Related Questions

કોને સૌથી વધારે ભોગવટો આવે છે?

જેનો વધારે દોષ તે જ આ જગતમાં માર ખાય છે. માર કોણ ખાય છે તે જોઈ લેવું. જે માર ખાય છે, તે જ દોષિત છે.

ભોગવ્યું એના પરથી હિસાબ નીકળી જાય કે કેટલી ભૂલ હતી! ઘરમાં દસ માણસો હોય, તેમાં બે જણને ઘર કેમ ચાલતું હશે તેનો વિચાર સરખોય નથી આવતો, બે જણને ઘરમાં મદદ કરીએ તેવો વિચાર આવે છે, બે-ત્રણ જણા મદદ કરે છે, એક તો આખો દહાડો ઘર શી રીતે ચલાવવું તેની જ ચિંતામાં રહે છે અને બે જણ આરામથી ઊંઘે છે. તે ભૂલ કોની? મૂઆ, ભોગવે એની જ, ચિંતા કરે એની જ. જે આરામથી ઊંઘે છે, તેને કશું જ નહીં.

ભૂલ કોની છે? ત્યારે કહે કે કોણ ભોગવી રહ્યું છે, એની તપાસ કરો. નોકરના હાથે દસ પ્યાલા ફૂટી ગયા તો એની અસર ઘરના માણસો પર પડે કે ના પડે? હવે ઘરના માણસોમાં છોકરાં હોય, તેમને તો કંઈ ભોગવવાનું હોય નહીં. એનો બાપો ને મમ્મી અકળાયા કરે. એમાં મમ્મી પણ થોડીવારે નિરાંતે ઊંઘી જાય, પણ બાપો ગણતરી કર્યા કરે. દાયે પાંચે પચાસ, આટલા રૂપિયા થયા! એ એલર્ટ એટલે એને વધારે ભોગવવાનું. એના પરથી ભોગવે એની ભૂલ.

ભૂલને આપણે ખોળવા ના જવું પડે. મોટા જજો ને વકીલોનેય ખોળવા ના જવું પડે. એના કરતા આ વાક્ય આપ્યું, એ થર્મોમિટર કે ભોગવે એની ભૂલ. એ જો એટલું પૃથક્કરણ કરતો કરતો આગળ વધે તો સીધો મોક્ષે જાય.

×
Share on