Related Questions

આચાર્ય ભગવંતોમાં ક્યા ગુણો હોય છે?

પ્રશ્નકર્તા: 'નમો આયરિયાણં.'

acharya

દાદાશ્રી: અરિહંત ભગવાને કહેલા આચાર જે પાળે છે અને તેવા આચાર પળાવે છે, એવા આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. એમણે પોતે આત્મા પ્રાપ્ત કર્યો છે, આત્મદશા પ્રગટ થયેલી છે, સંયમ સહિત હોય. પણ આ અત્યારે અહીં જે આચાર્યો છે એ આચાર્યો નહીં. આ તો બધા આપણે જરાક અપમાન કરીએ ત્યારે હોરા ફેણ માંડે. એટલે એવા આચાર્યો નહીં. એમની દ્રષ્ટિ ફરી નથી. દ્રષ્ટિ ફર્યા પછી કામનું છે. જે મિથ્યાત્વ દ્રષ્ટિવાળા છે તેમને આચાર્ય ના કહેવાય. સમકિત થઈને આચાર્ય થાય તો તે આચાર્ય કહેવાય.

આચાર્ય ભગવાન કયા? આ દેખાય છે, જૈનોના આચાર્ય તે નહીં, જૈનોમાં અત્યારે આચાર્ય ભગવાન બધા બહુ હોય છે, તેય નહીં. અને વૈષ્ણવોનાય આચાર્ય છે, તેય નહીં. મંડલેશ્વરો હોય છે તેય નહીં. સુખોની જેને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી અને પોતાના આત્માના સુખને માટે જ આચાર પાળે છે. આયરિયાણં એટલે જેણે આત્મા જાણ્યા પછી આચાર્યપણું છે ને આચાર પોતે પાળે ને બીજાની પાસે આચાર પળાવડાવે છે, એવા ભગવાનને નમસ્કાર કરું છું. એમાં વાંધો ખરો? તમને વાંધા જેવું લાગે છે એમાં? ગમે તે હોય પછી, ગમે તે નાતનો હોય પણ આત્મજ્ઞાન થયેલું હોય તે આચાર્ય હોય, તો એમને નમસ્કાર કરું છું.

હવે એવા આચાર્ય અત્યારે જગતમાં અમુક જગ્યાએ નથી, પણ અમુક જગ્યાએ છે. એવા આચાર્યો અહીં નથી. આપણી ભૂમિકામાં નથી, પણ બીજી ભૂમિકામાં છે. માટે આ નમસ્કાર એ જ્યાં હોય ને ત્યાં પહોંચી જાય. એટલે આપણને એનું તરત ફળ મળે છે. 

×
Share on