Related Questions

અપમાનના ભયમાંથી કેવી રીતે મુક્ત થવાય?

fear

આગળના પ્રશ્નોમાં આપણે બાહ્ય વસ્તુ અને પરિસ્થિતિના ભય વિશે જાણ્યું. પરંતુ કેટલાક ભય એવા હોય છે કે જે બિલકુલ આંતરિક હોય છે. આ આંતરિક ભય દરેકમાં જુદી જુદી રીતે વ્યક્ત થતો હોય છે. પણ તેની પાછળ મુખ્ય કારણ હોય છે “અપમાનનો ભય”.

અહીં આપણે જુદી જુદી પરિસ્થિતિમાં અપમાનનો ભય ઓળખીને તેમાંથી બહાર આવવાની ચાવીઓ મેળવીશું.

“લોકો શું વિચારશે?” સમાજનો ભય

જીવનમાં કોઈ પણ નિર્ણય લેતી વખતે સો વખત વિચાર આવી જાય કે કે “હું આ પગલું ભરીશ તો સગા-વ્હાલામાં અને સમાજમાં મારું સારું દેખાશે કે ખરાબ? ડગલે ને પગલે જીવનમાં પ્રશ્નો ઊભા થાય છે કે “આ કામમાં હું સફળ નહીં થઉં તો લોકો શું વિચારશે?” ટૂંકમાં, આપણી આસપાસના કે સમાજના લોકોમાં આપણી ઈમેજ શું રહેશે તેનું સતત દબાણ અનુભવાય છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને સમજણ આપે છે કે ઘણી વખત આપણું ખરાબ ના દેખાય તે માટે જૂઠું બોલવાની આદત પણ પેસી જાય છે.

પ્રશ્નકર્તા: મનુષ્ય વિના કારણ જૂઠું બોલવા પ્રેરાય છે. આની પાછળ કયું કારણ કામ કરતું હશે?

દાદાશ્રી: ક્રોધ-માન-માયા-લોભને લીધે કરે છે એ. કોઈ પણ વસ્તુ મેળવવી છે. કાં તો માન મેળવવું છે, લક્ષ્મી મેળવવી છે, કંઈ પણ જોઈએ છે. એટલા સારું જૂઠું બોલે છે અગર તો ભય છે, ભયનાં માર્યો જૂઠું બોલે છે. અંદર છૂપો છૂપો ભય છે કે ‘કોઈ મને શું કહેશે?’ એવું કંઈ પણ ભય હોય. પછી ધીમે ધીમે જૂઠાની ટેવેય પડી જાય. પછી ભય ના હોય તોય બોલી જાય.

ખરેખર, “લોકો શું વિચારશે? સમાજ શું કહેશે?” એ એક પ્રકારની આપણી માન્યતા જ છે, આપણી જ ઊભી કરેલી દુનિયા છે. ઘણીવાર તો કોઈ કહેવા પણ નથી આવતું કે આ તમે સારું કર્યું કે ખરાબ કર્યું. છતાં આપણે જ માનીને ફરીએ છીએ કે “કોઈ આમ કહેશે તો? કેવું દેખાશે?” કારણ કે, બધા પોતપોતાની દુનિયામાં, પોતપોતાના ગૂંચવાડામાં ફસાયેલા હોય છે. સતત આપણા માટે વિચારવાની કોઈને નવરાશ નથી હોતી.

