Related Questions

આત્મજ્ઞાન પછી ભૂલોને કેવી રીતે ભાંગવી?

મન-વચન-કાયાથી પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માંગ માંગ કરવાની. ડગલે ને પગલે જાગૃતિ રહેવી જોઈએ. આપણામાં ક્રોધ-માન-માયા-લોભના કષાયો તો ભૂલો કરાવી ઉધાર કરાવે એવો માલ છે. તે ભૂલો કરાવે જ અને ઉધારી ઊભી કરે પણ તેની સામે આપણે તરત જ તત્ક્ષણ માફી માંગીને જમા કરીને ચોખ્ખું કરી લેવું. આ વેપાર પેન્ડિંગ ના રખાય. આ તો દરઅસલ રોકડિયો વ્યાપાર કહેવાય.

પ્રશ્નકર્તા: અત્યારે ભૂલ થાય છે એ ગયા અવતારની ખરીને?

દાદાશ્રી: ગયા અવતારના પાપને લઈને જ આ ભૂલો છે. પણ આ અવતારમાં ફરી ભૂલ ભાંગે જ નહીં ને વધારતા જાય. ભૂલને ભાંગવા માટે ભૂલને ભૂલ કહેવી પડે. તેનું ઉપરાણું ના લેવાય. આ જ્ઞાની પુરુષોની કૂંચી કહેવાય. તેનાથી ગમે તેવા તાળાં ઊઘડી જાય.

જ્ઞાની પુરુષ તમારી ભૂલ માટે શું કરી શકે? એ તો માત્ર તમારી ભૂલ બતાવે, પ્રકાશ પાડે, રસ્તો બતાવે કે ભૂલનું ઉપરાણું ના લેશો. પણ પછી જો ભૂલોનું ઉપરાણું લે કે 'આપણે તો આ દુનિયામાં રહેવું છે, તે આમ શી રીતે કરાય?' અલ્યા, આ તો ભૂલને પોષી ઉપરાણું ના લઈશ. એક તો મૂઓ ભૂલ કરે અને ઉપરથી કલ્પાંત કરે, તો 'કલ્પ' (કાળચક્ર)ના અંત સુધી રહેવું પડશે!

ભૂલને ઓળખતો થયો એટલે ભૂલ ભાંગે. કેટલાંક કાપડ ખેંચી ખેંચીને આપે છે અને ઉપરથી કહે છે કે આજે તો પા વાર કપડું ઓછું આપ્યું. આ તો આવડું મોટું રૌદ્રધ્યાન અને પાછું એનું ઉપરાણું? ભૂલનું ઉપરાણું લેવાનું ના હોય. ઘીવાળો ઘીમાં કોઈને ખબર ના પડે એ રીતે ભેળસેળ કરીને પાંચસો રૂપિયા કમાય. એ તો મૂળ સાથે વૃક્ષ રોપી દે છે. અનંત અવતાર પોતે જ પોતાના બગાડી દે છે. 

 

×
Share on