પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “પોઝિટિવ લાઈન આખી ભગવાન પક્ષી છે અને નેગેટિવ લાઈન છે, એ શેતાન પક્ષી છે.” જેનું મન કાયમ પોઝિટિવ થઈ ગયું તે જ ભગવાન. આત્મા પોઝિટિવ પક્ષ છે ને બુદ્ધિ નેગેટિવ પક્ષ છે. તીર્થંકરો, જ્ઞાનીઓ નિરંતર આત્મસ્વરૂપ હોય અને વ્યવહારમાં પણ કાયમ પોઝિટિવ હોય. એમની પોઝિટિવિટીનો પાવર એવો હોય કે એમની હાજરીથી જ બધાને સવળા ભાવો થવા માંડે.
તીર્થંકર પ્રભુ શ્રી મહાવીર ભગવાને એમના શિષ્યોને બહુ ઊંચા પ્રકારની પોઝિટિવ દૃષ્ટિ આપતા શીખવાડ્યું કે તમે બહાર જાઓ અને લોકો એકાદ લાકડી મારે તો આપણે એમ સમજવું કે લાકડી એકલી જ મારીને, હાથ તો નથી ભાંગ્યો ને! એટલી તો બચત થઈ! એટલે આ જ લાભ માનજો. કોઈ એક હાથ ભાંગે તો બીજો તો નથી ભાંગ્યો ને! એમ માનજો. બે હાથ કાપી નાખ્યા ત્યારે માનવું કે પગ તો છે ને! બે હાથ ને બે પગ કાપી નાખે તો કહેવું કે હું જીવતો તો છું ને! આંખે તો દેખાય છે ને! એ રીતે ભગવાને લાભાલાભ જોવાની દૃષ્ટિ આપી. એટલે ગમે તે સંજોગોમાં “તું રડીશ નહીં, હસ, આનંદ પામ.” એવો એમનો સંદેશ હતો. મહાવીર ભગવાનની આવી સમ્યક્ દૃષ્ટિથી નુકસાનમાં પણ નફો દેખાય. શું ગયું છે એ ના જોવું, આપણી પાસે શું રહ્યું છે તે જોવું.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહેતા કે અમને આખી જિંદગી કોઈ માટે એક ક્ષણ પણ નેગેટિવ નથી થયું. કોઈ હળાહળ અપમાન કરતું આવે તો પણ દાદાશ્રી એમાંથી પોઝિટિવ શોધી કાઢતા. એમના જીવનના એવા અઢળક પ્રસંગો છે જેમાંથી અમુક આપણે અહીં સંક્ષિપ્તમાં જોઈશું.
પરમ પૂજ્ય દાદાશ્રીને કોઈ “અક્કલ વગરના છો” એમ કહે તો તેઓશ્રી કહેતા કે, “તમને તો આજે ખબર પડી. મને તો ક્યારની ખબર છે કે મારામાં અક્કલ ઓછી છે.” પછી સામો શું પ્રતિકાર કરી શકે?
કોઈ તેઓશ્રીને કહે કે, “તમે ગધેડા જેવા” તો પરમ પૂજ્ય દાદાશ્રી શાંતિથી કહેતા, “અરે ભાઈ, ગધેડો તો બહુ મોટો. હું તો ગધેડાથી પણ નાનો છું. નાનામાં નાનો છું.” જેઓ નિરંતર આત્મારૂપે રહેતા હોય, એક ક્ષણ દેહરૂપ ના થતા હોય એ જ આવું કહી શકે!
કોઈ પરમ પૂજ્ય દાદાશ્રીને કહે કે “દાદા તમે અક્કરમી છો. લોકોને ઊંધે રવાડે ચડાવો છો.” તો તેઓશ્રી એમાંય સવળું લઈ લેતા કે બરાબર છે, અમે “અ-કર્મી” એટલે કર્મ બંધાતા નથી એવા જ છીએ અને લોકોને સંસારમાં ઊંધે માર્ગે એટલે મોક્ષમાર્ગમાં સવળે ચડાવીએ છીએ. સામો પોતાની જોખમદારી ઉપર ગમે તે બોલે, પણ પરમ પૂજ્ય દાદા ભગવાન એમાંથી પોઝિટિવ જ શોધી કાઢે જેથી શબ્દોની જરાય અસર ન અડે.
