Related Questions

ત્રિગુણાત્મક પ્રકૃતિ વિશે ભગવદ્ ગીતામાં શું કહ્યું છે?

ત્રૈગુણ્યવિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન ।
નિર્દ્વંદ્વો નિત્યસત્ત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન્ ॥ ૪૫॥

બીજા અધ્યાયના આ શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે, વેદોમાં પ્રકૃતિના ત્રણ ગુણોનું વર્ણન થયું છે. હે અર્જુન! તું ત્રિગુણાત્મકથી પર થા. જે નિર્દ્વંદ્વ છે, શુદ્ધ સત્ત્વમાં સદાય સ્થિર છે, યોગક્ષેમ (અપ્રાપ્યને પ્રાપ્ત કરવા અને પ્રાપ્તનું રક્ષણ કરવાના પ્રયત્નો)થી પર છે, એવા આત્મામાં સ્થિર થા.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “’ત્રૈગુણ્ય વિષયો વેદો નિસ્ત્રૈય ગુણ્યો ભવાર્જુન’” આ ગજબનું વાક્ય શ્રીકૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કહી નાખ્યું છે. તેઓ પોતે તીર્થંકર પ્રભુ શ્રી નેમિનાથને મળ્યા પહેલાં વેદાંતના અભ્યાસી હતા. વેદોનું તારણ કાઢીને આગળનો માર્ગ દર્શાવતા તેમણે અર્જુનને કહ્યું છે કે, “વેદો આ ત્રણ ગુણને ધરાવનાર છે, માટે તું એમનાથી પાર નીકળીશ તો જ તારું કામ થશે. આ ત્રણ ગુણો પાછાં દ્વંદ્વ છે, માટે તું ત્રિગુણાત્મકથી પર થા અને આત્મા સમજ!”

શ્રીકૃષ્ણએ અર્જુનને સમજાવ્યું કે વેદો ત્રણ ગુણને જ પ્રકાશ કરે છે. સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ ત્રણે ગુણોના રૂપક તરીકે ત્રણ અધિષ્ઠાતા દેવોને મૂક્યા છે - બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. જેઓ કોઈ વ્યક્તિ નથી પણ ગુણોના રૂપક તરીકે તેમને મૂક્યા છે, જેથી ગુણોની ગુહ્ય વાત ન સમજી શકે તેવા ભક્તો આ રૂપકની ભજના કરી શકે. આપણે જેમને ભજીએ તેમના ગુણ આપણને પ્રાપ્ત થાય. તમોગુણવાળા મહાદેવને ભજે, સત્ત્વગુણવાળા બ્રહ્માને ભજે અને રજોગુણવાળા વિષ્ણુને ભજે.

શ્રીકૃષ્ણ ભગવાને આ ત્રણ ગુણોની લાક્ષણિકતા પણ દર્શાવી છે.

સત્ત્વં(મ્) સુખે સઞ્જયતિ, રજઃ(ખ્) કર્મણિ ભારત।
જ્ઞાનમાવૃત્ય તુ તમઃ(ફ્), પ્રમાદે સઞ્જયત્યુત॥૧૪.૯॥

હે ભારત! સત્ત્વગુણ સુખોમાં બાંધી રાખે છે. રજોગુણ કર્મમાં બાંધી રાખે છે. પણ તમોગુણ તો જ્ઞાન ઉપર આવરણ લાવીને ખરેખર પ્રમાદમાં બાંધી રાખે છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન આ ત્રણે પ્રકૃતિના ગુણ ધરાવતા મનુષ્યોનું વર્ણન અહીં કરે છે.

