Related Questions

સંન્યાસ અને નિષ્કામ કર્મ એટલે શું?

ભગવદ્ ગીતામાં પાંચમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને મોક્ષના બે રસ્તા બતાવ્યા છે. એક છે સંન્યાસ અને બીજો છે નિષ્કામ કર્મયોગ.

સંન્યાસઃ કર્મયોગશ્ચ નિઃશ્રેયસકરાવુભૌ ।
તયોસ્તુ કર્મસંન્યાસાત્કર્મયોગો વિશિષ્યતે ॥૨॥

અર્થાત્ કર્મસંન્યાસ તેમજ કર્મયોગ આ બંને માર્ગ પરમ લક્ષ્ય તરફ દોરી જાય છે. પરંતુ કર્મસંન્યાસ કરતાં કર્મયોગ વધારે શ્રેષ્ઠ છે. આપણે અહીં સંન્યાસ અને નિષ્કામ કર્મ બંનેને યથાર્થ સમજીશું.

સંન્યાસ

લૌકિક જગતમાં કપડાં બદલીને ભગવાં ધારણ કરવા, ઘર-કુટુંબનો ત્યાગ કરવો, પરિગ્રહ છોડી દેવો એને સંન્યાસ લીધો એમ કહે છે. પણ શ્રીકૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં જે કહ્યું છે તે અનુસાર સંસારના ત્યાગને ખરેખર સંન્યાસ નથી કહેવાતો. શ્રીકૃષ્ણ ભગવાને કહેલા સંન્યાસ શબ્દનો અર્થ બહુ ઊંચો છે.

પરમ પૂજ્ય દાદા ભગવાને શ્રીકૃષ્ણ ભગવાનના હૃદયની વાત સમજાવતા કહ્યું છે કે, “સંન્યાસ એટલે ન્યાસ લેવા મન-વચન-કાયામાંથી, બધેથી આત્મા ખેંચીને આત્મામાં મૂકી દે, તેને સંન્યાસ કહેવાય.” તેઓશ્રી સંન્યાસનો સાચો અર્થ સમજાવતા કહે છે કે આત્માને આત્મામાં જ મૂક્યો તે જ સંન્યસ્ત યોગ છે. આગળ વધીને પરમ પૂજ્ય દાદાશ્રી એમ પણ કહે છે કે, “બધી ક્રિયામાં ‘હું કરું છું’ એ ભાન ના રહે તે સંન્યસ્ત યોગ ને તે જ સંન્યાસી કહેવાય!

એટલે કે, જે મનુષ્ય દેહમાં રહેતો ન હોય, એટલું જ નહીં, પણ દેહની સાથે સાથે પાંચ ઇન્દ્રિયો, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધેથી “હું આ સ્વરૂપ નથી, હું આત્મા સ્વરૂપ છું” એમ ન્યાસ લઈને પોતે આત્મામાં આવી જાય, તો તે સાચો સંન્યાસી કહેવાય. ખરો સંન્યાસી વિચાર-વાણી-વર્તનના સંયોગોમાં પણ “આ વાણી હું બોલતો જ નથી; વિચાર હું કરતો જ નથી; દેહ કાર્ય કરે છે પણ હું એમાં છું જ નહીં, હું આત્મામાં છું.” એમ સદાય આત્મામાં વર્તે છે.

જેમ કોઈ વ્યક્તિ ખેતરમાં હોય તો તે ઘરે નથી એમ કહેવાય અને ઘરમાં હોય તો ખેતરમાં નથી એમ કહેવાય. તેવી જ રીતે જ્યાં સુધી આત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી પોતે આત્મામાં વર્તી ના શકે અને ત્યાં સુધી સાચો સંન્યાસી ન કહેવાય. સંપૂર્ણ સંન્યાસી એટલે ધર્મ-સંન્યાસ. ધર્મ સંન્યાસી નિરંતર આત્મામાં જ વર્તે છે.

ભગવદ્ ગીતાના પાંચમા અધ્યાયના ત્રીજા શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાને સાચા સંન્યાસીના બીજા લક્ષણો આપ્યા છે.

જ્ઞેયઃ સ નિત્યસંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ ।
નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખં બન્ધાત્પ્રમુચ્યતે ॥૩॥

અર્થાત્ જેને કદી દ્વેષ નથી થતો, આકાંક્ષાઓ નથી થતી, તેને નિત્ય સંન્યાસી જાણવો. જે (રાગ-દ્વેષ જેવા) સર્વ દ્વંદ્વોથી રહિત છે, તે નિશ્ચિતરૂપે સુખેથી બંધનમુક્ત થાય છે.

પરમ પૂજ્ય દાદાશ્રી પણ સંન્યાસીના આ લક્ષણોને સમર્થન આપે છે. તેઓશ્રી સમજાવે છે કે, શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું હતું તે મુજબ, જે મનુષ્યમાં નીચેના ત્રણ ગુણ હોય તે ખરો સંન્યાસી કહેવાય છે. પછી તે ગૃહસ્થ હોય, ત્યાગી હોય કે અન્ય કોઈ પણ હોય.

૧. કર્તૃત્વનું અભિમાન ન હોય.
૨. આસક્તિ ના હોય.
૩. કામના ના હોય.

નિષ્કામ કર્મ

ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે,

કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન ।
મા કર્મફલહેતુર્ભૂર્મા તે સઙ્ગોઽસ્ત્વકર્મણિ ॥ ૪૭॥

અર્થાત્ તને ફક્ત તારું કર્મ કરવાનો જ અધિકાર છે, કર્મનાં ફળો પર નહીં. તું ક્યારેય પણ પોતાને કર્મફળનું કારણ માનીશ નહીં અને કર્મ ન કરવા પ્રત્યે પણ કદી આસક્ત થઈશ નહીં.

