Related Questions

શું નિર્ભયતા એ પૂર્ણ નિઃશંકતાનું પરિણામ છે?

નિઃશંકતા - નિર્ભયતા - અસંગતા - મોક્ષ !

બાકી, જ્યાં શંકા ત્યાં દુઃખ હોય. અને 'હું શુદ્ધાત્મા' તો નિઃશંક થઈ ગયો, એટલે દુઃખ ગયું. એટલે નિઃશંક થાય તો જ કામ ચાલશે. નિઃશંક થવું એ જ મોક્ષ. પછી ક્યારેય પણ શંકા ના થાય, એનું નામ મોક્ષ. એટલે અહીં બધું ય પૂછી શકાય. શંકા કાઢવા માટે તો આ 'જ્ઞાની પુરુષ' છે. બધી જ જાતની શંકાઓ ઊભી થયેલી હોય ને, ત્યારે 'જ્ઞાની પુરુષ' આપણને નિઃશંક બનાવી આપે. નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે અને નિર્ભયતાથી અસંગતા ઉત્પન્ન થાય છે. અસંગતા એ જ મોક્ષ કહેવાય છે.

કૃપાળુદેવે તો શું કહ્યું? 'નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે.'

હવે આ શંકા એટલે, જ્ઞાનની શરૂઆતથી, જ્ઞાનમાં શંકા એને અહીં આગળ અધ્યાત્મમાં શંકા કહેવામાં આવે છે. જ્ઞાન અને જ્ઞાનનાં સાધનો પર શંકા પડી, એનું નામ શંકા ! તે ક્યાં સુધી શંકા ગણાય છે ? કે ઠેઠ આત્મા સંબંધમાં નિઃશંક ના થાય, કે આ જ આત્મા અને આ ન્હોય, ત્યાં સુધી નિઃશંકતા ઉત્પન્ન થાય નહીં. આત્મા સંબંધમાં નિઃશંકતા ઉત્પન્ન થઈ, તો 'વર્લ્ડ'માં કોઈ શક્તિ એને ભયકારી બની શકે નહીં. નિર્ભયતા! અને નિર્ભયતા ઉત્પન્ન થાય એટલે સંગમાં રહેવા છતાં નિઃસંગ રહેવાય. ભયંકર સંગોમાં રહેવા છતાં ય નિઃસંગતા હોય. એવું આ કૃપાળુદેવ કહેવા માગે છે.

'વર્લ્ડ'માં ય કોઈ માણસ આત્મા સંબંધી નિઃશંક એટલે શંકારહિત થયેલો નહીં. જો નિઃશંક થયો હોત તો એનો ઉકેલ આવી જાત અને બીજાં પાંચ જણનો ઉકેલ લાવી આપત. આ તો લોકો યે ભટકયા અને એ ય ભટકે છે.

×
Share on