દાદાશ્રી: સત્ત્વગુણ કોને કહેવાય? સાધુ-સંતો જે ભગવાનને માર્ગે વળ્યા હોય, એ બધા સત્ત્વગુણમાં. અને રજોગુણી કોને કહેવાય? આખો દહાડો એક દસ મિનિટ બેસવું હોય, બેસાડવો હોયને તો એને વીંછી કરડે એવું લાગે. આખો દહાડો કામ કર કર કર્યા કરે. એ રજોગુણી એ જોયેલા તમે? આખો દહાડો કામ કર્યા કરે, બે કલાક એને બેસવાનું હોય તો એનાથી બેસાય નહીં એ બધા રજોગુણી કહેવાય. અને આખો દહાડો વાસનામાં પડી રહે, કામ કરે નહીં, એ બધા તમોગુણી.

સત્ત્વગુણ ધરાવનારા મનુષ્યો ચોખ્ખા હોય, શાંત હોય, કોઈને દુઃખદાયી ન હોય અને પરોપકારી સ્વભાવના હોય. રજોગુણ કર્મમાં આસક્તિ વધારે છે, કર્મ કરવાની પ્રવૃત્તિ વધારે છે. આવી વ્યક્તિઓ પોતે પણ નવરા બેસી ન શકે અને અન્યને પણ નવરા બેસવા ન દે. તમ એટલે કે અંધકાર. જેમ અંધકાર પ્રકાશને ઢાંકી દે છે, તેમ તમોગુણ વધી જાય તો જ્ઞાન ઉપર આવરણ લાવે છે. તામસી ગુણ વધારે હોય તેમનો સ્વભાવ ક્રોધી હોય.

છેવટે વેદ પણ એમ કહે છે કે “આ ત્રણ ગુણોથી મુક્ત થઈ તું પુરુષ થા.” કારણ કે, પોતે આત્મારૂપે આ ત્રણે ગુણોથી છૂટો છે. કરે છે પ્રકૃતિ, પણ અજ્ઞાનથી પોતે માની લે છે કે મેં કર્યું અને તેનાથી બંધન થાય છે.

જેમ દોરી વીંટેલો ભમરડો ઉકલે એમાં ભમરડાનો કોઈ પુરુષાર્થ નથી, તેમ પ્રકૃતિ નાચ કરાવે છે, તેમાં પોતે માને કે “હું નાચ્યો!” તો એમાં પોતાનો શો પુરુષાર્થ? લાખો રૂપિયા કમાય તો કહે “હું કમાયો” ને પછી ખોટ જાય તો કહે “ભગવાને ખોટ આપી!” આમ સાચી સમજણ નહીં હોવાથી આવા વિરોધાભાસમાં જીવન જીવાય છે.

પરમ પૂજ્ય દાદાશ્રી, અત્યંત સરળ ભાષામાં હળવી રમૂજ સાથે પ્રાકૃત ગુણોમાં પોતે કઈ રીતે ભળી જાય છે તેનું સુંદર વર્ણન અહીં આપે છે.

દાદાશ્રી: આ તો પ્રકૃતિ પરાણે કરાવે છે ને કહે છે કે હું કરું છું. દાન આપવું, જપ-તપ, ધર્મધ્યાન, દયા, અહિંસા, સત્ય એ બધા જ પ્રાકૃત ગુણો છે. સુટેવો ને કુટેવો એય પ્રાકૃત ગુણો છે. પ્રાકૃત ગમે તેવું રૂપાળું હોય પણ ક્યારે વેહ (વેશ) કાઢે કે ફજેત કરે તે કહેવાય નહીં. એક રાજા હોય, બહુ દાનેશ્વરી ને ધર્મનિષ્ઠ હોય પણ જંગલમાં ભૂલો પડ્યો હોય ને ચાર દિવસ ખાવાનું ના મળ્યું હોય તો જંગલમાં ભીલને ત્યાં ભીખ માગીને ખાતાં તેને શરમ આવે? ના આવે. ત્યારે ત્યાં તેનું દાનવીરપણું ક્યાં ગયું? ત્યાં રાજાપણું ક્યાં ગયું? અલ્યા! મહીંથી પ્રકૃતિ બૂમ પાડી માગે છે, તે સંયોગોના સપાટામાં આવ્યો છે, તે વખતે રાજા પણ ભિખારી બની જાય તો પછી બીજાનું ગજું જ શું? આ તો પ્રકૃતિ દાન અપાવે છે ને પ્રકૃતિ ભીખ મંગાવે છે, તેમાં તારું શું? એક ચોર વીસ રૂપિયાની ચોરી કરે છે ને હોટલમાં નાસ્તાપાણી કરી મજા લૂંટે છે ને જતાં જતાં દસની નોટ પતિયાને આપી દે છે એ શું? આ તો પ્રકૃતિની માયા છે! કળાય તેમ નથી!

