Related Questions

શા માટે મારે પ્રામાણિકતાથી પૈસા કમાવા જોઈએ? શું નીતિનું ધન, મને મનની શાંતિ આપી શકશે?

કુદરત શું કહે છે? એણે કેટલા રૂપિયા વાપર્યા એ અમારે ત્યાં જોવાતું નથી. એ તો વેદનીય શું ભોગવી? શાતા કે અશાતા, એટલું જ અમારે અહીં આગળ જોવાય છે. રૂપિયા નહીં હોય તોય શાતા ભોગવશે ને રૂપિયા હશે તોય અશાતા ભોગવશે. એટલે શાતા કે અશાતા વેદનીય ભોગવે છે, તેનો રૂપિયા ઉપર આધાર નથી રહેતો.

અત્યારે આપણે થોડીક આવક હોય, બિલકુલ શાંતિ હોય, કશી ભાંજગડ નથી. તે આપણે કહીએ કે, 'હેંડો, ભગવાનના દર્શન કરી આવીએ!' અને આ પૈસા કમાણી કરવા રહેલા, તે તો આ અગિયાર લાખ રૂપિયા કમાય તેનો વાંધો નથી, પણ પચાસ હજાર હમણાં ખોટ જવાની થાય કે અશાતા વેદનીય ઊભી થાય! 'અલ્યા, અગિયાર લાખમાંથી પચાસ હજાર બાદ કરી નાખ ને!' ત્યારે કહેશે કે, 'ના એ તો મહીં રકમ ઓછી થાય ને!' ત્યારે અલ્યા, રકમ તું કોને કહે છે? ક્યાંથી આ રકમ આવી? એ તો જવાબદારીવાળી રકમ હતી, એટલે ઓછું થાય ત્યારે બૂમ ના પાડીશ. આ તો રકમ વધે ત્યારે તું રાજી થાય છે અને ઓછી થાય ત્યારે? અરે, સાચી મૂડી તો 'મહીં' બેઠી છે, એને શું કરવા હાર્ટફેઈલ કરીને મૂડી આખી ધોઈ નાખવા ફરે છે!! હાર્ટફેઈલ કરે તો મૂડી આખી ખલાસ થાય કે નહીં?

દસ લાખ રૂપિયા બાપે છોકરાને આપ્યા હોય અને બાપો કહેશે કે, 'હવે હું આધ્યાત્મિક જીવન જીવું!' ત્યારે હવે, એ છોકરો કાયમ દારૂમાં, માંસાહારમાં, શેરબજારમાં, બધામાં એ પૈસા ખોઈ નાખે. કારણ કે, જે પૈસા ખોટે રસ્તે ભેગા થયા છે, તે પોતાની પાસે રહે નહીં. આજે તો સાચું જ નાણું, સાચી મહેનતનું જ નાણું રહેતું નથી, તે ખોટું નાણું શી રીતે રહે? એટલે પુણ્યૈનું નાણું જોઈશે, જેમાં અપ્રમાણિકતા ના હોય, દાનત ચોખ્ખી હોય. એવું નાણું હોય તો તે જ સુખ આપશે. નહીં તો અત્યારે દુષમકાળનું નાણું, એય પુણ્યૈનું જ કહેવાય છે, પણ પાપાનુબંધી પુણ્યનું, તે નર્યાં પાપ જ બંધાવે!

Reference: Book Name: પૈસાનો વ્યવહાર (Page #17 - Paragraph #5, Page #18 - Paragraph #1 & #2)

ઉત્તમ ધંધો, ઝવેરીનો!

દાદાશ્રી: એટલે પુણ્યશાળીને ક્યો ધંધો મળી આવે? જેમાં ઓછામાં ઓછી હિંસા હોય એ ધંધો પુણ્યશાળીને મળી આવે. હવે એવો ધંધો ક્યો? હીરા-માણેકનો, કે જેમાં કશું ભેળસેળ નહીં. પણ એમાંય જો કે અત્યારે ચોરીઓ જ થઈ ગઈ છે. પણ જેને ભેળસેળ વગર કરવો હોય તો કરી શકે. એમાં જીવડાં મરે નહીં, કશી ઉપાધિ નહીં. અને પછી બીજે નંબરે સોના-ચાંદીનો. અને સૌથી વધારેમાં વધારે હિંસાનો ધંધો ક્યો? આ કસાઈનો. પછી આ કુંભારનો. પેલા નિભાડા સળગાવે છે ને! એટલે બધી હિંસા જ છે.

