Related Questions

આમાં મારી શી ભૂલ?

કંઈ પણ ભૂલ વગર ભોગવવાનું આપણને આવે છે, ત્યારે હૃદય વારંવાર દ્રવી દ્રવીને પોકારે છે કે આમાં મારી શી ભૂલ? મેં શું ખોટું કર્યું આમાં? છતાંય ઉત્તર મળતો નથી, એટલે પછી મહીં રહેલા વકીલો વકીલાત કરવાની ચાલુ જ કરી દે કે મારી આમાં કંઈ જ ભૂલ નથી. આમાં તો સામાની જ ભૂલ છે ને? છેવટે એવું જ મનાવી લે, જસ્ટીફાય કરાવી દે કે, 'પણ એણે જો આવું ના કર્યું હોત તો પછી મારે આવું ખરાબ શું કામ કરવું પડત કે બોલવું પડત?!' આમ પોતાની ભૂલ ઢાંકે ને સામાની જ ભૂલ છે એમ પૂરવાર કરે! અને કર્મોની પરંપરા સર્જાય!

પરમ પૂજ્ય દાદાશ્રીએ સામાન્યમાં સામાન્ય માણસને સર્વ રીતે સમાધાન કરાવે એવું એક જીવનોપયોગી સૂત્ર આપ્યું કે આ જગતમાં ભૂલ કોની? ચોરની કે જેનું ચોરાય એની? આ બેમાં ભોગવે છે કોણ? જેનું ચોરાયું એ જ ભોગવે ને! જે ભોગવે તેની ભૂલ! ચોર તો પકડાશે ને ભોગવશે ત્યારે એની ભૂલનો દંડ આવશે, આજે પોતાની ભૂલનો દંડ આવી ગયો. પોતે ભોગવે પછી કોને દોષ દેવાનો રહે? પછી સામો નિર્દોષ જ દેખાય. આપણા હાથથી ટી-સેટ તૂટે તો કોને કહીએ? અને નોકરથી તૂટે તો?! એના જેવું છે! ઘરમાં, ધંધામાં, નોકરીમાં બધે જ 'ભૂલ કોની છે?' ખોળવું હોય તો તપાસ કરી લેવી કે આમાં ભોગવે છે કોણ? એની ભૂલ. ભૂલ છે ત્યાં સુધી જ ભોગવટો છે. જ્યારે ભૂલ ખલાસ થઈ જશે, ત્યારે આ દુનિયાની કોઈ વ્યક્તિ, કોઈ સંયોગ પોતાને ભોગવટો આપી નહીં શકે.

×
Share on