“લોકો શું કહેશે?” તેનું એક સુંદર દૃષ્ટાંત આપણને એક વાર્તામાં મળે છે. એક ઉંદર હતો. તેને સાત પૂંછડીઓ હતી. એટલે બધા તેને “ઉંદર સાત પૂંછડિયો!, ઉંદર સાત પૂંછડિયો!” એમ ચીડવતા હતા. એટલે એણે એક પૂંછડી કપાવી નાખી. તો ફરીથી લોકો તેને “ઉંદર છ પૂંછડિયો!, ઉંદર છ પૂંછડિયો!” એમ ચીડવવા લાગ્યા. ફરી એણે એક પૂંછડી કપાવી, પણ તોયે લોકોનું ચીડવવાનું ચાલુ જ રહ્યું. ઉંદરે એક-એક કરીને બધી પૂંછડીઓ કપાવી નાખી. તો છેવટે તેને “ઉંદર બાંડો!, ઉંદર બાંડો!” કહીને ચીડવતા. આ વાર્તાનો સાર એવો છે કે લોકો તો દરેક વાતમાં બોલશે. આપણે તેની અસરમાં આવીને જીવનમાં ખોટા નિર્ણય ન લેવા જોઈએ.

આ ભય પાછળ એક પ્રકારનો ઈગો(અહમ્) કામ કરે છે. લોકોમાં સારા દેખાય તો આપણો ઈગો ઊંચે ચડે છે. જ્યારે લોકોમાં ખરાબ દેખાય તો એ જ ઈગો નીચે પડે છે. એ માન કષાયનું જ એક સ્વરૂપ છે. એટલે જ્યારે એવા સંજોગો ઊભા થાય જ્યાં આપણું ખરાબ દેખાય, અથવા આપણે ખોટા ઠરીએ, ત્યાં ભય ઊભો થાય છે, જે એક પ્રકારનો અપમાનનો ભય છે.

જે પરિસ્થિતિમાં આપણને “લોકો શું કહેશે?” એવો ભય ઊભો થાય તો અંદર નિષ્પક્ષપાતીપણે તપાસ કરવી કે “આપણે સાચા રસ્તે છીએ કે ખોટા?” જો આપણે કોઈનું નુકસાન થાય, કોઈને દુઃખ થાય એવું કામ નથી કરી રહ્યા, કોઈ આડા રસ્તે ચાલતા નથી, કોઈનું પડાવી લેવાનો કે અણહક્કનું ભોગવી લેવાનો આપણો ઈરાદો નથી, તો પછી આપણે ડરવાની જરૂર નથી. પણ આમાંનું કંઈક પણ કરી રહ્યા છીએ, તો પછી સમાજનો ભય સારો છે જેનાથી આપણે ખોટા કામ કરતા અટકીએ. ત્યારે પોતાની જાતને જ પૂછી જોવું કે “હું કરું છું તે બરાબર છે?” જો આપણે કશું ખોટું કરતા હોઈશું તો પોતાની અંદરથી જ સૂઝ પડશે કે “આ ખોટું છે, ના કરવું જોઈએ.”

પણ જો આપણે સાચા અને સારા રસ્તે ચાલીએ છીએ તો પછી ભય રાખવાને બદલે સહજ અને સરળ વ્યવહાર રાખવો જોઈએ. એમાંય, મનુષ્યજીવન સાર્થક થાય એવા માર્ગે આગળ વધતા હોઈએ તો પછી લોકોના કહેવાથી ડરવાની જરૂર નથી. સમાજનો ડર રાખીને પ્રગતિમાં અવરોધ મૂકવાને બદલે કોઈ વડીલ, ગુરુ કે હિતેચ્છુની સલાહથી આગળ વધવું જોઈએ.

સ્ટેજ ફિયર

ઘણી વખત આપણને લોકો સામે બોલવાનો ભય લાગે છે જેને “સ્ટેજ ફિયર” કહેવાય છે. પછી એમાં ક્લાસરૂમમાં બીજા વિદ્યાર્થીઓની સામે બોલવાનું હોય, સ્ટેજ ઉપર ચડીને લોકોને સંબોધવાનું હોય, કે પછી મીટીંગમાં પોતાનો મત રજૂ કરવાનો હોય. કેટલાક લોકોને પોતાને બોલવાનો વારો આવે એટલે પસીનો છૂટવા માંડે. હાથ અને પગમાં ધ્રુજારી શરૂ થાય. “લોકો મારા ઉપર હસશે તો? મારી ટીકા કરશે તો? મારી વાત નહીં સાંભળે અથવા મારા વિશે ઊંધું વિચારશે તો?” એવા જાતજાતના ભય ઊભા થાય અને ગળામાંથી શબ્દો બહાર જ ના નીકળી શકે. આ બધાની પાછળ પોતાનું અપમાન થવાનો ભય કામ કરે છે. અપમાનના ભયમાંથી પછી ઈન્ફિરિયર કોમ્પલેક્સિટી (લઘુતાગ્રંથિ) ઊભી થઈ જાય છે. પછી એ આવી દરેક પરિસ્થિતિ ભય પેદા કરે છે.

