Related Questions

અનાસક્ત યોગ કઈ રીતે સાધી શકાય?

શાસ્ત્રોમાં અનાસક્ત થવાની રીતો બતાવી છે, જેને વાંચીને આપણે અનાસક્ત થવા મથીએ છીએ. જો કોઈ ઘરમાં કુટુંબ સાથે રહેતી વ્યક્તિ પ્રયત્ન કરે કે મારે ઘરથી, પત્નીથી, બાળકોથી અનાસક્ત થવું છે, તો પણ તેને પૂરેપૂરી સફળતા મળતી નથી. ઘરનો ત્યાગ કરીને આશ્રમમાં જાય તો ત્યાં પણ શિષ્યોની અને શાસ્ત્રોની આસક્તિ વધતી જાય છે. ખરેખર, જ્યાં સુધી “આ દેહ હું છું” એવો દેહાધ્યાસ છે ત્યાં સુધી અનાસક્ત યોગમાં પેસી શકાતું નથી, ઊલટું રાગ-દ્વેષ વધી જાય છે. પણ આત્માનો સાક્ષાત્કાર થાય તો સહેજે અનાસક્ત થઈ જવાય છે.

શ્રીકૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં અર્જુનને મનોયોગ, દેહયોગ એ બધું છોડીને આત્મયોગી બનાવ્યા હતા. પણ શું ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને અનાસક્ત થવા અર્જુન પાસે કશું કરાવડાવ્યું? નામસ્મરણ, ભક્તિ, ધ્યાન કે યોગ સાધના કરવા કહ્યું? શું તેમણે અર્જુનને કહ્યું કે, તું દ્રૌપદીને છોડી દે, રાજપાટ મૂકી દે અથવા યુદ્ધ બંધ કરી દે? ના, ભગવાને ફક્ત અર્જુનને જ્ઞાન જ આપ્યું. તેમણે બધી જ સમજણ આપી કે ભક્તિ ઉત્તમ છે, વૈરાગ્ય શ્રેષ્ઠ છે, અનાસક્ત શ્રેષ્ઠ છે, પણ ત્યાં એમની પાસે કશું કરાવ્યું નથી.

મંઝિલ સુધી પહોંચવાની બે રીતો હોય છે. એક રીત જેમાં રસ્તાનો નકશો જોઈ જોઈને જાતે મંઝિલ શોધતા શોધતા ત્યાં પહોંચવું અને બીજી રીત છે કોઈ ભોમિયા કે ડ્રાઈવરને શોધી તેમની ગાડીમાં બેસી જવું. પછી આપણે સૂઈ ગયા હોઈએ તો પણ સડસડાટ મંઝિલે પહોંચી જવાય. તેવી જ રીતે શ્રીકૃષ્ણ ભગવાન જેવા પ્રત્યક્ષ જ્ઞાની પાસેથી જ્ઞાન મેળવી અર્જુનની જેમ મંઝિલે પહોંચી જવું સરળ છે.

ખરેખર, જ્યારથી પોતે આત્માને જાણે, વીતરાગ થાય, એટલે કે અહંકાર-બુદ્ધિ ઉપર રાગ છૂટે અને આત્મા ઉપર રાગ શરૂ થાય ત્યારે અનાસક્ત થયા કહેવાય. “હું આત્મા છું” એ લક્ષ બેસવું તેને અનાસક્ત યોગ કહેવાય છે. અનાસક્ત એ મૂળ આત્મા તરફ જવાનો રસ્તો છે. પોતે હજુ આત્માથી દૂર છે, પણ આત્મા તરફ જવાનો પુરુષાર્થ ચાલુ થવો એ અનાસક્ત યોગ શરૂ થયો અને ત્યાંથી આત્મરૂપ થવા સુધીનો પુરુષાર્થ એ અનાસક્ત યોગ છે.

ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે “તું મને તત્ત્વસ્વરૂપે ઓળખ.” અને તત્ત્વસ્વરૂપ જોવા દૃષ્ટિ પ્રદાન કરી. આ દૃષ્ટિ પ્રાપ્ત થયા પછી છેવટે અર્જુને કહ્યું કે,

નષ્ટો મોહઃ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત ।
સ્થિતોઽસ્મિ ગતસન્દેહઃ કરિષ્યે વચનં તવ ॥ ૭૩॥

અર્થાત્ હે અચ્યુત, આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે અને મારો સંદેહ દૂર થતા હું જ્ઞાનમાં સ્થિર થયો છું. હવે હું આપની આજ્ઞા અનુસાર રહીશ.

