Related Questions

ભોગવટામાંથી કેવી રીતે મુક્ત થવું?

લોકો સહનશક્તિ વધારવાનું કહે છે, પણ તે ક્યાં સુધી રહે? જ્ઞાનની દોરી તો ઠેઠ સુધી પહોંચે. સહનશક્તિની દોરી ક્યાં સુધી પહોંચે? સહનશક્તિ લિમિટવાળી છે, જ્ઞાન અનલિમિટેડ છે. આ 'જ્ઞાન' જ એવું છે કે કિંચિતમાત્ર સહન કરવાનું રહે નહીં. સહન કરવું એ તો લોખંડને આંખથી જોઈને ઓગાળવું. એટલે શક્તિ જોઈએ. જ્યારે જ્ઞાનથી કિંચિતમાત્ર સહન કર્યા વગર પરમાનંદ સાથે મુક્તિ! પાછું સમજાય કે આ તો હિસાબ પૂરો થાય છે ને મુક્ત થવાય છે.

જે દુઃખ ભોગવે એની ભૂલ અને સુખ ભોગવે તો એ એનું ઈનામ. પણ ભ્રાંતિનો કાયદો નિમિત્તને પકડે. ભગવાનનો કાયદો-રિયલ કાયદો, એ તો જેની ભૂલ હોય તેને જ પકડે. આ કાયદો એક્ઝેક્ટ છે અને તેમાં કોઈ ફેરફાર કરી શકે તેમ છે જ નહીં. જગતમાં એવો કોઈ કાયદો નથી કે જે કોઈને ભોગવટો આપી શકે! સરકારનોય કાયદો ભોગવટો ના આપી શકે.

આ ચાનો પ્યાલો તમારી જાતે ફૂટે તો તમને દુઃખ થાય? જાતે ફોડો તો તમારે સહન કરવાનું હોય? અને જો તમારા છોકરાથી ફૂટે તો દુઃખ, ચિંતા ને બળતરા થાય. પોતાની જ ભૂલોનો હિસાબ છે એમ જ સમજાય તો દુઃખ કે ચિંતા થાય? આ તો પારકાંના દોષ કાઢીને દુઃખ ને ચિંતા ઊભી કરે છે ને નરી બળતરા જ રાત-દહાડો ઊભી કરે છે અને ઉપરથી પોતાને એમ લાગે છે કે મારે બહુ સહન કરવું પડે છે.

પોતાની કંઈ ભૂલ હશે તો જ સામો કહેતો હશે ને? માટે ભૂલ ભાંગી નાખો ને! આ જગતમાં કોઈ જીવ કોઈ જીવને તકલીફ આપી શકે નહીં, એવું સ્વતંત્ર છે અને તકલીફ આપે છે તે પૂર્વે ડખલ કરેલી તેથી. તે ભૂલ ભાંગી નાખો પછી હિસાબ રહે નહીં.

×
Share on