Related Questions

નવકાર મંત્ર શું છે?

નમો અરિહંતાણં
હું એવા ભગવાનને નમસ્કાર કરું છું કે જેમણે બધા જ અંતઃ શત્રુઓ, ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષનો નાશ કરી નાખ્યો છે.
નમો સિદ્ધાણં
હું એવા બધા જ ભગવંતોને નમસ્કાર કરું છું કે જેમણે આત્યંતિક મોક્ષ પ્રાપ્ત કર્યો છે. 
નમો આયરિયાણં
હું એવા આત્મજ્ઞાની આચાર્ય ભાગવંતોને નમસ્કાર કરું છું કે જેણે મોક્ષમાર્ગ ખુલ્લો કર્યો છે.
નમો ઉવ્વજ્ઝાયાણં
હું મોક્ષમાર્ગના આત્મજ્ઞાની ઉપાધ્યાય ભાગવંતોને નમસ્કાર કરું છું.
(જેને આત્મા પ્રાપ્ત થઈ ગયો છે અને જે પોતે આત્મા જાણ્યા પછી શાસ્ત્ર બધા ભણે ને
પછી બીજાને ભણાવડાવે, એવા ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરું છું.)
નમો લોએ સવ્વ સાહૂણં
આ જગતમાં આત્મદશા સાધનાર એવા સર્વ સાધુઓને નમસ્કાર કરું છું.
એસો પંચ નમુક્કારો,
ઉપર દર્શાવ્યા પ્રમાણે જે પાંચ નમસ્કાર કર્યા,
સવ્વ પાવપ્પણાસણો
તેને બોલવાથી સર્વ પાપ ભસ્મીભૂત થઈ જાય.
મંગલાણં ચ સવ્વેસિં,
બધા મંગલોમાં,
પઢમં હવઈ મંગલમ્ ।।
સર્વ પ્રથમ મંગલ છે. ।।

mantra

નવકાર મંત્રને યુગોથી ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવ્યો છે. લોકો કંઈ પણ મહત્ત્વનું કાર્યની શરૂઆત કરતા પહેલા આ મંત્ર બોલે છે. પરમ પૂજ્ય દાદા ભગવાને કહ્યું છે કે, આ મંત્રનો ઉચ્ચાર, તેનો સાચો અર્થ સમજીને કરવો જોઈએ. નવકાર મંત્ર સંસારમાં મદદકર્તા છે. નવકાર મંત્ર સંસારમાં મદદકર્તા છે. નવકાર મંત્રમાં તમે ઉચ્ચ કોટીના ભગવંતોને નમસ્કાર કરો છો, તેઓને નમસ્કાર કરવાથી તમારી પણ પ્રગતિ થશે, પણ મંત્રનો અર્થ સમજીને બોલે તો! નવકાર મંત્રનો અર્થ સમજવો પડે. આ નવકાર મંત્ર તો એવો મંત્ર છે કે એક જ ફેરો નવકાર ગણ્યો હોય ને તો એનું ફળ આવતા કેટલાંય દહાડા સુધી મળ્યા કરે. એટલે રક્ષણ આપે એવું ફળ નવકારનું છે, પણ એકુંય નવકાર સાચો સમજીને ગણ્યો નથી કોઈએ. આ તો જાપ જપ જપ કર્યા કરે છે. સાચો જાપ જ થયો નથી ને! વળી, નવકાર મંત્ર તો તમને બોલતા આવડે છે જ ક્યાં તે! અમથા બોલો છો! નવકાર મંત્ર બોલનારાને ચિંતા ના થાય. નવકાર મંત્ર એટલો સરસ છે કે ચિંતા એકલી જ નહીં, પણ ક્લેશ પણ જતો રહે એના ઘરમાંથી.

ઋષભદેવ ભગવાને નવકાર મંત્ર આપ્યો હતો. સાચી સમજણ અને ભક્તિ સાથે આ મંત્ર કરવાથી ભારે કર્મોનો બોજો; આ મંત્રથી ભોગવટો હળવો થઈ જાય છે; આ મંત્રથી શૂળીનો ઘા સોયથી સરે! બધા માટે છે આ તો. જેને પાપ ધોવા હોય ને, એને માટે સારું છે.