આ મોહદૃષ્ટિ તૂટે કઈ રીતે? સમગ્ર ભગવદ્ ગીતાનું જ્ઞાન સંજય પોતાની સિદ્ધિ દ્વારા તાદૃશ જોઈને મહારાજ ધૃતરાષ્ટ્ર સમક્ષ વર્ણન કરી શકતા હતા. તેમ છતાં સંજયને એ જ્ઞાન પ્રાપ્ત ના થયું, જે અર્જુનને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાન પાસેથી થયું. તો આજે હજારો વર્ષો પછી ભગવદ્ ગીતા વાંચીને આપણને એ જ્ઞાન કઈ રીતે થઈ શકે? તેના માટે તો જેઓ પોતે આત્મજ્ઞાન પામી અન્યને પમાડવા સમર્થ છે તેવા પ્રત્યક્ષ જ્ઞાની પાસે જવું પડે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “'હું અનાસક્ત છું' એવું 'એને' ભાન થાય તો મુક્તિ મળી જાય. આસક્તિ કાઢવાની નથી, 'અનાસક્ત છું' એ ભાન કરવાનું છે.” તેઓશ્રી સમજાવે છે કે, જેમ જલેબી ખાધા પછી ચા મોળી લાગે તેમ પોતાનું સ્વરૂપ પ્રાપ્ત થયા પછી સંસાર મોળો લાગે, એટલે કે સંસારમાંથી આસક્તિ ઊડી જાય.

જેમ લોહચુંબક અને ટાંકણી વચ્ચે જે આસક્તિ છે એ જાય નહીં. તે જ રીતે સંસારમાં રહીને ગમે તેટલા પ્રયત્નો કરીએ તો પણ આસક્તિ જાય નહીં. તેનું પ્રમાણ ઓછું થાય પણ સંપૂર્ણ અનાસક્ત ન થવાય. કારણ કે, સંસારમાં રોમે રોમે મમતા અને આસક્તિ છે. પોતાના નામ ઉપર આસક્તિ, કુટુંબ ઉપર આસક્તિ, પતિ-પત્ની ઉપર આસક્તિ, બાળકો ઉપર આસક્તિ, ઘર પ્રત્યે આસક્તિ, વ્યવસાય પ્રત્યે આસક્તિ, પૈસા પ્રત્યે આસક્તિ. આસક્તિ ક્યારે જાય? 'પોતે' અનાસક્ત થાય ત્યારે.

પરમ પૂજ્ય દાદા ભગવાન અનાસક્ત થવાની રીત સમજાવતા કહે છે કે, અહંકાર ખલાસ થયા પછી અનાસક્ત થવાય. જ્યારે અહંકાર અને મમતા બંને જાય ત્યારે અનાસક્તિ! તેઓશ્રી અનાસક્ત થવા પોતાની મૂળ ભૂલને તોડવાનો રસ્તો અહીં બતાવે છે.

દાદાશ્રી: એટલે આ 'રૂટ કોઝ' છે. એ 'રૂટ કોઝ' તોડવામાં આવે તો કામ થાય.

આ સારું ખોટું એ બુધ્ધિના આધીન છે. હવે બુધ્ધિનો ધંધો શો છે? જ્યાં જાય ત્યાં પ્રોફિટ એન્ડ લોસ જુએ. બુધ્ધિ વધારે કામ કરી શકતી નથી, પ્રોફિટ એન્ડ લોસ સિવાય. હવે એનાથી દૂર થાવ. અનાસક્ત યોગ રાખો. આત્માનો સ્વભાવ કેવો છે? અનાસક્ત સ્વરૂપ છે. પોતાનો સ્વભાવ એવો છે. તું પણ સ્વભાવથી અનાસક્ત થઈ જા. હવે જેવો સ્વભાવ આત્માનો છે. એવો સ્વભાવ આપણે કરીએ એટલે એકાકાર થઈ જાય, પછી કંઈ એ જુદું છે જ નહીં. સ્વભાવ જ બદલવાનો છે.

હવે આપણે આસક્તિ રાખીએ ને ભગવાન જેવા થાય એ શી રીતે બને? એ અનાસક્ત અને આસક્તિની જોડે મેળ શી રીતે થાય? આપણામાં ક્રોધ હોય ને પછી ભગવાનનો મેળાપ શી રીતે થાય?

ભગવાનમાં જે ધાતુ છે, એ ધાતુરૂપ તું થઈ જાય. જે સનાતન છે, એ જ મોક્ષ છે. સનાતન એટલે નિરંતર. નિરંતર રહે છે એ જ મોક્ષ છે.

અનાસક્ત થવાનો સરળ ઉપાય છે આત્મજ્ઞાનની પ્રાપ્તિ. જેમ આપણે અમદાવાદથી શરૂ કરીને વડોદરા તરફ ચાલવા માંડ્યા તો અમદાવાદ છોડવું ના પડે, છૂટી જ જાય. તેમ “હું કોણ છું?” અને “કરે છે કોણ?” એ જાગૃતિમાં આવે અને આત્મા તરફ ચાલવા માંડે તો ખરો અનાસક્ત થઈ જ જાય.

×
Share on