Related Questions

ભૂલ ડૉક્ટરની કે દર્દીની?

ડૉક્ટરે દર્દીને ઈન્જેક્શન આપ્યું, પછી ડૉક્ટર ઘેર જઈને નિરાંતે ઊંઘી ગયો ને પેલાને તો ઈન્જેક્શન આખી રાત દુઃખ્યું, માટે આમાં ભૂલ કોની? દર્દીની! ને ડૉક્ટર તો જ્યારે ભોગવશે, ત્યારે એની ભૂલ પકડાશે.

બેબીને માટે ડૉક્ટર બોલાવીએ અને ડૉક્ટર આવીને જુએ કે નાડી ચાલતી નથી, એટલે ડૉક્ટર શું કહેશે? 'મને શું કામ બોલાવ્યો?' અલ્યા, તે હાથ અડાડ્યો તે જ ઘડીએ ગઈ, નહીં તો નાડી તો આમ ચાલતી'તી. પણ પાછો ડૉક્ટર ટૈડકાવે ને પાછો ફીના દસ રૂપિયા લઈ જાય. અલ્યા, ટૈડકાવાનો હોઉં તો પૈસા ના લઈશ ને પૈસા લઉં છું તો ટૈડકાવીશ નહીં. પણ ના, ફી તો લેવાની ને! તે પૈસા આપવા પડે. આવું જગત છે. માટે આ કાળમાં ન્યાય ખોળશો નહીં!

પ્રશ્નકર્તા: આવુંય બને, મારી પાસે દવા લે અને મને ટૈડકાવે.

દાદાશ્રી: હા, એવુંય બને. છતાં સામાને ગુનેગાર ગણશો તો તમે ગુનેગાર થશો. અત્યારે કુદરત ન્યાય જ કરી રહી છે.

ઓપરેશન કરતા પેશન્ટ મરી ગયો તો ભૂલ કોની?

ચીકણી માટીમાં બૂટ પહેરીને ફરે ને લપસે તેમાં કોનો દોષ? મૂઆ, તારો જ! સમજણ નહોતી પડતી કે ઊઘાડા પગે ફરીએ તો આંગળા ભરાય ને પડાય નહીં. આમાં કોનો દોષ? માટીનો, બૂટનો કે તારો? ભોગવે એની ભૂલ. એટલું જો પૂરેપૂરું સમજાય ને તોય એ મોક્ષે લઈ જાય. આ જે લોકોની ભૂલ જુએ છે, એ તો સાવ ખોટું છે. પોતાની ભૂલને લઈને નિમિત્ત મળે છે. આ તો પાછું જીવતું નિમિત્ત મળે તો તેને બચકાં ભરે ને આ કાંટો વાગ્યો હોય તો શું કરે? ચાર રસ્તા પર કાંટો પડ્યો હોય ને હજારો માણસો જાય પણ કોઈનેય અડે નહીં, પણ ચંદુભાઈ ત્યાંથી જાય, તે કાંટો વાંકો હોય તોય તેને પગે વાગે. 'વ્યવસ્થિત' તો કેવું છે? જેને કાંટો વાગવાનો હોય તેને જ વાગે, બધા જ સંયોગો ભેગા કરી આપે, પણ એમાં નિમિત્તનો શો દોષ?

જો કોઈ પણ માણસ દવા છાંટીને ઉધરસ ખવડાવે તો તેને માટે વઢંવઢા થઈ જાય, જ્યારે મરચાંનો વઘાર ઊડે ને ઉધરસ આવે તો કંઈ વઢંવઢા કરે છે? આ તો પકડાયો તેને વઢે. નિમિત્તને બચકાં ભરે. જો હકીકત જાણીએ કે કરનાર કોણ અને શાથી થાય છે, તો પછી કશી ભાંજગડ રહે? તીર મારનારની ભૂલ નથી, તીર વાગ્યું કોને, તેની ભૂલ છે. તીર મારનારો જ્યારે પકડાશે ત્યારે એની ભૂલ. અત્યારે તો તીર વાગ્યું એ પકડાયો છે. જે પકડાયો એ પહેલો ગુનેગાર. પેલો તો પકડાશે ત્યારે એની ભૂલ.

×
Share on