નમો અરિહંતાણં

‘નમો અરિહંતાણં.’ અરિ એટલે દુશ્મનો અને હંતાણં એટલે હણ્યા છે જેણે, એવા અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું. જેમણે બધા દુશ્મનોને નાશ કરી નાખ્યા છે, ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષરૂપી દુશ્મનોને નાશ કર્યા છે એ અરિહંત કહેવાય. દુશ્મનોને નાશ કર્યા ત્યાંથી પૂર્ણાહુતિ થતા સુધીના અરિહંત કહેવાય. એ પૂર્ણ સ્વરૂપ ભગવાન કહેવાય! એ પછી ગમે તે ધર્મના હોય, હિન્દુ હોય કે જૈન હોય કે ગમે તે કોમના હોય, આ બ્રહ્માંડમાં ગમે ત્યાં હોય, પણ એ અરિહંત ભગવાન જ્યાં હોય, તેમને નમસ્કાર કરું છું.

અરિહંત દેહધારી જ હોય. દેહધારી ના હોય તો અરિહંત કહેવાય જ નહીં. દેહધારી ને નામધારી, નામ સાથે હોય. વર્તમાન તીર્થંકર જ અરિહંત ભગવાન કહેવાય. અરિહંતનું ટાઈટલ ચોવીસ તીર્થંકરોને લાગુ નથી પડતું.

મહાવીર ભગવાનને એ બધા તીર્થંકરો મોક્ષે લઈ જવા કામ નહીં આવે, એ તો મોક્ષે ગયા. આ ‘નમો અરિહંતાણં’ ક્યાં પહોંચે છે આપણે બોલીએ છીએ તે? જ્યાં બીજા ક્ષેત્રોમાં અરિહંતો છે, જ્યાં જ્યાં છે, ત્યાં એમને પહોંચે છે. હંમેશાં પોસ્ટ તો એની જગ્યાએ જ પહોંચવાની. કંઈ ત્યાં આગળ મહાવીર ભગવાનને પહોંચવાની નહીં. ત્યારે લોકો શું સમજે છે, આ ‘નમો અરિહંતાણં’ બોલીને આપણે મહાવીર ભગવાનને નમસ્કાર પહોંચાડીએ છીએ. એ ચોવીસ તીર્થંકરો તો મોક્ષમાં જઈને બેઠા છે, એ તો ‘નમો સિદ્ધાણં’ થયા, એ ભૂત તીર્થંકર કહેવાય. એટલે આજે સિદ્ધ ભગવાન કહેવાય. અને વર્તમાન તીર્થંકર હોય, તેને અરિહંત કહ્યા!

નમો સિદ્ધાણં

જે અહીંથી સિદ્ધ થઈ ગયા છે, જેને અહીં આગળ દેહેય છૂટી ગયેલો છે ને ફરી દેહ મળવાનો નથી અને સિદ્ધ ગતિમાં નિરંતર સિદ્ધ ભગવાનની સ્થિતિમાં રહે છે, એવા સિદ્ધ ભગવાનને હું નમસ્કાર કરું છું. હવે અહીંથી જે ષડરીપુ જીતી અને રામચંદ્રજી, ઋષભદેવ ભગવાન, મહાવીર ભગવાન એ બધા સિદ્ધ ગતિમાં ગયા. એટલે ત્યાં નિરંતર સિદ્ધ દશામાં રહે છે, એમને નમસ્કાર કરું છું.

પણ આ લોકોએ પહેલો નંબર ‘નમો અરિહંતાણં’નો લખ્યો અને ‘નમો સિદ્ધાણં’નો બીજો નંબર લખ્યો?