કોઈ કહેશે કે આજે મેં ચાર સામાયિક કર્યાં ને પ્રતિક્રમણ કર્યાં ને બે કલાક શાસ્ત્રો વાંચ્યાં. તેય મૂઆ પ્રકૃતિ કરાવે છે ને તું કહે છે કે ‘મેં કર્યું.’ જો તું જ સામાયિકનો કર્તા હોઉં તો બીજે દહાડે પણ કરને! ત્યારે બીજે દહાડે કહે કે, આજે તો ‘મારાથી નથી થતું’ એમ બોલે છે અને કાલે ‘મેં કર્યું’ એમ બોલેલો તે કેટલો મોટો વિરોધાભાસ! જો કરનારો તું જ હોઉં તો ક્યારેય ‘નથી થતું’ એમ બોલાય જ નહીં. નથી થતું એનો અર્થ જ એ કે તું કરનારો નથી. આખું જગત આવી ઊંધી સમજણથી અટક્યું છે. ત્યાગ કરે છે તેય પ્રકૃતિ કરાવે છે ને ગ્રહણ કરે છે તેય પ્રકૃતિ કરાવે છે. આ બ્રહ્મચર્ય પણ પ્રકૃતિ પરાણે પળાવે છે, છતાં કહે છે કે હું બ્રહ્મચર્ય પાળું છું. કેટલો મોટો વિરોધાભાસ!

આ રાગ-દ્વેષ, દયા-નિર્દયતા, લોભી-ઉદાર, સત્ય-અસત્ય આ બધા દ્વંદ્વ ગુણો છે. તે પ્રકૃતિના ગુણો છે ને પોતે દ્વંદ્વાતીત છે.

Related Questions
  1. ભગવદ્ ગીતાનો સાર શું છે?
  2. સંન્યાસ અને નિષ્કામ કર્મ એટલે શું?
  3. સ્થિતપ્રજ્ઞ એટલે શું?
  4. અનાસક્ત યોગ કઈ રીતે સાધી શકાય?
  5. પરધર્મ ભયાવહ એટલે શું?
  6. બ્રહ્મસંબંધ કોને કહેવાય?
  7. ત્રિગુણાત્મક પ્રકૃતિ વિશે ભગવદ્ ગીતામાં શું કહ્યું છે?
  8. ગીતામાં કયા ચાર પ્રકારના ભક્તોની વાત કરી છે?
  9. અર્જુને વિરાટદર્શનમાં શું જોયું હતું?
  10. ભગવદ્ ગીતા મુજબ જગત કોણ ચલાવે છે?
  11. ૐ નમો ભગવતે વાસુદેવાયનો અર્થ શું છે? વાસુદેવના ગુણો શું હોય? ભગવાન કૃષ્ણને શા માટે વાસુદેવ કહેવાય છે?
  12. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઊંચકવાની વાત સત્ય કે દંતકથા?
  13. ઠાકોરજીની પૂજા (ભક્તિ) કેવી રીતે કરવી?
  14. પુષ્ટિ માર્ગનો હેતુ શું હતો? શ્રીકૃષ્ણ ભગવાન શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?
  15. કૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કોણ છે? ખરા કૃષ્ણ કે યોગેશ્વર કૃષ્ણ કોણ છે?
  16. ભગવાન કૃષ્ણ વિશેની હકીકત અને દંતકથાઓ.
×
Share on