Related Questions

કેવા ભય હિતકારી છે?

fear

જીવનમાં ક્યાંય ભય રાખવા જેવો નથી. છતાંય એવી કેટલીક બાબતો છે જેમાં ભય રાખવો હિતકારી છે. એ બાબતોમાં ખરેખર ભય નહીં પણ સાવધાની રાખવી જરૂરી છે, કારણ કે જો એ નહીં રહે તો આપણે મુશ્કેલીમાં મૂકાઈ જઈશું.

ખરાબ કરનારને ભય

સામાન્ય રીતે કોઈ ખોટું કામ કર્યું હોય તો ડર લાગે. ચોરી કરી હોય, કોઈનું કશું પડાવી લીધું હોય, ચોરીછૂપીથી ખોટા કામ કર્યા હોય, તો પકડાઈ જવાનો ભય લાગે. પણ જો આપણે ચોખ્ખા છીએ તો ભય રાખવાની કોઈ જરૂર નથી.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે “જેને સારું કરવું છે એને કોઈ ડર રાખવાની જરૂર નથી. જેને ખરાબ કરવું છે એ ગમે એટલો ડર નહીં રાખે તો એનો ભલીવાર આવવાનો નથી. એટલે આપણે સારું કરવું છે એમ નક્કી રાખવાનું.”

ગુનાના પરિણામનો ભય

ચોરી, જૂઠ, પ્રપંચ, ભ્રષ્ટાચાર, વ્યભિચાર કે અણહક્કની લક્ષ્મી અને વિષયો ભોગવવા, ખોરાકમાં કે દવામાં ભેળસેળ કરવી, બીડી કે સિગરેટના વ્યસન રાખવા એ બાધાનો ભય રાખવો જોઈએ. કારણ કે એનો બહુ મોટો ગુનો ચોંટે છે અને ભયંકર પરિણામ આવે છે. ગુના કરતા પહેલાં એના પરિણામના વિચારથી જો માણસ ખોટું કામ કરતા અટકી જાય તો એ ભય સારો છે.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “અમને ચોરી કરવા મન લલચાય તો તરત પરિણામ દેખાયા કરે. એટલે ભય લાગે. તે ચોરી કરાય જ નહીં.” એટલે ખોટા કાર્યોના પરિણામને ખૂબ ખૂબ સમજી લીધા હોય તો પછી ખોટા કાર્યો છૂટી જ જાય.

પ્રીકોશન રાખવું, ભય નહીં

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “ખોટા ઉપર તને દ્વેષ છે, ખોટું નથી ગમતું માટે બીક લાગે છે. એ બીક તો સારી છે. એમાં નુકસાન નહીં થાય. ખોટું થાય એની બીક તો સારી છે.” તેઓશ્રીએ આપેલી સુંદર સમજણ આપણને અહીં મળે છે.

દાદાશ્રી: ખોટું થવાની બીક છે એટલે ખોટું નહીં થાય આપણા હાથે. ખોટું થઈ જશે એ બીક તો પ્રીકોશન છે. એ બીક નથી, પ્રીકોશન છે. ભય નથી. પ્રીકોશન એ ફીયર નથી. તને સમજાયું?

પ્રશ્નકર્તા: હજુ થોડુંક વધારે સમજાવો.

દાદાશ્રી: આપણે કૂવા ઉપર બેઠા હોયને, ત્યારે પડી જવાનો ભય લાગે. તે ભય શાથી લાગે છે કે આપણે પ્રીકોશન લેવા પડે. નહીં તો પડી જઈએ, પ્રીકોશન ના લઈએ તો. રાતે ઊંઘી ગયા હોય ત્યાં આગળ, કૂવાની પાળી ઉપર સૂઈ જવાનો વખત આવ્યો, તો પડી જવાશે કે નહીં એની પ્રીકોશન લઈ અને પછી સૂઈ જવું જોઈએ અને કાળજીથી સૂઈ જાય એટલે પડી ના જાય એ માણસ અને બેકાળજીથી સૂઈ જાય તો પડી જાય.

ઉદાહરણ તરીકે, આપણે ગાડી ચલાવીએ ત્યારે આંખો બંધ નથી કરી દેતા. ખુલ્લી આંખે ગાડી ચલાવીએ છીએ, જેથી એ ક્યાંક અથડાઈ ના જાય. એ ભયરૂપી પ્રીકોશન (સાવચેતી) છે. ક્યારેક ગાડી અથડાઈ પણ જાય, તોય ફરી વખત સાવચેતી રાખવી, પણ ભય નહીં.

દુઃખ દેવાથી ડરો!

ખોટું થાય એની બીક લાગે તો સારું છે. બીજાને દુઃખ દેવાનો ડર રાખવા જેવો છે. પાપ કરવામાં ડરવા જેવું છે પણ બીજા કશાથી ડરવા જેવું નથી. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “આ દુનિયામાં ડર કોનો રાખવાનો છે? કોઈને દુઃખ દેવાના ભાવ થાય, તેનાથી ડર રાખવાનો છે. જો તમારે સુખી થવું હોય તો કોઈને દુઃખ ના આપશો.

ધારો કે, આપણે કોઈને ખખડાવી મૂકતા હોઈએ, એ આખો વિડીયો કોઈ રેકર્ડ કરી લે અને પછી આપણી ફરિયાદ કરે તો આપણને ભય લાગે. બહારની મશીનરી આપણા વાણી અને વર્તન ટેપ કરી લેશે એનો ભય લાગે છે. પણ આપણને એ નથી સમજાતું કે મનુષ્યની અંદર પણ મશીનરીઓ જ કામ કરી રહી છે. આપણા શબ્દો સામાના મનમાં ટેપ જ થઈ રહ્યાં છે. એની મોટી જોખમદારી આપણા ઉપર આવે છે. એ શબ્દો સામાના હૃદય ઉપર છપાઈ જશે, એનાથી સામાના અહંકારને ઠેસ પહોંચશે. પછી એ વ્યક્તિ યાદ રાખીને તેનો બદલો વાળશે, પણ એનો આપણને ભય લાગતો નથી.

એટલે બોલવું હોય તો વ્યક્તિનું સારું બોલવું, બિલકુલેય ખરાબ બોલવું નહીં. વ્યક્તિની ગેરહાજરીમાં પણ એનું કંઈ પણ બૂરું બોલીએ, જેનાથી વ્યક્તિને દુઃખ પહોંચે, તો આપણને જ એનું કડવું ફળ ભોગવવું પડે છે. માટે કોઈ પણ જીવને કિંચિત્‌માત્ર દુઃખ થાય એનો ભય રાખવો હિતકારી છે.

×
Share on