Related Questions

મારી શંકા ક્યારે જશે?

ત્યારે સંદેહ જાય !

પ્રશ્નકર્તા: ને સંદેહ ગયા છે એવું નથી કહેતો, પણ સંદેહ મને અંદરથી ઉદ્ભવતો નથી.

દાદાશ્રી: હા, ઉદ્ભવે નહીં, એ વાત જુદી છે. એવું અમુક કાળ સુધી લાગે. પણ જ્યારે મુશ્કેલી આવે ત્યારે સંદેહ ઊભા થાય પાછાં. આ તો બધું ફરવાનું છે. બધું એક જ જાતનું ઓછું રહે છે? જેમ દિવસ-રાત બદલાયા કરે છે, ટાઈમ નિરંતર બદલાયા કરે છે, તેવું આ અવસ્થાઓ બધી નિરંતર બદલાયા કરવાની!

એટલે સંદેહ માણસનો ક્યારે જાય ? વીતરાગતા અને નિર્ભય થઈ ગયા પછી સંદેહ જાય. નહીં તો સંદેહ તો જાય જ નહીં. શાંતિ હોય ત્યાં સુધી અનુકૂળ લાગે. પણ ઉપાધિ આવે ત્યારે અશાંતિ ઊભી થાય ને ! ત્યારે પાછું બધું અંદરથી ગૂંચાઈ જાય, ને તેથી બધા સંદેહ ઊભા થાય.

Reference: Book Name: આપ્તવાણી ૯ (Page #128 - Paragraph #5 to #7)

શંકા માટે ઉપાય !

બાકી, શંકા વગર તો માણસ હોય જ નહીં ને ! અરે, મને તો પહેલાં, બા જીવતા હતાં ને, ત્યારે ગાડીમાંથી ઊતરતાં જ, વડોદરા સ્ટેશને જ એમ વિચાર આવે કે 'બા આજે ઓચિંતા મરી ગયાં હશે, તો પોળમાં શી રીતે પેસવું ?' એવી શંકાઓ ઉત્પન્ન થાય. અરે, જાતજાતની શંકાઓ માણસમાં આવે. પણ આ બધું શોધખોળ કરીને પછી મેં મેળવી લીધેલું કે આ કર મીંડુ ને મેલ ચોકડી ! શંકા ઉત્પન્ન કરવા જેવું જગત જ નથી.

પ્રશ્નકર્તા: એ તો મને પણ દેશમાંથી ટેલિફોન આવે તો મને હજુ ય શંકા થાય કે 'બાને કંઈક થયું હશે તો?'

દાદાશ્રી: પણ એ શંકા કશી 'હેલ્પ' નથી કરતી, દુઃખ આપે છે. આ ઘરડું માણસ ક્યારે પડી જાય, એ શું કહેવાય !! કારણ કે ઓછા આપણે એમને બચાવી શકવાના છીએ ?! અને એવી શંકા પડવાની થાય છે ત્યારે આપણે એમના આત્માને, એમના ઉપર વિધિ મૂક્યા કરવી, કે 'હે નામધારી બા, એમનાં દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મથી ભિન્ન એવા પ્રગટ શુદ્ધાત્મા, એમના આત્માને શાંતિ આપો.' એટલે શંકા થતાં પહેલાં આપણે આ વિધિ મૂકી દેવી. શંકા થાય ત્યારે આપણે આમ ફેરવવું.

Reference: Book Name: આપ્તવાણી ૯ (Page #90 - Paragraph #2 to #4)

'વ્યવસ્થિત'થી નિઃશંકતા !

જગત વધારે દુઃખી તો શંકાથી જ છે. શંકા તો માણસને અધોગતિમાં લઈ જાય છે. શંકામાં કશું વળે નહીં. કારણ કે 'વ્યવસ્થિત'ના નિયમને કોઈ તોડનારું નથી. 'વ્યવસ્થિત'ના નિયમને કોઈ તોડી શકે એમ નથી, માટે શંકા કરીને શું કરવા અમથો માથાકૂટ કરે છે?

'વ્યવસ્થિત'નો અર્થ શો કે 'છે' એ છે, 'નથી' એ નથી. 'છે' એ છે, એ 'નથી' થવાનું નથી અને 'નથી' એ નથી, એ 'છે' થવાનું નથી. માટે 'છે' એ છે, એમાં તું આઘુંપાછું કરવા જઈશ તો 'છે' જ અને 'નથી' તે આઘુંપાછું કરવા જઈશ તો ય 'નથી' જ. માટે નિઃશંક થઈ જાવ. આ 'જ્ઞાન' પછી તમે હવે આત્મામાં નિઃશંક થઈ ગયા કે આ આપણને જે લક્ષ બેઠું, તે જ આત્મા છે ને બીજું બધું નિકાલી બાબત!

Reference: Book Excerpt: આપ્તવાણી ૯ (Page #90 - Paragraph #5 & #6, Page #91 - Paragraph #1)

×
Share on