પ્રશ્નકર્તા: ગમે તે હિંસાનું ફળ તો ખરું જ ને? હિંસાનું ફળ તો ભોગવવાનું જ ને? કે પછી ભાવહિંસા હોય કે દ્રવ્યહિંસા હોય?

દાદાશ્રી: તે લોકો ભોગવે જ છે ને! આખો દહાડો તરફડાટ, તરફડાટ...

જેટલા હિંસક ધંધાવાળા છે ને, એ ધંધાવાળા સુખી ના દેખાય. એમના મોઢા પર તેજ ન આવે કોઈ દહાડોય. જમીનમાલિક હળ ના ફેરવતો હોય, તેને બહુ અડે નહીં. ખેડનારને અડે, એટલે એ સુખી ના હોય. પહેલેથી નિયમ છે આ બધો. એટલે ધીઝ ઈઝ બટ નેચરલ. આ ધંધા મળવા ને એ બધું નેચરલ છે. જો તમે બંધ કરી દો ને, તોય એ બંધ થાય એવું નથી. કારણ કે, એમાં કશું ચાલે એવું નથી. નહીં તો આ બધાય લોકોને મનમાં વિચાર આવે કે 'છોકરો સૈન્યમાં જાય ને એ મરી જાય તો મારી છોકરી રાંડે.' તો તો આપણા દેશમાં એવો માલ પાકે જ નહીં. પણ ના, એ માલ દરેક દેશમાં હોય જ. કુદરતી નિયમ એવો જ છે. એટલે આ બધું કુદરત જ પકવે છે. આમાં કંઈ નવું હોતું નથી. કુદરતનો આની પાછળ હાથ છે. એટલે બહુ એ રાખવાનું નહીં.

Reference: Book Name: અહિંસા (Page #24 - Paragraph #2 to #5, Page #25 - Paragraph #1)  

Related Questions
  1. પૈસાનો સિદ્ધાંત શું છે? અનીતિના પૈસા વાપરવાનું પરિણામ શું આવે? અને તમે પ્રામાણિકતાથી કેવી રીતે વધારે પૈસા કમાઈ શકો?
  2. ચોરી અને ભ્રષ્ટાચારથી પૈસા કમાવવાની જવાબદારી શું આવે?
  3. શા માટે મારે પ્રામાણિકતાથી પૈસા કમાવા જોઈએ? શું નીતિનું ધન, મને મનની શાંતિ આપી શકશે?
  4. શું વાંકા લોકોની સાથે સીધા થવું એ મૂર્ખામી છે? સ્વાર્થી લોકો સાથે કેવી રીતે વર્તવુ જોઈએ?
  5. પ્યોરિટી અને મુકિત - આ બંને વૈજ્ઞાનિક રીતે એકબીજાની સાથે કેવી રીતે સંકળાયેલા છે? શું પ્યોરિટીનું અંતિમ પરિણામ મોક્ષ છે?
  6. શુદ્ધ ચિત્ત કેવી રીતે કર્મોનું શુદ્ધિકરણ કરે છે? શું પ્રામાણિકતાના પરિણામ સ્વરૂપે સંસાર વ્યવહાર શુદ્ધ થઈ શકે?
  7. કેવી રીતે ચિત્તશુદ્ધિ થાય, એટલે કે સત્ ચિત્ આનંદ સ્વરૂપ બની શકાય?
  8. બોલેલા શબ્દોની શું અસર થાય? વાણીમાં કેવી રીતે પ્યોરિટી આવે અને વચનબળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
  9. શુદ્ધતાથી મળેલી લક્ષ્મીની નિશાની શું છે? અશુદ્ધ અને ભ્રષ્ટાચારથી મેળવેલા પૈસાના પરિણામ શું આવે છે?
  10. કોઈ વ્યકિત પ્યોર કેવી રીતે બની શકે?
  11. પ્યોરિટીમાંથી ઉદ્ભવતા શીલનું બળ શું છે? ઓરાની શકિતના ગુણો કયા કયા છે?
  12. શુદ્ધાત્મા એ શું છે? તે આત્માથી કઈ રીતે જુદો છે? શુદ્ધાત્માની જાગૃતિમાં રહેવાથી પ્યોરિટી તરફ કેવી રીતે જવાય?
  13. શીલવાન કોને કહેવાય? શીલવાન અને ચારિત્રવાનના વાણીના લક્ષણો શું હોય છે?
  14. મારો અનીતિવાળો વ્યવહાર હોવા છતાં હું કેવી રીતે નીતિથી ધંધો કરી શકું? અપ્રામાણિક હોવા છતાં હું કેવી રીતે પ્રામાણિક બની શકું?
×
Share on