Related Questions

ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ, મેલીવિદ્યા વગેરેનો ભય લાગે ત્યારે શું કરવું?

fear

ભૂતનો ભડકાટ

આપણે રાત્રે કોઈ હોરર મુવી (ભૂતનું મુવી) જોઈને અથવા ભૂતની વાત સાંભળીને સૂઈ ગયા હોઈએ. ઉપરથી એ રાત્રે આપણે ઘરમાં એકલા હોઈએ, બીજા બધા બહાર ગયા હોય. એવામાં રસોડામાં કંઈક ખખડવાનો અવાજ આવે, તો આપણા મનમાં શું વિચાર આવે? “કોઈ ભૂત આવ્યું હશે!” અને પછી આખી રાત ભડકાટ ભડકાટ રહ્યા કરે. ડરના માર્યા સૂઈ રહેવું પડે, ઊભા થવાની હિંમત પણ ના હોય. પછી સવારે ઊઠીને રસોડામાં જઈએ તો ખ્યાલ આવે કે ત્યાં તો કોઈ ઉંદરે પ્યાલો પાડ્યો છે. ત્યારે આખો ભય સડસડાટ જતો રહે. એટલે આ બધા ભય આપણી કલ્પનાના હોય છે, વાસ્તવિકતામાં ભૂત હોતું નથી.

કેટલાકને અંધારાની બીક લાગે કે રાત્રે ભૂત આવી જશે તો? એટલે માથે ઓઢીને સૂઈ જાય. અરે પણ શું માથે ઓઢવાથી ભૂત હશે તો આવતું અટકી જશે? કેટલાક કહેતા હોય કે રસ્તામાં ડાકણ જોઈ હતી, એટલે હવે એ રસ્તે હું ક્યારેય પસાર નહીં થઉં. ઘણાને રાત્રે એકલા રસ્તામાં જતી વખતે ભય લાગે કે કોઈ ભૂત પાછળથી આવશે અને ગળું દબાવી દેશે તો? પણ જો ખરેખર વિચારીએ તો કોઈ અત્યાર સુધી આવ્યું? આ તો મનમાં ભયની ગ્રંથિ જ બંધાઈ ગઈ છે. આ બધી કલ્પનાઓ છે, સત્ય નથી જ. એક વખતે આપણી કલ્પના પ્રમાણે ન બન્યું હોય, કશું થયું જ ન હોય તો પછી કાયમ માટે માની લેવું જોઈએ કે કશું બનવાનું નથી. હકીકતમાં ભૂત નથી. પણ જો એક વખત શંકા પડે કે “કંઈક હશે તો?” પછી ભય લાગ્યા કરે. કલ્પનાના ભયને વાસ્તવિકતાથી ભાંગી નાખવો અથવા આપણા વિચારોની દિશા બદલી નાખવી. છતાં, આવો કલ્પનાનો ભય બહુ લાગે ત્યારે જે ભગવાનમાં શ્રદ્ધા હોય એમને યાદ કરીને કહેવું, કે મારી જોડે ને જોડે જ રહેજો.

વાસ્તવિકતામાં દેવગતિના અમુક જીવો છે, જેમનું નામ ભૂત છે. એ મનુષ્યોને પજવવા ક્યારેય નથી આવતા, પણ ઊલટું મનુષ્યોને મદદ કરે એવા છે. એમને કોઈ સાથે દુશ્મનાવટ, પક્ષપાત કે જુદાઈ નથી હોતી. પરમ પૂજ્ય દાદા ભગવાન લૌકિક માન્યતાથી જુદી જ સમજણ આપતા કહે છે, “ભૂત થવાનું કંઈ સહેલું નથી. ભૂત તો દેવગતિનો અવતાર છે, એ સહેલી વસ્તુ નથી. ભૂત તો અહીં આગળ કઠોર તપ કર્યા હોય, અજ્ઞાન તપ કર્યા હોય ત્યારે ભૂત થાય.” એટલે હાલતા ને ચાલતા ભૂત આવી જશે એવો ભય રાખવાની કોઈ જરૂર નથી.