આ શ્લોકનો સામાન્ય રીતે જગતમાં એવો અર્થ વ્યાપ્ત થયો છે કે, નિષ્કામ કર્મ એટલે કર્મ કરવું પણ ફળની આશા ન રાખવી. જ્યારે શ્રીકૃષ્ણ ભગવાને ખરેખર જે કહ્યું છે તેનો ગુહ્ય અર્થ સમજવામાં લોકોને મુશ્કેલી પડે છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન અત્યંત સરળ ભાષામાં નિષ્કામ કર્મનો ફોડ પાડતા કહે છે કે, ”નિષ્કામ યોગ તે લોકો કહે છે કે, 'કામ કર, પણ ફળની આશા રાખીશ નહીં.' અલ્યા, ફળની આશા રાખ્યા વગર તો ઘરની બહાર જીવડુંય ના જાય, ફળની આશા રાખ્યા વગર કોઈ કામ કરે જ નહીં. જોડાની આશા રાખ્યા વગર મોચીને ત્યાં કોણ જાય? ફળની આશા વગર તો કોઈ કામ કરે જ નહીં. આ જો ખબર પડી કે, 'આજે બજારમાં શાક નહીં મળે,' તો કોઈ શાક લેવા જાય જ નહીં. છતાં એવું કહેવું પડે કે, 'ફળની આશા રાખ્યા વગર તું કામ કર.' આનાથી શું થાય કે કામ કરતી વખતે આ વાક્ય ખૂંચે કે, 'ભગવાને તો ફળની આશા રાખ્યા વગર કામ કરવાનું કહ્યું છે,' તેથી તેનું ફળ સારું આવે. આ જો ફળની આશા રાખ્યા વગર કામ કરે તો લોકો પ્રગતિ માંડે, પણ કૃષ્ણ ભગવાન જે કહે છે તે લોકો સમજયા નથી. ભગવાને તો શું કહેલું કે, 'જો તું શાક લેવા જાય તો શાકની આશા રાખજે, પણ જો શાક લીધું છતાં કડવું આવી જાય તો પછી લેવાઈ ગયું એ ફળ, એમાં ફળની આશા ના રાખીશ, એટલે રાગ-દ્વેષ ના કરીશ, જે થયું તે માન્ય રાખજે.' જો ગજવું કપાય તો શાંતિ રાખજે, એના પર વિલાપ ના કરીશ, ત્યાં સમતા રાખજે, રાગ-દ્વેષ ના કરીશ. અહીંથી સાડી લેવા ગયા, માટે સાડીની આશા તો હોય જ, પણ પછી જો સાડી ખરાબ નીકળી તો ડીપ્રેસ ના થઈશ, સાડી જેવી નીકળી એ ભલે હો, ત્યાં આગળ ફળની આશા ના રાખીશ, રાગ-દ્વેષ ના કરીશ એવું કહેવા માંગે છે, બાકી જોડાની આશા રાખ્યા વગર મોચીને ત્યાં કોણ જાય ? મોચીને ત્યાં જવું, પણ સારું કે ખોટું, પ્રિય કે અપ્રિયની આશા ના રાખીશ. એટલે પ્રિય કે અપ્રિયની આશા ના રાખવી તે નિષ્કામ કર્મ.

પરમ પૂજ્ય દાદાશ્રી સાથે નિષ્કામ કર્મ વિશે પ્રશ્નોત્તરી સત્સંગમાં નિષ્કામ કર્મની વિગતવાર છણાવટ થઈ છે. “નિષ્કામી કઈ રીતે થવાય?” એ પ્રશ્નના જવાબમાં પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “પરિણામનો વિચાર કર્યા વિના કામ કર્યે જા. સાહેબ મને વઢશે, ટૈડકાવશે, એવો વિચાર કર્યા વિના કામ કર્યે જા. પરીક્ષા આપવાનો વિચાર કર્યો હોય તો પછી 'પાસ થવાશે કે નહીં, થવાશે કે નહીં' એવા વિચાર કર્યા વિના પરીક્ષા આપ્યે જા.

પરમ પૂજ્ય દાદાશ્રી બીજો દાખલો આપતા કહે છે કે, નિષ્કામ કર્મ કોને કહેવાય? ઉદાહરણ તરીકે આપણને દર મહિને ઘરમાંથી, જમીનમાંથી અને ધંધામાંથી આવક આવતી હોય. હવે ધારો કે, આપણે એવું ધારીને બેસીએ કે દર મહિને વીસ-પચ્ચીસ હજાર મળશે અને પછી સંજોગ બદલાતાં પાંચ હજાર જ મળે, તો ત્યારે આપણને વીસ હજારની ખોટ ગઈ હોય એવું લાગે. પણ જો ધારણા જ ના બાંધી હોય તો? નિષ્કામ કર્મ એટલે એના આગળના પરિણામ ધાર્યા વગર કામ કર્યે જવું.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “કૃષ્ણ ભગવાને બહુ સુંદર વસ્તુ આપી છે, પણ કોઈથી એ બની શકે નહીં ને? માણસનું ગજું નહીં ને! આ નિષ્કામ કર્મને યથાર્થ સમજવું મુશ્કેલ છે. તેથી તો કૃષ્ણ ભગવાને કહેલું કે મારી ગીતાનો સૂક્ષ્મતમ અર્થ સમજનારો કોઈક એકાદ જ હશે!

×
Share on