Related Questions

શું ધ્યાન મન પર નિયંત્રણ કરવામાં મદદ કરે છે?

પ્રશ્નકર્તા: મન ઉપર કન્ટ્રોલ કેવી રીતે લાવી શકાય?

દાદાશ્રી: મન પર તો કન્ટ્રોલ આવી શકે જ નહીં. એ તો કમ્પ્લીટ ફિઝિકલ છે, મશીનરીની જેમ. આ તો લાગે કે કન્ટ્રોલ થયું છે, પણ એ તો પૂર્વના હિસાબે. જો પૂર્વે એવું ગોઠવાયું હોય, પૂર્વે ભાવમાં હોય તો આ ભવમાં દ્રવ્યમાં આવે, બાકી આ ભવે તો મન કન્ટ્રોલમાં લાવી શકે જ નહીં. મન એમ કશાથીય બંધાય તેવું નથી. જેમ પાણીને બાંધવા વાસણ જોઈએ, તેમ મનને બાંધવા જ્ઞાન જોઈએ. મન તો જ્ઞાનીને જ વશ રહે! મનને ફ્રેક્ચર નથી કરવાનું, પણ મનનો વિલય કરવાનો છે. મન એ તો સંસારસમુદ્રનું નાવડું છે, સંસારસમુદ્રને કિનારે જવા માટે નાવડાથી જવાય. આ જગત આખું સંસાર સાગરમાં ડૂબકાં ખાય છે; તરે છે ને પાછા ડૂબકાં ખાય છે ને એનાથી કંટાળો આવે છે. તેથી દરેકને નાવડાથી કિનારે જવાની ઈચ્છા તો હોય જ, પણ ભાન નથી તેથી મનરૂપી નાવડાનો નાશ કરવા જાય છે. મનની તો જરૂર છે. મન એ તો જ્ઞેય છે ને આપણે 'પોતે' જ્ઞાતા-દ્રષ્ટા છીએ. એ મનરૂપી ફિલમ વગર આપણે કરીએ શું? મન એ તો ફિલમ છે. પણ સ્વરૂપનું ભાન નથી એટલે એકાકાર થઈ જાય છે કે, 'મને સરસ વિચાર આવે છે' અને ખરાબ વિચાર આવે છે ત્યારે ગમતું નથી! સારા વિચાર આવે તો રાગનું બીજ પડે છે ને ખરાબ વિચાર છે ત્યારે દ્વેષનું બીજ પડે છે. આમ, સંસાર ઊભો રહે છે! 'જ્ઞાની પુરુષ' 'પોતે કોણ છે?' એ રીયલ સ્વરૂપનું ભાન કરાવે ત્યારે દિવ્યચક્ષુ પ્રાપ્ત થાય, પછી મનની ગાંઠો ઓળખાય ને પછી મનની ગાંઠો જો જો કરીએ પછી તે ઓગળતી જાય.

પ્રશ્નકર્તા: સંસારમાં બહુ નીરસતા લાગે છે. ક્યાંય રુચતું નથી, તો શું કરવું?

દાદાશ્રી: કોઈ માણસને પાંચ-સાત દહાડા તાવ આવે ને તો કહેશે, 'મને કશું ભાવતું નથી.' ને લખી આપે કે, 'મને કશું ભાવતું નથી.' આવો કરાર કોઈ કરાવી લે તો શું આ કરાર કાયમનો રાખે? ના. એ તો કહે, 'આ કરાર ફાડી નાખો, ત્યારે તો મને તાવ આવેલો તેથી આવી સાઈન કરી આપેલી, પણ હવે તો તાવ નથી!' આ મનની ગતિ સમયે સમયે પલટાતી રહે. આ તો રસ પાછો આવશેય ખરો. આ તો એવી કન્ડિશન આવે, ત્યારે કહે, 'મને સંસાર હવે ગમતો નથી.' ત્યારે આવી સાઈન કરી આપે, પણ આ કન્ડિશન તો પાછી પલટાવાની.

×
Share on