે અને દુઃખી થયા કરે. અરે, જે મા-બાપ પોતાને નાનપણથી ઉછેરવા માટે બનતું બધું કરી છૂટે, તો પણ આપણે એમનો ઉપકાર ભૂલી જઈએ અને એમનું ભયંકર નેગેટિવ પણ જોઈ શકીએ! નેગેટિવ અહંકાર એટલો બધો સંવેદનશીલ થઈ ગયો હોય છે, કે જ્યાં સહેજ કોઈએ ભૂલ કાઢી, કે સહેજ દુઃખ પડે ત્યાં સંબંધ કાપી નાખવા તૈયાર થઈ જાય છે. એ નેગેટિવિટી વધે ત્યારે સંબંધોમાંથી ખસી જવાના, ઘરબાર છોડી દેવાના કે છેવટે સંસાર છોડી દેવા સુધીના વિચારો આવી જાય છે.

કોઈ જગ્યાએ સફળતા ના મળે તો નેગેટિવ દૃષ્ટિ પોતાને ખૂબ ભોગવટામાં નાખી દે. નેગેટિવ વ્યક્તિઓ નિષ્ફળતામાં બીજી વખત પ્રયત્ન કરવાને બદલે “કરવું છે, પણ થતું નથી!” એમ નેગેટિવ ગાણાં ગાયા કરે, જેનાથી પોતાની નિષ્ફળતાનો અંદરખાને બચાવ થયા કરે.

નેગેટિવિટીથી ક્લેશ

નજીકની વ્યક્તિઓ કે જેમની સાથે લાંબો સમય સાથે રહેવાનું હોય એમના માટે નેગેટિવ અભિપ્રાયો ભેગા થતા જાય. ખાસ કરીને, જેમની સંકુચિત દૃષ્ટિ હોય તેમને આવી પરિસ્થિતિમાં આખું વિઝન ના દેખાય. એટલે જેટલું પોતાને દેખાય એના ઉપરથી તરત અભિપ્રાય આપીને નેગેટિવ ચીતરી નાખે. પછી વ્યક્તિ સાથે ભેદ ઊભો થતો જાય, જે વધી જતાં ક્લેશ, બોલાચાલી અને ઝઘડા પણ થાય.

સાસુ તરફથી વહુને દુઃખ પડ્યું હોય તો સાસુએ મારી સાથે આમ કર્યું એવું યાદ કરી કરીને વહુ દુઃખી થયા કરે. એટલું જ નહીં પણ અંદર નોંધ પડી જાય, કાળજે લખાઈ જાય અને મરતા સુધી એ નોંધ ભૂંસાય નહીં. દુઃખ આપનાર વ્યક્તિ તો નિરાંતે ભૂલી ગઈ હોય પણ જેને દુઃખ પડ્યું હોય તેને યાદ આવ્યા કરે. પરિણામે, પોતે સતત બોજામાં રહે.

નેગેટિવિટીથી શંકા

નેગેટિવ દૃષ્ટિવાળી વ્યક્તિઓ બહુ વહેમી અને શંકાશીલ હોય. એ વ્યક્તિને પોતાને પણ ખ્યાલ ના હોય તે રીતે તેમની અંદર બુદ્ધિ વિચિત્ર પ્રકારે કામ કરતી હોય. પરિણામે, એ વ્યક્તિની સાથે રહેતા કે તેમના સંપર્કમાં આવતા લોકોને બહુ ભોગવવું પડે. કારણ કે એ વ્યક્તિ વાતે વાતે શંકા કરે અને ક્યારેય સીધું જુએ જ નહીં. જેમ કે, પતિ કોઈ બીજી સ્ત્રી સાથે હસી હસીને વાત કરે તો પત્નીને શંકા જાય અને પૂછે, “એવું તો એમાં શું જોયું?” જ્યારે પતિને પણ પત્ની કોઈ બીજા સાથે વાત કરે તો શંકા પડે. પરિણામે, પતિ-પત્નીના જીવનમાં ક્લેશનો પગપેસારો થઈ જાય.