એ શું કહે છે કે જે સિદ્ધ થયા તે સંપૂર્ણ છે. એ ત્યાં સિદ્ધગતિમાં જઈને બેઠા છે, પણ તે અમારે કંઈ કામ લાગ્યા નહીં. અમારે તો ‘આ’ (અરિહંત) કામ લાગ્યા, એટલે એમનો પહેલો નંબર અને પછી તમે સિદ્ધ ભગવાન બીજો નંબર! અને સિદ્ધ ભગવંતો છે, ત્યાં જવાનું છે. એટલે એ આપણું લક્ષબિંદુ છે. પણ ઉપકારી કોણ હોય? અરિહંત! પોતે છ દુશ્મનોને જીત્યા અને આપણને જીતાડવાનો રસ્તો દેખાડે છે, આશીર્વાદ આપે છે. એટલે એમને પહેલા મૂક્યા. બહુ ઉપકારી માન્યા એમને. એટલે પ્રગટને ઉપકારી માને છે આપણા લોકો.

નમો આયરિયાણં

આ પદ (નમસ્કાર) આચાર્ય માટે છે. અરિહંત ભગવાને કહેલા આચાર જે પાળે છે અને તેવા આચાર પળાવે છે, એવા આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. એમણે પોતે આત્મા પ્રાપ્ત કર્યો છે, આત્મદશા પ્રગટ થયેલી છે, સંયમ સહિત હોય. સંયમ-સહિતનો અર્થ એ છે કે તેઓ ક્રોધ, માન, માયા અને લોભના અસ્તિત્વ પર પ્રતિક્રિયા આપતા નથી. પણ ખરા આચાર્ય તો આત્મજ્ઞાન થયા પછી આચાર્ય ગણાય. સંસારી સુખોની જેને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી અને પોતાના આત્માના સુખને માટે જ, વીતરાગોના મોક્ષમાર્ગમાં પ્રગતિ માટે આચાર પાળે છે. આયરિયાણં એટલે જેણે આત્મા જાણ્યા પછી આચાર્યપણું છે ને આચાર પોતે પાળે ને બીજાની પાસે આચાર પળાવડાવે છે, એવા ભગવાનને નમસ્કાર કરું છું. ગમે તે હોય પછી, ગમે તે નાતનો હોય પણ આત્મજ્ઞાન થયેલું હોય તે આચાર્ય હોય, તો એમને નમસ્કાર કરું છું. માટે આ નમસ્કાર એ જ્યાં હોય ને ત્યાં પહોંચી જાય. એટલે આપણને એનું તરત ફળ મળે છે.

કુંદકુંદાચાર્ય થઈ ગયેલા એ પણ મહાવીર ભગવાન પછી છસ્સો વર્ષે થયેલા. અને આ હું તો કહું છું કે છેલ્લા પંદરસો વર્ષથી નથી થયા. કુંદકુંદાચાર્ય તો પૂર્ણ પુરુષ હતા.

નમો ઉવ્વજ્ઝાયાણં

આ નમસ્કાર ઉપાધ્યાય ભગવંતોને માટે છે. ઉપાધ્યાય ભગવાન! એનો શું અર્થ થાય? જેને આત્મા પ્રાપ્ત થઈ ગયો છે અને જે પોતે આત્મા જાણ્યા પછી શાસ્ત્ર બધા ભણે ને પછી બીજાને ભણાવડાવે, એવા ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરું છું. ઉપાધ્યાય એટલે પોતે સમજે ખરા છતાં આચાર સંપૂર્ણ નથી આવ્યા. એ વૈષ્ણવોના હોય કે જૈનોના હોય કે ગમે તેના હોય અને આત્મા પ્રાપ્ત કરેલો હોય. આત્મા પ્રાપ્ત કરે એટલે ક્રોધ-માન-માયા-લોભ જતા રહે, નબળાઈઓ જતી રહે. અપમાન કરીએ તો ફેણ ના માંડે. આ તો અપમાન કરે તો ફેણ માંડે ખરા? તે એ ફેણ માંડે તે ના ચાલે ત્યાં.