પ્રેતનો વળગાડ

સમાજમાં ભૂત-પ્રેત, ડાકણ, પિશાચ, ચુડેલ, મેલીવિદ્યા, તાંત્રિક વગેરે વિશે ઘેર ઘેર વાતો થતી હોય છે. પણ એ બધી બિલકુલ સમજ્યા વગરની વાતો છે. આપણે આગળ વાત કરી તે પ્રમાણે ભૂત તો વ્યંતર દેવ કહેવાય છે, એ ખોટેખોટું કોઈને હેરાન નથી કરતા. જ્યારે પ્રેત, પિશાચ એ બધા અવગતિયા જીવ છે. અવગતિયો જીવ એટલે જેને મૃત્યુ પછી તરત બીજો દેહ ના મળે અને અમુક વર્ષો સુધી દેહ વગર રહેવું પડે. પ્રેતના અસ્તિત્વની વાત ખોટી નથી, પણ સમાજમાં એની અતિશયોક્તિ થવાથી ભય વ્યાપી ગયો છે.

નિયમ એવો છે કે, જ્યારે જીવ શરીર છોડીને જાય છે ત્યારે સ્થૂળ દેહનું મૃત્યુ થાય છે અને આત્મા દેહમાંથી નીકળે છે. જેમ સાપ એક દરમાંથી નીકળતો હોય અને બીજા દરમાં પ્રવેશે તેમ આત્મા એક દેહમાંથી નીકળીને તરત જ માતાનું રજ અને પિતાનું વીર્ય ભેગા થવાના ટાઈમે ગર્ભમાં પ્રવેશે છે. વીર્યના જીવોનો આયુષ્યકાળ બહુ ટૂંકો હોય છે. એમાં ક્યારેક એવું બને કે મૃત્યુ સમયે વ્યક્તિનું ચિત્ત ક્યાંક ઝલાઈ ગયું હોય, જીવ કશામાં રહી ગયો હોય, તો બીજા દેહમાં જવાનો આ સમય ચૂકાઈ જાય. પણ આ બાજુ સ્થૂળ દેહનું મૃત્યુ તો થઈ ગયું હોય એટલે એમાં પાછું ના જઈ શકાય. એટલે એ જીવને થોડો સમય શરીર વગર રહેવું પડે. ત્યારે તેને અવગતિયો જીવ, ભટકતો આત્મા કે પ્રેતાત્મા કહેવાય છે. પ્રેતને સ્થૂળ શરીર ના હોય, ખાઈ-પી ના શકે, એટલે જેમની સાથે હિસાબ બંધાયા હોય એ વ્યક્તિના શરીરમાં પ્રવેશીને પછી ખોરાક લે, જેમાં કેટલાક તો પચાસ-પચાસ લાડવા અને પૂરી એ બધું જ ખાઈ જાય. પણ આવું લાખોમાં એકાદ વખત જ બને છે. ઉપરાંત, અવગતિયા જીવ શરીર વિના દસ કે બાર વર્ષથી વધુ ના રહી શકે. આ બધી વાસ્તવિકતા નહીં જાણવાથી દુનિયામાં લોકો ઠેર ઠેર પ્રેતાત્મા કે ભટકતો આત્મા હોવાનું અનુમાન કરીને ભયભીત થાય છે. પ્રેતના વળગાડથી ગભરાવાનું કોઈ કારણ નથી.

પરમ પૂજ્ય દાદા ભગવાન અહીં પ્રેતના ભયથી છૂટવાની સમજણ આપે છે.

પ્રશ્નકર્તા: આ અવગતિયો જીવ બીજામાં જાય ને પોતાની ઇચ્છા પૂરી કરે, એ શું છે?

દાદાશ્રી: એવું છે આ ભૂતો હેરાન નથી કરતાં? ભૂતો એ દેવલોક છે. એમની જોડે તમારે સવળું ઋણાનુબંધ હોય તો ફાયદો કરી આપે, ને અવળું હોય તો હેરાન કરે અને જે જીવોને મરણ પછી તરત જ બીજો સ્થૂળ દેહ મળતો નથી, તેને પછી ભટકભટક કરવું પડે. બીજો દેહ ના મળે ત્યાં સુધી પ્રેતયોનિ કહેવાય. હવે ખોરાક વગર ચાલે નહીં એટલે એને બીજાના દેહમાં પેસીને ખોરાક લેવો પડે.

પ્રશ્નકર્તા: કોઈ જપ, તપ, માળા એવું તેવું કરતા હોય તોય એને ભૂત વળગે?

દાદાશ્રી: એવો કાયદો નથી, પણ તમારો હિસાબ હોય, તમે કોઈને છંછેડ્યા હોય ને એ જ અવગતિયો થાય તો એ તમને વેર વાળ્યા વગર રહે જ નહીં.

