Related Questions

પોલીસનો અને કોર્ટ-કેચેરીમાં જવાનો ભય લાગે ત્યારે શું કરવું?

fear

સામાન્ય રીતે દરેક વ્યક્તિને પોલીસનો અને કોર્ટ-કચેરીનો ભય લાગે છે. પોલીસ આપણા ઘરનું બારણું ખખડાવે ત્યારથી પેટમાં તેલ રેડાય. વકીલ તરફથી કોર્ટમાં હાજર રહેવાની નોટિસ (સમન્સ) આવે તો અંદર ફફડાટ ફફડાટ થવા માંડે. પોલીસ ઘરે આવીને આપણું નામ લઈને પૂછે કે “ચંદુભાઈ ઘરમાં છે?” તો તો પરસેવો જ છૂટી જાય. પછી ખબર પડે કે પોલીસ કર્મચારી તો લગ્નની કંકોતરી આપવા આવ્યા છે!

પરમ પૂજ્ય દાદા ભગવાન પોલીસના ભયનું એક તાદૃશ ઉદાહરણ અહીં આપે છે.

પોલીસ દેખતાં તેલ રેડાય!

હવે બહાર છે તે કો'કની જોડે ગાડી અથાડીને આવ્યા હોય અને પોલીસવાળો આવે કે 'ચંદુભાઈ છે કે? ચંદુભાઈ છે કે?' એટલે શું થાય?

પ્રશ્નકર્તા: ગભરામણ થાય.

દાદાશ્રી: બહુ જ ગભરામણ થાય, નહીં? થોડીઘણી?

પ્રશ્નકર્તા: પોલીસમાં ઓળખાણ હોય તો ના થાય ગભરામણ.

દાદાશ્રી: ઓળખાણ તો બધે ક્યાંથી હોય? એ તો અહીં ઓળખાણ હોય ને બીજી જગ્યાએ ના હોય.

અરે, ભૂલથી પોલીસવાળો આ ચંદુભાઈને બદલે બીજા ચંદુભાઈને ત્યાં ચઢી જાય ને પેલા ચંદુભાઈને એમ કહે કે અમારી પાસે સમન્સ છે. તે પહેલાં તો એને ગભરામણ થઈ જાય ને એને હાર્ટફેઈલ ના થઈ જાય તો સારું.

બોલો હવે, આ આવું ને આવું શી રીતે પોષાય? હજુ દુઃખ આવ્યું નથી, પ્રત્યક્ષ થયું નથી, તે પહેલાં તો સાંભળતાની સાથે જ!

અત્યારે કોઈ પણ માણસને પોલીસવાળો ખાલી કહે, 'ચંદુલાલ છે?' તો પોલીસવાળાના આવતા પહેલાં જ ફફડે. વળી આટલી બધી નિર્બળતા કેમ હોવી જોઈએ? જગત તો બહુ ઊંડું છે. ઘણા અવતારનું જોયેલું છે પણ યાદ રહે નહીં ને! એટલે જાણવા જેવું છે જગત.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, પોલીસ કે કોર્ટ-કચેરી પ્રત્યે ભય ઊભો થવાનું કારણ છે આપણો તેમના પ્રત્યેનો અણગમો, દ્વેષ, અભાવ અને તિરસ્કાર. અભાવ, તિરસ્કાર ના રહે તો પોલીસના ભયમાંથી મુક્ત થવાય. તે માટેનો વ્યવહારિક ઉપાય આપતા તેઓશ્રી કહે છે, “પોલીસવાળા ખોટા છે, હેરાન કરે છે, મને નથી ગમતા.” એમ કહીશું તો ભય પેસી જશે. એને બદલે “પોલીસવાળા સારા છે, આપણું રક્ષણ કરે છે, હિતકારી છે, મને ગમે છે.” એમ બોલીશું તો ભય નીકળી જશે.

તેવી જ રીતે કોર્ટમાં જવાનું કોઈને નથી ગમતું. કોર્ટનો ભય લાગે તે સમયે “કોર્ટમાં શું વાંધો છે? એ તો ન્યાયમંદિર છે. એ બહુ સારી જગ્યા છે.” એમ કરતાં કરતાં જઈએ તો કોઈ ભય નહીં લાગે. ખરેખર, સંપૂર્ણ ભય ક્યારે જાય? જ્યારે ક્રોધ-માન-માયા-લોભના કષાયો નિર્મૂળ થઈ જાય ત્યારે. પણ એવી દશા ના થાય ત્યાં સુધી વચ્ચે આવા વ્યવહારિક ઉપાયો ભયથી મુક્ત રહેવાનો પ્રેક્ટિકલ માર્ગ મોકળો કરે છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન પોતાના જીવનના અનુભવમાંથી જ ઉદાહરણ સહિતના પ્રેક્ટિકલ ઉપાયો આપણને આપે છે.

