પ્રશ્નકર્તા: યોગસાધના કરીએ તેનાથી વિકાસ થાય ને?
દાદાશ્રી: પહેલાં આપણે નક્કી કરવું પડે કે યોગસાધના કરીને આપણે શું પ્રાપ્ત કરવું છે, શેની પ્રાપ્તિ માટે આપણે યોગસાધના કરીએ છીએ, પૈસા કમાવા માટે કે ભણવા માટે?
પ્રશ્નકર્તા: બધી જાતના દૈહિક વિકાસ માટે.
દાદાશ્રી: આ બધી સાધના કરે છે એ તો મનની કે દેહની સાધના કરી રહ્યા છે ને?
પ્રશ્નકર્તા: આચાર્ય જોડે રહીને કરીએ તો પણ?
દાદાશ્રી: માર્ગદર્શન બે જાતનું છે - એક રીલેટિવ અને એક રીયલ. રીલેટિવ માટે તો બહાર ઘણા માર્ગદર્શકો છે. માટે આપણે નક્કી કરવું જોઈએ કે કયું જોઈએ છે? જો સર્વ દુઃખોથી મુક્ત થવું હોય તો આ રીયલ માર્ગદર્શન પ્રાપ્ત કરવું જોઈએ. માટે તમારે કયું જોઈએ છે? આ પૈસો-બૈસો તો બહાર રીલેટિવમાં મળી રહેશે, કારણ કે, એ મહેનતથી ફળ તો મળશે ને? પણ આ અહીં તો આત્માની યોગસાધના કરવામાં આવે છે, એટલે સર્વ પ્રકારે કામ પૂરું થાય!
પ્રશ્નકર્તા: ધ્યાન અને યોગ એમાં ફેર શો છે?
દાદાશ્રી: ચાર પ્રકારના યોગ. એક દેહયોગ, દેહમાં પાછળ ચક્રો હોય છે ત્યાં આગળ એકાગ્રતા કરવી, એને દેહયોગ કહે છે. એ યોગની કિંમત કેટલી? તો કે, વ્યગ્રતાનો રોગ છે, એટલે એકાગ્રતાની દવા ચોપડે છે. એકાગ્રતાની જરૂર તો જેને વ્યગ્રતાનો રોગ છે તેને છે. જેને જે જે રોગ હોય તેને તેવી દવાની જરૂર છે. એ તો માત્ર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે, એનાથી તો માત્ર ટેમ્પરરી રિલીફ મળે છે. આ રિલીફને જો છેલ્લું સ્ટેશન માને તો એનો ક્યારે ઉકેલ આવે? જો આ એકાગ્રતાની દવાથી ક્રોધ, માન, માયા, લોભ જતા હોય તો એ કામનું. આ તો પચીસ વર્ષ સુધી એકાગ્રતા કરે, યોગસાધના કરે ને જો ક્રોધ, માન, માયા અને લોભ ના જાય તો શું કામનું? જે દવાથી ક્રોધ, માન, માયા, અને લોભ જાય એ દવા સાચી.
આ યોગસાધના તું કરે છે તે કોની કરે છે? જાણેલાની કે અજાણ્યાની? આત્માનો તો અજાણ્યો છે, તે તેની સાધના શી રીતે થાય? દેહને જ જાણે છે અને દેહની જ યોગસાધના તું કરે છે, તેનાથી તેં આત્મા ઉપર શો ઉપકાર કર્યો? અને તેથી તું મોક્ષને ક્યારે પામી શકીશ?
બીજો યોગ તે વાણીનો યોગ, તે જપયોગ; એમાં આખો દહાડો જપ જપ્યા કરે. આ વકીલો વકીલાત કરે છે તેય વાણીનો યોગ કહેવાય!
ત્રીજો યોગ તે મનોયોગ, કોઈ પણ પ્રકારનું માનસિક ધ્યાન કરે તે. પણ ધ્યેય નક્કી કર્યા વગર ધ્યાન કરે તેનાથી કશું વળતું નથી. ગાડીએ જઈએ ને સ્ટેશન માસ્તરને કહેવું પડે છે ને કે મને આ સ્ટેશનની ટિકિટ આપો, સ્ટેશનનું નામ તો કહેવું પડે ને? આ તો 'ધ્યાન કરો, ધ્યાન કરો', પણ શાનું એ તો કહે!