નેગેટિવિટી બદલો વાળે

નેગેટિવ અભિગમ ધરાવતી વ્યક્તિને કોઈ તરફથી દુઃખ આવે તો, તેનો બદલો ન વાળે ત્યાં સુધી પોતાને જંપ ના વળે. “એણે મને આમ કહ્યું, તો હું એને આમ સંભળાવી દઈશ. એને સીધો કરી દઈશ.” એવા સતત વિચારો ચાલ્યા કરે. “ટીટ ફોર ટેટ” એટલે કે “જેવા સાથે તેવા” થવા જાય.

જેમ કે, ઓફિસમાં સહકર્મચારીથી પોતાનું અપમાન થયું હોય અથવા પોતાને તેના પ્રત્યે ઈર્ષ્યા થતી હોય તો પોતાનું ધ્યાન સતત સહકર્મચારી તરફ જ હોય. જો એમની કોઈ ભૂલ થઈ કે તરત ઉપરી પાસે જઈને ફરિયાદ કરી આવે. ધંધામાં અપમાન થયું હોય તો તેની ફરિયાદ જઈને ઈન્કમટેક્ષવાળાને કરી આવે કે “આ ધંધામાં બહુ ગોટાળા થાય છે.” પછી સામેવાળો હેરાન પરેશાન થઈ જાય અને એમાં પોતાને પાશવી આનંદ આવે.

નેગેટિવિટી સવળામાંય અવળું શોધે

કેટલાક એવા લોકો પણ હોય છે જેઓ અતિશય નેગેટિવ વિચારસરણી ધરાવતા હોય છે. તેમની સાથે કોઈ સવળું કરે તો પણ એમને અવળું જ દેખાય. કોઈ એમનું ભલું કરવા જાય ત્યાં પણ તેમને નેગેટિવ જ દેખાય.

જેમ કે, કોઈ મદદ કરવાની ભાવનાથી એમને લાખ રૂપિયા આપતા હોય, તો નેગેટિવ વ્યક્તિને મનમાં ઊંધું જ ચક્કર ચાલે કે “આ મને નીચો દેખાડવા માંગે છે, પછી બધામાં બદનામ કરશે કે મેં આને પૈસા આપ્યા, હું કંઈ ભિખારી થોડો છું?” જ્યારે સામેવાળાને ખરેખર કોઈ એવો ખરાબ ભાવ ના હોય.

નેગેટિવિટી નિંદા, ખણખોદ કરાવે

પોતાને બીજા કરતાં ચડિયાતા પુરવાર કરવા, “હું બીજાથી સારો છું, સામો કઈ રીતે ખરાબ છે” એવું સાબિત કરવાના સતત પ્રયત્નો કરવા, સામી વ્યક્તિનું નેગેટિવ ચીતરવું એ નેગેટિવ દૃષ્ટિવાળાની મોટી ખામી છે. નિંદા, કૂથલી, ખણખોદ એ બધું જ નેગેટિવના પક્ષનું છે. કોઈ બે વ્યક્તિઓ ભેગી થાય તો મોટે ભાગે ત્રીજી વ્યક્તિની પોઝિટિવ વાત કરવાને બદલે નેગેટિવ વાતો જ કર્યા કરે. અંદર એટલું બધું નેગેટિવ ભર્યું પડ્યું હોય કે લોકો માટે નેગેટિવ ચર્ચાઓ જ ચાલે. એમાંય પોતાને ખબર પણ ના પડતી હોય કે હું નેગેટિવ વાતો કરું છું. ખણખોદ કરીને લોકોના વ્યક્તિગત જીવનમાં શું બને છે એની ઉપર સતત નજર રાખવી, નેગેટિવ વાતો ફેલાવવી, નાનકડી વાતનું વતેસર કરી નાખવું અને એમાંથી પાશવી આનંદ લેવો એ બહુ ભારે રોગ છે.

ઉપરના તમામ લક્ષણો ઉપરથી આપણને આપણી દૃષ્ટિ પોઝિટિવ છે કે નેગેટિવ તે સમજાઈ શકે છે. જો એવું લાગે કે મારો અભિગમ નેગેટિવ તરફનો વધુ છે, તો તેનાથી હતાશ કે નાસીપાસ થવાની જરૂર નથી. અહીં એવી અઢળક પ્રેક્ટિકલ ચાવીઓ આપી છે જેને વાપરીને આપણે નેગેટિવિટીમાંથી પોઝિટિવિટી તરફ પ્રયાણ કરી શકીશું.

×
Share on