Related Questions

ગીતામાં કયા ચાર પ્રકારના ભક્તોની વાત કરી છે?

ભગવદ્ ગીતામાં ભગવાન સાથે અનુસંધાન કરવાના અને પૂર્ણદશાએ પહોંચવાના વિભિન્ન માર્ગ દર્શાવ્યા છે, જેમ કે, જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ.

તેમાં ભક્તિમાર્ગ ઉપર પ્રકાશ પાડતા શ્રીકૃષ્ણ ભગવાન ગીતાના સાતમા અધ્યાયમાં ભક્તોના પ્રકાર દર્શાવે છે.

ચતુર્વિધા ભજન્તે માં જનાઃ સુકૃતિનોઽર્જુન ।
આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ ॥ ૧૬॥

અર્થાત્ ચાર પ્રકારના ભક્તો મારી ભક્તિમાં લીન થાય છે. એક જે આર્તભક્ત એટલે કે દુઃખી છે. બીજા પ્રકારનો ભક્ત જે અર્થાર્થી એટલે કે સંસારિક લાભની ઈચ્છા ધરાવે છે. ત્રીજા પ્રકારનો ભક્ત જે જિજ્ઞાસુ છે. જ્યારે ચોથા પ્રકારનો ભક્ત જ્ઞાનભક્ત છે.

વાસ્તવમાં પાંચ ઇન્દ્રિયોથી ઈશ્વરપ્રાપ્તિ માટે જે કંઈ પણ થાય તે ભક્તિ છે. ભક્તિથી ભગવાન જોડે અનુસંધાન સધાય છે અને તેના થકી ધર્મ માર્ગે પ્રગતિનાં પગરણ મંડાય છે.

આ પ્રકારોમાં પહેલા પ્રકારના ભક્ત છે આર્તભક્ત. એવા ભક્તો જેઓ સંસારના અનુભવોથી દુઃખી થયા છે, બીજે ક્યાંય સુખી થવાનો રસ્તો નથી મળતો એટલે છેવટે તેઓ ભગવાન પાસે પોતાનું દુઃખ દૂર કરવાની માંગણી કરે છે. જો કે, આ ભક્તો દુઃખ પડે ત્યારે જ ભગવાનને યાદ કરે છે અને સુખ આવે ત્યારે ભૂલી જાય છે. દાખલા તરીકે, પગમાં દુઃખતું હોય તો આર્તભક્ત ભગવાનને પ્રાર્થના કરે કે, “હે ભગવાન! મારા પર દયા કરો, મારું દુઃખ દૂર કરો, દયા કરો!” જો કોઈ ભક્તનો યુવાન દીકરો ખૂબ બીમાર હોય અને અનેક પ્રયત્નો છતાં સાજો ન થાય તો તે ભગવાનને પ્રાર્થના કરે કે, “હે ભગવાન! મારો દીકરો સાજો થઈ જાય તો પંદર પૂનમ ભરીશ.” એટલે ભગવાન પણ સમજે કે આ દુઃખના માર્યા મને યાદ કરે છે. આવા દુઃખના માર્યા ભગવાનને યાદ કરે એવા આર્તભક્તો ઠેર ઠેર જોવા મળે છે.

બીજા છે અર્થાર્થી ભક્ત, જે અર્થ એટલે કે, કોઈ સંસારિક લાભ મેળવવા અર્થે ભગવાનને ભજે છે. જેમ કે, બાળક ના થતું હોય એવું દંપતી દીકરાની આશામાં પ્રાર્થના કરે કે, “ભગવાન, મારે ત્યાં છોકરો આવશે તો હું આટલા નાળિયેર ચડાવીશ.” અથવા ધંધો ચલાવવાની ઈચ્છાથી બાધા લે કે, “માતાજી મારો ધંધો સારો ચાલશે તો હું ચુંદડી ચડાવીશ." એ બધા અર્થાર્થી ભક્ત કહેવાય. કોઈ પણ ભગવાન કે દેવ-દેવીમાં શ્રદ્ધા રાખીને બાધા-આખડી લેવી એ પોતપોતાની શ્રદ્ધાનો વિષય છે. પણ ફક્ત સ્વાર્થના હેતુથી જ ભગવાનને યાદ કરવા અને હેતુ પૂરો થાય પછી ભગવાનને ભૂલી જવું એ અર્થાર્થી ભક્તના લક્ષણો છે.