કામ શરૂ કરતાં પહેલાં જ પરિણામ વિશે નકારાત્મક વિચારો શરૂ થઈ જાય, તો પછી કામમાં નિષ્ફળતા મળે જ. એટલે ભય રાખવાને બદલે આપણે પોઝિટિવ રહીને તમામ પ્રયત્નો કરવા. એક જ વખતમાં એક મોટું પગલું ભરવાને બદલે નાનાં નાનાં પગલાં લેવાં. જેમ કે, લોકો સામે બોલવાનું હોય તો અગાઉથી પ્રેક્ટિસ કરીને તૈયાર રહેવું. ઘરની વ્યક્તિઓ કે આપણા મિત્રવર્તુળ સામે બોલવાનો પ્રયત્ન કરવો. એમ કરતાં કરતાં ધીમે ધીમે જાહેરમાં લોકો વચ્ચે બોલવાનો ભય જતો રહેશે.

ભય ઉપજાવનારા પ્રસંગોમાં “આવું બોલાય કે ના બોલાય?” એવી બુદ્ધિની ગણતરીને તાબે ના થવું. તો પછી આપણી સામે આપણા જેવા કે આપણાથી મોટા લોકો હોય, તો પણ અંદરની સહજતા એકસરખી જ રહેશે.

બધાની વચ્ચે અપમાન થવાનો ભય

ક્યારેક એવું બને કે કોઈ વ્યક્તિ આપણું બધાની વચ્ચે હળહળતું અપમાન કરી નાખે. ઘણી વાર આપણું અપમાન થયું ના હોય, પણ કોઈ બીજાનું અપમાન થતાં જોયું હોય તો ભય આપણી અંદર પેસી જાય કે “મારું પણ અપમાન થશે તો?” પછી એ અપમાન થવાના ભયથી કેટલાક પગલાં લેતાં પહેલાં જ આપણે અટકી જઈએ. જેમ કે, કોઈના લગ્નમાં આપણને પહેલી હરોળમાં બેસાડ્યા હોય અને પછી બીજા મુખ્ય મહેમાન આવે એટલે ઉઠાડીને પાછળની હરોળમાં બેસવા કહે તો અપમાન લાગે. એ અપમાનના ભયથી કેટલાક પહેલેથી જ પહેલી હરોળમાં ના બેસે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે અપમાનનો ભય એ તો બમણું માન છે. જે વ્યક્તિને અપમાનનો ભય હોય તે સતત કેમ કરીને પોતાનું અપમાન ના થાય તેની જ પેરવીમાં હોય. ક્યારેક પૈસાની ખોટ ખાઈને પણ “આપણું અપમાન તો નથી થયું ને!” એવી જાળવણીમાં જ રહે. એ વ્યક્તિ સતત પોતાનું માન જળવાય અને અપમાન ના થાય તેની તકેદારી રાખવામાં વગર કામના બોજા લઈને ફર્યા કરે.

કોઈ આપણને કડવા વેણ સંભળાવે, જેનાથી આપણને અપમાન લાગે, તો તેના ભયમાંથી નીકળવાની વૈજ્ઞાનિક સમજણ આપણને પરમ પૂજ્ય દાદા ભગવાન પાસેથી મળે છે.

પ્રશ્નકર્તા: દાદા, મને કોઈ કડવા શબ્દો કહે તો તે સહન નથી થતા, તો શું કરવું મારે?