દાદાશ્રી: પહેલાં તો મનેય ન્યાયમંદિરમાં જવાનું નહોતું ગમતું. એટલે મેં મારી જાતે શોધખોળ કરી કે શું કારણથી આ નથી ગમતું? આ ન્યાયમંદિર કહેવાય છે. ત્યાં બધા લોકો જાય છે, નાના છોકરાંય જવા તૈયાર છે. તે પછી મને સમજાઈ ગયું કે મને આના તરફ તિરસ્કાર છે, તેથી ભય પેસી ગયો છે.

પછી તો હું અમથો ન્યાયમંદિર તરફ ફરી આવું, જરા જોઈ આવું, કંઈ લેવાદેવા નહીં તોય અમથો ફરી આવું. કેવું સરસ છે! આ વકીલો જુઓ ને, બહુ સારા છે. એવું કહું તે વકીલના રૂમમાં બધા બેઠા હોય. કોઈ ઓળખાણવાળો વકીલ મળે તો કહે, 'અરે, આવો, આવો, તમે ઘણે દહાડે આવ્યા છો! કંઈ સાક્ષી પૂરાવો છો?' મેં કહ્યું, 'ના બા, કશું છે નહીં. ખાલી જોવા આવ્યો છું.' એમ કરતા કરતા ભય છૂટી જાય.

આ તો નકામો ભય લાગ્યા કરે, વગર કામનો! હવે ત્યાં ન્યાયમંદિરમાં એને આપણે સાક્ષી આપવા જવાનું છે એમાં આટલો બધો ભય? તમને નહીં લેવા, નહીં દેવા તોય? પણ ના, એને ભય પેસી ગયો તે શું થાય તે? અને પાંજરામાં પેસતાં તો મહીં ફટાકા મારે!

આ મેં મારી જાતે શોધખોળ કરેલી. જો કે મને કોઈ ગુરુ મળ્યો નહીં. પણ આ પોતે ગૂંચાય ને પોતે ખોળે, પોતે ગૂંચાય ને પોતે ખોળે. આમ પછી જાતે જ શોધખોળ કરેલી. એટલે હું આ દાખલા બધા આપી શકું છું. અત્યાર સુધીમાં જે દાખલા છે ને, તે મારા અનુભવના દાખલા છે અને હેલ્પફૂલ છે.

આમ, પોલીસ અને કોર્ટ-કચેરીના ભય પાછળ એના પ્રત્યેનો દ્વેષ અને તિરસ્કાર છે. એ તિરસ્કાર છૂટી જશે તો ભયમાંથી મુક્ત થઈ જવાશે.

Related Questions
  1. પોલીસનો અને કોર્ટ-કેચેરીમાં જવાનો ભય લાગે ત્યારે શું કરવું?
  2. બાળકો ભયથી સુધરે કે પ્રેમથી?
  3. શું માતા-પિતાએ બાળકોને ભય બતાડીને કામ કરાવવું જોઈએ?
  4. જગત ભયથી સુધરે કે પ્રેમથી?
  5. ભયના કારણો શું છે?
  6. અપમાનના ભયમાંથી કેવી રીતે મુક્ત થવાય?
  7. નિષ્ફળતાના ભયમાંથી બહાર કઈ રીતે નીકળાય?
  8. વધારાની બુદ્ધિ શંકાને કેવી રીતે ઉપજાવે છે?
  9. ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ, મેલીવિદ્યા વગેરેનો ભય લાગે ત્યારે શું કરવું?
  10. ભય અને શંકા વચ્ચેનો સંબંધ શું છે?
  11. ભય અને શંકાને દૂર રાખવમાં મજબૂત મન કેવી રીતે મદદ કરે છે?
  12. શું નિર્ભયતા એ પૂર્ણ નિઃશંકતાનું પરિણામ છે?
  13. મારી શંકા ક્યારે જશે?
  14. કોઈ નિ:શંક કેવી રીતે બની શકે?
  15. કેવા ભય હિતકારી છે?
  16. જીવજંતુ અને પ્રાણીઓનો ભય કેવી રીતે દૂર થાય?
  17. આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કોને છે?
×
Share on