પ્રશ્નકર્તા: કોઈ હનુમાનચાલીસા, ગાયત્રી કે બીજા કોઈ જપ કરતું હોય, તો તેની અસર શું એના પર થાય?

દાદાશ્રી: હા, એનાથી ફાયદો થાય. એનાથી એ દૂર રહે. આ નવકાર મંત્ર પણ જો પદ્ધતિસર બોલે તોય ખસી જાય.

લાખોમાં એકાદ પ્રેતાત્મા થાય છે, બાકી મોટાભાગના કેસમાં પ્રેત કરતા સાયકોલોજીકલ(માનસિક) અસર વધુ હોય છે, અને તેમાંથી ઘણા લોકો મનોચિકિત્સક પાસે જઈને સાજા થઈને પણ આવે છે. તેમાંય બધા પ્રેત નુકસાન કરનારા પણ નથી હોતા. જેમ પરમ પૂજ્ય દાદાશ્રીએ કહ્યું તેમ જ્યાં એમનો ખૂબ રાગનો હિસાબ હોય ત્યાં સુખ આપીને જાય અને જ્યાં ખૂબ દ્વેષનો હિસાબ હોય ત્યાં દુઃખ આપીને જાય. આપણો રાગ-દ્વેષનો હિસાબ હોય તો જ પ્રેતયોનિના જીવો આપણને સુખ કે દુઃખ આપી શકે. આપણો કોઈ ગુનો ના હોય તો એમની સ્વતંત્ર તાકાત નથી કે દુઃખ આપે. એટલે આપણે જે કોઈ જીવને છંછેડ્યા હોય, જેમની સાથે રાગ-દ્વેષ કર્યા હોય એ બધાના પસ્તાવા લઈને માફી માંગી લઈ લઈએ તો એમના વેરમાંથી છૂટી શકાય.

માતાજી ધૂણવા

સમાજમાં એવી માન્યતાઓ પ્રવર્તે છે કે માતાજી શરીરમાં પ્રવેશે, ત્યારે વ્યક્તિ ધૂણવા માંડે છે. પછી ભૂવા અને તાંત્રિકોને ત્યાં ધક્કા ખાઈને હજારો રૂપિયાનું પાણી કરવા છતાં માતાજીનું ધૂણવાનું બંધ નથી થતું. પણ હકીકત તો એ છે કે, અંબા માતાજી, બહુચરા માતાજી, દુર્ગા માતા, મહાકાળી માતા એ બધા ખૂબ ઊંચી કક્ષાના સાત્વિક દેવીઓ છે. તેઓ આવા સામાન્ય મનુષ્યના શરીરમાં ના આવે. હા, કોઈ વ્યક્તિની પૂર્વકર્મની સાધના હોય, મન-વચન-કાયાના એકાત્મ યોગથી ભાવનાઓ કરી હોય, તો એમને માતાજી આવીને કોઈ સંદેશો આપી જાય. પણ એમાં બહુ અલૌકિક વાતો હોય, લૌકિક વાતો ના હોય.

તાર્કિક રીતે આપણે જ તપાસ કરીએ કે કોઈ બેન, જેમના શરીરમાં માતાજી આવતા હોય, એ બેન કોઈ દિવસ એમના પતિ કે છોકરા સાથે ઝઘડતાં હોય છે? ઘરમાં એના સાસુ, વહુ કે જેઠાણી સાથે ઝઘડા અને કકળાટ થાય છે? હવે આટલા ઊંચી ગતિના માતાજી, જે વીતરાગ ભગવાનના શાસન દેવી છે, એ આવા કકળાટ કરનારા મનુષ્યના દેહમાં કઈ રીતે આવી શકે? માતાજી આવી રીતે કોઈના શરીરમાં પ્રવેશે જ નહીં અને આવે તો ધૂણે નહીં. માતાજી તો જગતને મોક્ષમાર્ગમાં પ્રગતિમાં કોઈ અંતરાય આવતા હોય તો દૂર કરી આપે એવી શક્તિ ધરાવે છે. એ આવું ધૂણે કે કંકુ પાડે એવું બનતું હશે? આ બધી માન્યતાઓને આધારે સમાજમાં જે બધું ચાલે છે તેનો વિરોધ નથી કરવા જેવો, પણ આપણે એનો ભય રાખવા જેવો નથી જ.