દાદાશ્રી: જો તેનો તને ખુલાસો કરું. આ રસ્તા વચ્ચે કાંટો પડ્યો હોય ને હજારો માણસો નીકળે પણ કાંટો કોઈને વાગે નહીં, પણ ચંદુભાઈ જાય તો કાંટો આડો હોય તોય એવો વાગે કે પંજામાંથી સોંસરો ઉપર આવે! કડવાનો સ્પર્શ થવો એ હિસાબી હોય છે. અને કડવાનો સ્પર્શ થાય તો માનવું કે આપણા કડવાની રકમમાંથી એક ઓછી થઈ. જેટલું કડવું સહન કરશો એટલા કડવા તમારા ઓછા થશે. મીઠું પણ સ્પર્શ થાય ત્યારે એટલું ઓછું થાય છે.

આપણને કોઈ જોષીએ હાથ જોઈને કહ્યું હોય કે ચાર ઘાતો છે, તો ચાર ઘાતોમાં આપણે ચેતતા રહેવું જોઈએ. હવે આમાંથી એક ઘાત ગઈ તો આનંદ માનવો કે સિલકમાંથી એક ઓછી થઈ! તેમ અપમાન, ગાળો એવું બધું આપણી પાસે આવે તો આનંદ માનવો કે સિલકમાંથી એક દુઃખ ઓછું થયું.

બધું જ ગણતરીબંધ છે, સિલક સાથે છે. કશું ગપ્પું નથી. મર્યા સુધીનું બધું જ ગણતરીબંધ છે. આ તો હિસાબ પ્રમાણે હોય કે આના તરફથી ૩૦૧ આવશે, પેલા પાસેથી ૨૫ આવશે, આની પાસેથી ૧૦ આવશે.

કોઈની જોડે હજાર ગાળોનો હિસાબ હોય તો એ એક ગાળ આપે તો આપણે એમ કહીએ કે હજારમાંથી એક તો ઓછી થઈ! હવે ૯૯૯ ગાળો બાકી રહી!

પણ આ કડવું સ્પર્શ થાય છે ત્યારે નથી ગમતું. આ ઓછું થાય છે તોય કડવું કેમ નથી ગમતું?

સામો કડવું આપે ત્યારે એ કયા ખાતાનું છે એ ના જાણીએ, ત્યાં સુધી એ ના ગમે. પણ ખબર પડે કે ‘ઓહો! આ તો આ ખાતાનું છે!’ એટલે એ ગમે. આ તો એ રકમ જ્યાં સુધી સિલકમાં હોય ત્યાં સુધી જ આપવા આવે.

પેલાને કહીએ કે કડવું ફરી આપને, તોય એ ના આપે. આ તો કોઈના હાથમાં સત્તા જ નથી. આ તો બધું રિલેટિવ રિલેશન (વ્યવહારિક સંબંધ) છે. કડવું-મીઠું બધું જ હિસાબથી મળે છે. રોજ કડવું આપનાર એક દા’ડો એવું સુંદર આપી દે છે! આ બધા ઋણાનુબંધી ઘરાક-વેપારીના સંબંધો છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, જેમ આપણે ધંધામાં નફા અને ખોટનું ખાતું રાખીએ છીએ, તેવી જ રીતે માન અને અપમાનનું ખાતું રાખવું. જેટલા માન મળે તેને ખોટના ખાતામાં અને અપમાન મળે તેને નફાના ખાતામાં જમા કરવા. આમ કરવાથી જેટલા વધુ અપમાન આવશે, એટલો વધારે ફાયદો થયો એવું માનવું. તેઓશ્રીની આ સમજણ આપણને અહીં મળે છે.