પણ આ બધું ઠોકાઠોક ચાલ્યું છે. ધ્યેય વગરનું ધ્યાન એ તો ઠોકાઠોક કહેવાય! એવા ધ્યાનમાં તો આકાશમાં પાડો દેખાય અને એને લાંબું પૂંછડું દેખાય, એવું ધ્યાન શું કામનું? નહીં તો અડસટ્ટે ગાડી ચાલી તે કયા સ્ટેશને રોકાશે એનુંય નક્કી નહીં! ધ્યેય તો એક 'જ્ઞાની પુરુષ' પાસે જ છે, ત્યાં જીવતો ધ્યેય પ્રાપ્ત થાય, તે સિવાય 'હું આત્મા છું' બોલે તો કામ થાય નહીં. એ તો 'જ્ઞાની પુરુષ' પાપ બાળે, જ્ઞાન આપે ત્યારે ધ્યેય નક્કી થાય. સ્વરૂપ જ્ઞાન આપે તો ધ્યેય પ્રાપ્ત થાય, એ સિવાય 'હું શુદ્ધાત્મા છું' બોલે તો કશું વળે નહીં. એ કોના જેવું છે? ઊંઘમાં 'હું વડો પ્રધાન છું' એવું બોલે તે કશું ફળે? મનના યોગમાં ધ્યાન, ધર્મ કરે પણ એ બધા રિલીફ રોડ છે. છેલ્લો આત્મયોગ, એ થયા સિવાય કંઈ જ વળે તેમ નથી. આત્મયોગ પ્રાપ્ત થયો નથી, તેથી જ સ્તો આ બધા પઝલમાં ડિઝોલ્વ થઈ ગયા છે ને!
આપણે અહીં 'શુદ્ધાત્મા'માં રહીએ એ આત્મયોગ છે. સ્વરૂપનું જ્ઞાન એ આત્મયોગ એટલે કે પોતાનું સ્થાન છે, બાકી બીજા બધા દેહયોગ છે. ઉપવાસ, તપ, ત્યાગ કરો એ બધા જ દેહયોગ છે! એ ત્રણેય યોગ (મન-વચન-કાયા) ફિઝિકલ છે. આ ફિઝિકલ યોગને આખું જગત છેલ્લો યોગ માને છે. આ બધા યોગ માત્ર ફિઝિકલ પ્રાપ્ત કરવા માટે છે છતાં, આ ફિઝિકલ યોગને સારો કહ્યો છે. આવું આવું કંઈકેય નહીં કરે તો દારૂ પીને સટ્ટો રમશે, એના કરતા આ કરે છે એ સારું છે. અને આનો ફાયદો શો છે? કે બહારનો કચરો મહીં ના પેસે ને રિલીફ મળે અને મનોબળ મજબૂત થાય, બાકી છેલ્લા આત્મયોગમાં આવ્યા સિવાય મોક્ષ થાય તેમ નથી.
Book Name: આપ્તવાણી ૨ (Entire Page #276 & #277, Page #278 - Paragraph #1)
Q. શા માટે હું ધ્યાન કરી શકતો નથી અને એકાગ્રતા કેવી રીતે વધારવી?
A. મન પર કાબૂ એક ધ્યાનમાં હતા કે બે-ધ્યાનમાં હતા, એટલું જ ભગવાન પૂછે છે. હા તે બે-ધ્યાનમાં ન હતા.... Read More
Q. શું ધ્યાન મન પર નિયંત્રણ કરવામાં મદદ કરે છે?
A. પ્રશ્નકર્તા: મન ઉપર કન્ટ્રોલ કેવી રીતે લાવી શકાય? દાદાશ્રી: મન પર તો કન્ટ્રોલ આવી શકે જ નહીં. એ તો... Read More
Q. ધ્યાન કેવી રીતે કરવું? અને સાચા ધ્યાન (આધ્યાત્મિક ધ્યાન) વિશે સમજાવો.
A. જગતના લોકો ધ્યાનમાં બેસે છે પણ ધ્યેય નક્કી કર્યું? ધ્યેયનો ફોટો જોઈ આવ્યો નથી, તો શેનું પાડાનું... Read More
Q. મંત્ર ધ્યાનનાં શા ફાયદા છે?
A. બોલો પહાડી અવાજે... આ મહીં મનમાં 'નમો અરિહંતાણં' ને બધું બોલે પણ ગોળ ગોળ બધું, મહીં મનમાં ચાલતું... Read More
A. ૐની યથાર્થ સમજ! પ્રશ્નકર્તા: દાદા, ૐ શું છે? દાદાશ્રી: નવકાર મંત્ર બોલે એકધ્યાનથી તેનું નામ ૐ અને... Read More
Q. કુંડલિની ચક્ર એટલે શું? કુંડલિની જાગરણ વખતે શું થાય છે?
A. કુંડલિની શું છે? પ્રશ્નકર્તા: 'કુંડલિની' જગાડે ત્યારે પ્રકાશ દેખાય એ શું છે? દાદાશ્રી: એ પ્રકાશને... Read More
Q. શું યોગ (બ્રહ્મરંધ્ર) કરવાથી આયુષ્ય વધે?
A. યોગથી આયુષ્યનું એક્સ્ટેન્શન?! પ્રશ્નકર્તા: હજારો-લાખો વર્ષો સુધી યોગથી માણસ જીવી શકે... Read More
Q. શું યોગ સાધના (રાજયોગ) આત્મજ્ઞાન પ્ર્રાપ્ત કરવામાં મદદ કરી શકે?
A. યોગસાધનાથી પરમાત્મદર્શન પ્રશ્નકર્તા: યોગસાધનાથી પરમાત્મદર્શન થાય? દાદાશ્રી: યોગસાધનાથી શું ના... Read More
subscribe your email for our latest news and events