Related Questions

સ્વધર્મ અને પરધર્મ કોને કહેવાય?

કયા ધર્મને શરણે જવું?

પ્રશ્નકર્તા: બધા ધર્મો કહે છે, 'મારા શરણે આવ', તો જીવે કોના શરણે જવું?

દાદાશ્રી: બધા ધર્મોમાં તત્ત્વ શું છે? ત્યારે કહે કે, 'પોતે શુદ્ધાત્મા છે' એ જાણવું. શુદ્ધાત્મા એ જ કૃષ્ણ છે, શુદ્ધાત્મા એ જ મહાવીર છે, શુધ્ધાત્મા એ જ ભગવાન છે. 'બધા ધર્મો છોડી દે અને મારે શરણે આવ' એમ કહે છે. એટલે એ કહેવા માગે છે કે, 'તું આ દેહધર્મ છોડી દે, મનોધર્મ છોડી દે, ઈન્દ્રિય ધર્મો બધા છોડી દે અને પોતાના સ્વાભાવિક ધર્મમાં આવી જા, આત્મધર્મમાં આવી જા.' આને હવે લોક ઊંધું સમજ્યા. મારે શરણે એટલે કૃષ્ણ ભગવાનને શરણે એમ સમજ્યા. અને કૃષ્ણ કોને સમજે છે? મુરલીવાળાને! આ ચોપડવાની (દવા) પી ગયા, એમાં ડૉક્ટરનો શો દોષ? એવું આ પી ગયા અને તેથી ભટકે છે!

Reference: દાદાવાણી Dec 2002 (Page #26 - Paragraph #5 to #7)

યોગેશ્વર શ્રીકૃષ્ણ

પ્રશ્નકર્તા: સ્વધર્મ એટલે શું? આપણા વૈષ્ણવમાં કહે છે ને કે સ્વધર્મમાં રહો ને પરધર્મમાં ના જશો!

દાદાશ્રી: આપણા લોકો સ્વધર્મ એ શબ્દ જ સમજ્યા નથી! વૈષ્ણવ ધર્મ એ સ્વધર્મ અને શૈવ કે જૈન કે ઈતર બીજા ધર્મ તે પરધર્મ, એમ સમજી બેઠા છે. કૃષ્ણ ભગવાને કહ્યું કે, 'પરધર્મ ભયાવહ', એટલે લોક સમજ્યા કે વૈષ્ણવ ધર્મ સિવાય બીજા બધા ધર્મ પાળે તે ભય છે. તેમ દરેક ધર્મવાળા એવું જ કહે છે કે પરધર્મ એટલે બીજા ધર્મમાં ભય છે, પણ કોઈ સ્વધર્મ કે પરધર્મને સમજ્યું જ નથી. પરધર્મ એટલે દેહનો ધર્મ અને સ્વધર્મ એટલે આત્માનો પોતાનો ધર્મ. આ દેહને નવડાવો, ધોવડાવો, અગિયારસ કરાવો એ બધા દેહધર્મ છે, પરધર્મ છે; આમાં આત્માનો એકુય ધર્મ ન હોય, સ્વધર્મ ન હોય. આ આત્મા એ આપણું સ્વરૂપ છે. કૃષ્ણ ભગવાને કહ્યું કે, 'સ્વરૂપનો ધર્મ પાળે તે સ્વધર્મ છે અને આ અગિયારસ કરે કે બીજું કાંઈ કરે તે તો પરાયો ધર્મ છે, એમાં સ્વરૂપ ન હોય.'

'પોતાનો આત્મા એ કૃષ્ણ છે' એમ સમજાય, એની ઓળખાણ થાય તો જ સ્વધર્મ પળાય. જેને મહીંવાળા કૃષ્ણની ઓળખાણ પડી એ જ સાચો વૈષ્ણવ કહેવાય, આજે તો કોઈ સાચો વૈષ્ણવ થયો નથી! 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ....' એ વ્યાખ્યાના હિસાબે પણ એકુ ય વૈષ્ણવ થયો નથી!

