Related Questions

લોકો મને શા માટે સમજતા નથી?

પ્રશ્નકર્તા: કેટલાંક એવા હોય છે કે આપણે ગમે તેટલું સારું વર્તન કરીએ તોય તે સમજતા નથી.

દાદાશ્રી: એ ના સમજતા હોય તો એમાં આપણી જ ભૂલ છે કે એ સમજણવાળો આપણને કેમ ના મળ્યો! આમનો જ સંયોગ આપણને કેમ બાઝ્યો? જે જે વખતે આપણને કંઈ પણ ભોગવવું પડે છે, તે આપણી જ ભૂલનું પરિણામ છે.

પ્રશ્નકર્તા: તો આપણે એમ સમજવાનું કે મારા કર્મો એવા છે?

દાદાશ્રી: ચોક્કસ. આપણી ભૂલ સિવાય આપણને ભોગવવાનું હોય નહીં. આ જગતમાં એવું કોઈ નથી કે જે આપણને સહેજ પણ દુઃખ આપે અને જો કોઈ દુઃખ આપનાર છે, તો તે આપણી જ ભૂલ છે. સામાનો દોષ નથી, એ તો નિમિત્ત છે. માટે 'ભોગવે એની ભૂલ'.

કોઈ સ્ત્રી અને પુરુષ બે (પતિ-પત્ની) જણ ખૂબ ઝઘડતા હોય અને બેઉ સૂઈ ગયા, પછી આપણે છાનામાના જોવા જઈએ તો પેલી બહેન તો ઘસઘસાટ ઊંઘતી હોય અને ભઈ આમ આમ પાસા ફેરવતા હોય, તો આપણે સમજવું કે આ બધી ભઈની ભૂલ છે, આ બહેન ભોગવતી નથી. જેની ભૂલ હોય તે ભોગવે અને તે ઘડીએ જો ભઈ ઊંઘતા હોય ને બહેન જાગ્યા કરતા હોય તો જાણવું કે બહેનની ભૂલ છે. 'ભોગવે એની ભૂલ.' આ તો બહુ ભારે 'સાયન્સ' છે! જગત આખું નિમિત્તને જ બચકાં ભરે છે.

×
Share on