ચોપડામાં જમા કરી દો

દાદાશ્રી: તમારા ચોપડામાં માન અને અપમાનનું ખાતું રાખો. જે જે કોઈ માન-અપમાન આપે તેને ચોપડામાં જમે કરી દો, ઉધારશો નહીં. ગમે તેટલો મોટો કે નાનો કડવો ડોઝ કોઈ આપે, તે ચોપડામાં જમે કરી લો. નક્કી કરો કે મહિનામાં સો જેટલા અપમાન જમે કરવા છે. તે જેટલા વધારે આવશે, તેટલો વધારે નફો ને સોને બદલે સિત્તેર મળ્યા તો ત્રીસ ખોટમાં. તે બીજે મહિને એકસો ત્રીસ જમે કરવાના. જો ત્રણસો અપમાન જેને ચોપડે જમા થઈ જાય, તેને પછી અપમાનનો ભય ના રહે. ‘જ્યારે અપમાનનો ભય નહીં રહે, ત્યારે કોઈ અપમાન નહીં કરે’ એવો નિયમ જ છે. જ્યાં સુધી ભય છે, ત્યાં સુધી વેપાર. ભય ગયો એટલે વેપાર બંધ. એ પછી તરી પાર ઊતરી જાય.

પરમ પૂજ્ય દાદા ભગવાનનો જીવન પ્રસંગ

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે અપમાન પચાવવું એ તો મહાન બળવાનપણું છે. કોઈ વ્યક્તિ આપણું એક વખત અપમાન કરી જાય અને એ વ્યક્તિ માટે એકપણ નેગેટિવ ભાવ કે સ્પંદન ઊભા ના થાય તો એ અપમાન પચાવ્યું કહેવાય. એવી રીતે અપમાન પચાવવાથી અંદર જબરજસ્ત શક્તિ ઉત્પન્ન થાય છે. તેનાથી બીજી વખત પહેલા કરતા મોટું અપમાન આવે તો એને પણ પચાવવાની શક્તિ મળે છે. તેઓશ્રી કહે છે કે અપમાન હિતકારી છે અને અપમાન કરનારો ઉપકારી છે. તેઓશ્રીના જીવનના એક પ્રસંગમાં આ સમજણ ખુલ્લી થાય છે, જેમાં પરમ પૂજ્ય દાદાશ્રી પોતે અપમાન કરનારને સામેથી શોધવા જતા.

પાંચસો રૂપિયાનું ઈનામ

દાદાશ્રી: કોઈ આપણને ગાળો ભાંડે, આપણને ખોટું સાંભળવાનું મળ્યું, એ તો બહુ પુણ્યશાળી કહેવાય, નહીં તો એ મળે નહીં ને! હું પહેલાં એવું કહેતો હતો, આજથી દસ-પંદર વર્ષ ઉપર કે ભઈ, કોઈ પણ માણસ પૈસાની અડચણવાળો હોય, તો હું કહું છું કે મને એક ધોલ (તમાચો) મારજે, હું પાંચસો રૂપિયા આપીશ. એક માણસ મળેલો, મેં એને કહ્યું કે, 'તારે પૈસાની ભીડ છે ને? સો-બસ્સોની? તો તારી ભીડ તો આજથી જ નીકળી જશે. હું તને પાંચસો રૂપિયા આપું, તું મને એક ધોલ માર.' ત્યારે કહે, 'ના દાદા, આવું નહીં થઈ શકે.' એટલે ધોલ મારનારાય ક્યાંથી લાવે? વેચાતા લાવે તોય ઠેકાણું પડે એવું નથી ને ગાળો દેનારાનુંય ઠેકાણું પડે એવું નથી. ત્યારે જેને ઘેર બેઠાં એવું ફ્રી ઑફ કોસ્ટ (મફત) મળતું હોય તો ભાગ્યશાળી જ કહેવાય ને! કારણ કે મને પાંચસો રૂપિયા આપતાંય કોઈ મળતું નહોતું.