નમો લોએ સવ્વસાહૂણં

લોએ એટલે લોક, તે આ લોકમાં જેટલા સાધુઓ છે એ બધા સાધુઓને હું નમસ્કાર કરું છું. સાધુઓ કોને કહેવા? ધોળા કપડાં પહેરે, ભગવા કપડાં પહેરે, એનું નામ સાધુ નહીં. આત્મદશા સાધે એ સાધુ. એટલે સંસારદશા-ભૌતિકદશા નહીં, પણ આત્મદશા સાધે એ સાધુઓને હું નમસ્કાર કરું છું. એટલે દેહાધ્યાસ નહીં, બિલકુલ દેહાધ્યાસ નહીં એવા સાધુઓને હું નમસ્કાર કરું છું.

બાકી યોગ ને બધું કરે છે એ બધી સંસારી દશા છે. આત્મદશા એ જુદી વસ્તુ છે. કયા કયા યોગ સંસારી દશા છે? ત્યારે કહે, એક તો દેહયોગ, જેમાં આસનો બધા કરવાના હોય તે બધા દેહયોગ કહેવાય. પછી બીજો મનોયોગ, અહીં ચક્રો ઉપર સ્થિરતા કરવી એ મનોયોગ કહેવાય. અને જપયોગ કરવો એ વાણીનો યોગ કહેવાય. આ ત્રણેવ સ્થૂળ શબ્દ છે અને એનું ફળ છે તે સંસારફળ આવે. એટલે અહીં મોટરો મળે, ગાડીઓ મળે. અને આત્મયોગ હોય તો મુક્તિ મળે, સર્વ પ્રકારના સુખ મળે. એ છેલ્લો, મોટો યોગ કહેવાય. સવ્વસાહૂણં એટલે જે આત્મયોગ સાધીને બેઠા છે, એવા સર્વ સાધુઓને નમસ્કાર કરું છું. એટલે સાધુ કોણ? એમને આત્માની પ્રતીતિ બેઠેલી છે એટલે એને સાધુઓ ગણ્યા આપણે. એટલે આ સાહૂણંને પહેલી પ્રતીતિ અને ઉપાધ્યાયને પ્રતીતિ, પણ વિશેષ પ્રતીતિ અને આચાર્યને આત્મજ્ઞાન. અને અરિહંત ભગવાન એ પૂર્ણ ભગવાન. આ રીતે નમસ્કાર કરેલા છે.

નવકારનું માહાત્મ્ય!

'ઐસો પંચ નમુક્કારો' – ઉપર દર્શાવ્યા પ્રમાણે જે પાંચ નમસ્કાર કર્યા,

'સવ્વ પાવપ્પણાસણો' - બધા પાપોને નાશ કરવાવાળો છે. આ બોલવાથી સર્વ પાપ ભસ્મીભૂત થઈ જાય.

મંગલાણં ચ સવ્વેસિં - સર્વ મંગલોમાં,

પઢમં હવઈ મંગલમ્ - પ્રથમ મંગલ છે. આ દુનિયામાં બધા મંગલો જે છે એ બધામાં પ્રથમ મંગલ આ છે, સર્વ મંગલોમાં પ્રથમ અને ઉચ્ચતમ કોટિનું છે, એમ અર્થ થાય છે.

નવકાર એટલે નમસ્કાર

પાછળના ચાર ના બોલે તો વાંધો નથી. મંત્રો તો પાંચ જ છે અને પાછળના ચાર તો એનું માહાત્મ્ય સમજવા માટે લખ્યું છે. આ નવ પદને હિસાબે નવકાર મંત્ર નથી કહેવાયો. આ નવ પદ જ નથી ને! આ નમસ્કાર મંત્ર છે, તેને બદલે નવકાર થઈ ગયો. આ મૂળ શબ્દ નમસ્કાર મંત્ર છે, તેને બદલે માગધિ ભાષામાં નવકાર બોલાય, એટલે નમસ્કારને જ આ નવકાર બોલાય છે. એટલે નવ પદને આ લેવા-દેવા નથી. આ પાંચ જ નમસ્કાર છે.

×
Share on