Related Questions

બ્રહ્મસંબંધ કોને કહેવાય?

બ્રહ્મ શબ્દ સંસ્કૃત ભાષાનો છે, જેનો અર્થ થાય છે આત્મા. બ્રહ્મસંબંધ એટલે બ્રહ્મ એટલે કે આત્મા સાથેનો કાયમનો સંબંધ. પોતાની અંદરના આત્માનો નિરંતર ખ્યાલ રહે તેને બ્રહ્મસંબંધ કહેવાય. કંઠી બંધાવીને કાનમાં મંત્ર આપે એ તો વ્યવહાર છે, પણ ખરો પોતાના આત્મા સાથે સંબંધ થાય તે બ્રહ્મસંબંધ કહેવાય.

પરમ પૂજ્ય દાદાશ્રી બ્રહ્મસંબંધની વ્યાખ્યા અને લક્ષણ આપે છે.

દાદાશ્રી: બ્રહ્મરસ ઝરે ત્યારે લગની લાગે ને ત્યારે બ્રહ્મસંબંધ થાય. ‘પોતાનું સ્વરૂપ’ સમજાય તે ખરો બ્રહ્મસંબંધ થયો કહેવાય. એક ક્ષણ પણ સ્વરૂપ ભૂલાય નહીં તે બ્રહ્મસંબંધ, પછી એકુંય ચિંતા ના થાય.

શ્રીકૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં બ્રહ્મસંબંધની ક્યાંય વાત નથી કરી, પણ અર્જુનને આત્મા ઓળખવાની જ વાત કહી છે. તેમણે આત્મજ્ઞાનની જ વાત કરી છે જે જૈન કે વૈષ્ણવ ધર્મથી, વાડા અને સંપ્રદાયથી, આ દેહથી પણ પર છે! પાછળથી આચાર્યશ્રી વલ્લભાચાર્યે ખરા બ્રહ્મસંબંધને પુષ્ટિ આપી હતી. તેમાં એક વખત પોતાના આત્માનો આશ્રય લીધો પછી બીજા કોઈ આશ્રયની (અન્યાશ્રયની) જરૂર ન પડે, બીજે ક્યાંય સુખ ખોળવાની જરૂર ના પડે, એવો ભાવાર્થ હતો. પણ કાળ બદલાતાં એનો સાચો અર્થ વીસરાઈ ગયો છે. આપણને આત્માનો શાશ્વત આશ્રય મળી ગયો હોય તો અન્યાશ્રયમાં ન જઈએ. પણ આશરો મળ્યો જ નથી તેમનું શું?

આ દગારૂપી સંસાર જે નર્યું દુઃખનું સંગ્રહસ્થાન છે, તેમાં સુખનો છાંટો પણ નથી. મોહને લીધે સંસાર સારો લાગે છે, પણ મોહ ઊતરશે ત્યારે ખારો દવ જેવો લાગશે. માટે આત્મા સાથેનો અને આત્માની ઓળખાણ કરાવનાર આત્મજ્ઞાની સાથે એવો સંબંઘ બાંધી લેવો કે એ ક્યારેય તૂટે નહીં. પછી તેમણે આપેલી દૃષ્ટિથી ઝાડ-પાન, પશુ-પક્ષી બધે જ આત્મા દેખાય એવો પાકો સંબંધ બંધાઈ જાય.

બ્રહ્મસંબંધથી આગળ બ્રહ્મસ્વરૂપ થવાનું છે. ભગવાન શ્રીકૃષ્ણ પોતે પરબ્રહ્મ સ્વરૂપ થઈ ગયા હતા, જેને પરમાત્મા સ્વરૂપ એટલે કે ભગવાન પદ જ કહેવાય. શ્રીકૃષ્ણ ભગવાન તો નરમાંથી નારાયણ થયા હતા. આપણે શ્રીકૃષ્ણ ભગવાનને જે સ્વરૂપે ઓળખીએ છીએ, જેમ કે, મોરલીવાળા, મોરપીંછવાળા કે અર્જુનના સારથિ તરીકે, તેની તેમણે ગીતામાં પોતે ના પાડી છે. શ્રીકૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં અર્જુનને કહ્યું છે કે, તું મને જે સ્વરૂપે જુએ છે તે સ્વરૂપ હું છું જ નહીં, હું તો આત્મા સ્વરૂપ છું, તું પણ આત્મા સ્વરૂપ છે, આ બધાને આત્મા સ્વરૂપે જો.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, પોતે પરમાત્મા છે, પણ જ્યાં સુધી તે પદ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી લૌકિક ધર્મને કે ભગવાનના સ્વરૂપને હૃદયમાં ધારણ કરે છે. પણ મૂળ આત્મા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી એ ધારણા છે, પછી પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત થાય એ બ્રહ્મસંબંધ છે.

શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને જે પગલે પગલે ચાલીને બ્રહ્મસ્વરૂપ એટલે કે, આત્મસ્વરૂપ થવાનો માર્ગ ખુલ્લો કર્યો તે જ પગલે પગલે આપણને પણ ચાલવાનું કહે છે. શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને જે આત્મા ઓળખાવ્યો હતો, તે આત્મા ઓળખવો અને કર્મ કરવા છતાં અકર્મ દશા પ્રાપ્ત કરવી, એ માર્ગ ભગવદ્ ગીતામાં ખુલ્લો થયો છે. ભગવાન શ્રીકૃષ્ણની જેમ કોઈ જ્ઞાની પુરુષ, જગતમાંથી આપણી નિષ્ઠા ઊઠાવીને એક આત્મામાં, બ્રહ્મમાં બેસાડી આપણને સાચો બ્રહ્મનિષ્ઠ બનાવી શકે. આ વિશે પરમ પૂજ્ય દાદાશ્રી અહીં સુંદર વર્ણન કરે છે.

દાદાશ્રી: “મન-વચન-કાયાથી તદ્દન જુદો એવો ‘હું’ બ્રહ્મસંબંધવાળો છું”. સંસાર વ્યવહારમાં આબરૂ મૂઠીમાં રહે તેવું કરી આપે તેવો આ મંત્ર છે! આ મંત્રથી બ્રહ્મની પુષ્ટિ થયા કરશે અને ‘બ્રહ્મનિષ્ઠ’ બની જશો. ‘જ્ઞાની પુરુષ’ની જોડે લગની લાગે તે બ્રહ્મસંબંધ. માયાની જોડે ઘણા અવતારથી સખીપણું કરેલું છે તે પાછી કાઢી મૂકીએ તોય આવે, પણ બ્રહ્મસંબંધ થાય એટલે માયા ભાગે.

Related Questions
  1. ભગવદ્ ગીતાનો સાર શું છે?
  2. સંન્યાસ અને નિષ્કામ કર્મ એટલે શું?
  3. સ્થિતપ્રજ્ઞ એટલે શું?
  4. અનાસક્ત યોગ કઈ રીતે સાધી શકાય?
  5. પરધર્મ ભયાવહ એટલે શું?
  6. બ્રહ્મસંબંધ કોને કહેવાય?
  7. ત્રિગુણાત્મક પ્રકૃતિ વિશે ભગવદ્ ગીતામાં શું કહ્યું છે?
  8. ગીતામાં કયા ચાર પ્રકારના ભક્તોની વાત કરી છે?
  9. અર્જુને વિરાટદર્શનમાં શું જોયું હતું?
  10. ભગવદ્ ગીતા મુજબ જગત કોણ ચલાવે છે?
  11. ૐ નમો ભગવતે વાસુદેવાયનો અર્થ શું છે? વાસુદેવના ગુણો શું હોય? ભગવાન કૃષ્ણને શા માટે વાસુદેવ કહેવાય છે?
  12. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઊંચકવાની વાત સત્ય કે દંતકથા?
  13. ઠાકોરજીની પૂજા (ભક્તિ) કેવી રીતે કરવી?
  14. પુષ્ટિ માર્ગનો હેતુ શું હતો? શ્રીકૃષ્ણ ભગવાન શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?
  15. કૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કોણ છે? ખરા કૃષ્ણ કે યોગેશ્વર કૃષ્ણ કોણ છે?
  16. ભગવાન કૃષ્ણ વિશેની હકીકત અને દંતકથાઓ.
×
Share on