Reference: Book Name: આપ્તવાણી 2 (Entire Page #358)

વસ્તુ સ્વ-ગુણધર્મમાં પરિણામ પામે તે ધર્મ.’ - દાદાશ્રી

સાયન્ટિફિક રીતે જો સમજીએ તો જેમ સોનું સોનાના ગુણધર્મમાં હોય તો જ તે સોનું કહેવાય, પિત્તળને બફિંગ કરીને મૂકીએ તો તે ક્યારેય પણ સોનું ન થઈ શકે. તેમ વસ્તુ જ્યારે પોતાના સ્વ-ગુણધર્મમાં, સ્વ-સ્વભાવમાં પરિણામ પામે ત્યારે તે વસ્તુ તેના ગુણધર્મમાં છે, વસ્તુ પોતાના ધર્મમાં છે તેમ કહી શકાય અને વસ્તુ તેના ગુણધર્મથી ક્યારેય ભિન્ન હોઈ ના શકે. આત્મા જ્યારે પોતાના ગુણધર્મમાં જ રહે, પોતાના સ્વભાવમાં આવી જઈને સ્વ-સ્વભાવમાં જ સ્થિત થાય ત્યારે આત્મા આત્મધર્મમાં છે તેમ કહી શકાય. આને જ સર્વજ્ઞ ભગવાને સ્વધર્મ, આત્મધર્મ, રીયલ ધર્મ કહ્યો છે.

Reference: Book Name: આપ્તવાણી 2 - ઉપોદઘાત (Page #8 - Paragraph #8, Page #9 - Paragraph #1)

 

Related Questions
  1. ભગવદ્ ગીતાનું રહસ્ય શું છે? ભગવદ્ ગીતાનો સાર શું છે?
  2. વિરાટ કૃષ્ણ દર્શન કે વિશ્વ દર્શન સમયે, અર્જુનને શું અનુભવ થયો હતો? અને વિરાટ સ્વરૂપ એ શું છે?
  3. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને નિષ્કામ કર્મનો અર્થ શું સમજાવ્યો છે?
  4. બ્રહ્મસંબંધ અને અગિયારસનો ખરો મતલબ શું છે? સાચી ભક્તિની વ્યાખ્યા શું છે?
  5. ભગવદ્ ગીતા પ્રમાણે સ્થિતપ્રજ્ઞ એટલે શું?
  6. શ્રીકૃષ્ણ ભગવાનના કહેવા મુજબ પ્રકૃતિના ત્રણ ગુણો એ શું છે? ભગવાન કૃષ્ણ સાથે અભેદ થવા શા માટે અને કેવી રીતે ચાર વેદોથી ઉપર જવાનું છે?
  7. ૐ નમો ભગવતે વાસુદેવાયનો અર્થ શું છે? વાસુદેવના ગુણો શું હોય? ભગવાન કૃષ્ણને શા માટે વાસુદેવ કહેવાય છે?
  8. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઊંચકવાની વાત સત્ય કે દંતકથા?
  9. ઠાકોરજીની પૂજા (ભક્તિ) કેવી રીતે કરવી?
  10. પુષ્ટિ માર્ગનો હેતુ શું હતો? શ્રીકૃષ્ણ ભગવાન શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?
  11. કૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કોણ છે? ખરા કૃષ્ણ કે યોગેશ્વર કૃષ્ણ કોણ છે?
  12. ભગવદ્ ગીતા પ્રમાણે જગત કોણ ચલાવે છે?
  13. સ્વધર્મ અને પરધર્મ કોને કહેવાય?
  14. ભગવદ્ ગીતાનો સાર શું છે?
  15. ભગવાન કૃષ્ણ વિશેની હકીકત અને દંતકથાઓ.
×
Share on