પરમ પૂજ્ય દાદાશ્રીના પગે ફ્રેકચર થયું હતું અને લોકો ખબર પૂછવા આવતા હતા. ત્યારે તેઓ કહેતા, કે પગ ભાંગ્યો ન કહેવાય. કારણ કે જે ક્ષણે પગ ભાંગ્યો તે જ ક્ષણથી એની સંધાવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. તાવ આવે ત્યારે તેઓ કહેતા કે આ તાવ આવ્યો નથી, જઈ રહ્યો છે. શરીરમાં કેટલા દિવસનો કચરો હતો તેને કાઢવા વાઈટાલીટી પાવરે આ ગરમી ઉત્પન્ન કરી છે.
પરમ પૂજ્ય દાદાશ્રીના જીવનનો એક પ્રસંગ ખૂબ રસપ્રદ છે. જે પરિસ્થિતિમાં સામાન્ય માણસ નેગેટિવ બોલી નાખે, ગુસ્સો કરી નાખે ત્યાં તેઓશ્રીએ કઈ રીતે પોઝિટિવ લીધું અને એ પરિસ્થિતિમાંથી સવળો બોધ શોધી કાઢ્યો એ જોવા મળે છે.
અમે એક માણસને પાંચસો રૂપિયા આપેલા. તે પછી અમે તો કોઈ દહાડો માંગીએ નહીં. પછી મને અમારા મહેતાજીએ એક દહાડો કહ્યું, ‘આ આના બે-એક વર્ષ થયા, તે આ ભઈને કાગળ લખું?’ ત્યારે મેં કહ્યું, ‘ના, કાગળ ના લખશો. એમને ખોટું લાગે.’ અને મને એ એક દિવસ રસ્તામાં ભેગા થયા. ત્યારે મેં કહ્યું, ‘મહેતાજી કાગળ લખવાનું કહેતા હતા. પેલા પાંચસો રૂપિયા મોકલી આપજો.’ ત્યારે કહે, ‘કયા પાંચસોની તમે વાત કરો છો?’ ત્યારે મેં કહ્યું, ‘તમે બે વર્ષ પહેલાં ન્હોતા લઈ ગયા? તે વખતના ચોપડામાં જોઈ જાવ.’ ત્યારે એ કહે, ‘એ મેં તમને આપેલા, તમે આ તો ભૂલ ખઈ ગયા છો.’ મેં જાણ્યું કે આવી ડિઝાઈન આખી જિંદગીમાં ફરી જોવા-જાણવા નહીં મળે! માટે આપણે આ ધન્યભાગ્ય આજે! મોટામાં મોટો ઉપદેશ આપવા આ માણસ આવ્યો. એટલે મેં એને શું કહ્યું? ‘આ મારી ભૂલ થઈ હોય વખતે, આજ બપોરે તમે ઘેર આવો.’ પછી ચા-પાણી પાઈને પાંચસો આપી પાવતી લખાવી લીધી. આવો માણસ ફરી આખી જિંદગીમાં મળવાનો નથી. તે મૂઆ પાંચસો નહીં ને હજાર ગયા, પણ આટલો ઉપદેશ મળ્યો ને કે આવા પણ માણસ હોય છે! માટે આપણને જરા ચેતીને ચાલવાનો ભાવ થાય ને! પણ તે કેવો માણસ મને મળી ગયો! આપણે સ્વપ્નામાંય કલ્પના ના કરી હોય, ઉપકાર તો ક્યાં ગયો!
પરમ પૂજ્ય દાદા ભગવાનની પોઝિટિવ દૃષ્ટિ એટલી ઊંચી હતી કે એમાં એમની કરુણા છલકતી દેખાય છે. તેઓશ્રી કહેતા, “અમારું લાખ નેગેટિવ કરનારો હોય તોય પણ અમે ક્યારેય એની જોડે એકતા ના તૂટવા દઈએ. અમારા તરફથી સામા માટેની એકતા તૂટી જાય તો સામાની બધી શક્તિઓ તૂટી જાય, પછી એ ઊંચે ના આવી શકે. અમારું સામા તરફનું નેગેટિવ ઊભું ના થાય, એના આધારે સામો પોતાની ભૂલમાંથી પાછો વળી શકે.”
પરમ પૂજ્ય દાદાશ્રીના જીવનનો એક પ્રસંગ જેમાં તેઓશ્રીની કરુણા છલકાય છે અને તે ભલભલાને વિચારતા કરી મૂકે તેવો છે.