આત્મજ્ઞાન પછી અપમાન એ ‘વિટામિન’

જેમણે આત્મસાક્ષાત્કારની પ્રાપ્તિ કરી છે, તેમના માટે આ સમજવું સરળ છે કે ક્રોધ-માન-માયા-લોભ એ આંતરિક નબળાઈઓ છે, જે આત્માની શક્તિને આવરે છે. ‘માન’ કષાયને પોતાનો શત્રુ માનવો જોઈએ. માન નામનો શત્રુ ક્યારે હારશે? જ્યારે અપમાન પચાવવાની શક્તિ આવશે ત્યારે. કારણ કે માન એ ‘ફૂડ’ છે પણ અપમાન તો ‘વિટામિન’ છે. એટલે કોઈ કહે કે “તમારામાં અક્કલ નથી.” તો આપણે કહેવાનું કે “એ તો પહેલેથી જ નહોતી, તમને હમણાં ખબર પડી?” જેથી માનનું રક્ષણ ના થાય, માન તૂટે અને આત્મશક્તિઓ પ્રગટ થતી જાય.

“આમણે મારું અપમાન કર્યું” એ જ્ઞાનથી ભયંકર પાપકર્મ બંધાય છે. આપણે પૂર્વે આપ્યા હશે, તેટલા જ અપમાન આજે આપણા હિસાબમાં હશે અને તેટલા જ અપમાન આવશે. એટલે આવે તેને શાંત મને જમા કરી દેવા. નવો હિસાબ શરૂ ના કરવો.

માન ક્યારે છેદાશે?

દાદાશ્રી: અપમાન કરનારો જ્યારે ઉપકારી ગણાશે, ત્યારે તમારું માન છેદાઈ જશે! અપમાન કરનારાને ઉપકારી ગણવો, તેના બદલે અપમાન થાય ત્યારે માણસ બેસી જાય છે!

અપમાન તો ચાખવા જેવું. ઘેર બેઠા આવે ત્યારે ચાખીએ નહીં, નહીં તો શક્તિઓ કેવી વધી જાય! પણ અપમાન આપે ત્યારે લે નહીં ને છોડી દે. પછી શક્તિ શી રીતે વધે?

‘મૂરખ છો, અક્કલ વગરના છો’ એવું કોઈકે કહ્યું હોય ત્યારે આપણે કહેવું, ‘ભઈ, હું આજનો નથી, પહેલેથી જ એવો છું’ એમ કહેવું.

પ્રશ્નકર્તા: એટલે અપમાન સહન કરતા શીખી જવું જોઈએ, એમ?

દાદાશ્રી: અપમાન સહન કરવાની શક્તિ આવશે, એ માન જશે ત્યારે.

‘મારી કિંમત ના કરી’ એવું કેટલાક કહે છે ને? તારી કિંમત હતી જ કંઈ? તું આ દરિયાને પૂછી આવ કે તારી કિંમત કેટલી? એક મોજું આવશે ને તું તણાઈ જશે! કેટલાય મોજાંવાળો માલિક, તારા જેવા કેટલાય જણને એ તાણી ગયો! કિંમત તો જેને રાગ-દ્વેષ ના થાય એની કહેવાય!

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે “જ્ઞાન મળ્યા પછી અપમાન પચાવતાં આવડે, તો તે ‘જ્ઞાની’ થઈ જાય.” અને “અપમાનનો કિંચિત્‌માત્ર જેને ભો છે તે ‘જ્ઞાની’ નથી. માનની રુચિ છે તે ‘જ્ઞાની’ નથી.” આત્મજ્ઞાન પ્રાપ્ત થાય પછી લક્ષમાં રાખવું કે જેનું અપમાન થાય છે તે મારું સ્વરૂપ છે જ નહીં. મારું સ્વરૂપ આત્મા છે અને આત્માને કોઈ શબ્દ અડી શકે નહીં. અપમાનનો પ્રસંગ આત્માનું જ્ઞાન પ્રગટ થવામાં મદદરૂપ છે. તેથી જ પરમ પૂજ્ય દાદા ભગવાને આ સૂત્ર આપ્યું છે કે, કોઈ માન આપે તો તેને દુશ્મન જોજો અને અપમાન આપે તો માનની ગાંઠમાંથી છોડાવે છે તેમ તેને પરમ ઉપકારી મિત્ર ગણજો.

×
Share on