ત્રીજા છે જિજ્ઞાસુ ભક્ત. આ ભક્તોને ભગવાનના દર્શનની તાલાવેલી લાગે છે. તેમને કંઈક સાચું જાણવાની કામના હોય છે. સંસારના દુઃખથી કે મોહથી પ્રેરાઈને નહીં પણ ભગવાનની પ્રાપ્તિની જીજ્ઞાસાથી તેઓ ભક્તિ કરતા હોય છે. ભગવાન શું હશે? કેવા હશે? ક્યાં રહેતા હશે? શું કરતા હશે? શું નહીં કરતા હોય? એવા પ્રશ્નો તેમને સતત ઊભા થાય છે. જે ભગવાનને પોતે સમર્પણ કરે છે, તેમને પૂરેપૂરા ઓળખવાની જિજ્ઞાસાથી આ ભક્તો ભગવાનની શોધમાં હોય છે. આગળ વધીને જેમને સંસારી ચીજ વસ્તુઓનો મોહ સંપૂર્ણ છૂટી ગયો હોય અને કેવળ આત્માને જ જાણવાની જ કામના બાકી રહે છે, તે તીવ્ર મુમુક્ષુતા કહેવાય છે.

પછી ચોથા પ્રકારના ભક્ત એ જ્ઞાનીભક્ત કહેવાય છે. તેમને પોતાની અંદર બિરાજેલા ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો હોય અને પછી તેઓ નિરંતર આત્મસ્વરૂપમાં જ રહેતા હોય. ત્યાં ભગવાન અને ભક્તમાં ફેર ના હોય. કારણ કે પરમાત્મા એ પોતાનું જ સ્વરૂપ છે, પણ તેનું ભાન નથી ત્યાં સુધી ભક્ત અને ભગવાન જુદા જુદા છે. પોતે પોતાનું સ્વરૂપ પામી લે તો તે જ પરમાત્મા છે. શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે જ્ઞાનીમાં અને મારામાં કોઈ ફેર નથી.

જ્ઞાન એટલે પોતે પોતાના આત્માનો સાક્ષાત્કાર કરાવે તેવું આત્મજ્ઞાન. જ્ઞાન થયા પછી પોતાની અંદર બિરાજેલા પરમાત્માની ભજના કરીએ એ પ્રત્યક્ષ ભક્તિ છે. પ્રત્યક્ષ ભક્તિ એટલે કે જ્યાં ભગવાન પ્રગટ થયા છે, તેમની ભક્તિ. મોક્ષ પ્રાપ્તિ માટે પ્રગટની ભક્તિ અનિવાર્ય છે. પ્રત્યક્ષ ભક્તિ માટે પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ થવી જરૂરી છે.

જ્યારે ભગવાનની મૂર્તિને સ્થાપિત કરીને જે ભક્તિ કરીએ એ પરોક્ષ ભક્તિ છે. પરોક્ષ ભક્તિથી ધીમે ધીમે ઊર્ધ્વીકરણ થયા કરે. જ્યાં સુધી પોતાની અંદર બિરાજેલા પરમાત્માના દર્શન થતાં નથી, ત્યાં સુધી મૂર્તિ થકી પરોક્ષ ભક્તિ કરવાથી છેવટે તે પ્રત્યક્ષ તરફ લઈ જાય છે. પરોક્ષ ભક્તિમાર્ગમાં ભક્ત ભગવાનને ભજે છે, એટલે ભક્ત અને ભગવાન જુદા અસ્તિત્વ છે. જ્યારે “હું પોતે જ પરમાત્મા છું” એવું જ્યાં ભાન થયું ત્યાં જ્ઞાનમાર્ગ છે!

ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, આ ચાર પ્રકારના ભક્તોમાં જ્ઞાનભક્ત મને સૌથી વધુ પ્રિય છે. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, જ્ઞાની ભક્ત સૌથી ઊંચા હોય. એ સિવાયના બાકીના ત્રણ ભક્તોમાં જિજ્ઞાસુ ભક્ત કામ કાઢી લે છે. આપણે પણ જિજ્ઞાસુ ભક્તની જેમ ભગવાન પાસે બીજા કોઈ સંસારિક લાભને બદલે, પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ થાય તેવું માંગવું જોઈએ.

×
Share on