દાદાશ્રી: એક છોકરો હતો, તે મને કહે છે કે દાદાજી, મને બહુ દુઃખ થાય છે અંદર. મેં કહ્યું, શેના માટે તને દુઃખ થાય છે? ત્યારે કહે છે, મને એક ખરાબ વિચાર આવે છે એટલે મને દુ:ખ થાય છે. કેમ, આવા કેમ વિચાર આવે છે? ત્યારે મેં કહ્યું, પણ શું વિચાર આવે છે મને કહે ને! હું તને મટાડી દઉં. ત્યારે કહે, ‘મને એવા વિચાર આવે છે કે દાદાજીને ગોળી મારી દઉં.’ મેં કહ્યું, હા, એ બરોબર છે. હવે તને દુઃખ થયા જેવી વાત છે આ, નહીં? પછી મેં કહ્યું, પણ શાથી આવું થયું એ મને કહે. ત્યારે કહે, તમે વિધિ કરાવતા હતા તે વખતે બીજા બહારના માણસ આવ્યા. તેને ઝટ બોલાયાં ને મને ત્યાં આગળ ૧૦ મિનિટ અટકાવ્યો. એટલે મને મનમાં થયું કે આ દાદાને ગોળીબાર કરો. મેં કહ્યું, ‘બરોબર છે, એ મારી ભૂલેય બરોબર છે. એટલે આ મારી ભૂલ થઈ ને માટે તને આ વિચાર આવ્યો. હવે નહીં આવે.’ બીજાને પેસવા દીધા, એને ના પેસવા દીધો. આવે જ ને માણસને? તીખો માણસ હોય તો આવી જાય કે ના આવી જાય? બંડખોર હોય... એટલે સાચું બોલ્યો. એટલે મેં એનો ખભો થાબડ્યો કે ધન્ય છે કે મારી રૂબરૂમાં તું મને ગોળીબાર કરવાની વાત કહું છું, તું સાચું બોલ્યો! ધન્ય છે આ યુવાવર્ગને!
ત્યાં સત્સંગમાં હાજર વ્યક્તિઓએ જ્યારે પરમ પૂજ્ય દાદાશ્રીને પૂછ્યું કે, “આ છોકરો ગોળી મારવાની વાત કરે છે અને તમે ખભો થાબડો છો? બીજું કોઈ હોય તો એને કાઢી મૂકે!” ત્યારે તેઓશ્રીએ સુંદર જવાબ આપ્યો કે, “અમારે અહીં એવું ના હોય.” સામો ગમે તેટલો વિરોધ બતાવે તો પણ અમે તેની સામે વિરોધ ના બતાવીએ. સામાના ગમે તેવા નેગેટિવ વાણી કે વર્તન હોય એવી પરિસ્થિતિમાં પણ પોઝિટિવ રહેવાની પરમ પૂજ્ય દાદા ભગવાનની ગજબની દૃષ્ટિ અહીં જોવા મળે છે. જ્ઞાની પુરુષની આવી પોઝિટિવ દૃષ્ટિનો પાવર એવો હોય કે ભલભલા સુધરી જાય!
Q. નેગેટિવિટી અને પોઝિટિવિટી કેવી રીતે ઓળખાય?
A. પોઝિટિવ અને નેગેટિવ દૃષ્ટિને ઓળખવાની પારાશીશી એ છે કે, જે દૃષ્ટિ બીજાને દુઃખ આપે, પોતાને દુઃખી કરે,... Read More
Q. કાયમ પોઝિટિવ કેમ નથી રહેવાતું? નેગેટિવ કેમ થાય છે?
A. આજકાલ જીવન એટલું ઝડપી થઈ ગયું છે કે જ્યાં જોઈએ ત્યાં કામનું ટેન્શન, સ્ટ્રેસ, ચિંતા અને ઉપાધિમાં... Read More
Q. શા માટે જીવનમાં પોઝિટિવ રહેવું? નેગેટિવિટીની સામા ઉપર ને પોતાના ઉપર શું અસરો થાય છે?
A. પોઝિટિવથી ઊંચી દૃષ્ટિ આ જગતમાં કોઈ છે જ નહીં. જીવનમાં કાયમ પોઝિટિવ રહેવાય, નેગેટિવ ક્યારેય ના થવાય... Read More
Q. નેગેટિવમાંથી પોઝિટિવ તરફ કઈ રીતે વળવું?
A. નેગેટિવમાંથી પોઝિટિવ તરફ વળવા માટે માટે ફક્ત દૃષ્ટિ જ બદલવાની છે. જેમ ખાલી બોટલમાંથી હવા બહાર કાઢવી... Read More
subscribe your email for our latest news and events