પછી આ બધા ભયથી મનુષ્ય જ્યોતિષ, ભુવા, તાંત્રિક, માંત્રિક, દાણા જોવડાવવા, જ્યોતિષ પાસે જપ કરાવવા વગેરે ઉપાયો કરે છે. જ્યોતિષશાસ્ત્ર સાચું અને ચોક્કસ છે. પણ એ જ્યોતિષવિદ્યાનો ઉપયોગ કરીને લોકોએ આજકાલ જે વેપાર શરૂ કર્યો છે, તે ચોક્કસ નથી. જ્યોતિષીઓના જોષ મુજબ રામચંદ્રજીને સવારે રાજતિલક થવાનું હતું. બધી તૈયારીઓ થઈ ગઈ હતી. પણ રાણી કૈકેયીના કહેવાથી રાજ સિંહાસનને બદલે રામ ભગવાનને ચૌદ વર્ષનો વનવાસ આવીને ઊભો રહ્યો. જ્યોતિષ અને મૂહુર્ત બંને ખોટા પડ્યા. જો સતયુગમાં રામ ભગવાન સાથે આવું થઈ શકે તો અત્યારે તો કળિયુગ છે. થોડું વિચારીએ કે કોઈ જ્યોતિષ ક્યારેય એવું કહે છે કે “તમારા ગ્રહમાં કશી જ ખરાબી નથી, ઘરે જઈને મજા કરો!” ના, કારણ કે હવે જ્યોતિષવિદ્યાના નામે જપ-તપ, વિધિઓ કરાવવાનો અને વીંટીઓ બનાવવાનો વેપાર શરૂ થઈ ગયો છે. હવે કોઈ બીજી વ્યક્તિ લાખો જાપ કરે અને એનું ફળ આપણને મળે એવું કઈ રીતે બની શકે? ખરેખર તો આપણી માન્યતા આપણને ફળ આપે છે.

ખરેખર તો મનુષ્યને દુઃખ આવી પડે એ સહન થતું નથી, એટલે આશ્વાસન મેળવવા આ બધા સાધનો ખોળે છે. કહેવાય છે ને, “લોભિયા હોય ને તેને ધુતારા મળી આવે.” એટલે આવા આધાર લેવાને બદલે જે કર્મ ભોગવવાનું આવ્યું છે, એમાં હિંમત રાખીએ. જે ભગવાનમાં શ્રદ્ધા હોય એમને પ્રાર્થના કરીએ અને શક્તિ માંગીએ કે “મને આવી પડેલા કર્મોમાંથી છૂટવાની શક્તિ આપો.” મનની શાંતિ માટે મંદિરે જઈએ, ધર્મના શાસ્ત્રો વાંચીએ. કંઈ નહીં તો સંત પુરુષ કે જ્ઞાની પુરુષ પાસે જઈને સમાધાન મેળવીએ, તો શાંતિ થાય. કારણ કે કોઈ ગ્રહ કે અપશુકન આપણને નડતા નથી. આપણી અંધશ્રદ્ધા જ આપણને નડે છે. આપણું કર્મ કોઈ ફેરફાર કરી શકતું નથી.

Related Questions
  1. પોલીસનો અને કોર્ટ-કેચેરીમાં જવાનો ભય લાગે ત્યારે શું કરવું?
  2. બાળકો ભયથી સુધરે કે પ્રેમથી?
  3. શું માતા-પિતાએ બાળકોને ભય બતાડીને કામ કરાવવું જોઈએ?
  4. જગત ભયથી સુધરે કે પ્રેમથી?
  5. ભયના કારણો શું છે?
  6. અપમાનના ભયમાંથી કેવી રીતે મુક્ત થવાય?
  7. નિષ્ફળતાના ભયમાંથી બહાર કઈ રીતે નીકળાય?
  8. વધારાની બુદ્ધિ શંકાને કેવી રીતે ઉપજાવે છે?
  9. ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ, મેલીવિદ્યા વગેરેનો ભય લાગે ત્યારે શું કરવું?
  10. ભય અને શંકા વચ્ચેનો સંબંધ શું છે?
  11. ભય અને શંકાને દૂર રાખવમાં મજબૂત મન કેવી રીતે મદદ કરે છે?
  12. શું નિર્ભયતા એ પૂર્ણ નિઃશંકતાનું પરિણામ છે?
  13. મારી શંકા ક્યારે જશે?
  14. કોઈ નિ:શંક કેવી રીતે બની શકે?
  15. કેવા ભય હિતકારી છે?
  16. જીવજંતુ અને પ્રાણીઓનો ભય કેવી રીતે દૂર થાય?
  17. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
×
Share on